આખું જીવન હરિમય થઈ શકે (46)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

20. આપણું રોજનું ઘડીઘડીનું જીવન સાદું દેખાય છે ખરૂં, પણ તે સાદું નથી. તેમાં ઊંડો અર્થ સમાયેલો છે. આખુંયે જીવન એક મહાન યજ્ઞકર્મ છે. તમારી જે ઊંઘ તે પણ એક સમાધિ છે. સર્વ ભોગ ઈશ્વરને અર્પણ કર્યા પછી જે નિદ્રા આપણે લઈએ તે સમાધિ નથી તો બીજું શું છે ? આપણામાં સ્નાન કરતી વખતે પુરૂષસૂક્ત બોલવાનો રિવાજ છે. આ પુરૂષસૂક્તનો સ્નાનની ક્રિયાની સાથે શો સંબંધ છે ? સંબંધ જોશો તો દેખાશે. જેના હજાર હાથ છે, જેની હજાર આંખો છે એવા એ વિરાટ પુરૂષનો મારા નાહવાની સાથે સંબંધ શો ? સંબંધ એ કે તું જે કળશિયો પાણી તારા માથા પર રેડે છે તેમાં હજારો ટીપાં છે. તે ટીપાં તારું માથું ધુએ છે, તને નિષ્પાપ કરે છે. તારા માથા પર ઈશ્વરનો એ આશીર્વાદ ઊતરે છે. પરમેશ્વરના સહસ્ત્ર હાથમાંની સહસ્રધારા જાણે કે તારા પર વરસે છે. પાણીનાં બિંદુને રૂપે ખુદ પરમેશ્વર જાણે કે તારા માથામાંનો મળ દૂર કરે છે. આવી દિવ્ય ભાવના એ સ્નાનમાં રેડો. પછી તે સ્નાન જુદું જ થઈ રહેશે. તે સ્નાનમાં અનંત શક્તિ આવશે.

21. કોઈ પણ કર્મ તે પમેશ્વરનું છે એ ભાવનાથી કરવાથી સાદું સરખું હોય તો પણ પવિત્ર બને છે. આ અનુભવની વાત છે. આપણે ઘેર આવનારો પરમેશ્વર છે એવી ભાવના એક વાર કરી તો જુઓ. સામાન્ય રીતે એકાદ મોટો માણસ ઘેર આવે છે તોયે આપણે કેટલી સાફસૂફી કરીએ છીએ અને કેવી રૂડી રસોઈ બનાવીએ છીએ ? તો પછી આવનારો પરમેશ્વર છે એવી ભાવના કરશો તો બધી ક્રિયાઓમાં કેટલો બધો ફરક પડશે વારૂ ? કબીર કાપડ વણતા. તેમાં તે તલ્લીન થઈ જતા. झीनी झीनी झीनी झीनी बिनी चदरिया એવું ભજન ગાતા ગાતા તે ડોલતા. પરમેશ્વરને ઓઢાડવાને માટે જાણે કે પોતે ચાદર વણે છે. ઋગ્વેદનો ઋષિ કહે છે,

वस्त्रेव भद्रासुकृता

આ મારા સ્તોત્રથી, સુંદર હાથે વણાયેલા વસ્ત્રની માફક હું ઈશ્વરને શણગારૂં છું. કવિ સ્તોત્ર રચે તે ઈશ્વરને સારૂ અને વણકર વસ્ત્ર વણે તે પણ ઈશ્વરને સારૂ. કેવી હ્રદયંગમ કલ્પના છે ! કેટલો હ્રદયને વિશુદ્ધ કરનારો, હ્રદયને ભાવથી ભરી દેનારો વિચાર છે ! આ ભાવના એક વાર જીવનમાં કેળવાય પછી જીવન કેટલું બધું નિર્મળ થઈ જાય ! અંધારામાં વીજળી ચમકતાંની સાથે તે અંધારાનો એક ક્ષણમાં પ્રકાશ બને છે કે ? ના. એક ક્ષણમાં બધું અંતર્બાહ્ય પરિવર્તન થઈ જાય છે. એ જ પ્રમાણે દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભૂત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જીવનમાં ઉત્સાહનો સંચાર થશે. આજે આપણા જીવનમાં ઉત્સાહ ક્યાં છે ? આપણે મરવાને વાંકે જીવીએ છીએ. ઉત્સાહનો બધે દુકાળ છે. આપણું જીવવું રોતલ, કળાહીન થઈ ગયું છે. પણ બધી ક્રિયાઓ ઈશ્વરની સાથે જોડવાની છે એવો ભાવ મનમાં કેળવો, તમારૂં જીવવું પછી રમણીય અને વંદ્ય થઈ જશે.

22. પરમેશ્વરના એક નામથી જ એકદમ પરિવર્તન થાય છે એ બાબતમાં શંકા ન રાખશો. રામ કહેવાથી શું વળશે એમ કહેશો મા. એક વાર બોલી જુઓ. કલ્પના કરો કે સાંજે કામથી પરવારીને ખેડૂત ઘેર પાછો ફરે છે. રસ્તામાં તેને કોઈ વટેમાર્ગુ મળે છે. ખેડૂત વટેમાર્ગુને કહે છે,

चाल घरा उभा राहें नारायणा

‘ અરે વટેમાર્ગુ ભાઈ, અરે નારાયણ, થોભ, હવે રાત પડવા આવી છે. હે ઈશ્વર, મારે ઘેર ચાલ. ’ એ ખેડૂતના મોંમાંથી આ શબ્દો એક વાર નીકળવા દો તો ખરા. પછી તમારા એ વટેમાર્ગુનું સ્વરૂપ પલટાઈ જાય છે કે નહીં તે જુઓ. તે વટેમાર્ગુ વાટમારૂ હશે તોયે પવિત્ર બનશે. આ ફરક ભાવનાથી પડે છે. જે કંઈ છે તે બધું ભાવનામાં ભરેલું છે. જીવન ભાવનામય છે. વીસ વરસનો એક પારકો છોકરો પોતાને ઘેર આવે છે. તેને બાપ કન્યા આપે છે. તે છોકરો વીસ વરસનો હશે તોયે પચાસ વરસની ઉંમરનો તે દીકરીનો બાપ તેને પગે પડે છે. આ શું છે ? કન્યા અર્પણ કરવાનું એ કાર્ય મૂળમાં જ કેટલું પવિત્ર છે ! તે જેને આપવાની છે તે ઈશ્વર જ લાગે છે. જમાઈની બાબતમાં, વરરાજાની બાબતમાં આ જે ભાવના છે, તે જ વધારે ઊંચી લઈ જાઓ, વધારો.

23. કોઈ કહેશે, આવી આવી ખોટી કલ્પના કરવાનો શો અર્થ ? ખોટીખરી પહેલાં બોલશો નહીં. પહેલાં અભ્યાસ કરો, અનુભવ કરો, અનુભવ લો. પછી ખરૂં ખોટું જણાશે. પેલો વરદેવ પરમાત્મા છે એવી ખાલી શાબ્દિક નહીં પણ સાચી ભાવના તે કન્યાદાનમાં હોય તો પછી કેવો ફેર પડે છે તે દેખાઈ આવશે. આ પવિત્ર ભાવનાથી વસ્તુનું પહેલાંનું રૂપ અને પછીનું રૂપ એ બંને વચ્ચે જમીનઆસમાનનો ફેર પડી જશે. કુપાત્ર સુપાત્ર થશે. દુષ્ટ સુષ્ટ થશે. વાલિયા ભીલનું એવું જ નહોતું થયું ? વીણા પર આંગળી ફરે છે, મોઢે નારાયણ નામ ચાલે છે, અને મારવાને ધસી જાઉં છું તોયે એની શાંતિ ડગતી નથી. ઊલટું પ્રેમભરી આંખોથી જુએ છે. આવો દેખાવ વાલિયાએ પહેલાં કદી જોયો નહોતો. પોતાની કુહાડી જોઈને નાસી જનારાં, અથવા સામો હુમલો કરનારાં એવાં બે જ પ્રકારનાં પ્રાણી વાલિયા ભીલે તે ક્ષણ સુધીમાં જોયાં હતાં. પણ નારદે ન તો સામો હુમલો કર્યો, ન તો તે નાઠા. તે શાંત ઊભા રહ્યા. વાલિયાની કુહાડી અટકી ગઈ. નારદની ભમર સરખી હાલી નહીં. આંખ મીંચાઈ નહીં. મધુરૂં ભજન ચાલ્યા કરતું હતું. નારદે વાલિયાને કહ્યું, ‘ કુહાડી કેમ અટકી પડી ? ’ વાલિયાએ કહ્યું, ‘ તમને શાંત જોઈને. ’ નારદે વાલિયાનું રૂપાંતર કરી નાખ્યું. એ રૂપાંતર ખરૂં કે ખોટું?

