Daily Archives: 06/12/2008

આત્મોદ્ધારની આકાંક્ષા – (25)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૫ – આત્મોદ્ધારની આકાંક્ષા

1. માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમ જ વિચારથી આપણે પાંચમાં અધ્યાયમાં જોઈ શક્યા. કર્મ, વિકર્મ અને આકર્મ મળીને સર્વ સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મકર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે. કર્મ ને વિકર્મ બંને જોઈએ. એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. પાછલા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ જ થઈ જાય છે. હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. હવે પછીના અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાનાં સાધનો વિચારવાનો છે.

2. કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ, ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે. એક ગૃહસ્થે મને કહ્યું, ‘ હું કંઈ સાધુ નથી. ’ એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતાં જે કેટલાંક પ્રાણી છે તેમાંના પોતે નથી. જેવાં ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવાં સાધુ નામનાં પણ જાનવરો છે, અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે. બાકીના બીજા વહેવારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા, આચાર પણ જુદા ! આ ખ્યાલને લીધે સાધુસંતો અને વહેવારૂ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે. ગીતારહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વહેવારૂ લોકોને માટે છે એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું. ભગવદ્ગીતા તમામ દુનિયાને સારૂ છે. પરમાર્થમાં આવતું એકેએક સાધન હરેક વહેવારૂ માણસને માટે છે. આપણો વહેવાર શુદ્ધ તેમ જ નિર્મળ થાય અને મનને સમાધાન તેમ જ શાંતિ કઈ પેરે મળે એ વાત પરમાર્થ શીખવે છે. વહેવાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે ગીતા છે. તમે જ્યાં જ્યાં વહેવાર કરો ત્યાં બધે ગીતા આવે છે. પણ તે તમને ત્યાં ને ત્યાં રહેવા દેવા માગતી નથી. તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામે પહોંચાડશે. પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે ‘ पर्वत महमद पासे आवतो नहीं होय तो महमद पर्वत पासे जशे. ’ પોતાનો સંદેશો જડ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહમદને છે. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહમદ બેસી રહેવા માગતો નથી. એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દૂબળો, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે. માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે.

3. એથી, હું જડ છું, વહેવારિયો છું, સંસારી જીવ છું એવું એવું કહીને તમારી આજુબાજુ વાડ ઊભી ન કરશો. મારાથી શું થાય, આ સાડાત્રણ હાથના દેહમાં જ મારૂં સારસર્વસ્વ છે એમ કહેશો મા. આ બંધનોની દીવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓ વર્તે છે તેમ વર્તશો મા. આગળ વધવાની, ઊંચે ચડવાની હિંમત રાખો. ‘ उद्धरेदात्मनात्मामनं नात्मानमवसादयेत् ’ હું મારી જાતને ખચીત ઊંચે લઈ જનાર છું એવી હિંમત રાખો. હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિ હણો મા. કલ્પનાની પાંખો તોડી નાખશો મા. કલ્પનાને વિશાળ કરો. ચંડોળનું એવું નથી કે ? સવારમાં સૂર્યને જોઈને તે કહે છે, હું ઊંચે ઊડીને સૂર્યને પહોંચીશ. આપણું પણ એમ જ હોવું જોઈએ. પોતાની કમજોર પાંખો વડે ચંડોળ ગમે તેટલું ઊંચે ઊડશે તોયે સૂર્યને કેવી રીતે પહોંચશે ? પણ કલ્પનાની શક્તિથી સૂર્યને તે જરૂર પહોંચી શકે છે. આપણે સૌ એથી ઊલટી રીતે ચાલીએ છીએ. આપણે જેટલા ઊંચે જઈ શક્યા હોત તેટલુંયે ન જતાં કલ્પનાની, ભાવનાની આડે બંધારો બાંધી દીધો હોવાથી આપણે પંડે થઈને આપણી જાતને નીચી પાડીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખો તો નીચે પડવા સિવાય બીજું શું થાય ? કલ્પનાનો ઝોક હમેશ ઉપર રહેવો જોઈએ. કલ્પનાની સહાયથી માણસ આગળ જાય છે. તેથી કલ્પનાને સંકોચી ન નાખશો. ‘ धोपट मार्गा सोडुं नको, संसारामधिं ऐस आपुला उगाच भटकत फिरूं नको ’ – ધોરી રસ્તો છોડીશ મા, તું તારે સંસારને જ વળગી રહે અને નાહકનો ભટકી મરીશ મા, એવાં રોદણાં રડ્યા કરશો મા. આત્માનું અપમાન ન કરશો. સાધકોમાં વિશાળ કલ્પના હશે. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. એમ કરવાથી જ ઉદ્ધાર થશે. પણ “ ધર્મ કેવળ સંતોને સારૂ છે, સંતોની પાસે જવાનું તે પણ ‘ તમારી ભૂમિકામાં તમે જે રીતે વર્તો છો તે જ બરાબર છે ’ એવું તેમની પાસે પ્રશસ્તિપત્ર લેવા પૂરતું જવાનું, ” એવા એવા ખ્યાલોને છોડી દો. આવા ભેદાત્મક ખ્યાલો રાખી જાતને બાંધી ન લો. ઊંચી આકાંક્ષા રાખ્યા વગર આગળ પગલું કદી ઊપડવાનું નથી. આ દ્રષ્ટિ, આ આકાંક્ષા, આવી મહાન ભાવના હોય તો પછી સાધનો શોધવાની પંચાત જરૂરી થાય. નહીં તો વાત ત્યાંથી જ પૂરી થઈ જાણવી. બહારના કર્મના સાથમાં માનસિક સાધન વિકર્મનું કહ્યું છે. કર્મની મદદમાં વિકર્મ હમેશ રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા. આ છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાનું શરૂ થાય છે. માનસિક સાધનાની વાત સમજાવતાં પહેલાં ગીતા કહે છે કે, ‘ અરે જીવ ! તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ. ’ સાધનાના, વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાનવિજ્ઞાન, ગુણવિકાસ, આત્માનાત્મવિવેક વગેરે નાના પ્રકારો છે. છઠ્ઠા અદ્યાયમાં ધ્યાનયોગ નામનો સાદનાનો પ્રકાર વર્ણવ્યો છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

મા સ્વયં ગીત છે – સુરેશ દલાલ

માનો પ્રેમ જાણવો, માણવો અને વખાણવો એ અલગ વાત છે અને ‘મા હોવું’ એ અનન્ય અનુભવ છે.

‘મા’ સ્વયં ગીત છે. એ ગીત આપણા કાન સાંભળે તેમ ગુંજવાનું હોય છે. આપણા અસ્તિત્વની આસપાસ મા હમ્મેશા એક આબોહવા રૂપે હવાની જેમ હોય છે. રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ માતાનો તો ખોળો જ મળે.

મા જાણે ઈશ્વરની જેમ અંતર્યામી છે, સંતાનને શું જોઈએ છે તે એ કોઠાસૂઝથી જાણે છે.

– સુરેશ દલાલ
(“માતા-મહાતીર્થ” માંથી સાભાર)

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

અરે આમાં બની બેઠા બાવા – (65)

રાગઃ- હિંચમાં

અરે આમાં બની બેઠા બાવા,ઠગારા ઠગીને જગમાં ખાવા –ટેક

આડંબર ઉપલો અતિ દેખાડે, સિધ્ધના કરે બહુ દાવા
વૈરાગવૃત્તિમાં રેઢાં રમે ઇ, ફરે જગમાં ચરી ખાવા –1

નારી મૂઇને સંપતિ નાસી, ન રહ્યું આવવા કે જાવા
વિપતી વૈરાગે છોડી સંસારમાં, ભોળી દુનીયા ભરમાવા –2

શાંતિ વિના પછી ફરે સંસારમાં, માગીને ટુકડા ખાવા
દુઃખી થઇને ફરે દુનિયામાં, ખોટા બોલીને ખાવા –3

દિલના સાધુ કોઇ બને દુનિયામાં, લાખોમાં વીરલા આવા
ભજનપ્રકાશ કહે સત્યના સાધુને,ચોરાસીના ફેરા નહીં ખાવા-4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.