ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૦ – પરમેશ્વરદર્શનની બાળબોધ રીત
૫. નાનાં છોકરાંને શીખવવાને માટે જે ઉપાયની યોજના આપણે કરીએ છીએ તે જ ઉપાય સર્વ ઠેકાણે પરમાત્મા દેખાય તે સારૂ આ દસમા અધ્યાયમાં બતાવેલા છે. છોકરાંને અક્ષરો બે રીતે શીખવાય છે. એક રીત પહેલાં અક્ષરો મોટા મોટા કાઢીને શીખવવાની છે. પછી તે જ મોટા અક્ષર નાના કાઢીને શીખવવામાં આવે છે. ‘ ક ’ તેનો તે જ હોય છે અને ‘ ગ ’ પણ તેનો તે જ હોય છે. પણ પહેલાં તે મોટો હતો હવે નાનો કાઢેલ છે. બીજી રીત છે પહેલાં ગુંચવણ વગરના સાદા અક્ષરો શીખવવાની અને ગૂંચવણભર્યા જોડાક્ષરો પાછળથી શીખવવાની. તે જ પ્રમાણે આબેહૂબ પરમેશ્વરને જોતાં શીખવાનું છે. પહેલાં સહેજે વરતાઈ આવે એવો પરમેશ્વર જોવો. સમુદ્ર પર્વત વગેરે મોટી મોટી વિભૂતિઓમાં પ્રગટ થયેલો પરમેશ્વર ઝટ આંખોમાં વસી જાય છે. આ સહેજે દેખાતો પરમેશ્વર પ્રતીત થયા પછી એકાદા પાણીના ટીપામાં અને એકાદા માટીના કણમાં પણ તે જ છે એ વાત પણ પાચળથી સમજાવા માંડશે. મોટા ‘ ક ’ માં અને નાના ‘ ક ’ માં કશો ફેર નથી. જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે. આ એક રીત થઈ. અને બીજી રીત એવી છે કે ગૂંચવણ વગરનો સાદો સહેલો પરમેશ્વર પહેલો જોવો. પછી થોડો અટપટો જોવો.શુદ્ધ પરમેશ્વરી આવિર્ભાવ સહેજે પ્રગટ થયો હોય તે સહેલાઈથી પકડી શકાય છે. જેમકે રામમાં પ્રગટ થયેલો પરમેશ્વરી આવિર્ભાવ ઝટ ઓળખી શકાય છે. રામ એ સાદો અક્ષર છે, એ ભાંજગડ વગરનો પરમેશ્વર છે. પણ રાવણ ? એ જોડાક્ષર છે. ત્યાં કંઈક ભેળસેળ છે. રાવણની તરશ્ચર્યા અને કર્મશક્તિ બંને બહુ જબરાં છે, પણ તેમાં ક્રૂરપણાનો ભેગ થયેલો છે. પહેલાં રામ એ સાદા અક્ષર શીખ. જ્યાં દયા છે, વત્સલતા છે, પ્રેમ છે એવો આ જે રામ એ સરળ, સાદો પરમેશ્વર છે. તે ઝટ ઓળખાશે ને સમજાશે. રાવણમાં રહેલા પરમેશ્વરને જોતાં ને ઓળખતાં જરા વાર લાગશે. પહેલા સાદા સહેલા અક્ષરો લેવાના ને પછી જોડાક્ષરો લેવાના. સજ્જનમાં પરમાત્મા જોયા પછી આખરે દુર્જનમાં તેને જોતાં શીખવાનું છે. સમુદ્રમાં રહેલો જે વિશાળ પરમેશ્વર છે તે જ પાણીના ટીપામાં છે, રામચંદ્રમાંનો પરમેશ્વર રાવણમાં પણ છે. જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે, જે સહેલામાં છે તે જ અઘરામાં છે. આવી બે રીતે આ જગતનો ગ્રંથ વાંચતાં આપણે શીખવાનું છે.
6. આ અપાર સૃષ્ટિ એ ઈશ્વરનું પુસ્તક છે. આંખ આગળ જાડા જાડા પડદા આવી ગયા હોવાથી એ પુસ્તક આપણને બંધ લાગે છે. આ સૃષ્ટિના પુસ્તકમાં સુંદર અક્ષરો વડે પરમેશ્વર બધે ઠેકાણે લખાયેલો છે પણ તે આપણને દેખાતો નથી. ઈશ્વરનું દર્શન થવામાં જે મોટું વિઘ્ન છે તે એ કે સાદું પાસેનું ઈશ્વરનું સ્વરૂપ માણસને ગળે ઊતરતું નથી અને પ્રખર રૂપ તેને પચતું નથી. માતામાં રહેલા પરમેશ્વરને જુઓ એમ કહીએ તો તે કહે છે કે ઈશ્વર શું એટલો સાદો ને સહેલો છે ? પણ પ્રખર પરમાત્મા પ્રગટ થાય તો તે તારાથી સહેવાશે કે ? કુંતીને થયું કે પેલો દૂર રહેલો સૂર્ય પાસે આવીને મળે તો સારૂં. પણ તે પાસે આવવા લાગ્યો તેની સાથે તે બળવા લાગી. તેનાથી તે સહન ન થયો. ઈશ્વર પોતાના બધાયે સામર્થ્ય સાથે સામો આવીને ઊભો રહે તો તે પચશે નહીં. માને સૌમ્ય સ્વરૂપે તે ઊભો રહે છે તો ગળે ઊતરતો નથી. પેંડા ને બરફી પચતાં નથી ને સાદું દૂધ ભાવતું નથી. આ અભાગિયાપણાનાં લક્ષણો છે, મરણનાં લક્ષણો છે. આવી આ રોગી મનોદશા પરમેશ્વરના દર્શનની આડે આવનારૂં મોટું વિઘ્ન છે. એ મનઃસ્થિતિનો ત્યાગ કરવો જોઈએ. પહેલાં આપણી પાસે રહેલ, સહેજે વરતાતો ને સહેલો પરમાત્મા ઓળખતાં શીખવું અને પછી સૂક્ષ્મ તેમજ જરા અટપટો પરમેશ્વર વાંચતાં શીખવું.