ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૩ – સંન્યાસી અને યોગી બંને એક જ છેઃ શુક-જનકની જેમ
૨4. સંન્યાસ અને યોગ એ બે બહુ જ ઊંચા કૂદકા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી. દેહમાં એ ધ્યેય સમાય એવાં નહીં હોય તોયે વિચારમાં સમાય એવાં છે. પૂર્ણ યોગી ને પૂર્ણ સંન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના. પણ દાખલા લેખે એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચેલી વ્યક્તિઓને લઈ ભૂમિતિમાં કહીએ છીએ તેમ કહીશું કે અમુકને પૂર્ણ સંન્યાસી અને અમુકને પૂર્ણ યોગી માનો. સંન્યાસીનો દાખલો આપતાં શુક-યાજ્ઞવલ્ક્યનાં નામ લેવામાં આવે છે. જનક-શ્રીકૃષ્ણ એ કર્મયોગી છે એમ ખુદ ભગવદગીતામાં કહ્યું છે. લોકમાન્યે તો गीतारहस्य માં એક આખી યાદી આપી છે. ‘ જનક, શ્રીકૃષ્ણ વગેરે આ રસ્તે ગયા. શુક, યાજ્ઞવલ્ક્ય વગેરે આ રસ્તે ગયા. ’ પણ થોડો વિચાર કરતાં માલૂમ પડશે કે પાટી પર લખેલું જેમ ભીનો હાથ ફેરવીને ભૂંસી નાખી શકાય તેમ આ યાદીઓ ભૂંસી શકાય તેવી છે. યાજ્ઞવલ્ક્ય સંન્યાસી હતો અને જનક કર્મયોગી હતો. એટલે સંન્યાસી યાજ્ઞવલ્ક્યનો કર્મયોગી જનક શિષ્ય હતો. પણ એ જ જનકનો શિષ્ય શુકદેવ સંન્યાસી નીકળ્યો, યાજ્ઞવલ્ક્યનો શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ. સંન્યાસી, કર્મયોગી, સંન્યાસી એવી એ માળા છે. એનો અર્થ એટલો કે યોગ અને સંન્યાસ એક જ પરંપરામાં આવે છે.
25. શુકદેવને વ્યાસે કહ્યું, “ અલ્યા શુક, તું જ્ઞાની છે. પણ ગુરૂની છાપ તને મળી નથી. તું જનક પાસે જા.” શુકદેવ નીકળ્યા. જનક ત્રીજે માળે દીવનખાનામાં હતા. શુક વનના રહેનારા તે નગર જોતા જોતા ચાલ્યા. જનકે શુકદેવને પૂછ્યું, ‘ કેમ આવ્યો ? ’ શુકે કહ્યું, ‘ જ્ઞાન માટે. ’ ‘ કોણે મોકલ્યો ? ’ ‘ વ્યાસે.’ ‘ ક્યાંથી આવ્યો ? ’ ‘ આશ્રમમાંથી. ’ ‘ આશ્રમમાંથી આવતાં આવતાં અહીં બજારમાં શું જોયું ? ’ ‘ જ્યાં ત્યાં બસ ખાંડની મીઠાઈ માંડી રાખેલી જોવાની મળી.’ ‘ બીજું શું ? ’ ‘ બોલતાંચાલતાં ખાંડનાં પૂતળાં દીઠાં. ’ ‘ પછી આગળ શું જોયું ? ’ ‘ અહીં આવતાં ખાંડનાં કઠણ પગથિયાં ચડીને આવ્યો. ’ ‘ આગળ શું ? ’ ‘ ખાંનાં ચિત્રો અહીં પણ બધે જોયાં. ’ ‘ હવે શું જુએ છે ? ’ ‘ એક ખાંડનું પૂતળું ખાંડના બીજા પૂતળા સાથે વાત કરે છે.’ જનકે કહ્યું, ‘ જાઓ, તમને બધું જ્ઞાન મળી ગયું છે. ’ જનકની સહીનું પ્રમાણપત્ર જોઈતું હતું તે મળી ગયું. વાતનો મુદ્દો એટલો કે કર્મયોગી જનકે સંન્યાસી શુકદેવને શિષ્ય તરીકે સફળ ગણ્યો. શુકદેવ સંન્યાસી, પણ બીજી આ પ્રસંગની ખૂબી જુઓ. પરીક્ષિતને શાપ મળ્યો કે, ‘ તું સાત દિવસ રહીને મરી જશે. ’ પરીક્ષિતને મરણની તૈયારી કરવી હતી. કેમ મરવું એ બતાવનારો ગુરૂ તેને જોઈતો હતો. તેમે શુકદેવની માગણી કરી. શુકદેવ આવીને બેઠા. અને ૨૪ x ૭ = ૧૬૮ કલાક સુધી એકી પલાંઠીએ બેસીને ભાગવત સંભળાવ્યું. તેણે પોતાની પલાંઠી છોડી નહીં. એકધારી કથા કહેતા હતા. આમાં ખાસ શું છે ? એટલું કે સાત દિવસ તેમની પાસેથી એકધારી મહેનત લીધી છતાં તેમને તેનું કશું લાગ્યું નહીં. સતત એકધારૂં કર્મ કર્યું હોવા છતાં તે કર્મ જાણે કે પોતે કરતા જ નહોતા. થાક કે મહેનતની લાગણી ત્યાં નહોતી. સારાંશ, સંન્યાસ અને કર્મયોગ જુદા છે જ નહીં.
26. તેથી ભગવાન કહે છે, ‘ एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ’ – સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તેને જ સાચું રહસ્ય સમજ્યો જાણવો. એક ન કરતો છતો કરે છે અને એક કરતો છતો કરતો નથી. જે સાચો મહાન સંન્યાસી છે, જેની સદા સમાધિ લાગી રહી છે, જે કેવળ નિર્વિકાર છે એવો સંન્યાસી પુરૂષ દસ દિવસ આપણી વચ્ચે આવીને રહે પછી શું થાય તે જોજો. તે કેટલો પ્રકાશ, કેટલી સ્ફૂર્તિ આપશે ! વરસો સુધી ઢગલેઢગલા કામ કરવા છતાં જે પાર પડ્યું નહીં હોય તે તેના માત્ર દર્શનથી, તેના કેવળ અસ્તિત્વથી પાર પડશે. માત્ર ફોટો જોવાથી મનમાં પાવનતા ઉત્પન્ન થાય છે, મરણ પામેલા લોકોનાં ચિત્રોથી ભક્તિ, પ્રેમ, પવિત્રતા હ્રદયમાં પેદા થાય છે, તો પછી જીવંત સંન્યાસીના દર્શનથી કેટલી બધી પ્રેરણા મળે !
27. સંન્યાસી અને યોગી બંને લોકસંગ્રહ કરે છે. એકનામાં બહારથી કર્મનો ત્યાગ દેખાતો હોવા છતાં એ કર્મત્યાગમાં ઠાંસીને કર્મ ભરેલું હોય છે. તેમાં પાર વગરની, અનંત સ્ફૂર્તિ ભરેલી છે. જ્ઞાની સંન્યાસી અને જ્ઞાની કર્મયોગી બંને એક જ સિંહાસન ઉપર બેસવાવાળો છે. સંજ્ઞા જુદી જુદી હોવા છતાં અર્થ એક છે, એક જ તત્વના એ બે પ્રકાર છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નહીં પણ સ્થિર ઊભું હોય એવું દેખાય છે. જે સંન્યાસી છે તેનું પણ એવું જ હોય છે. તેની શાંતિમાંથી, સ્થિરતામાંથી અનંત શક્તિ, અપાર પ્રેરણા બહાર પડે છે. મહાવીર, બુદ્ધ, નિવૃત્તિનાથ એ બધા એવી વિભૂતિઓ હતા. સંનાયાસીની બધી મહેનત એક આસન પર સ્થિર થયેલી હોવા છતાં તે પ્રચંડ કર્મ આચરે છે. સારાંશ, યોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે યોગી. બંને વચ્ચે જરા સરખો ફેર નથી. શબ્દ જુદા પણ અર્થ એક જ છે. જેમ પાણો એટલે પથ્થર અને પથ્થર એટલે પાણો તેમ કર્મયોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે કર્મયોગી.