ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૨ – ભૂમિતિનું અને મીમાંસકોનું દ્રષ્ટાંત
20. હવે આ બેની તુલના કેવી રીતે કરવી ? કોઈક દાખલો આપીને જ તે કરવી પડશે. દાખલા આપી વાત સમજાવતાં કંઈક નીચે ઊતર્યા જેવું લાગે છે. પણ નીચે ઊતર્યા વગર છૂટકો નથી. સાચું જોવા જઈએ તો પૂર્ણ કર્મસંન્યાસ અથવા પૂર્ણ કર્મયોગ એ બંને કલ્પનાઓ આ દેહમાં સમાઈ શકે એવી નથી. એ કલ્પનાઓ આ દેહને ફોડી નાખે એવી છે. પણ એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચી ગયેલા મહાપુરૂષોના દાખલા લઈને આપણે આગળ ચાલવું પડશે. દાખલા મૂળ વાતના કરતાં કંઈક અધૂરા જ રહેવાના. પણ તે પૂર્ણ છે એવું ઘડીભર માની લઈએ.
21. ભૂમિતિમાં નથી કહેતા કે अ ब क એક ત્રિકોણ છે એમ ‘ ધારો ’ ધારો શા સારૂ ? ધારવાનું એટલા માટે કે એ ત્રિકોણમાંની રેખાઓ યથાર્થ રેખા નથી. મૂળમાં રેખાની વ્યાખ્યા જ એ છે કે તેને લંબાઈ હોય છે પણ પહોળાઈ નથી. પણ પહોળાઈ વગરની એવી લીટી પાટિયા પર દોરવી કેવી રીતે ? લંબાઈની સાથે પહોળાઈ આવ્યા વગર રહે કેમ ? જે રેખા દોરો તેની થોડી સરખી પહોળાઈ તો હશે જ. એથી ભૂમિતિશાસ્ત્રમાં રેખા मानी लीधा વગર ચાલતું નથી. ભક્તિશાસ્ત્રમાં પણ એવું નથી કે ? તેમાં પણ ભક્ત કહે છે કે આ નાનકડા શાલિંગ્રામના પિંડમાં સર્વ બ્રહ્માંડનો ધણી છે એમ मानो. કોઈ પૂછે કે આ શું ગાંડપણ માંડ્યું છે ? તો તેને કહો કે તારૂં આ ભૂમિતિનું શું ગાંડપણ છે ? ખાસી જાડી પહોળી લીટી દેખાય છે ને કહે છે, ‘ આ પહોળાઈ વગરની છે એમ માનો ! ’ એ શું ગાંડપણ લઈ બેઠા છો ? સૂક્ષ્મદર્શક કાચમાંથી જોઈએ તો ખાસી અરધો ઈંચ પહોળી દેખાશે.
22. જેમ તમે તમારા ભૂમિતિશાસ્ત્રમાં માની લો છો તેવી જ રીતે ભક્તિશાસ્ત્ર કહે છે કે માનો, આ શાલિગ્રામમાં પરમેશ્વર છે એવું માનો. ‘ પરમેશ્વર તો તૂટતો નથી, ફૂટતો નથી. તમારા શાલિગ્રામના કકડા ઊડી જશે. ઉપર કરૂં ઘા ? ’ એવું કોઈ કહે તો તે વિચારવાળું નહીં કહેવાય. ભૂમિતિમાં मानो ચાલે તો ભક્તિશાસ્ત્રમાં કેમ નહીં ? કહે છે બિંદુ છે એમ માનો. પછી પાટિયા પર બિંદુ કાઢે છે. અરે, બિંદુ શાનું, ખાસું વર્તુળ હોય છે ! બિંદુની વ્યાખ્યા એટલે બ્રહ્મની જ વ્યાખ્યા સમજી લેવી. બિંદુને નથી જાડાઈ, નથી લંબાઈ, નથી પહોળી, કંઈ જ નથી. પણ વ્યાખ્યા આવી કર્યા પછી પાટિયા પર કાઢ્યા વગર રહેતા નથી. બિંદુ કેવળ અસ્તિત્વ માત્ર છે. તે ત્રિપરિમાણ વગરનું છે. સારાંશ, સાચો ત્રિકોણ, સાચું બિંદુ વ્યાખ્યામાં જ છે. પણ આપણે માનીને ચાલવું પડે છે. ભક્તિશાસ્ત્રમાં ન ફૂટનારો સર્વવ્યાપી ઈશ્વર માનીને ચાલવું પડે છે. આપણે પણ એવા જ કાલ્પનિક દાખલાઓ લઈ સરખામણી કરવાની છે.
23. મીમાંસકોએ તો વળી જબરી મજા કરી છે. ઈશ્વર ક્યાં છે એ વાતની મીમાંસા કરતાં એ લોકોએ મજાનું વિવરણ કર્યું છે. વેદમાં ઈંદ્ર, અગ્નિ, વરૂણ વગેરે દેવો છે. આ દેવોની બાબતમાં મીમાંસામાં વિચાર થાય છે ત્યારે એક સવાલ એવો પૂછવામાં આવે છે કે, ‘ આ ઈંદ્ર કેવો છે, તેનું રૂપ કેવું છે અને તે રહે છે ક્યાં ? ’ મીમાંસકો જવાબ આપે છે, ईंद्र શબ્દ એ જ ઈંદ્રનું રૂપ. ईंद्र શબ્દમાં જ તે રહે છે. ई ને તેના પર અનુસ્વાર અને પછી द्र એ ઈંદ્રનું સ્વરૂપ છે. એ જ તેની મૂર્તિ છે, એ જ પ્રમાણ છે. વરૂણ દેવ કેવો ? એવો જ. પહેલો व પછી रू પછી ण. વ-રૂ-ણ એ વરૂણનું રૂપ. એ પ્રમાણે અગ્નિ વગેરે દેવોનું સમજવું. એ સર્વ દેવો અક્ષરરૂપધારી છે. દેવ બધાયે, અક્ષરમૂર્તિ છે એ કલ્પનામાં, એ વિચારમાં ખૂબ મીઠાશ છે. દેવ એ કલ્પના છે. એ વસ્તુ કોઈ આકારમાં સમાઈ શકે એવી નથી. તે કલ્પના બતાવવાને અક્ષર જેટલી ને જેવડી જ નિશાની પૂરતી છે. ઈશ્વર કેવો છે ? તો કહે છે પહેલાં ई પછી श्व અને પછી र પછી ± એ તો હદ કરી. ± એ એક અક્ષર એટલે જ ઈશ્વર. ઈશ્વરને એક સંજ્ઞા જ કરી આપી. આવી સંજ્ઞાઓ નિર્માણ કરવી પડે છે. મૂર્તિમાં, આકારમાં, આ વિશાળ કલ્પનાઓ માતી નથી. પણ માણસની ઈચ્છા બહુ જોરાવર છે. તે આ કલ્પનાઓને મૂર્તિમાં બેસાડવાની કોશિશ કર્યા વગર રહેતો નથી.