શ્રી ભજન રામાયણ

Swami Bhajanprakashanandgiriji maharaj

પુજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ – ભજનના મર્મી, અને ભજન દ્વારા અનેકના જીવનમાં પ્રકાશ પાથરનારા ઉચ્ચ કોટીના સંત હતા. તા.૧૪/૪/૨૦૦૯ ના રોજ તેમનો પાર્થિવ દેહ છોડીને આ ધરાધામમાંથી વિદાય લીધી છે. સમગ્ર રામચરિતમાનસને એક્દમ સરળ ગામડાના લોકો પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ભજન દ્વારા લખીને તેમણે “શ્રી ભજન રામાયણ” ની રચના કરી છે. સહુ રામભક્તો / હરિભક્તોને અત્રે પ્રસ્તુત શ્રી ભજન રામાયણ નું પાન કરવું જરૂર ગમશે.

શ્રી ભજન રામાયણ

 1. બાલ કાંડ

 2. અયોધ્યા કાંડ

 3. અરણ્ય કાંડ

 4. કિષ્કિન્ધા કાંડ

 5. સુંદર કાંડ

 6. લંકા કાંડ

 7. ઉત્તર કાંડ

22 Comments

22 thoughts on “શ્રી ભજન રામાયણ

 1. devrani

  This’ Bhajan Ramayan’ is indeed very good. One should read regularly. The site is also wonderful. Please give us the benefit of such useful articles and feed us with such knowledge.

 2. Ramesh Patel

  I found real satisfaction here because I love Bharatiyata.

  Ramesh Patel(Aakashdeep).

 3. કેવટ પ્રસંગ

  મેંતો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો….

  ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
  નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો…સીતાના સ્વામી…

  મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
  પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો….સીતાના સ્વામી..

  રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
  વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી…

  રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
  જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો…સીતાના સ્વામી…

  શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
  શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી…

  ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
  ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો….સીતાના સ્વામી…

  આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
  પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી…

  જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
  શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી…

  જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
  અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી…

  પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
  ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી…

  પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
  પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી…

  આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
  અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક’દિ ઉતારો…….સીતાના સ્વામી……

  આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
  લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી…

  દીન “કેદાર”નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
  છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી…
  રચયીતા
  કેદારસિંહજી એમ.જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  kedarsinhjim@gmail.com

 4. શબરી

  શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
  ભાવ ધરી ભગવાન પધાર્યા…

  પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
  રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા…

  આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
  શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા…

  આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
  હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા…

  સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
  એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા….

  ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
  દીન “કેદાર” હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં…
  રચયીતા
  કેદારસિંહજી એમ.જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  kedarsinhjim@gmail.com

 5. સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો, એજ પ્રસંગ આજે હું મારા ગ્નાન મુજબ રચાયેલા એક ભજન દ્યારા અહિં રજુ કરૂં છું.ભજનો, ગરબા રચુંછું પણ વ્યાકરણ માં ખાસ આવડત ન હોઇ મારા લખાણો પર ધ્યાન ન આપતાં ફક્ત મારી ભાવના સમજશો એવી આશા રાખુંછું.
  જ્યારે હનુમાનજી માતાજી ને મલ્યા ત્યારે માતજી બધા સમાચાર પુછે છે અને કહેછે-મેં લક્ષમણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યોછે મારો રામ મને કેમ શોધસે,પણ તમે મુદ્રિકા બતવી તેથી એ શંકા ન રહી,મારે હરપલ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોન કરે છે ?

  કહો હનુમંતા

  કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા…

  ભાઇ લક્ષમન કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા…

  મની મુદ્રિકા તુમને ગિરાઇ, નાચા મન મોરા તુટ ગઇ શંકા…

  નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘૂવિર જાપ જપંતા…

  કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા…

  કેદ કિયો હનુમો લૌ લીપતાઇ, “કેદાર” કપિ ના જલીયો જલ ગઇ લંકા..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 6. मिथिला दर्शन

  आये मिथिला नगर के मांही,
  रघूकूल भूषन राम दुलारे, संगहे लक्षमन भाइ….

  आइ सखियां करती बतियां, सपनेहु देखो में नाहीं
  एसो बर जो मिले सीयाको, चण्द्र चन्द्रकोरी मिल जाइ…आये..

  गौर बदन एक श्याम शरीरा, एक चंचल एक धीर गंभीरा
  एक देखुं तो भूलजाउ दुजा, चलत नहीं चतुराइ…आये..

  नर नारी सब निरखन लागे, बर बस शिश जुकाइ
  सूरज चंदा संगमें निकला, पूरन कला पसरै….आये..

  थाल भरी पूजा को निकली, जनक दुलारी लजाइ
  नैन मिले जब मूंदली पलके, छबी निकसी नहीं जाइ.आये…

  सुर सब अंबर देख सु अवसर, फ़ूल कुसुम बरसाइ
  दीन “केदार” ये दिलसे निहारे, जनम मरन मिट जाइ.. आये..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

  • n r chandra

   namaskar gujarati bhasha ke shresth kavi ki yah rachana hindi sahity me sandrahaniy hai kaon kare sewa kaon charan chape bhartiy nari ka pati ke ptati nari kikomal bhawana par bhi kavi ki drishti UTTAM RACHNA

 7. ધનુષ યગ્ય
  (ધનુષ યગ્ન સમયે જ્યારે કોઇ રાજા ધનુષ ભંગ ન કરી શક્યા ત્યારે જનક રાજા ની વ્યથા)

  મને સમજ પડી ગઇ સારી, મેં વિપરીત વાત વિચારી…

  મેં જાણ્યુતું મહિપતી મળશે, શોભા બનશે ન્યારી
  મિથિલા મારી ધન્ય બની ને, જોશે જાન જોરારી…

  મૈથિલી ને મહા દુખ આપ્યું, મુખ શકું ના દેખાડી
  સુનયના ને શું સમજાવું, નિમી નસીબ વિચારી…

  વિર વિહીન વસુ મેં ભાળી, શું હજુ બેઠાં વિચારી
  જાઓ સિધાવો વધુ ના લજાવો, -ભલે- કુંવરી રહેશે કુંવારી..

  ક્રોધીત લક્ષમણ રામ રીઝાવે, વિશ્વામિત્ર વિચારી
  ઉઠો રઘૂનંદન કરો ભય ભંજન, શિવ ધનુ શિશ લગારી..

  હાથી જેવા હેઠાં બેઠાં, સિંહ ઝટકી કેશવાળી
  પિનાક પરસી ત્યાં વિજળી વરસી, દિગ્મુઢ દુનિયા સારી..

  વૈદેહી વરમાળ ધરાવે, શોભા સઘડે ન્યારી
  “કેદાર” દર્શન નિત નિત પામે, સીતા રામ સંભારી…

  મૈથિલી /નિમી= સીતજી

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 8. (કૈકેઇ ના) બે વચનો

  મને રાજ રમત માં ફસાવી, મને ભોળિ ને ભરમાવી..

  સંકટ વેળા સંગે રહી ને, બની સારથિ આવી
  જાણ્યો જ્યારે જીવ જોખમ માં, બગડી બાજી બનાવી…

  સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહીને મનાવી
  દશ દિવસ થી નોબત વાગે, યાદ મારી કાંન આવી..

  બોલ થકી છો આપ બંધાણા, રઘૂકૂળ રીત તમારી
  આપો વચનો યાદ કરીને, આજ ઘાડી હવે આવી..

  ભૂપ ભરત ને રામજી વનમાં, ચૌદ વરષ દે વિતાવી
  જરકસી જામા પિતાંબર ત્યાગી, તરસી વેશ ધારાવી..

  રૂઠી કૈકેઇ ને રાજન રડતાં, યાદ અંધોની આવી
  બ્રહ્મ ના પિતાની કરૂણ કહાણી, “કેદાર” કરમે બનાવી..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 9. (દશરથ રાજાની) કાકલૂદી

  કેમ કુબુધ્ધિ તેં આણિ રાની,
  કૌન થાકી ભરમાણી….

  હે મ્રુગ નયનીકોમલ કંઠી, શીદને વદે આવી વણી
  રામ વિનાની ચૌદ ઘડી પણ, ચૌદ જનમ લે જાણી…રાણી..

  ગજ ગામીની કહું કામિની, અવળી કરેછે ઉઘરાણી
  આંખ થી અળગો રામ થશે તો, મૂજ જીવન ધૂળ ધાણી..રાણી..

  ભરત ભલે ને રાજા બનતો, માંડવી બને ભલે રાણી
  રામ સીતા એનો આદર કરશે, ઉમંગ ઉરમાં આણિ..રાણી..

  આવે યાદ મને અંધા અંધી ની, વિરહી વદ્યાતા જે વાણી
  પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, એ અવશર ની એંધાણિ..રાણી..

  રઘૂકૂલ ભૂષણ વનમાં પધાર્યા, સંગ સીતાજી શાણી
  રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા, “કેદાર” કરમ ની કહણી…રાણી..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

  (ભરત નો વિલાપ)
  અવળાં ઉતપત

  તને કહેતાં જનનિ લજાતો, તેં અવળાં કર્યા ઉતપાતો…

  ધિક ધિક કૈકેઇ ધિક તારી વાણી, શીદ ને વદિ આવી વાતો
  રાજ ન માંગુ વૈભવ ત્યાગું, રામા ચરણ બસ નાતો…

  જનની કેરૂં તેં બિરૂદ લજાવ્યું, કિધો નાગણ સો નાતો
  પતિ વિયોગે ઝુરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..

  લક્ષ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો
  ધિક ધિક મારા માનવ તન ને, જે દેહથી રામ દુભાતો..

  એક પલક જે રામ રીઝાવે, પાવન જન થઇ જાતો
  જન્મ ધરિ મેં પ્રભુજીને પૂજ્યાં, તુટ્યો કાં તોએ નાતો..

  પરભવ કેરા મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો
  ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તન થી નાતો..

  રામ વિરહ માં રડે ભરતજી, “કેદાર” ગૂણલા ગાતો
  લેશ ન માયા ઉરમાં આણિ, હરી દર્શન નો નાતો…

 10. હરિ હૈયા ના હેત

  હરિનું હૈયું હરખે ભરાણું
  માંગો આજે મન મુકી ને, ભરીદંવ ભક્ત નું ભણું….

  ચૌદ વરષ જેણે ચાખડી પુજી ને, ચંદન ચોડી ચડાવ્યું
  ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખણૂં….

  વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
  રીંછ મરકટ પર રઘૂવિર રીઝ્યાં, આપ્યું જે મૂખથી મંગાણું…

  વૈદેહિ વાનર પર ત્રુઠ્યાં, નવલું આપ્યું નઝરાણું
  કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાણું….

  માળના મણકા મુખમાં મૂકીને, દાબ દૈ ને દબાવ્યું
  મોતીડાં તોડી કપિ રહ્યાં ખોળિ, ક્યાં ઠાકોર નું ઠેકાણું…

  માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
  રામ વિના મને કશુ ન ભાવે, કંચન કથિર જણાણું…

  રોમ રોમ મારે રઘૂવિર રમતાં, ઠાલું નથી થેકણું
  “કેદાર” કપિએ છાતી ફાડી તો, રઘૂકૂળ દિલ દરશાણું….

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

  રામાયણ નો સુંદર કાંડનો એક પ્રસંગ ઇશ્વર ક્રુપાથી જે મારા દ્વારા રચાયો છે તે રજુ કરૂં છું.
  શબરી

  શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
  ભાવ ધરી ભગવાન પધાર્યા…

  પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
  રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા…

  આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
  શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા…

  આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
  હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા…

  સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
  એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા….

  ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
  દીન “કેદાર” હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 11. શ્રીગણેશાય નમ:
  સુંદરકાંડ ગુજરાતી
  બે બોલ:-
  આજ કાલ સુંદરકાંડ ના પઠન નો મહિમા ખુબ વધ્યો છે, રામ કે ઈશ્વર ના કોઈ પણ રૂપ માં ગુણ ગાન કોઈ પણ પ્રકારે ગવાય તે તો અહોભાગ્ય કહેવાય, પણ એક પ્રસંગે અનાયાસ મારાથી એક સત્સંગી ને એક ચોપાઈ નો અર્થ પુછાઈ ગયો કે જેની મને સમજ ન પડી હતી, અને મારા આશ્ચર્ય વચ્ચે એમને પણ અમુક ચોપાઈ ના અર્થ ની પૂર્ણ સમજ ન હોનાનું મુક્ત મને જણાવતાં મને અનહદ નવાઇ લાગી. ત્યારે મને વિચાર આવ્યો કે જો આવી વ્યક્તિ ને અમુક ચોપાઈ ના અર્થ ની પુરી સમજ ન હોય તો સામાન્ય જન સુંદરકાંડ પૂરેપૂરો કેમ સમજી શકે? અને સમજાય નહીં તો ભાવ ક્યાંથિ જાગે? અને ભાવ ન જાગે તો ફળ શુ? ફક્ત પોપટિયા જ્ઞાન થી પૂરો ફાયદો ન મળે. તેથી મેં વિચાર્યું કે એક એવું ભાષાંતર કરું કે જે સહજ હોય, ગુજરાતીઓ માટે ગુજરાતીમાં હોય, અને બને ત્યાં સુધી વધારે માં વધારે ચોપાઈઓ નો મારી બુદ્ધિ પ્રમાણે અનુવાદ નો પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ સુંદરકાંડ નું તાત્પર્ય જળવાઇ રહે અને સાથે સથે સમય પણ ઓછો લાગે, જેથી વધારે માં વધારે લોકો ભાગ દોડ વાળી જિંદગી માં પણ એનો વધારે માં વધારે લાભ લઇ શકે. હા, કોઈ કોઈ જગ્યાએ પ્રાસ મેળવવા માટે થોડી શબ્દોની હેરફેર કરીછે, અને ક્યાંક ક્યાંક પુનરુક્તિ દોષ પણ હશેજ, તે બદલ ક્ષમા માંગુછું,

  હું કોઈ કવિ કે વિદ્વાન નથી, જોડણી ની પૂરતી જાણ નથી, અને જ્યારે “રામ ચરિત માનસ” જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ-કે જેને ખુદ હનુમાનજી સામે બેસીને લખાવતા હોય- છતાં તેઓ કહેતા હોય કે “કવિ હું ન મેં ના ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગુણ ગાઉં” તો મારી શું વિસાત? પણ જેમ હું નથી સમજી શકતો તેમ બીજા પણ ઘણા લોકો હશે જે આ મહા ગ્રન્થ ના મર્મો પૂરે પૂરા સમજી સકતા નહીં હોય, એ વિચારે મારાથી બનતી કોશિશે બને તેટલા સરળ શબ્દોમાં સુંદરકાંડ નું રૂપાંતર મારી બુદ્ધિ પ્રમાણે કરવાની ઇચ્છા થઈ.

  આ પ્રયત્નમાં મારા કોઈ કૌસલ કે વિદ્વતાના દેખાડાનો પ્રયાસ નથી, પણ એક સામાન્ય માણસ સુધી આ મહાન ગ્રન્થ ની સમજ પહોંચે એજ હેતુ છે. આ પ્રયાસમાં મારી કોઈ ભુલ હોય તો તે ફક્ત મારીજ ભુલ સમજી ને મને માફ કરવા ની આશા રાખુંછું.

  કિષ્કિંધાકાંડ-
  સાગર કિનારે પહોંચીને સર્વે વાનરો વાતો કરતા હતા કે સીતા માતાની ખબર મેળવવા હવે શું કરવું? જટાયુ કેવો ભાગ્યશાળી કે જેણે રામ માટે દેહ નો ત્યાગ કર્યો, ત્યાં ગુફામાં રહેતો સંપાતિ નામનો ગીધ ગરુડ પોતાના ભાઇ જટાયુ નું નામ સાંભળી ને બહાર આવ્યો અને વિગત જાણી કહેવા લાગ્યો કે હવે તો હું ઘરડો થયો પણ મને સામે પાર ત્રિકૂટ નમના પર્વત પર લંકા નગરી છે ત્યાં અશોક વાટિકામાં સીતા માતા બિરાજે છે તે દેખાય છે. બધા યોદ્ધાઓ પોત પોતાના બળા-બળ ની વાત કરવા લાગ્યા, ત્યારે જામવંત હનુમાનજી ને શ્રાપ વશ ભુલેલા તેમના બળ ને યાદ કરેછે, તમે બળવાન છો, અને તમારોતો અવતારજ રામનું કાર્ય કરવા માટે થયોછે. {કાર્તિકી વદ ચૌદશ ને શનીવારે જન્મ} આવું સાંભળી ને હનુમાનજીએ પહાડ જેવો વિશાળ દેહ ધારણ કર્યો અને સિંહ જેવી ગર્જના કરી………….હવે આગળ..

