ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૯ – મંગળ દ્રષ્ટિ
16. ત્રીજી બાબત, સમદ્રષ્ટિ હોવી. સમદ્રષ્ટિનું બીજું નામ શુભદ્રષ્ટિ છે. શુભદ્રષ્ટિ કેળવાયા સિવાય ચિત્ત કદી એકાગ્ર નહીં થાય. આવો મોટો જબરો વનરાજ સિંહ પણ ચાર ડગલાં ચાલે છે ને પાછું વળીને જુએ છે. હિંસક સિંહની એકાગ્રતા ક્યાંથી થાય ? વાઘ, કાગડા, બિલાડી, એ બધાંની આંખ એકસરખી ફર્યા કરે છે. તેમની નજર હમેશ બેબાકળી હોય છે. હિંસ્ર જાનવરની સ્થિતિ એવી જ હોય, સામ્યદ્રષ્ટિ કેળવાવી જોઈએ. આ આખી સૃષ્ટિ મંગલ ભાસવી જોઈએ. મારો મારી જાત પર છે તેવો જ આખી સૃષ્ટિ પર ભરોસો હોવો જોઈએ.
17. અહીં બીવા જેવું છે શું ? બધું શુભ ને પવિત્ર છે. विष्वं तद् भद्रं यदवन्ति देवाः
– આ બધું વિશ્વ મંગળ છે કારણ પરમેશ્વર તેને સંભાળે છે. ઈંગ્લંડના કવિ બ્રાઉનિંગે એવું જ કહ્યું છે : ‘ ઈશ્વર આકાશમાં વિરાજમાન છે અને દુનિયા બધી બરાબર ચાલે છે.’ દુનિયામાં કશું બગડેલું નથી. બગડ્યું હોય તો મારી દ્રષ્ટિ બગડી છે. જેવી મારી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હું લાલ રંગનાં ચશ્માં પહેરૂં તો સૃષ્ટિ લાલ દેખાશે, ભડકે બળતી હોય એવી દેખાશે.
18. સ્વામી રામદાસ રામાયણ લખતા ને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારૂતિ પણ તે સાંભળવાને ગુપ્તરૂપે આવીને બેસતા. સમર્થે લખ્યું હતું કે, ‘મારૂતિ અશોક વનમાં ગયો. ત્યાં તેણે ધોળાં ફૂલ જોયાં. ’ એ સાંભળતાં વેંત મારૂતિએ છતા થઈને કહ્યું, ‘ મેં ધોળાં ફૂલ જરા પણ જોયાં નથી. મેં જોયેલાં તે ફૂલ લાલ હતાં. તમે ખોટું લખ્યું છે. તે સુધારો. ’ સમર્થે કહ્યું, ‘ મેં લખ્યું છે તે બરાબર છે. તેં ધોળાં જ ફૂલ જોયાં હતાં. ’ મારૂતિએ કહ્યું, ‘ હું પંડે ત્યાં જનારો તે હું કહું તે ખોટું ? ’ છેવટે તકરાર રામરાજાની પાસે પહોંચી. રામચંદ્રે કહ્યું, ‘ ફૂલ ધોળાં જ હતાં. પણ મારૂતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઈ હતી. તેથી તે ધોળાં સફેદ ફૂલો તેને લાલ લાલ દેખાયાં. ’ આ મીઠી વાર્તાનો સાર એટલો જ કે દુનિયા તરફ જોવાની આપણી જેવી દ્રષ્ટિ હશે તેવી દુનિયા આપણને દેખાશે.
19. આ સૃષ્ટિ શુભ છે એવી મનને ખાતરી નહીં થાય તો ચિત્તની એકાગ્રતા પણ નહીં થાય. સૃષ્ટિ બગડેલી છે એવું જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી વહેમનો માર્યો હું ચારેકોર નજર ફેરવ્યા કરીશ. કવિઓ પંખીઓની સ્વતંત્રતાનાં ગીતો ગાય છે. તેમને કહો કે એક વાર પંખી બનીને જોશો તો એ સ્વતંત્રતા કેવી છે, તેની કિંમત કેટલી છે તેની ખબર પડશે. પંખીની ડોક એકસરખી આગળપાછળ ફરતી રહે છે. તેને કાયમ બીજાની બીક લાગ્યા કરે છે. ચકલીને એક બેઠક પર બેસાડી જુઓ. તે શું એકાગ્ર થઈ શકશે ? હું જરા પાસે જઈશ એટલે ઊડી જશે. તેને થશે કે આ મારા માથામાં પથરો મારવા તો નથી આવ્યો ? આખી દુનિયા ભક્ષક છે, સંહાર કરવાવાળી છે એવી બિહામણી કલ્પના જેના મનમાં ઘર કરી ગઈ છે તેને શાંતિ કેવી ? મારો બચાવ કરનારો કોઈ હોય તો હું જાતે એકલો, બાકી સૌ ભક્ષક છે એ ખ્યાલ નાબૂદ થયા સિવાય એકાગ્રતા થઈ શકવાની નથી. સમદ્રષ્ટિની ભાવના કેળવવી એ જ એકાગ્રતા સિદ્ધ કરવાનો સારામાં સારો ઈલાજ છે. સર્વત્ર માગલ્ય જોતાં શીખો એટલે આપોઆપ ચિત્તશાંતિ આવી મળશે.
20. ધારો કે કોઈક એક દુઃખી માણસ છે. તેને ખળખળ વહેતી નદીને કાંઠે લઈ જાઓ. તે સ્વચ્છ, શાંત પાણી તરફ જોઈ તેના મનનો તડફડાત ઓછો થશે. તે પોતાનું દુઃખ વિસરી જશે. પાણીના એ ઝરામાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી ? પરમેશ્વરની શુભ શક્તિ તેનામાં પ્રગટ થઈ છે. વેદમાં પાણીના ઝરાનું મજાનું વર્ણન છે : ‘ अतिष्ठन्तीनाम् अनिवेशनानाम् ’ – કદી ન ઊભા રહેનારા ને વિસામા વગરના. ઝરો અખંડ વહ્યા કરે છે. તેને પોતાનું એવું ઘરબાર નથી. તે સંન્યાસી છે. આવો એ પવિત્ર ઝરો મારા મનને એક ક્ષણમાં એકાગ્ર કરે છે. આવા સુંદર ઝરાને જોઈ મારા મનમાં પ્રેમનો, જ્ઞાનનો ઝરો હું કેમ નિર્માણ ન કરૂં ?
21. બહારનું આવું આ જડ પાણી પણ મારા મનને શાંત કરી શકે તો મારા મનની ખીણમાં ભક્તિ-જ્ઞાનનો ચિન્મય ઝરો વહેતો થાય એટલે મને કેટલી બધી શાંતિ મળે ? મારો એક મિત્ર પહેલાં હિમાલયમાં કાશ્મીરમાં ફરતો હતો. ત્યાંથી તે ત્યાંના પવિત્ર પર્વતોનાં અને સુંદર પ્રવાહોનાં વર્ણનો લખી મોકલતો. મેં તેને જવાબમાં લખ્યું, “ જે ઝરા, જે પર્વત અને જે શુભ પવનો ત્યાં તને અનુપમ આનંદ આપે છે તે બધાયનો અનુભવ હું મારા હ્રદયમાં કરી શકું છું. મારી અંતઃસૃષ્ટિમાં એ આખું રમણીય દ્રશ્ય હું રોજ જોઉં છું. મારા હ્રદયમાંનો ભવ્ય દિવ્ય હિમાલય છોડી તું મને બોલાવે તો પણ હું ત્યાં આવવાનો નથી. ‘ स्थावरोमां હું हिमालय ’ – સ્થિરતાની મૂર્તિ તરીકે જે હિમાલયની ઉપાસના સ્થિરતા લાવવાને માટે કરવાની છે તે હિમાલયનું વર્ણન વાંચી હું મારૂં કર્તવ્ય છોડી દઉં તેનો અર્થ શો ? ”
22. સારાંશ, ચિત્ત જરા શાંત કરો. સૃષ્ટિ તરફ મંગળપણે નીરખવાનું રાખો એટલે હ્રદયમાં અનંત ઝરા વહેતા થશે. કલ્પનાના દિવ્ય તારા હ્રદયાકાશમાં ચમકવા માંડશે. પથ્થરની અને માટીની શુભ વસ્તુઓ જોઈ ચિત્ત શાંત થાય છે તો અંતઃસૃષ્ટિમાંનાં દ્રશ્યો જોઈ નહીં થાય ? સાંજે સમુદ્રકિનારે બેઠો હતો. તે અપાર સાગર, તેની ઘૂઘવતી ગર્જના, સાયંકાળનો વખત એને હું તદ્દન સ્તબ્ધ બેઠો હતો. મારો મિત્ર સમુદ્રને કાંઠે જ મારે ખાવાને માટે ફળ વગેરે લઈને આવ્યો. તે વખતે તે સાત્ત્વિક આહાર પણ મને ઝેર જેવો લાગ્યો. સમુદ્રની તે ગર્જના મને ‘मामनुस्मर युध्य च ’ માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ, એ ગીતાવચનની યાદ આપતી હતી. સમુદ્ર એકધારૂં સ્મરણ કરતો હતો ને કર્મ કરતો હતો. એક મોજું આવ્યું ને ગયું. ફરી બીજું આવ્યું. પળભર પણ વિસામાની વાત નહોતી. તે દેખાવ જોઈને મારી ભૂખતરસ ઊડી ગઈ હતી. એવું એ સમુદ્રમાં હતું શું ? તે ખારાં પાણીનાં મોજાં ઊછાળતાં જોઈ મારૂં હ્રદય ભાવનાથી ઊભરાઈ ગયું તો જ્ઞાનપ્રેમનો અથાગ સાગર હ્રદયમાં ઊછળવા માંડે ત્યારે હું કેવો નાચી ઊઠું ! વેદોના ઋષિના દિલમાં એવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો. –
’अंतः समुद्रे ह्रदि अंतरायुषि
घृतस्य धारा अभिचाकशीभि
समुद्रादूर्मिर्मधुमानुदारत् । ’
આ દિવ્ય ભાષા પર ભાષ્ય લખતાં બિચારા ભાષ્યકારોના નવનેજા થયા છે. આ ઘીની ધારા કઈ ? મધની ધારા કઈ ? મારા અંતઃસમુદ્રમાં શું ખારાં મોજાં ઉછાળા મારતાં હશે ? ના ના. મારા હ્રદયમાં દૂધનાં, ઘીનાં, મધનાં મોજાં ઊછળી રહ્યાં છે.