ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૦ – અકર્મની બીજી બાજુ – યોગ
15. પણ સંન્યાસનો આ માત્ર એક પ્રકાર થયો. સંન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી એવી સ્થિતિનું જેમ વર્ણન કર્યું તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ તેની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને સારૂ જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે. વરાળનું એવું નથી કે ? વરાળને પૂરી રાખો તો પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અપરંપાર શક્તિ પેદા થાય છે. મોટી મોટી આગગાડી તે સહેજે રમતમાં ખેંચી જાય છે. સૂર્યનું પણ એવું જ છે. તે લેશમાત્ર કર્મ કરતો નથી. અને છતાં ચોવીસે કલાક કાર્યમાં મંડ્યો રહે છે. તેને પૂછશો તો તે કહેશે કે, ‘ હું કંઈ કરતો નથી. ’ રાત ને દિવસ કર્મ કરવા છતાં કંઈ ન કરવું એ જેવી સૂર્યની એક રીત છે તેવી જ કશું ન કરવા છતાં રાતદિવસ અનંત કર્મો કરવાં એ બીજી રીત છે. સંન્યાસનાં આવાં બે પાસાં છે. બંને અસામાન્ય છે. એક પ્રકારમાં કર્મ ખુલ્લું દેખાય છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મોનો વહેવાર ચાલે છે. આ અવસ્થામાં અકર્મમાં કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પડે છે. જેને આવી અવસ્થા સિદ્ધ થઈ હોય તેની અને આળસુ માણસની વચ્ચે બહુ મોટો ફેર છે. આળસુ માણસ થાકી જશે, કંટાળી જશે. આ અકર્મી સંન્યાસી કર્મશક્તિને પૂરી રાખે છે. જરા સરખું કર્મ તે આચરતો નથી. હાથપગ કે ઈન્દ્રિયો વડે તે કંઈ કર્મ કરતો નથી. પણ કશું ન કરવા છતાં તે અનંત કર્મો કરે છે.
16. કોઈક માણસ ગુસ્સે થાય છે. આપણી ભૂલને લીધે તે ગુસ્સે થયો હોય તો આપણે તેની પાસે જઈએ છીએ. પણ તે બોલવાનું જ બંધ કરે છે. તેના ન બોલવાની, તેના એ કર્મત્યાગની કેટલી બધી અસર થાય છે ! તેની એ કર્મત્યાગની કેટલી બધી અસર થાય છે ! તેની જગ્યાએ બીજો હશે તે તડાતડ બોલી નાખશે. બંને ગુસ્સે થયેલા છે. પણ એક મૂંગો રહે છે ને બીજો બોલે છે. બંને ગુસ્સો બતાવવાની રીત છે. ન બોલવું એ પણ ગુસ્સે થવાની રીત છે. એ રીતે પણ કામ થાય છે. બાપ કે મા છોકરાં સાથે બોલવાનું બંધ કરે છે ત્યારે કેટલી ભારે અસર થાય છે ! બોલવાનું એ કર્મ છોડી દેવું, તે કર્મ ન કરવું, એથી પ્રત્યક્ષ કર્મ કર્યું હોત તોયે ન નીપજે એટલી બધી એસર નીપજે છે. એ અબોલાની જે અસર થઈ તે બોલવાની ન થઈ હોત. જ્ઞાની પુરૂષનું એવું જ છે. તેનું અકર્મ, તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ કરે છે. પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે. અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત. આવો એ સંન્યાસનો બીજો પ્રકાર છે. આવા સંન્યાસીની બધી પ્રવૃત્તિ, તેનો સર્વ ઉદ્યોગ, એક આસન પર આવીને બેસી જાય છે.
‘ उद्योगाची धांव बैसली आसनीं, पडिले नारायणीं मोटळें हें ।
सकळ निश्चिंती जाली हा भरंवसा, नाहीं गर्भवासा येणें ऐसा ।।
आपुलिये सत्ते नाहीं आम्हां जिणें, अभिमान तेणें नेला देवें ।
तुका म्हणे चळे एकाचिये सत्ते, आपुले मी रितेपणे असें ।।’
ઉદ્યોગની, પ્રવૃત્તિની બધી દોડાદોડ એક આસને થંભી ગઈ છે. આ પોટલું નારાયણમાં જઈને પડ્યું છે. બધી નિરાંત થઈ ગઈ છે ને ફરી ગર્ભવાસમાં જવાનું નથી એવો ભરોસો પડ્યો છે. હવે અમારે અમારી સત્તાથી જીવવાનું નથી. તે અભિમાન દેવે હરી લીધું. તુકો કહે છે કે હવે બધું એક પરમાત્માની જ સત્તાથી ચાલે છે અને હું ખાલી કોથળો થઈને પડ્યો છું. તુકારામ મહારાજ કહે છે કે, “ હવે હું મોકળો છું. કોથળો તઈને પડ્યો છું, બધી પ્રવૃત્તિ પૂરી થઈ. ” તુકારામ કોથળો થઈને પડ્યા પણ એ ખાલી કોથળામાં પ્રચંડ પ્રેરક શક્તિ છે. સૂર્ય જાતે કશા હોકારા કરતો નથી. પણ તેને જોતાંની સાથે પંખીઓ ઊડવા માંડે છે, ઘેટાંબકરાંનાં બચ્ચાં નાચવા માંડે છે, ગાયો વગડામાં ચરવાને નીકળે છે, વેપારીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરે જાય છે, અને એમ જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય છે. તે હોય એટલું જ પૂરતું છે. એટલાથી જ અનંત કર્મો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે. જેમાં ઠાંસીને સામર્થ્ય ભર્યું છે એવો સંન્યાસનો આ બીજો અદ્ભુત પ્રકાર છે.