  સુંદર કાંડ-
  જામવંત ના વચનો વિચારી, હનુમંત આનંદિત ભારી,
  ચડી મેનાક વિરાટ રૂપ ધરીને, રામ સ્વરૂપ મન મંદિર ભરીને..
  જેમ અમોઘ રઘુપતિ કર બાણો, એજ સમાન હનુમંત ગતિ જાણો,
  દેખી દેવો પરીક્ષા કરવા, સુરસા આવી ઉદર હનુ ભરવા..
  ખોલે જોજન મુખ સર્પિણી માતા, મહાવીર અતિ સૂક્ષ્મ બનીજાતા
  કરી પ્રવેશ મુખ સન્મુખ આવે, માંગે વિદા કપિ શીશ નમાવે..
  દેખી બલ બુદ્ધિ આનંદ વ્યાપે, હરખ સમેત શુભ આશિષ આપે
  ધન્ય ધન્ય કપિ કાર્ય સિદ્ધ કરજો, જનક સુતા ના સંકટ હરજો..
  મધ્ય સાગર એક રાક્ષસી રહેતી, નભચર છાંય પકડી મુખ ગ્રહતી
  એજ પ્રકાર હનુમંત સંગ કરતાં, મારી મુષ્ટિકા વિલંબ ન ધરતાં..
  સાગર પાર કરી કપિ દેખા, સુંદર કંચન કોટ બહુ પેખા
  વન ઉપવન બહુ બાગ ફૂલ વાડી, વાવ કૂવા સરોવર સૌ અગાડી..
  ઘર ચૌટા વળી મહેલો મજાના, ભવન મનોહર સુંદર ત્યાંના
  નર નાગ સુર ગંધર્વ બાળા, મોહે મુનિ મન રૂપ રસાળા..
  અસ્ત્ર શસ્ત્ર સંગ સૈન્ય સૌ સુરા, અશ્વ કુંજર બલવાન બહુ પૂરા
  દે પહેરા બહુ અસુર અનેરાં, કનક કોટ રક્ષિત ઘણેરાં..
  અતિ લઘુ રૂપ હનુમાન વિચારે, કરું પ્રવેશ અંધકાર હો જ્યારે
  નામ લંકિની નિશાચર નારી, લંકા નગર પર નજર બહુ ભારી..
  દેખી હનુમંત વાત ઉચ્ચારી, ચોર સમાજ વાની મુજ પ્યારી
  મુષ્ટિકા એક હનુમંત દે મારી, મુખ રુધિર ભર મનમાં વિચારી..
  વર બ્રહ્મા મને યાદ હવે આવે, કોઈ કપિ વ્યાકુળ જે દિ’ કરાવે
  હે કપિરાજ હવે મર્મ હું જાણું, આવ્યું નિશાચર અંત નું ટાણું..
  રામ ભક્ત ના દર્શન પામી, હે હનુમાન નમામી નમામી
  અતિ લઘુ રૂપ લઇ હનુમંતા, નગર ગયા ધરી મન ભગવંતા..
  મંદિર મંદિર શોધે સીય માતા, જોયા ત્યાં યોદ્ધા મદમાતા
  મહેલ દસાસન ભિન્ન દેખાતો, વૈભવ સઘળો વરણી ન જાતો..
  ભવન એક અતિ અલગ દરસાતો, હરિ મંદિર સુંદર વરતાતો
  રામ નામ અંકિત ત્યાં શોભે, દેખી હનુમંત મન અતિ લોભે..
  લંકા નગર નિશાચર વાસો, કેમ કરી કરે સજ્જન ત્યાં વાસો
  એજ સમય વિભિષણ જાગ્યા, રામ રામ સમરવા લાગ્યા..
  પહોંચ્યા પવનસુત વિપ્ર વેશ ધારી, દેખી વિભિષણ અચરજ ભારી
  શું તમે હરિના દાસ છો કોઈ, મુજ હ્રદય પ્રીતી અતિ હોઈ..
  કે પછી આપ જ રામ અનુરાગી, આવ્યા મને કરવા બડભાગી
  કહી કથા કપિ સૌ સાચે, બની પુલકિત વિભિષણ નાચે..
  હે હનુમંત કહું વિપદા અમારી, રહે મુખમાં જેમ જીભ બિચારી
  તામસ દેહ કરી શકું ન સેવા, સાથી મળે પદ પંકજ મેવા..
  તવ દર્શન થી આસ અમારી, હરિ દર્શન હવે હોય ખરારી
  કહી કથની પછી જાનકી માતા, ગયે વાટિકા કપિ હરિ ગુણ ગાતા..
  દેખી દુર્બળ દીન જનક દુલારી, પવનસુત મન દુ:ખ અતિ ભારી
  એજ સમય લંકેશ ત્યાં આવ્યા, સંગે નારી સજી ધજેલી લાવ્યા..
  સામ દામ દંડ ભેદ બતાવ્યા, જનક સુતાને બહુ સમજાવ્યા
  સાંભળ હે દશમુખ અભિમાની, ખબર નથી રઘુનાથ ભુજાની..
  સૂર્ય સમાન રઘુ નંદન કાંતી, આગિયા તુચ્છ શું રાખે ભ્રાંતિ
  હે સીતા સમજ મુજ વાણી, બોલ્યા રાવણ ખડગ કર તાણી..
  મંદોદરી દશાનન સમજાવે, નીતિ રીતિ થી શાંત કરાવે
  માસ દિવસ મહેતલ દઈ રાવણ, ગયા મહેલ કરી ક્રૂર રૂપ ધારણ..
  ત્રિજટા એક નિશાચર દાસી, રામ ચરણ કમલ પ્રિય પ્યાસી
  કહે સપને એક વાનર ભાળ્યો, મારી સૈન્ય લંકા ગઢ બાળ્યો..
  નગ્ન શરીર મુંડન દસ શીશે, ખર સવાર ભુજા નવ દીસે
  વિભીષણ ને લંકેશ મેં દીઠો, રામ પ્રતાપ ભાસે બહુ મીઠો..
  સુણી સપનું ડરીને સૌ નિશિચરી, માંગે ક્ષમા સીતા પદ ફરી ફરી
  વિધ વિધ વચન ત્રિજટા સમજાવે, તોય સીતા શાતા નહીં પાવે..
  એજ સમય કપિ મુદ્રિકા ફેંકી, અચરજ અનહદ જાનકી દેખી
  શું કોઈ માયા વશ આ દેખાણી, કે કરી કપટ છલ કોઈ આણી..
  એજ સમય કપિ કથા શુભ ગાવે, રામચંદ્રના ગુણ સંભળાવે
  કહે સીતા સુણી કથા રઘુરાયા, પ્રગટો ભ્રાતા તમે કેમ છુપાયા..
  નત મસ્તક કપિ સન્મુખ આવે, કરુણાનિધિ કહી સંશય મિટાવે
  જાણી રામ દૂત હરખ અતિ ભારે, બૂડત સિંધુ મધ્ય નાવ જેમ તારે..
  કહો ભાઇ વાતો સૌ વિગતે, કેમ પ્રકાર રઘુવીર દિન વીતે
  કેમ રહે લક્ષ્મણજી ભ્રાતા, તરસી રહી નીરખવા તાતા..
  કહું માતા શ્રી રામ દુ:ખ ભારી, હરિ હ્રદય સદા મુરત તમારી
  કહ્યો સંદેશ સાંભળો ધીર ધારી, વિપરીત વાત ન મનમાં વિચારી..
  “હે સીતે કહું કથની આ મારી, રહે સદા મન પાંસ તમારી
  તપે ચંદ્ર વાદળ અકળાવે, વર્ષા તાતા તેલ વરસાવે..
  સાંતી દેનાર સૌ દુ:ખ વરતાવે, વાયુ વિરહ માં આગ લગાવે
  કહી શકું વ્યથા જઈ હું કોને, સમજી શકે જે મુજ દર્દો ને”..
  કહે કપિ ધીરજ ધરો તમે માતા, સમરણ કરો સેવક સુખ દાતા
  રામ બાણ હવે વિલંબ ન કરશે, કીટક સમાન નિશાચર મરશે..
  હે કપિ એક સંદેહ મન આવે, તમ સમ સૈન્ય શું લંકેશ હરાવે
  સુણી હનુમાન વિશાળ રૂપ કીધું, દઈ સંતોષ સહજ કરી લીધું..
  જો પ્રતાપ રઘુનાથ ની હો તો, સર્પ ગળી શકે ગરુડ સમેતો
  જાણી પ્રતીતિ મન આનંદ સંગે, દે વરદાન શુભ માત ઉમંગે..
  અજર અમર ગુણ સાગર બનશો, સદા હરિ ચરણ કૃપા સુખ ધરશો
  વચન સુણી કપિ અતિ હરખાતા, કૃત કૃત્ય થયો આજ હું માતા..
  વિનય સમેત અનુમતી કપિ માંગી, દેખી મધુર ફળ ભૂખ બહુ લાગી
  અતિ બળવાન કરે રખવાળી, દંડશે તમને પ્રવેશતાં ભાળી..
  જો હરિ કૃપા સેવક ને રહેતો, મહા બળવાન રિપુ થી ના ડરતો
  ભાળી ભરોંસો સંમતિ આપી, ખાધાં મધુર ફળ ડાળીઓ કાપી..
  મૂળ સહિત ઘણાં તરુવર તોડ્યાં, કરી ઘમસાણ વન રક્ષક રોળ્યાં
  બની ભયભીત નિશાચર ભાગ્યા, જઈ લંકેશ કરગરવા લાગ્યા..
  નાથ કપિ મહાકાય એક આવ્યો, કરી ઉત્પાત મહા ત્રાસ ફેલાવ્યો
  એક એક કરી યોદ્ધા ઘણેરાં, થયા પરાસ્ત બાહુ બળિયા અનેરાં..
  રાવણ સુત અક્ષય ને મારી, ભય ફેલાવ્યો સૈન્ય માં ભારી
  તો લંકેશ મેઘનાદ બોલાવે, કહે કપિ બંદીવાન બનાવે..
  ઇન્દ્રજીત કરે વિધ વિધ માયા, કેમે કરી હનુમંત ના ફસાયા
  કોઈ કારી નહીં ફાવે જ્યારે, સુત લંકેશ બ્રહ્માસ્ત્ર ચલાવે..
  પરખી પવનસુત બ્રહ્મ બાણ જ્યારે, રાખવું માન બ્રહ્માસ્ત્રનું મારે
  કરી વંદન હનુમંત પટકાયા, નાગપાશ વશ બની બંધાયા..
  નામ રામ ભવ બંધન કાપે, રામ દૂત ના કોઈ બાંધી આપે
  સમાચાર વ્યાપ્યા લંકા માં, દોડ્યા જોવા સૌ કપિ બંધન માં..
  ભાળી પ્રભુતા લંકેશ સભાની, હનુમંત અચરજ બહુ ગજા ની
  હાથ જોડી દિક્પાલ ત્યાં દેખી, એ સ્વામિતા ન જાય ઉવેખી..
  જોઇ નિડરતા હનુમંત કેરી, થઈ ચકિત દશ શીશ કચેરી
  હે વાનર તું આવ્યો ક્યાંથી, દાસ તું કોનો છે કોનો સાથી..
  કોના ભરોંસે બાગ ઉજાડ્યો, કે મુજ પ્રતાપ કોઇ ખબર ન પાડ્યો
  ક્યા કારણ મારા નિશાચર મારે, કે પછી મોત નો ડર નહીં તારે..
  હે રાવણ બ્રહ્માંડ રચનારા, પાલન પોષણ નષ્ટ કરનારા
  ખર દૂષણ વાલી હણ નારા, શિવ ધનુષ્ય નો ભંગ કર નારા..
  જે પ્રતાપ તમે જગ જીતી આવ્યા, અબળા નાર છલથી હરિ લાવ્યા
  તેજ રામનો દૂત હું નાનો, આપું શિખામણ વાત મારી માનો..
  ક્ષુધા વશ મધુર ફળ ખાધાં, માર્યા નિશાચર કરતાં જે બાધા
  હે રાવણ મહા બલવંતા, ભજી લો રામ કૃપાલુ ભગવંતા..
  તજી અભિમાન પરત કરો માતા, નિશ્ચિંત માફ કરી દે તાતા
  રામ વિના ની કોઈ પ્રભુતાઈ, ચાલી જાય એતો પાઇ દર પાઇ..
  જો ઝરણા નહીં હોય મુખ માંહી, જતાં વર્ષા ૠતુ સરીતા સુકાઇ
  કોઈ જન હોય જો રામ વિમુખી, કરે સહાય ના કોઈ ઈશ દેખી..
  કોઈ ઉપદેશ રાવણ નહીં લીધો, કપિ વધ કરવા હુકમ કરી દીધો
  મંત્રી ગણ સહ વિભીષણ આવ્યા, નત મસ્તક લંકેશ સમજાવ્યા..
  મારવો દૂત કોઈ નીતિ ન ગણાઇ, આપો સજા અવર કોઈ ભાઇ
  કહે રાવણ તેને પૂંછ બહુ પ્યારી, લાય લગાડી દંડ દો ભારી..
  પૂંછ વિણ વાનર ત્યાં જાશે, આપ વિતી સૌ કથની ગાશે
  બાંધો વસ્ત્ર તેલ મહીં નાખી, આગ લગાવો બાળો પૂંછ આખી..
  જાણું પ્રતાપ જો રામ અહિં આવે, કપિ જેને બહુ શ્રેષ્ઠ બતાવે
  સુણી વચન કપિ મનમાં વિચારે, નક્કી સરસ્વતી સહાય કરે ભારે..
  કૌતુક હનુમંત પૂંછ વધારી, તેલ બચ્યું નહીં નગર માં સારી
  વાજતે ગાજતે નગર ફેરાવી, આગ લગાવી સભા ખંડ લાવી..
  લઇ લઘુ રૂપ કપિ બંધન કાપી, થયા વિરાટ ગગન ભર વ્યાપી
  હરિ કૃપા અતિ પવન ફુંકાયા, સહજ કૂદે કપિ અંજનિ જાયા..
  પૂંછ બજરંગ ની આગ વરસાવે, નગર જનો માં ભય પસરાવે
  કોઈ પૂંજી કોઈ બાળ બચાવે, કોઈ ભયભીત નિજ જાત છુપાવે..
  મંદોદરી ભારી ભય પામી, કર જોડી ને મનાવે સ્વામી
  વિભીષણ સમજાવે રાવણ ને, કોઈ વચન ના ધરતો કાને..
  કુંભકર્ણ નારી ભય વ્યાપે, રામ શપથ દુહાઇ આપે
  કૃપા કરી મુજ નાથ બચાવો, હે મહાવીર દયા દરશાવો..
  સુણી તરખાટ હનુમાન મચાવે. લંકાપતી મેઘનાદ પઠાવે
  અસ્ત્ર શસ્ત્ર સજી સન્મૂખ આવે, મારી પૂંછ હનુમાન ભગાવે..
  લંકાપતિ ત્યારે મેઘ બોલાવે, કરી વર્ષા બહુ કપિ ને વહાવે
  પ્રભુ કૃપા કોઇ કારી નહીં ફાવી, રામ રોષ અતિ આગ ફેલાવી..
  તો લંકેશ ખુદ કાળ બોલાવે, લઇ પકડી કપિ મુખ પધરાવે
  શિવ સમેત ઇન્દ્ર કર જોડી, કહે નાથ દો કાળને છોડી..
  કરી મુક્ત કપિ કૂદવા લાગ્યા, દેખી નગરજન ભય વશ ભાગ્યા
  છોડી વિભીષણ મહેલ મારુત સુત, લંકા પ્રજાળી સઘળી રામ દૂત..
  કપિ કૂદ્યા સાગરની માંહી, ઠારી જ્વલન હવે શ્રમ જરા નાંહી
  ધરી લઘુ રૂપ જનક સુતા સામે, પહોંચ્યા પવન પુત્ર શીશ નામે..
  આપો માત કોઈ ઓળખ એવી, હતી આપી જેમ રઘુપતિ જેવી
  આપી ચુડામણી સંદેશા સાથે, હરજો નાથ સંકટ જે માથે..
  માસ દિવસ વિલંબ થઈ જાશે, તો પછી પ્રભુજી મિલન નહીં થાશે
  આપ ને દેખી મુજ મન અંદર, હતી શીતલતા ધીરજ સદંતર..
  હવે કહો છો વાત જવા ની, દિવસ રાત મારે એક થવાની
  કપિ પ્રનામ દઈ સાતા શીશ નામી, લીધી વિદાય જવા જ્યાં સ્વામી..
  જાતાં બજરંગ ઘોર ગર્જના કીધી, નિશાચર નારી ભયભીત કરી દીધી
  પલક વાર માં લાંધી સાગર, કપિ પહોંચ્યા જ્યાં હતાં સૌ વાનર..
  દેખી પવનસુત અતિ આનંદમાં, હરખે કપિ ગણ અનહદ મનમાં
  ભાળી પ્રસન્ન મુખ હનુમંત જી નું, લાગે કાર્ય કર્યું રઘુવીર નું..
  કરી મિલાપ સેના હરખાણી, ઝંખતી માછલી ને મળ્યું જાણે પાણી
  કેમ પ્રકાર કપિ સાહસ કીધાં, કેમ કરી ને માતા ખોળી લીધાં..
  કહે હનુમાન લંકા પુર વાતો, એજ પ્રકાર હરિ પંથ કપાતો
  હરખ સમેત પહોંચ્યા મધુવન માં, ખાધા મધુર ફળ અતિ ઉમંગમાં..
  કરી રાવ સુગ્રીવ રખવાળે, અંગદ સૈન્ય સૌ બાગ ઉજાડે
  સુણી સુગ્રીવ અતિ હરખાતા, થયું હરિ કામ તોજ ફળ ખાતા..
  પહોંચ્યા ત્યાંજ સૌ સેના સમાજા, આપ પ્રતાપ કહે સૌ સાજા
  નાથ કાર્ય કર્યું હનુમાને, હોય હરિ કૃપા તો ડર શાને..
  પ્રેમ સહિત હનુમંત સંગ કપિવર, પહોંચ્યાં જ્યાં ભ્રાતા સંગ હરિવર
  સ્નેહ સમેત ભેટ્યાં પ્રભુ સૌને, કુશલ મંગલ પૂછે હર કોઈ ને..
  જામવંત વદે શુભ વાણી, જે પર આપની દયા દરશાણી
  હોય સદા શુભ કુશલ સદંતર, જે પર હોય તવ કૃપા નિરંતર…
  નાથ કાજ હનુમાન ની કરણી, સહસ્ત્ર મુખ જાયે નહીં વર્ણી
  જે પ્રકાર હનુમંત કર્મ કીધાં, આપ પ્રતાપ ધન્ય કરી દીધાં..
  હરખ ભેર પ્રભુ મળે હનુમંતા, કહો તાત ત્યાં કેમ ખોળી સીતા
  રહે કેમ ત્યાં જનક દુલારી, હસે ભોગવવી પડતી લાચારી..
  નાથ કવચ એક નામ આપનું, સદા સ્મરણ બસ પ્રભુ પાદનું
  ચૂડામણિ દઈ કહે સંદેશો, જઈ કરુણા નિધિ રામ ને કહેશો..
  શું અપરાધ નાથ મને ત્યાગી, હું મન કર્મ વચન અનુરાગી
  એક કસૂર અચૂક રઘુરાયા, રામ વિયોગ તજી નહીં કાયા..
  કહે હનુમાન વિપત્તિ પ્રભુ ત્યારે, રામ નામ ભજન નહીં જ્યારે
  હે રઘુપતિ હવે વિલંબ ન કરજો, મારી ખલ દલ મુજ માત દુ:ખ હરજો..
  નયન નીર પ્રભુ વાત વિચારી, અનહદ પીડ જનક દુલારી
  મન કર્મ વચન જેના મારા ચરણે, કેમ વિચારૂં દુ:ખ હું શમણે..
  હે કપિ આપ સમાન ઉપકારી, નહીં કોઈ નજરે આવે મારી
  કેમ કરી ૠણ ઉતારૂં તમારું, ધરે નહીં ધરપત વ્યગ્ર મન મારું..
  સાંભળી શબ્દ પ્રેમાળ પ્રભુ નાં, હરખ ન માય મન હનુમંત નાં
  કરી દંડવત પ્રભુ ચરણ ગ્રહી લીધાં, અનાયાસ હરિ કર શીશ દીધાં..
  કહો હનુમંત ઝાળી કેમ લંકા, કેમ પ્રકાર છળ્યા નર બંકા
  નાથ પ્રતાપ બસ આપ જ કારણ, બન્યું સંભવિત સૌ ટળ્યું મુજ ભારણ..
  રઘુવીર ત્યાં સુગ્રીવ બોલાવે, સૈન્ય સકળ ને સજ્જ કરાવે
  કરીએ પ્રયાણ વિલંબ ન કરતાં, કરે કટક જયકાર હરખતાં..
  એજ પ્રકાર કીધી તૈયારી, શુકન થયાં શુભ સૌને ભારી
  શુભ શુકન સીતા ને થાતાં, અપશુકન દશાનન ને દેખાતાં..
  રાઘવ સૈન્ય અનંત બળ ભારી, અનેક પ્રકાર આયુધ કર ધારી
  નાનાપ્રકાર ગમન કરે સેના, કોઈ ધરતી આકાશ મન તેના..
  કંપે ધરા સમુદ્ર તળ થથરે, ધ્રૂજે પહાડ દિગ્ગજ સૌ બહુ ડરે
  હરખે નાગ ગંધર્વ મુનિ કિન્નર, સુર સમેત મટે દુ:ખ નિરંતર..
  શેષ નાગ શીશ ભાર બહુ ભારી, બને મૂર્છિત તે વારં વારી
  કચ્છપ પીઠ પટકે બહુ માથા, લખે જેમ રઘુવીર શૂર ગાથા..
  જે દિન થી બાળી કપિ લંકા, નગર જનો ને મન અતિ શંકા
  એક દૂત પ્રજાળે અર્ધ નગરી, સૈન્ય સમીપ કેમ રહેશું ઊગરી..
  મંદોદરી દશ શીશ મનાવે, નગર જનો નો ઉચાટ બતાવે
  આદર સહિત સોંપો પર નારી, હૃદય ધરો વિનંતી આ મારી..
  હે સ્વામી જે રામ સંગ લડશે, તેને સહાય શિવ બ્રહ્મા ન કરશે
  રઘુપતિ બાણ સાપ દલ ભાસે, સૈન્ય રજનીચર કેમ ટકી જાશે..
  સુણી શબ્દ બોલ્યો અભિમાની, મંદોદરી કહું વાત મજાની
  સહજ સ્વભાવ નારી ડર મન માં, રહે રક્ષિત ભલેને મહેલ માં..
  નામ માત્રથી મહારથી ડરતાં, સુર અસુર સૌ આદર કરતાં
  એ લંકેશ ઘર પટરાણી, ઊપજે હાસ્ય વાત તુજ જાણી..
  જો કપિ સૈન્ય લંકા ગઢ આવે, નિશાચર ગણ ભોજન બહુ ભાવે
  મંદોદરી અતિ મનમાં વિચારે, વિપરીત આજ વિધાતા મારે..
  થઈ લંકેશ સિંહાસન આરૂઢ, દરબારી સંગ કરે ચર્ચા ગૂઢ
  એજ સમય ખબરી એક આવ્યો, અતિ ગંભીર ખબર એક લાવ્યો..
  સાગર પાર કરી સૈન્ય છે આવ્યું, સંગે અસ્ત્ર શસ્ત્ર બહુ લાવ્યું
  કરે મસલત મંત્રી ગણ સાથે, સંકટ પડે ન લંકા ગઢ માથે..
  કરે પ્રશંસા મન ડર ભારી, કરે ખુશામત બહુ દરબારી
  જીત્યા દેવ નિશાચર આપે, નર વાનર હવે કષ્ટ શું આપે..
  સચિવ ગુરુદેવ ભય વશ બોલે, રાજ ધરમ તન નાશ પથ ખોલે
  એજ પ્રકાર લંકેશ ભટકતો, સત્ય શીખ વિણ નહિં અટકતો..
  એ અવસર વિભીષણ આવી, બેઠાં આસન શીશ નમાવી
  હે ભ્રાતા કહું વાત વિચારી, શાખ ટકાવો તજી પર નારી..
  કામ ક્રોધ મદ લોભ તજી ને, રહો સદા રઘુનાથ ભજી ને
  તાત રામ નહીં કેવળ રાજા, સ્વામી સકળ જગત સમાજા..
  પરમ બ્રહ્મ પૂરણ છે નીરોગી, સદા સર્વદા અનંત એ યોગી
  દીન દયાળુ કૃપાળુ કરુણાકર, મનુજ દેહ ધરી તારે ભવ સાગર..
  મુનિ પુલસ્તિ આપ્યો સંદેશો, વિભીષણ જઈ લંકેશ ને કહેશો
  યોગ્ય સમય જાણી કહું ભ્રાતા, રાગ દ્વેષ તજી નમો જગ તાતા..
  માલ્યવંત એક સચિવ સુજાના, સુણી વચન બહુ અતિ હરખાણા
  તાત વિભીષણ વદ્યા શુભ વાણી, માનો વાત મને સત્ય સમજાણી..
  અતિ રાવણ ક્રોધ કરી બોલ્યા, મુજ રિપુ ને તમે ઉચ્ચ કરી તોલ્યા
  કરો દૂર સભાખંડ માંથી, માલ્યવંત નિજ ગૃહ ગયા ત્યાંથી..
  કર જોડી કહે વિભીષણ વાણી સુમતિ કુમતિ સૌ ઉર સમાણી
  જ્યાં સુમતિ ત્યાં સંપતી સઘળે, જ્યાં કુમતિ સૌ વિપત્તિ માં સબડે..
  આપ હૃદય કુમતિ છે સમાણી, સમજી શકે નહીં એ શુભ વાણી
  કાલ રાત્રિ છે નિશાચર માથે, તેથી પ્રીતિ છે સીતા ની સાથે..
  તાત ચરણ પડી ને છે કહેવું, અહિત ન હોય આપ રજ જેવું
  વેદ પુરાણ કહી સમજાવે, રાવન મન કંઇ સમજ ન આવે..
  કહે રાવણ અતિ અકળાઇ, કરે કેવી વાત કેવો તું ભાઇ
  કોણ ન જીત્યા મેં આ જગમાં, અતિશય બળ છે મુજ આ ભુજા માં..
  મુજ પ્રતાપ જીવન તું વિતાવે, તોય રિપુ ને શ્રેષ્ઠ બતાવે
  રાવણ મદ માં રહી અતિ ભારી, જઈ વિભીષણ લાત દે મારી..
  પડી લાત પણ સંત ન રૂઠે, સદા સત્ય વચન વદે ને ત્રૂઠે
  કહે વિભીષણ સમજ મુજ તાતા, રામ ભજન ભલાઇ છે ભ્રાતા..
  એમ કહી મંત્રી ગણ સાથે, નભ પથ ગયા કોઈ આળ ન માથે
  જતાં વિભીષણ લંકા પડી ઝાંખી, ગયું તેજ બળ હીન પ્રજા આખી..
  વિભીષણ મન ઉમંગ અનેરો, ગ્રહું હરિ ચરણ આનંદ ઘણેરો
  જે પદ કમલ અહલ્યા ઉદ્ધારી, દંડક વન થયું પાવન કારી..
  જે ચરણો સીતા મન ધરતાં, કપટી મારીચ પાછળ દડતાં
  જે સર સરોજ શિવ ઉર જેવાં, કરી દર્શન મહા સુખ લેવા..
  ચરણ પાદુકા ભરત શિર ધારે, એજ ચરણ ને વંદવા મારે
  એમ વિચારી પાર સિંધુ આવે, નિરખી કપિ ગણ શંકા લાવે..
  સુગ્રીવ જઈ કહે રઘુરાયી, આવ્યા મળવા દશાનન ભાઇ
  નિશાચર લોક કપટ અતિ જાણે, ધરી છળ રૂપ સંકટ કોઈ આણે..
  ભેદ સમજવા નિશાચર આવે, કરીએ બંદી મુજ મન એ ભાવે
  સખા નીતિ તમે સત્ય વિચારી, પણ સુગ્રીવ મારી ગતિ ન્યારી..
  શરણે આવ્યા ને જે ન સ્વીકારે, તે નર નીચ બહુ મન મારે
  શરણાગત સ્વાગત પ્રણ મારું, ભય ભીતિ દુ:ખ દર્દ નિવારું..
  નિર્મલ મન મુજ અંતર આવે, છલ કપટ મુજને નહીં ભાવે
  સુણી પ્રભુ વચન હનુમંત હરખાયા, દયાવંત દયાનિધિ દરશાયા..
  હોય નિશાચર જે સંસારે, ક્ષણ અંદર લક્ષ્મણ દે મારે
  પણ જો કોઈ શરણાગત આવે, આપું શરણ જતન મુજ પાવે..
  પ્રભુ વચન લઇ શિર ધરીને, ગયા હનુમાન જય કાર કરી ને
  અંગદ સમેત સ્વાગત કીધાં, સાદર પ્રભુ સમીપ કરી દીધાં..
  લક્ષ્મણ સંગે દીઠાં હરિવર ને, કરે વંદન વિભીષણ નીરખી ને
  કમલ નયન પ્રભુ શ્યામ શરીરે, હ્રદય વિશાળ આજાનભુજ ધારે..
  મુખ મંડલ અલૌકિક સોહે, કામદેવ મંત્ર મુગ્ધ બની મોહે
  સિંહ સમાન કંધ પ્રભુ દેખી, નયન નીર વિભીષણ પેખી..
  હે પ્રભુ રામ હું રાવણ ભ્રાતા, નિશાચર વંશ અવગુન બહુ તાતા
  યશ અપાર સુણી તવ ચરણે, કાપો કષ્ટ આવ્યો પ્રભુ શરણે..
  વાત સુણી વિભીષણ કેરી, હરખે લીધો ભુજા માં ઘેરી
  કહી લંકેશ બેસાડ્યા સંગે, પૂછે કુશળ પરિવાર સૌ અંગે..
  તમે રહો ખલ મંડલ સાથે, કેમ બચાવો ધર્મ જે માથે
  હું જાણું નીતિ ધર્મ તમારો, લેતા નથી અન્યાય સહારો..
  નાથ આજ હું બન્યો બડભાગી, રામ ચરણ દરશ રટ લાગી
  જ્યાં લગી જીવ હરિ ચરણ ન જાતો, સપને પણ એ સુખી ના થાતો..
  જ્યાં લગી હરિ નાં ભજન ન ભાવે, લોભ મોહ અભિમાન મદ આવે
  જ્યાં લગી પ્રભુ પ્રકાશ નહીં મનમાં, ત્યાં લગી ઘોર અંધાર જીવન માં..
  જે પ્રભુ રૂપ મુનિ સ્વપ્ને ન આવે, અહો ભાગ્ય મને હ્રદયે લગાવે
  પદ પંકજ બ્રહ્મા શિવ સેવ્યા, ધન્ય ધન્ય એ યુગલ પદ પેખ્યા..
  કહે રઘુનાથ સાંભળ સખા કહું તે, છળ કપટ મદ મોહ તજી જે તે
  મમ સ્વભાવ જાણે શિવ શિવા, હોય ભલે દ્રોહી સ્વીકારૂં જન એવા..
  માત પિતા બંધુ સુત દારા, તન ધન મિત્ર સમગ્ર પરિવારા
  સૌનો મોહ એક તાંતણે બાંધી, મુજ ચરણે સંધાર દે સાંધી..
  હર્ષ શોક ઇચ્છા નહીં દિલ માં, સમભાવી જેને ભય નહીં મનમાં
  લોભી ધન સમ વસે મુજ મનમાં, તે કારણ ધરૂં દેહ અવનિ માં..
  જે સગુણ પર હિત કારી, નીતિ નિયમ વિપ્ર પદ પ્યારી
  હે લંકેશ આ ગુણ સૌ તમારા, તેથી છો મને અતિશય પ્યારા..
  સ્પર્શી પ્રભુ પદ વારંવારી, કહે વિભીષણ હરિ કૃપા તમારી
  હે સચરાચર અંતર્યામી, શિવ મન ભાવન ભક્તિ દો સ્વામી…
  અસ્તુ કહી સિંધુ જલ ને મંગાવે, રાજ તિલક વિભીષણ ને કરાવે
  મમ દર્શન જો કોઈ કરતા, વણ માંગ્યે અચૂક ફળ મળતાં..
  સંપતી મળી જેને શિવ ને ભજી ને, દસ મસ્તક બલિદાન કરી ને
  તે સંપતી આપી વિભીષણ ને, જાણી પ્રિય ભક્ત પોતાનો ગણી ને..
  સમજી સ્વભાવ કૃપાલુ પ્રભુ કેરો, વ્યાપ્યો કપિ ગણ આનંદ અનેરો
  એ સમય પુષ્પ વૃષ્ટિ થઈ ભારે, પ્રભુ પૂછે વિભીષણ ને ત્યારે..
  હે લંકેશ ઉપાય કહો એવો, કેમ પ્રકાર સમુદ્ર પાર કરવો
  અનેક પ્રકાર જલચર વસે તેમાં, નીર અગાધ રહ્યું બહુ જેમાં..
  હે રઘુનાથ તવ અમોઘ બાણે, શોષે કોટિ સમુદ્ર એજ ટાણે
  પણ પ્રભુ નીતિ શાસ્ત્ર પ્રમાણે, પ્રથમ સિંધુ વીનવો અટાણે..
  સખા બતાવ્યો તમે યોગ્ય ઉપાયી, કરે દેવ જો હવે સહાયી
  કહે લક્ષ્મણ એક બાણ હણી ને, કરો વાર પ્રભુ ક્રોધ કરી ને..
  વિભીષણ જ્યારે લંકા ત્યાગી, રાવણ દૂત તે પીઠ પઠાવી
  ધરી છલ રૂપ કપિ સૈન્ય પ્રવેશ્યા, હરિ ગુણ અલૌકિક પેખ્યા..
  જાણી રિપુ દૂત બંદી બનાવ્યા, લઇ સુગ્રીવ ની સન્મુખ લાવ્યા
  કહે કપિરાજ અસ્થિ ભંગ કરીને, પરત પઠાવ જઈ રાવણ ને..
  કહે લક્ષ્મણ દયા દિલ લાવી, મૂર્ખ રાવણ ને સંદેશ પઠાવી
  જો સીતા પરત નહીં આપે, નિશ્ચય કાળ ઉભોછે સમિપે..
  કરી વંદન રઘુપતિ ગુણ ગાતા, જઈ રાવણ કરે હરિ ગાથા
  કહે રાવણ કરો બધી વાતો, કેમ વિભીષણ કેવો ગભરાતો..
  કેવું રિપુ સૈન્ય કેવું બળ તેનું, લડવા ચાહે જે અમસંગ એનું
  કેમ તપસ્વિ કહો વાત પૂરી, કે મુજ ડર રાખી કરે દૂરી..
  કહે દૂત આપો અભય અમને, સત્ય વાત બતાવીએ તમને
  અનુજ આપના આદર પામ્યા, રાજ તિલક કરી રામે નવાજ્યા..
  છદ્મ રૂપ નહીં છૂપ્યું અમારું, કેદ કરી દુ:ખ દીધું બહુ સારું
  નાક કાન જ્યારે કાપવા લાગ્યા, શપથ રામની દઈ બચી આવ્યા..
  રામ સૈન્ય ની શું કહું પ્રભુતાઈ, કોટિ કોટિ મુખ વરણી ન જાઇ
  જે કપિએ કર્યો ક્ષય અક્ષયનો, તે તો સૈન્ય નો વાનર નાનો..
  નીલ નલ અંગદ ગદ બલ ભારી, દ્વિવિદ મયંદ કેહરિ ગતિ ન્યારી
  જાંબવંત સુગ્રીવ સમાણા, ગણે ત્રણે લોકને તૃણ સમાના..
  પદ્મ અઢાર સૈન્ય બહુ મોટું, સાંભળી વાત ન હોય એ ખોટું
  એક ન યોદ્ધો એવો ભાળ્યો, જો કોઈ આપથી જાય જે ખાળ્યો..
  એકજ બાણ સાગર દે સુકાવી, કરે પાર ભરી પહાડ ઉઠાવી
  એ રઘુનાથ જો અનુમતી આપે, દળ કટક સૌ ક્રોધ વશ કાંપે..
  રામ તેજ બુદ્ધિ બળ એવા, સહસ્ત્ર સેષ કહી શકે નહીં તેવા
  નીતિ અનુરૂપ વિભીષણ શિખ લઇ ને, માંગે માર્ગ સાગર તટ જઈ ને..
  સુણી સૌ વાત રાવણ હંસી બોલ્યો, રિપુ બળ હીન ભેદ તમે ખોલ્યો
  ભીરૂ વિભીષણ ની સલાહ જે માને, તે જશ વિજય કેમ કરી પામે..
  રાવણ વચન અહંકાર બહુ ભારી, ક્રોધિત દૂત કહે સમય વિચારી
  રામ અનુજ સંદેશ છે આપ્યો, માર્ગ જીવન નો સત્ય બતાવ્યો..
  જે કોઈ રામ વિમુખ થઈ રહેતાં, હર બ્રહ્મા વિષ્ણુ ન સંઘરતાં
  તજી મદ મોહ કુળ બચાવો, વિભીષણ જેમ હરિ શરણે આવો..
  કહે રાવણ ભય રાખી મન અંદર, લઘુ તપસી કરે છે આડંબર
  રહે ધરા મન ગગન વિચરતાં, એજ પ્રમાણ તાપસ દિલ કરતાં..
  કહે શુક માનો વાત અમારી, છોડી રોષ કરો યોગ્ય વિચારી
  તજી દ્વેષ વૈદેહી વળાવો, કુળ સમસ્ત લંકેશ બચાવો..
  સુણી વાત લાત દે મારી, કરી વંદન શુક લંકા પરિહારી
  જઈ શરણ શ્રી રામ ની લીધી, કરુણા ધામે તેને નિજ ગતિ દીધી..
  પ્રથમ પ્રભુ સાગર તટ આવી, પાર ઉતરવા રહ્યા મનાવી
  વીત્યા દિવસ ત્રણ દાદ ન દેતાં, ઊઠ્યા પ્રભુ અતિ ક્રોધ કરી લેતાં..
  સઠ સંગ વિનય કુટિલ સંગ પ્રીતિ, નહીં સમજે એ છે પ્રતીતિ
  એમ કહી પ્રભુ ચાપ ચડાવે, એ મત લક્ષ્મણ ને બહુ ભાવે..
  પ્રભુ ક્રોધ જલચર અકળાયા, દેખી સમુદ્ર અતિ ગભરાયા,
  વિપ્ર રૂપ ધરી સિંધુ શીશ નામી, કહે પ્રભુજી નમામી નમામી..
  અગન આકાશ પવન જલ પૂથ્વી, જડ સ્વભાવ પ્રભુ સત્ય સમજવી,
  એ માયા આપે ઊપજાવી, આપ આજ્ઞા પ્રભુ શીશ ધરી લેવી..
  આપ ઉપકાર મને શિક્ષા આપી, મુજ મર્યાદા યાદ અપાવી,
  ઢોલ ગમાર શૂદ્ર પશુ નારી, એ સૌ દંડ તણા અધિકારી..
  નાથ નલ નિલ કપિ બે ભ્રાતા, સ્પર્શ માત્ર પથ્થર તરી જાતા,
  એ પ્રકાર બનાવો સેતુ એવો, ત્રણે લોક ગણાય કીર્તિ તેવો..
  આપ ચાપ ઊતર દિશ મારો, દુષ્ટ પાપી નિશાચર ને સંહારો
  જોઇ કૃપાલ સાગર મન પીડા, કરી સંધાન મારે રણધીરા..
  ભાળી રામ પુરુષાતન સિંધુ, ગયો નિજ ધામ વંદન હરિ કીધું
  તુલસીદાસ ચરિત્ર આ ગાયું, મતિ અનુસાર સરળ સમજાવ્યું..
  જે કોઈ રામ કથા આ કહેશે, કલી કાલ સૌ પાપ ને હરશે
  પ્રેમ સહિત શ્રવણ જે કરશે, ભક્તિ સમેત ભવ સાગર તરશે..

