ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ
12. નવમા અધ્યાયમાં આ જ ખાસ વાત છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો તે. કર્મ એવી ખૂબીથી કરો કે ફળની વાસના ચોંટે નહીં. આ વાત અખોડનું ઝાડ રોપવા જેવી છે. અખોડના ઝાડને પચીસ વરસે ફળ આવે છે. રોપનારને ફળ ચાખવાનાં ન મળે તોયે ઝાડ રોપવું ને તેને પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભક્તિયોગ એટલે શું ? ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ છે. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ એકઠા થઈને ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી છે. પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ ને ભક્તિયોગનું મધુરૂં મિશ્રણ એવી મારી વ્યાખ્યા છે. કર્મ કરવાનું ખરૂં પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળ ફેંકી દો એમ કહેવામાં ફળનો નિષેધ છે. અર્પણમાં એવું નથી. આ ઘણી સુંદર અવસ્થા છે.. તેમાં અપૂર્વ મીઠાશ છે. ફળનો ત્યાગ કરવાનો અર્થ એવો નથી થતો કે ફળ કોઈ લેનાર નથી. કોઈ ને કોઈ તે ફળ લેશે, કોઈકને પણ તે મળ્યા વગર રહેશે નહીં. પછી જેને એ ફળ મળે તે લાયક છે કે નથી એવા બધા તર્ક ઊઠયા વગર નહીં રહે. કોઈ ભિખારી આવે છે તો તેને જોઈ આપણે તરત કહીએ છીએ, ‘ ખાસો જાડોજબરો છે. ભીખ માગતાં શરમ નથી આવતી ? નીકળ અહીંથી ! ’ તે ભીખ માગે છે એ યોગ્ય છે કે નથી એ આપણે જોવા બેસીએ છીએ. ભિખારી બિચારો શરમાઈ જાય છે. આપણામાં સહાનુભૂતિનો પૂરેપૂરો અભાવ. એ ભીખ માગનારની લાયકાત આપણે કેવી રીતે જાણી શકવાના હતા?
13. નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, ‘ આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે. ’ ગીતામાંનો ‘ देशे काले च पात्रे च ’ ‘ દેશ, કાળ, ને પાત્ર જોઈ, ’ એ શ્લોક પણ મેં ટાંકી બતાવ્યો. માએ કહ્યું, ‘ જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે ? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે ? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે ’ માના આ જવાબનો જવાબ હજી મને સૂઝયો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત – ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારૂ માનવો ? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું ? રાજયોગ કહે છે, ‘ તારા કર્મનું ફળ કોઈ ને કોઈ તો ચાખનાર જ છે ને ? તો તે ઈશ્વરને જ આપી દે. તેને અર્પણ કર. ’
14. રાજયોગ યોગ્ય સ્થાન બતાવે છે. ફળનો ત્યાગ કરવાનું નિષેધાત્મક કર્મ પણ અહીં નથી અને ભગવાનને અર્પણ કરવાનું હોવાથી પાત્રાપાત્રતાના સવાલનો પણ ઉકેલ આવી જાય છે. ભગવાનને આપેલું દાન સદા સર્વદા શુદ્ધ જ છે. તારા કર્મમાં દોષ હશે તો પણ તેના હાથમાં જતાંવેંત તે પવિત્ર બનશે. આપણે ગમે તેટલા દોષ દૂર કરીએ તોયે આખરે થોડોઘણો દોષ રહી જ જાય છે. છતાં આપણાથી બને તેટલા શુદ્ધ થઈને કર્મ કરવું. બુદ્ધિ ઈશ્વરની આપેલી બક્ષિસ છે. તે જેટલી શુદ્ધ રીતે વાપરી શકાય તેટલી શુદ્ધ રીતે વાપરવાથી આપણી ફરજ છે. તેમ ન કરીએ તો આપણે ગુનેગાર ઠરીએ. તેથી પાત્રાપાત્રવિવેક પણ કરવો જ જોઈએ. ભગવદભાવનાથી તે વિવેક કરવાનું સરળ થાય છે.
15. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો. જે કાર્ય જેવું થાય તેવું ભગવાનને આપી દે. પ્રત્યક્ષ ક્રિયા જેમ જેમ થતી જાય તેમ તેમ ઈશ્વરને અર્પણ કરી મનની પુષ્ટિ મેળવતા જવું જોઈએ. ફળ ફેંકી દેવાનું નથી. તે ઈશ્વરને અર્પણ કરવું. બલકે, મનમાં પેદા થતી વાસના તેમ જ કામક્રોધ વગેરે વિકારો પણ ઈશ્વરને સુપરત કરી છૂટા થઈ જવું.
कामक्रोध आम्हीं वाहिले विठ्ठलीं
કામક્રોધ અમે ઈશ્વરને સુપરત કર્યા છે. અહીં સંયમાગ્નિમાં નાખીને વિકારોને બાળવાફાળવાની વાત જ નથી. તાબડતોબ અર્પણ કરીને છૂટા. કોઈ જાતની માથાફોડ નથી, મારામારી નથી.
रोग जाय दुधें साखरें । तरी निंब कां पियावा
દૂધ ને સાકરથી રોગ મટતો હોય તો કડવો લીમડો શા સારૂ પીવો ?
16. ઈન્દ્રિયો પણ સાધનો છે. તેમને ઈશ્વરને અર્પણ કરો. કહે છે કે કાન કાબૂમાં રહેતા નથી. તો શું સાંભળવાનું જ માંડી વાળવું ? સાંભળ, પણ હરિકથા જ સાંબળવાનું રાખ. કંઈ સાંભળવું જ નહીં એ વાત અઘરી છે. પણ હરિકથા સાંભળવાનો વિષય આપી કાનનો ઉપયોગ કરવાનું વધારે સહેલું, મધુર અને હિતકર છે. રામને તારા કાન સોંપી દે, મોંએથી રામનું નામ લે, ઈન્દ્રિયો કંઈ વેરી નથી. તે સારી છે. તેમનામાં ઘણું સામર્થ્ય છે. હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણબુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. આ જ રાજયોગ છે.