24. ખરેખર કોઈ દુષ્ટ છે કે કેમ તેનો નિર્ણય કોણ કરશે ? ખરેખરો દુષ્ટ સામો ઊભો રહ્યો હોય તો પણ તે પરમાત્મા છે એવી ભાવના રાખો. તે દુષ્ટ હશે તોયે સંત બનશે. તો શું ખોટી ખોટી ભાવના રાખવી ? હું પૂછું છું કે તે દુષ્ટ જ છે એની કોને ખબર છે ? ‘ સજ્જન લોકો જાતે સારા હોય છે એટલે તેમને બધું સારૂં દેખાય છે, પણ વાસ્તવિક તેવું હોતું નથી, ’ એમ કેટલાક કહે છે. ત્યારે શું તને જેવું દેખાય છે તે સાચું માનવું ? સૃષ્ટિનું સમ્યક જ્ઞાન મેળવવાનું સાધન જાણે માત્ર દુષ્ટોના હાથમાં જ છે ! સૃષ્ટિ સારી છે પણ તું દુષ્ટ હોવાથી તને તે દુષ્ટ દેખાય છે એમ કેમ ન કહેવાય ? અરે, આ સૃષ્ટિ તો અરિસો છે. તું જેવો હશે તેવો સામેની સૃષ્ટિમાં તારો ઘાટ ઊઠશે. જેવી આપણી દ્રષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે. ભગવાનને પણ એ જ કહેવું છે,

जें खासी होमिसी देसी जें जें आचरिसी तप ।
जें कांही करिसी कर्म तें करीं मज अर्पण ।।

જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે,
આચરે તપ ને વા જે, કર અર્પણ તે મને.

જે જે કંઈ કરે તે બધુંયે જેવું હોય તેવું ભગવાનને આપી દે.

25. અમારી મા નાનપણમાં એક વાર્તા કહેતી. તે વાર્તા આમ તો ગમ્મતની છે પણ તેમાં રહેલું રહસ્ય બહુ કીમતી છે. એક હતી બાઈ. તેણે નક્કી કર્યું હતું કે જે કંઈ થાય તે કૃષ્ણાર્પણ કરવું. એઠવાડ ઉપર છાણનો ગોળો ફેરવી તે ગોળો બહાર ફેંકી દે ને કૃષ્ણાર્પણ બોલે. તાબડતોબ તે છાણનો ગોળો ત્યાંથી ઊડીને મંદિરમાંની મૂર્તિને મોંએ જઈને ચોંટી જાય. પૂજારી બિચારો મૂર્તિ ઘસીને સાફ કરતો કરતો થાક્યો. પણ કરે શું ? છેવટે તેને ખબર પડી કે આ મહિમા બધો પેલી બાઈનો છે. તે જીવતી હોય ત્યાં સુધી મૂર્તિ સાફ થવાની વાત ખોટી. એક દહાડો બાઈ માંદી પડી. મરણની છેલ્લી ઘડી પાસે આવી. તેણે મરણ પણ કૃષ્ણાર્પણ કર્યું. તે જ ક્ષણે દેવળમાં મૂર્તિના કકડા થઈ ગયા. મૂર્તિ ભાંગીને પડી ગઈ. પછી ઉપરથી બાઈને લઈ જવાને માટે વિમાન આવ્યું. બાઈએ વિમાન પણ કૃષ્ણાર્પણ કર્યું. એટલે વિમાન સીધું મંદિર પર જઈ ધડાકા સાથે અફળાયું ને તેના પણ ફૂરચેફૂરચા ઊડી ગયા. શ્રીકૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી.