  ઇતિ શ્રી રામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને
  પંચમ: સોપાન: સમાપ્ત;

  તા.ક. આ મહાન રચના નો અનુવાદ તો મેં કર્યો, પરંતુ આ કાર્ય યોગ્ય છે કે નહીં તે માટે કોઈ જ્ઞાની જન કે કોઈ સંત વ્યક્તિ ની અનુમતી લેવી એવી મને ઇચ્છા હોઈ ને મેં એક ડૉક્ટર ની પદવી પામેલા મહા પુરુષ ને મંજૂરી માટે મોકલી, (તેમની નામ લખવાની અનુમતી મેં લીધી નથી તેથી અહિં નામ લખતો નથી, અને હવે હું એ મહા માનવ નો સમય બગાડવા માંગતો નથી.) તે વ્યસ્ત વ્યક્તિ એ મારા માટે સમય ફાળવી ને મને અનુમતી તો આપી, સાથો સાથ આ રચના નો પ્રચાર-પ્રસાર થાય એમ કરવા પણ અનુરોધ કર્યો છે, હું કોઈ પણ શબ્દોમાં એ મહા પુરુષ નો આભાર માનું તે પૂરતું નહીં હોય.

  ભાવાનુવાદ:- કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ [કચ્છ] ગુજરાત
  kedarsinhjim@gmail.com
  kedarsinhjim.blogspot.com
  ૯૪૨૬૧૪૦૩૬૫

 12. શિવ વિવાહ
  સાખી..
  કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
  ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

  પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં. હિમાચલ હરખે ઘેરાયા રે, રહે નહી હૈયું હાથ માં…

  જાન આવી ઝાંપે, લોક સૌ ટાંપે. મોંઘાં મૂલા મહેમાનો ને મળશું રે, સામૈયાં કરશું સાથ માં…

  આવે જે ઉમા ને વરવા, હશે કોઈ ગુણિયલ ગરવા. દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરાં જનની આશ માં…

  ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી. માથે મોટી જટાયું વધારી રે, વીંટાયો જાણે મૃગ ખાલ માં…

  ભસ્મ છે લગાડી અંગે, ફણીધર રાખ્યા સંગે. ભેળા ભૂત કરે છે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં…

  બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી. ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં…

  ગળે મૂંડકા ની માળા, કંઠે વિષ રાખ્યાં કાળ. ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં…

  ભૂંડા ભૂત નાચે, રક્ત માં રાચે. શિવજીના દેખી નયનો નાચે રે, બેસાડે લઈ ને બાથ માં…

  ભૂતડાને આનંદ આજે, કરે નાદ અંબર ગાજે. ડાકલા ને ડમરુ વગાડે રે, રણશિંગા વાગે સાથ માં…

  આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા. ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં…

  નથી કોઈ માતા તેની, નથી કોઈ બાંધવ બહેની. નથી કોઈ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યો છે જોગી કઈ જાત માં…

  નથી કોઈ મહેલો બાંધ્યા, નથી કોઈ સગપણ સાંધ્યા. નથી કોઈ ઠરવાના ઠેકાણા રે, રહે છે જઈને શ્મશાન માં…

  સુખ શું ઉમાને આપે, ભાળી જ્યાં કલેજાં કાંપે. સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં…

  જાઓ સૌ જાઓ, સ્વામી ને સમજાવો. ઉમિયા અભાગી થઈ જાશે રે, જાશે જો જોગી ની જાત માં…

  નારદ વદે છે વાણી, જોગી ને શક્યા નહી જાણી. ત્રિલોક નો તારણ હારો રે, આવ્યો છે આપના ધામ માં…

  ત્રિપુરારિ તારણ હારો, દેવાધિ દેવ છે ન્યારો. નહી જન્મ મરણ કેરો જેને વારો રે, અજન્મા શિવ પરમાત્મા…

  ભામિની ભવાની તમારી, શિવ કેરી શિવા પ્યારી. કરો તમે વાતો કૈંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં…

  જાણ્યો શિવ મહિમા જ્યારે, આવ્યો ઉર આનંદ ત્યારે. દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં….

  શિવના સામૈયાં કીધાં, મોતીડે વધાવી લીધાં. હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

  ઉમીયાજી ચોરી ચડિયાં, શિવ સંગે ફેરા ફર્યા. ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભે છે શિવા શિવ સાથ માં…

  આનંદ અનેરો આજે, હિલોળે હિમાળો ગાજે. “કેદાર” ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહી ભૂત ની સાથ માં…

  રચયીતા:
  કેદારસિંહજી મે. જડેજા
  ગાંધીધામ.
  ૯૪૨૬૧ ૪૦૩૬૫
  kedarsinhjim@gmail.com
  kedarsinhjim.blogspot.com

 13. હૈયા ના હેત
  હરિ નું હૈયું હરખે ભરાયું
  માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું….

  ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
  ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું….

  વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
  રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું…

  વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
  કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું….

  માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
  મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું…

  માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
  રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું…

  રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
  “કેદાર” કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું….

  સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા. અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.
  ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન કરી.
  વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા.
  સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા, કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો, અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.
  જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા.
  ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.
  રચયીતા:
  કેદારસિંહજી મે. જડેજા
  ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
  kedarsinhjim@gmail.com
  kedarsinhjim.blogspot.com

 14. રામ ની મરજી

  મરજી રામની સાચી
  શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી…

  ૧,માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચી
  અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિશાચી…

  ૨,નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
  માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી…

  ૩,હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ ના વાંચી
  નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી…

  ૪,ભસ્માસુરે ભગવાન રિઝાવ્યા, જગપતિ લીધા એણે જાચી
  મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચી…

  ૫,દીન “કેદાર” પર કરુણા કરજો, સમજણ આપો મને સાચી
  અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચી…

  સાર-આજનો માનવ એવી એવી શોધ,સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે કે જેની કલ્પના પણ અમુક સમય પહેલાં શક્ય ન હતી. અંતરિક્ષમાં લટાર મારવી આજે તેના માટે મોટી વાત નથી, અને તેમાં આપણા ભારતનું ગૌરવ વધારનાર સ્વ. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી વીરાંગનાઓને આ સ્થાને યાદ કરવીજ પડશે. છતાં માનવી ઈશ્વર પાસે સદાએ વામણો સાબિત થયો છે.
  ૧, માનવ વિચારે કે એક એવું આલીશાન ભવન કે સ્થાપત્ય બનાવું, જે દરેક આફતો નો સમનો કરીને સદાએ અડીખમ રહે, પણ કુદરત વીફરે તો કોઇ પણ પ્રકારની એક થપાટ એવી લાગે કે તેનું નામ નિશાન પણ ન રહે.

  ૨, સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મલ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇંન્દ્રને પણ સાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠાં કે ઇંન્દ્ર ગભરાયો, તેણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યો, નારદજીની તપસ્યાતો ભંગ થઈ, પણ તેણે કામદેવને ક્ષમા આપીને જવા દીધો. પણ મનમાં અભીમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાંખ્યો હતો,(જ્યારે કામદેવના પત્ની રતી આક્રંદ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ રતીને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.

  ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તુર્તજ નારદજીના વિચરવાનાં માર્ગમાંજ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શિલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિની ના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મનેજ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહજ જોતા હતા, તુરંત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.

  મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હંસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણો એ દર્પણ માં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જળની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરોજ તમને કામ આવશે. આવી છે ભગવાન ની માયા.

  ૩, ભક્ત પ્રહ્લાદના પિતા હરણાકંસે ભગવાનને પ્રસન્ન કરીને અમર બનવા માટે અનેક પ્રકારે ન મરવાના વચનો લીધેલાં. આ પણ કેવી પ્રભુની માયા? સીધે સીધું અમરત્વ માંગી લીધું હોત તો? જ્યારે પ્રહ્લાદ પર અનહદ ત્રાસ થવા લાગ્યો ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો.

  ૪, ભગવાન ભોળાનાથ ખરેખર ભોળાજ છે, ભસ્માસુરે ભસ્મ કંકણ માંગીને વરદાન લીધું કે તે જેનાપર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય. આવરદાનની સત્યતા સાબિત કરવા માટે સામે ભોળા નાથજ હતા, જેવો ભસ્માસુર ભગવાન પર હાથ મુકવા ગયો કે ભગવાન ભાગ્યા અને વિષ્ણુ ભગવાન પાસે, તેમને બધી માયા ફાવે, વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર ને નચાવતાં નચાવતાં તેનાજ માથા પર હાથ રખાવીને બાળી મૂક્યો.

  ૫. હે પ્રભુ અમ (ભજનો ગાનારા અને સાંભળનારા) સર્વે પર દયા રાખજો, અને હંમેશાં સાચી દિશામાં ચાલીએ અને આપ સદા અમોને આપના શરણમાં રાખો એજ અભ્યર્થના.

  kedarsinhjim@gmail.com
  kedarsinhjim.blogspot.com

 15. પ્રકાશાનંદ ગીરી બાપુએ કુશળતા પૂર્વકની મહેનત કરી આખી રામાયણ ને ભજનનું રૂપ આપ્યું એની મહેનત ને હું મારા હૃદયથી બિરદાવું છું.

 16. વ્યથિત રામ

  શું વાત કહે હનુમાન, -સદા- વ્યથિત રહે મારો રામ
  લક્ષ્મણ લાલા બહુ સમજાવે, કશું ન આવે કામ.

  સોનાનો મૃગલો માર્યા પછી તો, ભાસે વન ભેંકાર
  પંચવટીમાં પગ જ્યાં ધર્યો ત્યાં, હૈયે હાહાકાર
  જનક નંદિની નજર ન આવે, મનમાં નહિ વિશ્રામ….

  શરદ પૂનમસી રાત હરી મન, અંધારા રેલાવે
  ચંદ્ર કિરણ જાણે તપતો સૂરજ, અગન જાળ ફેલાવે
  કોકિલ કંઠ અતિ કર્કશ લાગે, અંતર નહિ આરામ…

  વૃક્ષ લત્તાને પૂછે પ્રભુજી, કોઈ તો ભાળ બતાવો
  આકુળ વ્યાકુળ ફરે રામજી, કોઈ તો સંદેશો લાવો
  ખબર જે આપે વૈદેહીની, આપું અમૂલ્ય ઇનામ….

  રાખો ભરોસો આ રામ દૂત પર, દુખના દિવસો જાશે-માતા-
  જાણ થતાં હરી નિશ્ચય આવે, રાવણ રણમાં રોળાશે
  “કેદાર” કરુણાનિધિ કૃપા વરસાવી, હરશે દુખ તમામ…

  ભાવાર્થ- અશોક વટિકામાં માતા સીતાજીને જ્યારે હનુમાનજી મળ્યા, પોતાની ઓળખ આપ્યા પછી માતાજીએ બધા સમાચાર પૂછ્યા. શ્રી રામજીને સુવર્ણ મૃગ મારવા માટે મોકલ્યા પછીથી શું શું બન્યું તે બધુંજ વિગતે વાત કહેવા સીતા માતાએ કહ્યું ત્યારે હનુમાનજી બધાજ સમાચાર આપવા લાગ્યા.
  હે, મા, હું આપને શું સમાચાર આપું? મેં શ્રી રામજીના બધાજ ખબર સાંભળ્યા છે, શ્રી રામજીને મેં સદાએ ઉદાસ જોયા છે, જંગલમાં મૃગને તીર માર્યા પછી રામજીને આખું જંગલ જાણે ભેંકાર લાગવા માંડ્યું, એમાં પણ મૃગલાએ “લક્ષ્મણ દોડજો” એવી બૂમ પાડી ત્યારે રામજીને કંઈક કપટ લાગ્યું, દોડીને પંચવટીમાં પધાર્યા તો આપને ભાળ્યા નહિ ત્યારેતો તેમના મનમાં શોક અને ત્રાસની લાગણી ફેલાઈ ગઈ.
  મા, મેં અનુભવ્યું છે, શરદ પૂનમ જેવી ચાંદની ખીલી હોય, પણ શ્રી રામજીને ઘોર અંધારાં પાથરતી હોય એવું લાગે છે, અને તેની કિરણો તો જાણે ધોમ ધખતો સૂર્ય પૂર્ણ પ્રકોપથી અગ્નિ વરસાવતો હોય, અને કોકિલાનો મધુર મધુર અવાજ રામજીને કર્કશ લાગે છે, કોઈ પણ રીતે તેમના અંતરમાં આનંદ રહ્યો નથી.
  મા, શ્રી રામજી વ્યાકૂળ બનીને વૃક્ષોને, લત્તાઓને, અરે ગમે તેને પૂછ્યા કરે છે, કે કોક તો બતાવો આ મારી સીતા મને છોડીને ક્યાં જતા રહ્યા ! જો કોઈ મને મારી સીતાના ખબર આપશે તો હું તેને મોં માંગ્યું ઇનામ આપીશ.
  પણ મા, આપ આ રામના દૂત પર ભરોસો રાખજો, જરાએ દુખી ન થજો, હું રામજીને આપના ખબર આપીશ એટલે પ્રભુ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આપને લેવા અહિં પધારશે, અને જરૂર પડશે તો રાવણ સાથે યુદ્ધ કરવું પડશે તો પણ કરીને તેને પરાસ્ત કરશે અને આપને લઈ જશે, અને મા, આપના એ કરુણાનિધિ આપના સર્વે દુખને દૂર કરીને આનંદ વર્તાવશે.
  રચયિતકેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૫

 17. હૃદય મારું ખંખોળી જો

  સાખીઓ- કંઠમાં કૃષ્ણ ભક્તિ હો, અધર પર નામ અંબાનું,
  હૃદય માં રામ ની માળા, સદાએ સ્મરણ શંકરનું
  વિચારો માં સદા વિઠ્ઠલ, લોચનિયું લાલ ને નિરખે,
  ખયાલે ખલક નો ભરતા, ભજન ગાતાં હૈયું હરખે

  સકળ સંસાર રચનારા, માધવ મુજ ભાળ તો લઈ જો
  અંતર ઊંડાણમાં આવી, હૃદય, મારું ખંખોળી જો…..

  માનવનો જન્મ આપીને, છે આપ્યું રંગ મંચ મુજને
  નિભાવું પાત્ર હું મારું, સમજ થોડી તો આપી જો..

  કરું કોઈ કર્મ કાળા તો, ટપારો ટપલી મારીને
  બનીને રાહબર મારા, માધવતું, માર્ગ બતાવી જો…

  કદીક કરુણા કરી કેશવ, કહે જો માંગવા મુજને,
  ભજું બસ આપને ભૂધર, અનુભવ તું કરી તો જો…

  અગર અવકાશ કાઢીને, તું સમણામાં તો આવી જો,
  કરું બંધ દ્વાર નયનો ના, કરી છળ, ત્યાંથી છટકી જો…..

  કરી “કેદાર” પર કરુણા, જો આવે મન મંદિર મારે,
  ભુલાવું વાસ વૈકુંઠનો, પરોણો, તું બનીતો જો….

  ભાવાર્થ- હે ઈશ્વર, તેં આ સકળ સંસારની રચના કરી છે, એમાંનો એક હું પણ છું, ક્યારેક સમય કાઢીને મારા પર ધ્યાન તો દે! ક્યારેક મારા મન ની વાત પણ જાણી લે.
  હે ઈશ્વર, તેં મને દેવોને પણ દુર્લભ એવા માનવ કુળમાં જન્મ આપ્યો છે, અને આ ભારતની પવિત્ર ભૂમી જેવું રંગમંચ આપ્યું છે, પણ મારે અહિં જે પાત્ર ભજવવાનું છે તેની થોડી સમજ તો આપીદે ! જેથી હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકું.
  કદાચ કોઈ વખત મારાથી ભૂલ થઈ જાય અને હું અયોગ્ય કામ કરું તો તુરંત મને પાછો વાળજે, (ચિત્રગુપ્તના ચોપડે મારા લેખા જોખા થાય ત્યાં સુધી રાહ ન જોજે)
  તને મારા પર પ્રેમ આવે અને તું જો મને માંગવાનું કહે, તો હું તો બસ આપના ભજનમાં રાચતો રહું એજ માંગું. અને જો આપને ખાતરી કરવી હોય તો એકવાર વચન આપીને અનુભવ તો કરી જો ?
  હે ઈશ્વર, તને કદાચ સમય મળે અને જો મારા સ્વપ્નમાં આવે, તો હું મારી આંખ એવી તો બંધ કરી દંવ કે તને ત્યાંથી નીકળવાનો માર્ગજ ન મળે, તેં કૃષ્ણ બનીને અનેક છળ કપટ કર્યા છે, પણ હું તને અહિંથી છટકવાનો કોઈ મોકો નહિ આપું.
  હે ઈશ્વર, જો તું દયા કરે અને કદાચ મારા હ્રદયમાં આવીને વસે તો હું તને ખાત્રી આપું છું કે તારા એવા લાલન પાલન કરું કે તને ફરી વૈકુંઠ જવાનું યાદજ ન આવે.
  જય દ્વારિકેશ.

  રચયિતા-
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૫

 18. મંગલ કારી પ્રભુ

  ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા— જેવો

  મંગલ કર પ્રભુ મંગલ કારી, ભાવે ભજુ હું વનમાળી….

  આ સૃષ્ટિ તમારી ફૂલવાળી, ગહેકી મહેકી બહુ રઢિયાળી
  સૌ બાળ ગોપાલ તારી હરિયાળી, પ્રેમે થી કરો પ્રભુ રખવાળી…

  મન મંદિર મૂર્તિ તારી રહે, રોમે રોમે હરિનું નામ રહે
  કંઠે કેશવ નું ગાન રહે, શ્વાસો માં શિવ ધુન જાય ભળી…..

  પ્રભુ ભક્તિ તમારી ખૂબ કરું, કોઈ દુ:ખની ના ફરિયાદ કરું
  કર્મો ને મારા યાદ કરું, પ્રસાદ ગણી સૌ જાઉં ગળી…

  દિન રાત હું તારું ગાન કરું, આડું અવળું ના ધ્યાન ધરું
  ભક્તો ના દિલમાં ભાવ ભરું, કોઈ મોહ પર મનડું ન જાય લળી..

  “કેદાર” કરુણા ખૂબ કરો, ભક્તિ રસ મારા મનમાં ભરો
  અવગુણ સઘળા પ્રભુ દૂર કરો, સદા સંત સમાગમ જાય મળી…

  ભાવાર્થ- હે ઈશ્વર, આપ તો મંગલ ના કર્તા છો માટે સૌનું મંગલ કરો અને હું સદા માટે આપનું ભજન કરું એવી મારી મતી રાખો.
  આ સૃષ્ટિ આપની ફૂલવાળી છે, જે સદા મહેકતી અને સુગંધ ફેલાવતી રહે છે, જેમા આ નાના નાના બાળકો જાણે આપની ફૂલવાળીની હરિયાળી છે જેને આપ પ્રેમ થી રખેવાળી કરો છો.
  મારા મંદિર રૂપી મન માં આપની મૂરતી સદા બિરાજમાન રહે અને મારા રોમે રોમ માં આપનું નામ ગુંજતું રહે. મારા કંઠે હરદમ આપના નામનું ભજન રહે અને મારા દરેક શ્વાસમાં શિવજી ના નામની ધુન વહેતી રહે એવી આશા રાખુ છું.
  હું સદા આપની ભક્તિ કરતો રહું, મને કોઈ પણ દુખ હોય તો તે મારા કર્મોના ફળ સ્વરૂપે હોવાથી આપનો પ્રસાદ સમજીને સહર્ષ સ્વીકાર કરી લઉં.
  હે ઈશ્વર હું સતત તારું ભજન કરતો રહું અને કોઈ સંસાર ના ભૌતિક સુખ પર ધ્યાન આપ્યા વિના ભક્તો ના દિલમાં ભજન દ્વારા ભક્તિ રસ પીરસતો રહુ અને મારું મન કોઈ મોહ તરફ ઢળે નહીં તેનું ધ્યાન રાખું.
  મને આપનો સેવક માનીને મારા પર કરુણા કરતા રહેજો અને મારા મન માં અવિરત ભક્તિ રસ ટપકતો રહે, તેમજ મારા બધા અવગુણોને દૂર કરીને સદા સાચા સંતોની મારા પર કરુણા વરસતી રહે એજ અપેક્ષા.

  રચયિતા-
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૫

 19. મારી કૂડી કરણી

  સાખી-
  આપ્યો અવતાર આ જગત માં, કરવા ભવ સાગર પાર
  માયામાં મન લાગી રહ્યું, એળે ગયો અવતાર…
  ————————————————–
  પ્રભુજી મારી કરણી રહી નહીં સારી…
  કર્મ ધર્મનું કામ કર્યું નહીં, સેવા કરી નહી તમારી…

  મોહ માયામાં રહ્યો ભટકતો, વળગી દુનિયાદારી
  ભક્તિ માર્ગ પર પગલાં ભર્યા નહીં, યાદ આવ્યાં ન ગીરધારી….

  કુટુંબ કબીલા બાળ ગોપાલમાં, ખરચી જીંદગી સારી
  ધર્મ ધુરંધર ધ્યાને ચડ્યા નહીં, સંતોની વાણી લાગી ખારી…

  યમ રાજાની જાણે આવી નોટિસો, લાગે હવે અંત ની તૈયારી
  જીવન સઘળું એળે ખોયું મેં, સમજણ આવી હવે સારી..

  અનેક અધમને આપે ઉગાર્યા, હતાં નરાધમ ભારી
  અંતર અવાજે ગજને બચાવ્યો, સાંભળો અરજી મારી…

  આ સંસાર હવે ભાસે અસાર મને, લાગે જરા બહુ ખારી
  દીન “કેદાર”ની અરજી ધરી ઉર, લેજો શરણમાં મોરારી…

  રચયિતા-
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ-કચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૫

 20. रामायण के पुस्तके फ्री में
  संपर्क -८३६९१२३९३५

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: