ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૧ – બંનેની સરખામણી શબ્દોની પેલે પાર
17. પાંચમા અધ્યાયમાં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે. એકમાં કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે. એક બોલવા છતાં ન બોલવાની રીત છે અને બીજી ન બોલવા છતાં બોલવાની રીત છે. આવા આ બે પ્રકારની અહીં હવે સરખામણી કરવામાં આવી છે. આ જે બે દિવ્ય પ્રકારો છે તેમનું અવલોકન કરવામાં, તેમનો વિચાર કરવામાં, મનન કરવામાં અપૂર્વ આનંદ છે.
18. આ વિષય જ અપૂર્વ ને ઉદ્દાત્ત છે. ખરેખર, સંન્યાસની આ કલ્પના ઘણી પવિત્ર તેમ જ ભવ્ય છે. આ વિચાર, આ કલ્પના જેણે પહેલવહેલી શોધી કાઢી તેને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. એ કલ્પના અત્યંત ઉજ્જવળ છે. આજ સુધીમાં માણસની બુદ્ધિએ, માણસના વિચારે જે જે ઊંચા કૂદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો સંન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી. આવા કૂદકા મારવાનું હજીયે ચાલ્યા કરે છે. પણ વિચારનો તેમ જ અનુભવનો આવો ઊંચો કૂદકો કોઈએ માર્યાની મને માહિતી નથી. આ બે પ્રકારે યુક્ત એવા સંન્યાસીની માત્ર કલ્પના પણ નજર સામે લાવવામાં આનંદ, અપૂર્વ આનંદ છે. ભાષાની અને વહેવારની દુનિયામાં ઊતરવાથી એ આનંદ ઓછો થઈ જાય છે. જાણે કંઈ નીચા ઊતરી પડ્યા હોઈએ એવું લાગે છે. મારા મિત્રો સાથે આ બાબતની હું હમેશ વાતો કરૂં છું. આજે કેટલાંયે વર્ષોથી આ દિવ્ય વિચારનું હું મનન કરતો આવ્યો છું. અહીં ભાષાનું સાધન અધૂરૂં પટે છે. શબ્દોની કક્ષામાં આ વિષય સમાય એવો નથી.
19. ન કરવા છતાં બધું કરવું અને બધું કરતા રહેવા છતાં લેશમાત્ર કરવું નહીં. આ કેટલી ઉદાત્ત, રસમય અને કાવ્યમય કલ્પના છે ! આથી વધારે કાવ્ય બીજું કયું રહ્યું ? કાવ્ય કાવ્ય કહીને જેની વાતો થાય છે તે આ કાવ્યની આગળ ફીકું પડી જાય છે. આ કલ્પનામાં જે આનંદ, જે ઉત્સાહ, જે સ્ફૂર્તિ, અને જે દિવ્યતા છે તે કોઈ પણ કાવ્યમાં નથી. આવો આ પાંચમો અધ્યાય ખૂબ જ ઊંચી એવી ભૂમિકા પર બેસાડેલો છે. ચોથા અધ્યાય સુધી કર્મ ને વિકર્મની વાત કરી અહીં ખૂબ ઊંચો કૂદકો માર્યો છે. અહીં અકર્મ અવસ્થાના બે પ્રકારોની સીધી સરખામણી કરી છે. અહીં ભાષા લથડી પડે છે. કર્મયોગી ચડે કે કર્મસંન્યાસી ચડે ? કોણ કર્મ વધારે કરે છે એ કહી જ શકાતું નથી. બધું કરવું ને છતાં કશું ન કરવું તે છતાં બધુંયે કરવું, બંને યોગ જ છે. પણ સરખામણી કરવા પૂરતો એકને યોગ કહ્યો છે ને બીજાને સંન્યાસ કહ્યો છે.