26. વાતનો સાર એટલો કે જે જે સારાં – નરસાં કર્મો હાથથી થાય તે તે ઈશ્વરાર્પણ કરવાથી તે કર્મોમાં કંઈક જુદું જ સામર્થ્ય પેદા થાય છે. જુવારનો પીળાશવાળો ને સહેજ રતાશ પડતો દાણો હોય છે, પણ તેને શેકવાથી કેવી મજાની ધાણી ફૂટે છે ! સફેદ, સ્વચ્છ, આઠ ખૂણાળી, ધોબીને ત્યાંથી ગડી વાળીને આણી હોય તેવી દમામદાર ધાણીને પેલા અસલ દાણાની પાસે મૂકી જુઓ વારૂ. કેટલો ફેર ! પણ તે દાણાની જ એ ધાણી છે એમાં કંઈ શંકા છે કે ? આ ફરક એક અગ્નિને લીધે પડયો. તેવી જ રીતે એ કઠણ દાણાને ઘંટીમાં ઓરી દળો એટલે તેનો મજાનો નરમ લોટ થશે. અગ્નિની આંચથી ધાણી બની, ઘંટીના સંપર્કથી નરમ લોટ થયો. એ જ પ્રમાણે આપણી નાની નાની ક્રિયાઓ પર હરિસ્મરણનો સંસ્કાર કરો એટલે તે ક્રિયા અપૂર્વ બની રહેશે. ભાવનાથી ક્રિયાની કિંમત વધે છે. પેલું નકામા જેવું જાસવંતી નું ફૂલ, પેલો બીલીનો પાલો, પેલી તુળસીના છોડની મંજરી, અને પેલી દરોઈ, એ બધાંને નજીવાં માનશો નહીં.

तुका म्हणे चवी आलें । जें का मिश्रित विठ्ठलें

તુકારામ કહે છે કે જે કંઈ વિઠ્ઠલ સાથે ભળ્યું તેમાં સ્વાદ પેઠો જાણવો. દરેક વાતમાં પરમાત્માને ભેળવો અને પછી અનુભવ લો. આ વિઠ્ઠલના જેવો બીજો કોઈ મસાલો છે ખરો કે ? તે દિવ્ય મસાલા કરતાં બીજું વધારે સારૂં શું લાવશો ? ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં નાખ એટલે બધુંયે રૂચિકર અને સુંદર બનશે.

27. રાતે આઠ વાગ્યાના સુમારે દેવળમાં આરતી થાય છે. ચારે કોર સુવાસ ફેલાયેલી છે, ધૂપ બળે છે, દીવા કરેલા છે, અને દેવની આરતી ઉતારાય છે, એ વખતે ખરેખર આપણે પરમાત્માને જોઈએ છીએ એવી ભાવના થાય છે. ભગવાન આખો દહાડો જાગ્યા, હવે સૂવાની તૈયારી કરે છે.

आतां स्वामी, सुखें निद्रा करा गोपाळा

હવે હે સ્વામી, હે ગોપાળ, સુખેથી પોઢી જાઓ એમ ભક્તો કહેવા લાગે છે. શંકા કરનારો જીવ પૂછે છે, ‘ ઈશ્વર ક્યાં ઊંઘે છે ? ’ અરે ભાઈ ! દેવને શું નથી ? મૂરખા ! દેવ ઊંઘતો નથી, જાગતો નથી, તો શું પથરો ઊંઘશે ને જાગશે ? અરે, ઈશ્વર જ જાગે છે, ઈશ્વર જ સૂઈ જાય છે, અને ઈશ્વર જ ખાય છે ને પીએ છે. તુલસીદાસજી સવારના પહોરમાં ઈશ્વરને ઉઠાડે છે, તેને વિનંતી કરે છે,

जागिये रघुनाथ कुंवर पंछी बन बोले

હે રઘુનાથકુંવર ઊઠો, વનમાં પંખીઓ બોલવા લાગ્યાં છે. આપણાં ભાઈબહેનોને, નરનારીઓને, રામચંદ્રની મૂર્તિ કલ્પી તેઓ કહે છે, ‘ મારા રામરાજાઓ, ઊઠો હવે.’ કેટલો સુંદર વિચાર છે ! નહીં તો બોર્ડિંગ હોય ત્યાં છોકરાંઓને ઉઠાડતાં ‘ અલ્યા એઈ, ઊઠે છે કે નહીં ? ’ એમ ધમકાવીને પૂછે છે. પ્રાતઃકાળની મંગળ વેળા, અને તે વખતે આવી કઠોર વાણી શોભે ખરી કે ? વિશ્વામિત્રના આશ્રમમાં રામચંદ્ર પોઢયા છે, અને વિશ્વામિત્ર તેમને જગાડે છે. વાલ્મીકિ રામાયણમાં વર્ણન છે કે,

रामेति मधुरां वाणीं विश्वामित्रोडभ्यभाषत ।
उत्तिष्ठ नरशार्दूल पूर्वा संध्या प्रवर्तते ।।

રામ એવી મીઠી વાણી વિશ્વામિત્ર બોલ્યા અને તેમણે કહ્યું, હે નરશાર્દૂલ ઊઠો, સવાર પડી છે. ‘ રામ બેટા, ઊઠો હવે, ’ એવી મીઠી હાક વિશ્વામિત્ર મારે છે. કેવું મીઠું એ કર્મ છે ! અને બોર્ડિંગમાંનું પેલું ઉઠાડવાનું કેટલું કર્કશ ! પેલા ઊંઘતા છોકરાને લાગે છે કે જાણે સાત જનમનો વેરી ઉઠાડવાને માટે આવ્યો છે ! પહેલાં ધીમેથી સાદ પાડો, પછી જરા મોટેથી પાડો. પણ કર્કશતા, કઠોરતા ન હોવી જોઈએ. એ વખતે ન ઊઠે તો ફરીને દશ મિનિટ પછી જાઓ. આજે નહીં ઊઠે તો કાલે ઊઠશે એવી આશા રાખો. તે ઊઠે તેટલા સારૂ મીઠાં ગીત, પરભાતિયાં, શ્લોક, સ્તોત્ર બોલો. ઉઠાડવાની આ એક સાદી ક્રિયા છે પણ તેને કેટલી બધી કાવ્યમય, સહ્રદય તેમ જ સુંદર કરી શકાય એમ છે ! કેમ જાણે ઈશ્વરને જ ઉઠાડવાનો છે, પરમેશ્વરની મૂર્તિને જ આસ્તેથી જગાડવાની છે ! ઊંઘમાંથી માણસને ઉઠાડવાનું પણ એક શાસ્ત્ર છે.

28. બધા વહેવારોમાં આ કલ્પના દાખલ કરો. કેળવણીના શાસ્ત્રમાં તો આ કલ્પનાની ખૂબ જરૂર છે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. આ દેવોની મારે સેવા કરવાની છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. પછી તે છોકરાને ‘ જા નીકળ અહીંથી, ઘેર જા, ઊભો રહે એક કલાક, હાથ આગળ ધર, આ ખમીસ કેટલું મેલું છે? અને નાકમાં લીટ કેટલું ભર્યું છે ! ’ એવું એવું કરડાકીથી કહેશે નહીં. છોકરાનું નાક તે આસ્તેથી જાતે સાફ કરશે, તેનાં મેલાં કપડાં ધોશે, ફાટેલાં સાંધી આપશે. અને શિક્ષક એ પ્રમાણે કરશે તો તેની કેટલી બધી અસર થશે ? મારવાથી જરા પણ અસર થાય છે ખરી કે ? બાળકોએ પણ આવી જ દિવ્ય ભાવના ગુરૂ તરફ રાખવી જોઈએ. ગુરૂ આ છોકરાંઓ હરિમૂર્તિ છે ને છોકરાંઓ આ અમારા ગુરૂ હરિમૂર્તિ છે, એવી ભાવના એકબીજાને માટે રાખી પોતપોતાનું વર્તન રાખશે તો વિદ્યા તેજસ્વી થશે. છોકરાં પણ ઈશ્વર અને ગુરૂ પણ ઈશ્વર છે. આ ગુરૂ ખુદ શંકરની મૂર્તિ છે, બોધનું અમૃત આપણે તેમની પાસેથી મેળવીએ છીએ, એમની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓની કલ્પના એક વાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ?

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: