ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૫ – ખાસ ક્રિયાનો આગ્રહ નથી
17. અમુક જ ક્રિયા ઈશ્વરને અર્પણ કરવની છે એવું નથી. કર્મમાત્ર તેને આપી દો. શબરીનાં પેલાં બોર. રામે તેનો સ્વીકાર કર્યો. પરમેશ્વરની પૂજા કરવાને માટે ગુફામાં જઈને બેસવાની જરૂર નથી. જ્યાં જે કર્મ કરતા હો ત્યાં તે ઇશ્વરને અર્પણ કરો. મા બાળકની સંભાળ રાખે છે તે જાણે ઈશ્વરની જ રાખે છે. બાળકને સ્નાન કરાવ્યું તે ઈશ્વરને રૂદ્રાભિષેક કર્યો જાણવો. આ બાળક પરમેશ્વરની કૃપાની બક્ષિસ છે એમ સમજી માએ પરમેસ્વરભાવનાથી બાળકનું જતન કરવું. કૌશલ્યા રામચંદ્રની, જશોદા કૃષ્ણની કેટલા પ્રેમથી ફિકર ને સંભાળ રાખતી એનું વર્ણન કરવામાં શુક, વાલ્મીકિ અને તુલસીદાસ પોતાને ધન્ય માને છે. તેમને તે ક્રિયાનું પાર વગરનું કૌતુક થયા કરે છે. માની એ સેવાની ક્રિયા ઘણી મહાન છે. એ બાળક પરમેશ્વરની મૂર્તિ છે અને એ મૂર્તિની સેવા કરવાની મળે એથી બીજું મોટું ભાગ્ય કયું ? આપણે એકબીજાની સેવામાં એ ભાવના રાખીએ તો આપણાં કર્મોમાં કેટલું બધું પરિવર્તન થઈ જાય? જેને ભાગે જે જે સેવા કરવાની આવે તે ઈશ્વરની સેવા છે એવી ભાવના તેણે રાખતા જવું.
18. ખેડૂત બળદની સેવા કરે છે. એ બળદ શું તુચ્છ છે કે ? ના, નથી. વામદેવે વેદમાં શક્તિરૂપે વિશ્વમાં ફેલાઈ રહેલા જે બળદનું વર્ણન કર્યું છે તે જ બળદ ખેડૂતના બળદમાં પણ છે.
चत्वारि शृंगा त्रयो अस्य पादाः
द्वे शीर्षे सप्त हस्तासो अस्य
त्रिधा बद्धो वृषभो रोरवीति
महो देवो मर्त्यां आ विवेश ।।
જેને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, બે માથાં છે, સાત હાથ છે, ત્રણ ઠેકાણે જે બંધાયેલો છે, જે મહાન તેજસ્વી હોઈ સર્વ મર્ત્ય વસ્તુમાં ભરેલો છે, એવો આ જે ગર્જના કરવાવાળો વિશ્વવ્યાપી બળદ છે તેને જ ખેડૂત પૂજે છે. ટીકાકારોએ આ એક જ ઋચાના પાંચસાત જુદા જુદા અર્થ આપેલા છે. આ બળદ છે જ મૂળમાં વિચિત્ર. આકાશમાં ગાજીને વરસાદ વરસાવનારો જે બળદ છે તે જ બદ મળમૂત્રની વૃષ્ટિ કરી ખેતરને રસાળ કરનારા આ ખેડૂતના બળદમાં છે. આવી મહાન ભાવના રાખી ખેડૂત પોતાના બળદની સેવાચાકરી કરશે તો તે સાદી બળદની સેવા ઈશ્વરને અર્પણ થઈ જાણવી.
19. તે જ પ્રમાણે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેણે પોતું દઈને રસોડું સ્વચ્છ બનાવ્યું છે, તે રસોડામાં જે ચૂલો સળગી રહ્યો છે તે ચૂલા પર સ્વચ્છ અને સાત્વિક રોટલો શેકાય છે, પોતાના ઘરનાં સૌને એ રસોઈ પુષ્ટિદાયક તેમ જ તુષ્ટિદાયક નીવડો એવી જે ગૃહલક્ષ્મીની ઈચ્છા છે, તે બધુંયે તેનું કર્મ યજ્ઞરૂપ જ છે. તે માએ જાણે કે એ નાનકડો યજ્ઞ પેટાવ્યો છે. પરમેશ્વરને તૃપ્ત કરવાનો છે એવી ભાવના મનમાં રાખી જે રસોઈ થશે તે કેટલી સ્વચ્છ ને પવિત્ર થશે તેનો ખ્યાલ કરો. ગૃહલક્ષ્મીના મનમાં જો આવી મોટી ભાવના હશે તો તે ભાગવતમાંની ઋષિપત્નીને તોલે આવશે. સેવા કરતાં કરતાં આવી કેટલીયે માતાઓનો ઉદ્ધાર થઈ ગયો હશે અને ‘ હું-હું ’ કહીને ગાજનારા મોટા મોટા જ્ઞાનીઓ ને પંડિતો ક્યાંક ખૂણે પડી રહ્યા હશે.