ગોપી ગીત

જયતિ તેSધિકં જન્મના વ્રજઃ
શ્રયત ઈન્દિરા શશ્વદત્ર હિ |
દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકા-
સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે || ૧ ||

‘પ્યારા શ્યામસુંદર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌન્દર્ય અને મૃદુલતાનાં દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યાં છે, વ્રજની સેવા કરવા લાગ્યાં છે. પરંતુ પ્રિયતમ્ જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન-વન ભટકતી તમને શોધી રહી છે. (૧)

શરદુદાશયે સાધુજાતસત્
સરસિજોદરશ્રીમુષા દૃશા |
સુરતનાથ તેSશુલ્કદાસિકા
વરદ નિઘ્નતો નેહ કિં વધઃ || ૨ ||

અમારા પ્રેમપૂર્ણ હ્રદયના નાથ! અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતાં નેત્રો વડે તમે અમને ઘાયલ કરી છૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ! શું નેત્રોથી હણવા એ વધ નથી? (૨)

વિષજલાપ્યાદ્ વ્યાલરાક્ષસાદ્
વર્ષમારૂતાદ્ વૈદ્યુતાનલાત્ |
વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયા-
દૃષભ તે વયં રક્ષિતા મુહુઃ || 3 ||

સર્વોત્કૃષ્ટ દેવ! યમુનાજીના ઝેરી જળથી, અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી, ઈન્દ્રનો વૃષ્ટિપ્રકોપ, આંધી, વીજળી, દાવાનલ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. (૩)

ન ખલુ ગોપિકાનન્દનો ભવા-
નખિલદેહિનામન્તરાત્મદૃક્
વિખનસાSર્થિતો વિશ્વગુપ્તયે
સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે || ૪ ||

તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હ્રદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા! બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે.

વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે
ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ |
કરસરોરુહં કાન્ત કામદં
શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ્ || ૫ ||

પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશશિરોમણી! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારના ચકરાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારાં કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ્ બધાની લાલસા, અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર પધરાવો. (૫)

વ્રજજનાર્તિહન્ વીર યોષિતાં
નિજજનસ્મયધ્વંસનસ્મિત |
ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો
જલરુહાનનં ચારુ દર્શય || ૬ ||

વ્રજવાસીઓના દુઃખ દુર કરનારા વીરશિરોમણી શ્યામસુંદર! વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મન્દસ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા! અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો, અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખકમળના દર્શન આપો. (૬)

પ્રણતદેહિનાં પાપકર્ષનં
તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ |
ફણિફણાર્પિતં તે પદામ્બુજં
કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હૃચ્છયમ્ || ૭ ||

તમારાં ચરણકમળ શરણાગત પ્રાણીઓનાં તમામ પાપોને નષ્ટ કરી દે છે. તે સમસ્ત સૌન્દર્ય, મધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારાં વાછરડાની પાછળ-પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કલિયનાગના મસ્તક ઉપર મૂકતાં પણ સંકોચ કર્યો નહીં. અમારું હ્રદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે. તમે તમારા તે જ ચરણ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારા હ્રદયની બળતરાને શાંત કરો. (૭ )

મધુરયા ગિરા વલ્ગુવાક્યયા
બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ
વિધિકરીરિમા વીર મુહ્યતી-
રધરસીધુનાSSપ્યાયયસ્વ નઃ || ૮ ||

કમલનયન! તમારી વાણી કેટલી મધુર છે! તેનો એક-એક શબ્દ, એક-એક અક્ષર, અતિ મધુર, અતિ મધુર છે. તે મોટા-મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે, તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તે જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર! હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન-દાન આપો અમને તેનાથી રસતરબોળ કરી દો. (૮)

તવ કથામૃતં તપ્ત જીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ || ૯ ||

પ્રભુ! તમારી લીલાકથા પણ અમૃતસ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકોમાટે તો તે જીવન-સર્વસ્વ છે. મોટા-મોટા જ્ઞાની મહાત્માઓ – ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે, તે બધાં પાપ-તાપને હરવાવાળી છે, સાથે સાથે તેના શ્રવણમાત્રથી મંગલ-પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર, અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા-કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે.

પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં
વિરહણં ચ તે ધ્યાનમંગલમ્ |
રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ
કુહક નો મનઃ ક્ષોભયન્તિ હિ || ૧૦ ||

વહાલા! એક દિવસ એ હતો, જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ અપરમ મંગલદાયક છે, પછી તમે મળ્યા. હ્રદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસ યુક્ત વાતો કરી. હે કપટી! હવે એ બધી વાત યાદ આવતાં અમારાં મનને ક્ષુબ્ધ કરી દે છે. (૧૦)

ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્
નલિનસુંદરં નાથ તે પદમ્ |
શિલતૃણાંગકુરૈઃ સીદતીતિ નઃ
કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ || ૧૧ ||

અમારા પ્રિય સ્વામી! તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળૉ છો ત્યારે તમારા યુગલચરણમાં કાંકરા,કુશ-કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે. (૧૧)

દિનપરિક્ષયે નીલકુંતલૈ-
ર્વનરુહાનનં બિબ્રદાવૃતમ્ |
ઘનરજસ્વલં દર્શયન્ મુહુ-
ર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ || ૧૨ ||

દિવસ ઢળ્યે જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડીને અમારા હ્રદયમાં મિલનની આકાંક્ષા – પ્રેમ ઉત્પન્ન કરો છો. || ૧૨ ||

પ્રણતકામદં પદ્મજાર્ચિતં
ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ |
ચરણપંકજં શંન્તમં ચ તે
રમણ નઃ સ્તનેષ્વર્પયાધિહન્ || ૧૩ |

પ્રિયતમ! એકમાત્ર તમે જ અમારાં બધાં દુઃખોને હરવાવાળા છો. તમારા ચરણકમળ શરણાગત ભક્તોની બધી સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપાત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજવિહારી! તમે તમારાં તે કલ્યાણસ્વરૂપ ચરણકમળ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારી હ્રદયની વ્યથાને દૂર કરો. (૧૩)

સુરતવર્ધનં શોકનાશનં
સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ |
ઇતરરાગવિસ્મારણં નૃણાં
વિતર વીર નસ્તેSધરામૃતમ્ || ૧૪ ||

વીરશિરોમણી! તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક-સંતાપને હરી લેછે. સ્વરસંગીત ઉત્પન્ન કરતી વેણું તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભુલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો! (૧૪)

અટતિ યદ્ ભવાનહ્નિ કાનનં
ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્
કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે
જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દૃશામ્ || ૧૫ ||

વહાલા! દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ, ત્યારે અમને અમારાં નેત્રોની પાંપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારાં નેત્રોની પાંપણો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. || ૧૫ ||

પતિસુતાન્વય ભાર્તૃબાન્ધવા-
નતિવિલઙ્ઘ્ય તેSન્ત્યચ્યુતાગતાઃ |
ગતિવિદસ્તવોદ્ ગીતમોહિતાઃ
કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ || ૧૬ ||

પ્રિય શ્યામસુંદર! અમે અમારા પતિ-પુત્ર-ભાઈ-બંધુ અને કુલ-પરિવાર છોડીને, તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ, અને તમારા મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો. છતાં હે કપટી! આ રીતે રાત્રીના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમ યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? (૧૬)

રહસિ સંવિદં હૃચ્છયોદયં
પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ |
બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે
મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ || ૧૭ ||

પ્યારા કૃષ્ણ! તમારી ચેષ્ટાઓ, તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દૃષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષઃસ્થળ – આબધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. (૧૭)

વૃજવનૌકસાં વ્યક્તિરઙ્ગ તે
વૃજિનહન્ત્ર્યલં વિશ્વમઙ્ગલમ્ |
યજ મનાક્ ચ ન સ્ત્વત્સ્પૃહાત્મનાં
સ્વજનહૃદ્ રુજાં યન્નિષૂદનમ્ || ૧૮ ||

અરે કૃષ્ણ! તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓનાં સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હ્રદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું ચે. કંઈક થોડી એવી ઔષધિ આપો, જે તમારા નિજજનોના હ્રદયરોગનો સર્વથા નાશ કરી દે. (૧૮)

યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ
ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ |
તેનાટવીમટસિ તદ્ વ્યથતે ન કિંસ્વિત્
કૂર્પદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ || ૧૯ ||

કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોર વક્ષઃસ્થળ પર પણ બીતાં બીતાં ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય! તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના-છાના ભટકી રહ્યાં છો! શું કાંકરા-કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતાં જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ! હે શ્યામસુંદર! હે પ્રાણનાથ! અમરું જીવન આપના માટે છે, અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. (૧૯)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | 4 Comments

Post navigation

4 thoughts on “ગોપી ગીત

 1. amit kunadia

  sachej gopigit khuba j gamyu. bhashantar khubaj saras thayu chhe.

 2. chandresh prajapati

  gopi geet gamyu. plz ane mara e mail par mokli apso.

  • ચન્દ્રેશભાઈ
   અહિંથી આપ કોપી-પેસ્ટ કરીને જે પોસ્ટ ગમે તે લઈ શકો છો. અલબત્ત આ ગીત તમારી ઈચ્છા મુજબ તમને ઈ-મેઈલ કરેલ છે.

 3. kesha

  jay shree krishna,
  hu aa gopi geet roj vachu chhu pan te marathi copy past thatu nathi to mane pan mail kari apva vinti

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: