ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૩૦ – બાળક ગુરૂ
23. આ હ્રદયમાંના સમુદ્રને જોતાં શીખો. બહારનું વાદળાં વગરનું ભૂરૂં ભૂરૂં આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમ જ નિર્લેપ કરો. ખરૂં પૂછો તો ચિત્તની એકાગ્રતા રમતની વાત છે. ચિત્તની વ્યગ્રતા જ અસ્વાભાવિક અને અનૈસર્ગિક છે. નાનાં છોકરાંની આંખ તરફ તાકીને જુઓ. નાનું છોકરૂં એકસરખું તાકીને જોયા કરે છે. એટલામાં તમે દસ વખત આંખ ઉઘાડમીંચ કરશો. નાનાં છોકરાંની એકાગ્રતા તાબડતોબ થાય છે. છોકરૂં ચારપાંચ મહિનાનું થાય એટલે તેને બહારની લીલીછમ સૃષ્ટિ બતાવજો. તે એકીટસે જોયા કરશે. સ્ત્રીઓ તો એમ માને છે કે બહારના લીલાછમ પાલા તરફ જોવાથી છોકરાંની વિષ્ટાનો રંગ પણ લીલો થઈ જાય છે ! બાળક જાણે કે બધી ઈન્દ્રિયોની આંખ બનાવીને જુએ છે. નાનાં છોકરાંના મન પર કોઈ પણ વાતની ખૂબ અસર થાય છે. શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે પહેલાં બેચાર વરસમાં બાળકને જે કેળવણી મળે છે તે જ સાચી કેળવણી છે. તમે વિશ્વવિદ્યાલયો, નિશાળો, સંઘ, સંસ્થા ફાવે તેટલાં કાઢો. પણ પહેલી જે કેળવણી મળી હશે તેવી પછી મળવાની નથી. કેળવણી સાથે મારો સંબંધ છે. દિવસે દિવસે મારા મનમાં એવી ગાંઠ બંધાતી જાય છે કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે. પહેલા સંસ્કારો વજ્રલેપ હોય છે. પછીની કેળવણી બધું ઉપરનું રંગરોગાન છે, ઉપરનો ઓપ છે. સાબુ લગાડવાથી ચામડીનો ઉપરનો દાઘ ધોવાય છે. પણ ચામડીનો મૂળ કાળો રંગ કેમ જશે ? તેવી જ રીતે મૂળના પાકા સંસ્કાર નીકળવા ઘણા અઘરા છે. પહેલાંના આ સંસ્કારો આવા જોરાવર કેમ ? અને ત્યાર પછીના કમજોર કેમ ? કારણ કે, નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે. એકાગ્રતા હોવાથી જે સંસ્કાર પડે છે તે ભૂંસાતા નથી. આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા છે. એ એકાગ્રતા જેણે સાધી લીધી હોય તેને સારૂ શું અશક્ય છે ?
24. આજે આપણું બધું જીવન કૃત્રિમ બની ગયું છે. બાળવૃત્તિ મરી ગઈ છે. જીવનમાં સાચી સમરસતા રહી નથી. જીવન લૂખું થઈ ગયું છે. ગાંડું ઘેલું ગમે તેમ વર્તીએ છીએ. માણસના પૂર્વજો વાંદરા હતા એ વાત ડાર્વિન સાહેબ સાબિત નથી કરતા, આપણે આપણી કરણીથી સાબિત કરીએ છીએ. નાનાં છોકરાંને વિશ્વાસ હોય છે. મા કહે તે તેને માટે પ્રમાણ. તેને જે કહેવામાં આવે તે વાત તેને ખોટી લાગતી નથી. કાગડો બોલ્યો, ચકલી બોલી, જે કહો તે બધું તેને સાચું લાગે છે. બચ્ચાંની મંગળવૃત્તિને લીધે તેમનાં ચિત્ત ઝટ એકાગ્ર થાય છે.