ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી – ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

મિત્રો,
આજે મારા ખાસ મિત્ર પ્રવીણભાઈ ભટ્ટ દ્વારા ઈ-મેઈલમાં સૌરાષ્ટ્રની ધરાના મહિમાનું યશોગાન કરતું સુંદર ગીત મળ્યું.મને થયું કે સહુની સાથે વહેંચુ એટલે કે ગમતાનો ગુલાલ કરું.


પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ઉદરમાં અરુણને ધારતી ઊજળી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીરસંતાપહરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

હ્રદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભગર ભેંશો વડી હાથણી જેવડી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
મેર આહિર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા આથડે
બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

કડક ધરતી જહાં ખડકની આકરી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં
સંપદા પામીયો જ્યાં સુદામો
વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા
સતી અને સંતનો જ્યાં વિસામો
ગામે ગામ ઊભા સ્થંભ પોકારતા
શૂરના ગુણની ગાથા વરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભક્તિ ને શૌર્યને રંગે રોળાઈ જ્યાં
ગુર્જરી ગુણગંભીર ગીરા
ગીતસાગર મહીં મસ્ત એ મલપતી
અલપતી મધુર આલાપ ધીરા
ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં
પંચમો વેદ દુહો સુચરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | 5 Comments

Post navigation

5 thoughts on “ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી – ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

 1. ૧૯૪૮માં આ કવિતા અમારે ત્રીજા ધોરણના પાઠ્ય પુસ્તકમાં હતી. રાજકોટની તાલુકાસ્કુલ જે હવે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા તરીકે ઓળખાય છે (સદરબજારમાં છે)
  તેની યાદ તાજી થઇ. અતિ આનંદ થયો. આભાર.

 2. khubaj saras
  mane bahu gamyu …..
  aa aakhi kavita to bhagyej kaik mali shake

 3. Harshad Chauhan

  I was searching this song since long. I am so happy

  Harshad Chauhan

 4. hitesh shah

  Joaaapni pase aa kavita gayeli hoy to mokalava vinanti

 5. Jay hirapara

  હું ઘણા સમય સુધી આ કવિતાની શોધમાં હતો. આ કવિતા વાંચ્યા પછી ખુબ આનંદ થયો, આ ગુજરાતી સાહિત્યની એક અણમોલ કવિતા છે. આવા કવીઓના લીધેજ હજીપણ વેસ્ટનઁ સંસ્કૃતિની વચે ગુજરાતી લોકસાહિત્ય અમર છે. હું તેમને શતશત નમન કરૂ છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: