તા. 09-03-2003, રવિવાર (શિષ્યો)
પ્રશ્ન:-(7) જ્ઞાન માં એક નિષ્ઠ રહેનારાને જાગ્રતમાં પણ સુષુપ્તિ વાળાની પેઠે નિર્વિકારપણુ રહેવું એટલે શું?
પ્રશ્ન:-(8) આત્મતત્વ અજ્ઞાની ને અપ્રકાશિત છે. આત્મ તત્વ જ્ઞાની ને પ્રકાશિત છે. આત્મ તત્વ મુક્ત પુરુષ ને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી. એટલે શું?
પ્રશ્ન: -(9) પ્રલયમાં તથા સમાધીના કાળમાં સંપૂર્ણ જગત સુષુપ્ત રૂપ થઇ જાય છે. જ્ઞાનકાળમાં તૂર્યા રૂપ થઇ જાય છે. એટલે શું બંને નો ભેદ શું?
તા.16-03-2003,
રવિવાર
(સ્વામી ભજનપ્રકાશાનંદજી)
મારા પ્યારા વહાલા વહાલા સજ્જન ભક્તો આપણો જે યોગ વશિષ્ઠ પર સ્વાધ્યાય અધ્યયન ચાલે છે તેમાં ઉત્ત્પતી પ્રકરણ નો સુંદર વિષય ચાલે છે. સૃષ્ટિ નું સ્વરૂપ બતાવવા માટે અધ્યારોપ કરવો જ પડે તેથી વારે વારે જ્યારે રામ ઉત્ત્પત્તિ વિશે પ્રશ્ન કરે કે જો બ્રહ્મ જ છે, માયા નથી જ, બીજુ કાઇ જ નથી, અદ્વેતે કેવલ ચૈતન્ય દેશ કાલ તથા ક્રિયા રહિત છે. ફરી ફરી રામ પ્રશ્ન કરે છે પ્રથમ શું? ત્યારે વશિષ્ઠ કહે હે રામ તું સમજ્યો નહી કે ત્યા કશું નથી સુર્ય માં અંધારું છે જ નહી. તો ફરી ફરી પ્રશ્ન થાય કે તો માયા તે રહે તે બ્રહ્મ માં જો ન હોય તો શું ક્યાય બહાર થી આવી? તેવા તેવા પ્રશ્નો મુંજવે છે. બુધ્ધિ ત્યા મુંજાય છે કે શું? કેમ? મે જે આપને જે જે વિષય લખી ને મોકલ્યા હતા પણ કદાચ સમજ માં આવ્યા હોય કે નહી તો ઉત્ત્પત્તિ વિષય માં પ્રારંભ માં આપને પ્રશ્ન મુંજવે તો કારણ કે અધ્યાસ નું એક એક કારણ જોઇએ તો તે પુર્વ નો અહંકાર હોય છે. જે કાર્ય-કારણ રૂપે અને તે જે અહંકાર પુર્વ ના કારણ રૂપે છે તે તો કાર્ય અધ્યાસ થયો. પરંતું પ્રથમ નું કારણ અધ્યાસ નું ક્યું? શું? ત્યા બુધ્ધિ મુંજાશે. કારણ કે ત્યા તો વેદાંત કહે છે કે બ્રહ્મ થી અન્ય કે ઇત્તર કાંઇ છે જ નહી તો શું? તો એક વેદાંત નો મુખ્ય સિધ્ધાંત ન ભુલશો અને તે છે છ વસ્તુનું અનાદી પણું. 1.બ્રહ્મ, 2.માયા, 3.જીવ, 4.અવિધ્યા, 5.પરસ્પર નો ભેદ અને 6.પરસ્પરનો સંબંધ. આ છ વસ્તુ ને ધ્યાન માં રાખી ને પછી ઉત્ત્પત્તિ માં ચાલો એટલે મુંજાવાનો પ્રશ્ન નહી રહે. કારણ કે આ છ વસ્તુ અનાદી છે તેમાના છેલ્લા પાંચ અનાદી સાંત છે. બ્રહ્મ અનાદી અનંત છે. માત્ર કલ્પના ઉભી થઇ તો શેમાથી સૃષ્ટિ કયારેય નવી થઇ તેવું નથી. બ્રહ્મ ની સાથે નિત્ય છે. હવે આપ ભક્તોએ તેના પર કોઈપણ ચર્ચા ન કરી પરંતુ મે તે પ્રશ્ન કે શબ્દો લખી રાખ્યા છે કે જ્યારે તેમાં વર્ણન ચાલતું રહ્યું કે શાસ્ત્ર કયું ઉત્તમ? તો મારાં સ્વજનો કયો ગ્રંથકાર પોતાના શાસ્ત્રને અનુત્તમ કહે ? કે ઉત્તમ નથી. દયાનંદ સરસ્વતિએ કીધું છે કે કયું શાસ્ત્ર વાંચવા જેવું અને કયું ન વાંચવા જેવું તો તેણે કીધું કે યોગવશિષ્ઠ તો કયારે પણ ન વાંચવું. શ્રીમદ્ ભાગવત ન વાંચવું, શ્રીમદ્ ભગવદગીતા ન વાંચવી તેવા તેવા સઘળા ગ્રંથોની મના કરી છે. તો કયું વાંચવું? તો તેણે કીધુ છે વેદો વાંચવા અને સત્યાર્થ પ્રકાશ વાંચવું. આ પોતાનું રચેલું છે. જેમાં ખંડન મંડનની પ્રક્રિયા ઘણી છે. પરંતુ આપણે તો જે આપણાં છ દર્શનો છે તેના ઋષિઓ દર્શન પ્રણેતાઓ છે તેવા દર્શનો કંઈને કંઈ દર્શન આપે છે. જોવાની દૃષ્ટિ આપે છે તો આ વિષય ચર્ચવો ઘણો જ વિસ્તૃત થાય. તેથી ન લંબાવતાં તે યોગવશિષ્ઠમાં તેવું આવ્યું કે શાસ્ત્રોને ન્યાયની રીતીથી અને યુક્તિપૂર્વક વાંચવા. તો આ વિષય ખુબ જ મહત્વનો છે. આપને મેં સમજાવેલો તો છે પરંતુ વિસ્મૃતિમાં હશે તો ન્યાયની રીતી શું? શાસ્ત્રને સમજવું હોય તો ન્યાયની કઈ રીતીથી શાસ્ત્રને સમજવું. તો મારા પ્યારા સજ્જનો કોઈપણ નામરૂપવાળા પદાર્થ હોય તો તેનું કોઈને કોઈ લક્ષણ હોય છે, ગુણધર્મ હોય છે. લક્ષણ:- તેને કહેવાય કે પદાર્થ લક્ષ્યમાં રહેલો અસાધારણ ધર્મ તે લક્ષણ. અને તેવા નિર્દોષ લક્ષણથી લક્ષ્યને પારખી શકાય કે પરિક્ષણ કરી શકાય છે. પરંતુ લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. લક્ષણના ત્રણ દોષ છે. 1.અતિવ્યાપ્તિ દોષ 2.અવ્યાપ્તિદોષ 3.અસંભવદોષ. લક્ષ્યમાં આ ત્રણ દોષોમાનો કોઈ પણ એકાદ દોષ હોય તો તે લક્ષ્ય નિર્દોષ હોતુ નથી અને તેથી લક્ષ્યની જેવી તેવી નિર્દોષ સિદ્ધિ થઈ શકતી નથી. લક્ષ્ય દોષવાળું રહે છે.
માનો કે દૃષ્ટાંતમાં ગાય એક પદાર્થ છે તે ગાયને એક વ્યક્તિએ કયારે પણ જોઈ નથી અને તેને ગાય ઓળખાવવી છે તો તેને ગાય લક્ષ્યમાં કયા તેના ધર્મથી કે લક્ષણથી ઓળખાવી શકાય? તો માનો કે ઓળખાવવા માટે આપણે ગાયનું લક્ષણ કહ્યું કે શીંગડા, પુંછ, ચાર પગ, પશુ જાતિ ગાય કહેવાય. તો તે લક્ષણ નિર્દોષ નથી પણ અતિ વ્યાપ્તિ દોષવાળું છે. કારણ કે તે લક્ષણની વ્યાપ્તિ ગાયમાં થઈને અન્ય પશુ જાતિ છે તેમાં પણ વ્યાપે છે. બળદ ભેંસ ઇત્યાદિ પશુને પણ શીંગડાં, પુંછડું, ચાર પગ છે તેથી તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું થયું. તો બીજુ લક્ષણ કહીએ કે શીંગડાં, પુછ, ચાર પગ, સાસ્ના – ગળે લટતતી ઝાલર જેવું ચામડું તેને સાસ્ના કહે તો તે સહિત કાળા રંગુનું પશુ જાતિ તે ગાય કહેવાય. તો તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું થયું. ગાયો બધી કાળા રંગની હોતી નથી. લાલ, પીળી, કાબરી પણ હોય છે. વળી બળદમાં પણ તે લક્ષણ હોય છે. સાસ્ના પણ હોય છે. તેથી તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું થયું. તેમ માનો કે કોઈ કહે કે શીંગડા પુંછા, સહિત પગના ડાબલાવાળું પશુ તે ગાય તો તે અસંભવદોષ કહેવાય. કારણ કે પગના ડાબલા તો ઘોડા, ગધેડાને ડાબલા હોય છે. અન્યને બે ફાટવાળી ખરી હોય છે. તેથી તે લક્ષણમાં અસંભવ દોષ છે કે તે લક્ષણનો ગાયમાં સંભવ જ નથી. તો નિર્દોષ લક્ષણ શું? તો કહે શીંગ, પુછ, સાસ્ના ઇત્યાદિ સહિત પશુ વિશેષ નારી જાતિ તે ગાય કહેવાય. આ લક્ષણ નિર્દોષ છે. કારણ કે સઘળા પશુથી બળદથી અલગ પડીને આ લક્ષણ નિર્દોષ રીતે ગાયને બતાવે છે. તેથી તે લક્ષ્ય સત્ય સિદ્ધ થાય છે.
આ ગૌતમનું ન્યાયશાસ્ત્ર છે કે જે પદાર્થનું ન્યાય રીતીથી પરિક્ષણ પરીક્ષા કરીને પદાર્થને નકકી કરે છે. તેમજ માયા શબ્દ કે બ્રહ્મ શબ્દ બોલી કે જીવ શબ્દ કે કોઈપણ વસ્તુ પદાર્થનું નામ બોલો તો તેનું લક્ષણથી પરિક્ષણ કરવું જોઈએ. આ ન્યાયની રીતી છે. સત્ શબ્દ અસત્ શબ્દ છે. તેમાં માનો કે સત્ કહ્યુ કે બ્રહ્મ સત્ છે. અથવા સત્ કોને કહેવું તો તેનું લક્ષણ શું? અથવા અસત્ કોને કહેવું તો તેનું લક્ષણ શું? તો કે સતનું લક્ષણ તે છે જે ત્રણે કાળમાં અબાધિત રહે તે સતનું લક્ષણ છે. તો અસતનું લક્ષણ શું તો કહે ત્રણે કાલમાં ન હોય તે અસત્ લક્ષણ કહેવાય. આ લક્ષણથી સત્ અસતનું લક્ષણથી પરિક્ષણ થયું તો કહે બ્રહ્મ શું છે? તો કહે સત્ લક્ષણવાળુ છે. કારણ કે ત્રણે કાલમાં તે અબાધિત રહે છે. તો માયાનું લક્ષણ – તો કહે તેમાં સત લક્ષણ તો નથી કારણ કે જ્ઞાન કાલે બાધ પામે છે. તો અસતનું લક્ષણ પણ નથી કારણ કે અજ્ઞાન કાલે જણાય છે. જે ત્રણે કાલે ન જણાય, જેમ સસલાના શીંગડા તે અસતનું લક્ષણ છે. પરંતુ જણાય છે તેથી અસત લક્ષણ પણ નથી તો શું કહ્યું લક્ષણ માયાનું છે તો કહે સત્ લક્ષણથી વિલક્ષણ, અસત લક્ષણથી વિલક્ષણ છે. સત્-અસત્ બંનેના લક્ષણથી વિલક્ષણ માયા અનિર્વચનિય છે. માયાનું લક્ષણ અનિર્વચનિય છે. આ ન્યાયની રીતી થઈ પદાર્થના પારખવાની.
તેથી સત્-અસત્ લક્ષણથી અને માયામાં તે બંને લક્ષણ ન હોવાથી માયા ઉભયાત્મક લક્ષણવાળી પણ નથી તેવી અન્ય આચાર્યો કે દર્શન દ્વારા જે માયાનું લક્ષણ કહે છે. કોઈ માયાને સત્ કહે છે. કોઈ માયાને અસત્ કહે છે. તેવા સઘળા મતથી જે માયાનું લક્ષણ વેદાંતે કીધુ તેમાં ત્રણ દોષથી રહિત અનિર્વચનિય માયાનું લક્ષણ નિર્દોષ છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ દોષ નથી. તો હવે આપણે થોડો સંક્ષિપ્તમાં યુક્તિ વિષે જોશું. કારણ કે પ્રમાણ, યુક્તિ તથા અનુભવ ત્રણથી વસ્તુનો યથાર્થરૂપમાં અનુભવ કરવાનો છે. યુક્તિના રૂપો પણ આપની આગળ બતાવેલ છે કે ભાઈ આપના માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ પ્રમાણ છે તો તેનો આધાર લઈને તર્ક કે પ્રશ્ન ઉઠાવો, પરંતુ જેમ તેમ તર્ક ન કરવો. તર્કથી નિશ્ચય નથી જ તેથી જેમ મન ફાવે તેમ તર્ક ન કરતાં શ્રુતિ, સ્મૃતિને પ્રમાણ માનીને તર્ક કરો. તર્ક અમુક સીમા સુધી સમાધાન આપશે. આખરે તો તત્ત્વ નિર્ણયમાં કે અનુભવમાં આપણી શ્રદ્ધા તથા વિશ્વાસ જ કામ લાગશે. તેથી તર્ક જરૂરનો છે, પરંતુ મર્યાદામાં. શ્રુતિ, સ્મૃતિ કહે છે – બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત કીધુ તો યુક્તિમાં સિદ્ધ કરવું જોઈએ અને તેમાં પણ ન્યાય જ રીતિ છે. જેમાં પંચ અવયવનો ઉપયોગ કરવો પડે છે. ન્યાય વૈશેષિક પંચ અવયવોને માને છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન. વેદાંત ત્રણ ને જ માને છે. પ્રથમના પછી ઉપરના બેની વધુ આવશ્યકતા રહેતી નથી. જગત મિથ્યા છે તેવું શ્રુતિનું પ્રતિજ્ઞા વાક્ય છે. તો મિથ્યાનું કારણ અથવા હેતુ પણ બતાવવો જોઈએ. નહીંતર મિથ્યા છે તે શિષ્યની બુદ્ધિમાં કેમ ઉતરે તો તેનું કારણ સમજાવવું જોઈએ કે ભાઈ દૃશ્ય છે એટલે. તે હેતુ થયો પરંતુ તેથી માત્ર સંતોષ ન થાય સામે જગત દૃશ્યરૂપમાં દેખાય છે. પરંતુ તેનાથી વહેવાર પણ થાય છે. છતાં તેને મિથ્યા કેમ કહેવાય. તો ઉદાહરણ આપીને સમજાવવું જોઈએ કે ભાઈ જેમ સ્વપ્ન. આ ઉદાહરણ થયું તો તુરત સ્વપ્નના ઉદાહરણથી સંતોષ થશે કે હા સ્વપ્ન મિથ્યા છે તેનો અનુભવ સઘળાને છે. સ્વપ્ન જાગ્યા પછી હોય છે. આ થયું ઉપનય. માટે આ જગત પણ દૃશ્ય છે માટે મિથ્યા છે. આ થયું નિગમન ઉપસંહાર. આ થઈ યુક્તિ. તેમ જ્યાં જ્યાં સંશય થાય ત્યાં ત્યાં યુક્તિનો ઉપયોગ કરવાનો. શાસ્ત્રના શ્રવણ પછી મનનની આ રીતી છે. જીવ બ્રહ્મનો ભેદ મિથ્યા છે. તેમાં પણ ભેદની બાધક તથા અભેદની સાધક યુક્તિઓ આપને કરાવી છે તેથી લખતો નથી.
તો મારા પ્યારાં વહાલાં સજ્જનો આવા આવા શબ્દો આવે એટલે જરૂર તેના પર ચર્ચા કરો અને તે મુજબ ચર્ચા કરવાથી બુદ્ધિ તીવ્ર બને છે. તિક્ષ્ણ બને છે. આ ન્યાય તથા યુક્તિથી શાસ્ત્રને સમજવા તે પ્રશ્નને અહીં પૂર્ણ કરું છુ.
પ્રઃ-(7) જ્ઞાનમાં એક નિષ્ઠ રહેનારાને જાગૃતમાં પણ સુપપ્તિવાળાની પેઠે નિર્વિકારપણું રહેવું તે શુ ?
પ્રત્યુત્તરઃ-(7) જ્ઞાનમાં જે એક નિષ્ઠ જે રહે છે અથવા જે રહેવાવાળો જ્ઞાની કે જેને પોતાના નિજ સ્વરૂપ આત્મા કે જે પ્રત્યક અભિન્ન બ્રહ્મનું જ્ઞાન થઈ ચૂકયું છે. આત્મા-પરમાત્મા અભિન્ન છે તેથી હું જ બ્રહ્મ છું. અહં બ્રહ્માસ્મિ અને તેવી તે સ્વરૂપ નિષ્ઠામાં જે રહે છે તે જ્ઞાનમાં એક નિષ્ઠ રહેવાવાળો કહેવાય. આવા અપરોક્ષ યથાર્થ અનુભવી જ્ઞાની જે છે તેને વહેવાર કરવો હોય તો કેમ રહેવું તે રામજીને વશિષ્ઠ મહારાજ સમજાવે છે. કારણ કે આત્મામાં વહેવાર નથી તેથી સ્વરૂપ-અનુભૂતિમાં ડૂબ્યો રહેનાર જ્યાં વૃત્તિ જ બહાર ન આવતી હોય તો વહેવાર કઈ રીતે કરે? છતાં જ્ઞાનીઓ જે તત્ત્વવેતા છે તેનાં પ્રારબ્ધ ભિન્ન ભિન્ન હોવાથી કોઈ જનક જેવા રાજ્ય વહેવાર પણ કરતા હોય છે. કોઈ શુકદેવજી જેવા આંતર્મુખ જ રહેતા હોય છે. પરંતુ અહીં રામજીને વહેવાર અભિમુખ કરવો છે, રાજ્યકાજમાં જોડવો છે, તો વહેવાર તે વહેવાર છે. લેપ લાગ્યા વગર રહે નહીં. તો લેપ પણ ન લાગે અને નિર્લેપ દશામાં રહીને વહેવાર કરવો હોય તો કઈ દશા હોવી જોઈએ કે જ્યાં બહાર વહેવાર હોય અને અંદર પરમાર્થ દશા હોય શાસ્ત્રમાં કહ્યું જ છે કે વહેવાર કાળે જ્ઞાની પણ અજ્ઞાની જ હોય છે. અજ્ઞાની તો અજ્ઞાની જ છે.
મનોવૃત્તિ કાં તો વહેવારમાં આપો કાં તો પરમાર્થમાં લગાવો. પદાર્થના ચિંતન વગર વહેવાર થતો નથી અને જો પદાર્થનું ચિંતન થાય તો આત્મચિંતન કે અનુસંધાન રહેતું નથી. તો કઈ સ્થિતિ હોવી જોઈએ? જ્ઞાની પણ વહેવાર કાળે અજ્ઞાનીની જેમ જ વહેવાર કરે છે. પરંતુ તેને અંદરથી ખબર જ છે કે હું કોણ છું. જેનું દેહાભિમાન રહ્યું નથી તેનું સૂક્ષ્મ અનુસંધાન સ્વરૂપમાં જ હોય છે અને બાધિતાનુવૃત્તિ વડે વહેવાર કરતો હોય છે. તેણે જ્ઞાન વડે દૃશ્યનો બાધ કરેલો હોય છે. તેથી દૃશ્ય પદાર્થનો સંબંધ તેને લેપાયમાન કરતો નથી.
પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત અને અહંકાર આ ચૌદ કારણો, ચૌદ તેના વિષયો, ચૌદ દેવતા કુલ બેતાલીસ મિથ્યાને મિથ્યા સમજીને વહેવાર કરે છે. પરંતુ વધારે વર્ણન ન કરતાં વશિષ્ઠ મહારાજ રામજીને તેવી રીતે રહીને વહેવાર કરવાનું કહે છે કે જાગૃતમાં વહેવાર તો કરવાનો છે અને વહેવાર જાગૃતમાં જો કરવો હોય તો બેતાલીસ તત્ત્વો દ્વારા કરવો પડે. જે અધ્યાત્મ ઇન્દ્રિયો, અધિભૂત, અધિદેવ ચૌદ ચૌદ છે. તેને જ જાગૃત દશા કહેવાય છે. અને સુષૂપ્તિમાં તે બેતાલીશ સુપ્ત હોય છે. કારણ કે અંત:કરણ જ સુપ્ત થઈ ગયું તો વહેવાર કોણ કરે. જાગૃત-સ્વપ્નમાં બેતાલીશ તત્ત્વોનો વહેવાર છે. તો સુષુપ્તિમાં જે નિર્વિકાર દશા શી છે? સુષુપ્તિનો અભિમાની પ્રાજ્ઞ છે. અને તેને વિશેષણો તે આપ્યા છે તે માંડૂકય ઉપનિષદમાં આત્માનો જે ત્રીજો પાદ છે તેનું વર્ણન છે. અહીં લખતો નથી પરંતુ પ્રાજ્ઞને પ્રજ્ઞાનઘન, આનંદમય, આનંદભુક, ચેતોમુખ ઇત્યાદિ વિશેષણો આપ્યા છે. તે પ્રાજ્ઞ ત્યાં પોતાના સ્વરૂપનો અવિદ્યાની વૃત્તિ વડે આનંદ ભોગવે છે. વૃત્તિ વગર કોઈ પણ પદાર્થ કે વસ્તુનો, ભોગનો અનુભવ લઈ શકાતો નથી. તેથી ત્યાં અંત:કરણ તો સુપ્ત છે. કોઈ ક્રિયા નથી પરંતુ અવિદ્યાની વૃત્તિ વડે આનંદ ભોગવે છે. અને તે દશા વહેવારીક દશામાં કારણ રૂપ છે. પરંતુ ત્યાં પ્રાજ્ઞ કાંઈપણ વહેવાર તરફ જોતો કે અનુભવતો નથી. માટે ત્યાં અવિદ્યાના વિકારો પણ નથી. વૃત્તિ તદ્રૂપ છે, પરંતુ અવિધાની છે તેટલો તફાવત છે. નહીંતર તો તે પણ જાગ્યા પછી બ્રહ્મ દશા લઈને જ જાગૃત થાત તેથી ત્યાં સુખ નથી, દુખ નથી, પાપ નથી, પુણ્ય નથી, સ્વર્ગ નથી, નરક પણ નથી. તે પ્રાજ્ઞ ત્યાં તેનો કોઈ પણ ઉપાસ્ય ઇશ્વર કે ભગવાન પણ નથી. તે પોતે કોઈનો ઉપાસક પણ નથી. તેથી તે દશાને નિર્વિકાર દશા કીધી છે. તો રામજીને વશિષ્ઠ મહારાજ તે દશામાં જાગૃત અવસ્થામાં પણ તેમાં રહીને હે રામ વહેવાર કર કે જેથી સુખ, દુ:ખ, પાપ, પુણ્ય ઇત્યાદિ વિકારોનો સ્પર્શ પણ નહીં થાય અને જે વહેવારમાં ઇન્દ્રિય સંયોગથી વિષયમાં જે રાગદ્વેષ, અનુકૂળ વા પ્રતિકૂળતાનું જે જ્ઞાન થાય તે સઘળા વહેવારમાં વિષયથી થતું સુખ પણ બ્રહ્માનંદનું જ છે. વિષયમાં પણ તેનું જ પ્રતિબિંબ પડે છે. તેથી જેમ સુષપ્તિ વાળો પ્રાજ્ઞ આનંદભૂક છે તેમ તું પણ આનંદભૂક જ રહીશ આ થયો પહેલા પ્રશ્નનો પ્રત્યુત્તર.
પ્રઃ-(8) આત્મ તત્ત્વ અજ્ઞાનીને અપ્રકાશિત છે, આત્મ તત્ત્વ જ્ઞાનીને પ્રકાશિત છે. આત્મ તત્ત્વ મુક્ત પુરુષને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી એટલે શુ?
પ્રત્યુત્તરઃ-(8) આત્મ તત્ત્વ અજ્ઞાનીને તો અપ્રકાશિત જ હોય છે હવે અહીં સમજવાનું છે કે આત્મા તે આપણું સ્વરૂપ છે. તેથી આત્માને પ્રકાશિત કોણ કરી શકે? કારણ કે સઘળું સ્વયં પ્રકાશ વ્યાપક ચૈતન્યથી જ પ્રકાશી રહ્યું છે. સુર્યના પ્રકાશથી દિવસે સઘળા પદાર્થો પ્રકાશિત થાય છે. રાત્રે ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત થતા હોય છે. અંધારામાં પણ ચંદ્ર સુર્યનો પ્રકાશ ન હોય તો વાણીથી પદાર્થનો પ્રકાશ થાય છે. અને આ અંધારું છે તેમાં અંધારામાં પણ અંધારાને પ્રકાશ કરનારા આત્મા છે. આ પ્રકાશ છે તેમ પ્રકાશને પણ પ્રકાશ કરનાર આત્મા છે તેથી સઘળુ આત્માથી પ્રકાશે છે તે આત્મા અજ્ઞાનીને અપ્રકાશિત છે, કારણ કે જેમ સુર્યને વાદળું આવરણ કરે અને સુર્ય ન દેખાય પરંતુ વાદળાને તો આ વાદળું છે તેમ સુર્ય જ પ્રકાશ કરે છે. તેમ સામાન્ય રૂપમાં થતા પ્રકાશિત આત્માને અજ્ઞાની જાણી શકતો નથી. જ્ઞાન નથી તો વિશેષરૂપમાં તો કેમ જાણી શકે તેમ જ તો તે અજ્ઞાની છે માટે અજ્ઞાનીને અપ્રકાશિત છે.
આત્મ તત્ત્વ જ્ઞાનીને પ્રકાશિત છે. કારણ કે જ્ઞાની તેટલા માટે જ્ઞાની કહેવાય છે કે તેને આત્મ તત્ત્વનું જ્ઞાન થઈ ચુક્યું છે. જેણે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન દ્વારા અખંડ, અભેદ અને અવિનાશી આત્માને વૃતિ વ્યાપ્તિથી એટલે કે વૃત્તિનું બ્રહ્માકાર થવું તે. તેવી નિર્મલ વિશુદ્ધ વૃત્તિમાં આત્મા પ્રકાશિત થઈ જાય છે. જેમ અરિસામાં આપણા શરીર બિંબનું પ્રતિબિંબ રૂપમાં પ્રકાશિત થઈ જાય તેમ. તેથી જ્ઞાનીને તો પ્રકાશિત છે તે આત્માના સ્વરૂપને સારી રીતે જાણે છે. જાણી ચૂક્યા છે. તેથી તેને પ્રકાશિત છે. અહીં એ ખ્યાલ રાખશો કે ઉપર અજ્ઞાની અને પછી જ્ઞાની બંને અજ્ઞાનીની અપેક્ષા જ્ઞાની તેમ વર્ણન કર્યું છે. અજ્ઞાનીને અપ્રકાશિત અને જ્ઞાનીને પ્રકાશિત છે તેમ જ્ઞાની અજ્ઞાનીની વાત કરી છે.
હવે મુખ્ય તો આ પ્રશ્નમાં મુંઝવણ છે કે આત્મ તત્ત્વ મુક્ત પુરુષને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી એટલે શું સમજવું? મુદ્દો ઘણો જ રહસ્યનો છે, સુંદર છે. કારણ કે ઉપર માં તો અજ્ઞાની-જ્ઞાની માટેની વાત બતાવી કે અજ્ઞાનીને આત્મતત્ત્વ અપ્રકાશિત છે અને જ્ઞાનીને આત્મતત્ત્વ પ્રકાશિત છે. પરંતુ મુક્ત પુરુષને અપ્રકાશિત પણ નથી અને તેના પ્રતિયોગી પણામાં તે પ્રકાશિત પણ નથી. એટલે શું? એક રહસ્ય ખાસ તેમાં સમજી લેવાનું છે કે વસ્તુ પ્રકાશિત થાય છે તે કોઈ અન્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. માનો સારા એ વિશ્વના પદાર્થો સુર્ય દ્વારા પ્રકાશિત થાય છે તેમાં સુર્ય પ્રકાશ કરનાર છે. અને પદાર્થો પ્રકાશિત થનાર છે. તેમ બાહ્ય વહેવારમાં પણ પ્રમાતા વૃત્તિ અંત:તકણ બહાર ચક્ષુ વાટે પ્રવાહિત થઈને પદાર્થ સુધી જઈને પદાર્થનો સંયોગ કરે છે. પછી પદાર્થમાં વૃત્તિ વ્યાપે છે તેને વેદાંતમાં વૃત્તિ વ્યાપ્તિ કીધી. વૃત્તિ વ્યાપક બનીને પદાર્થને તદરૂપ થાય છે તેમાં પદાર્થ પરનું વૃત્તિ આવરણ ભંગ કરે છે અને વૃત્તિના અગ્રભાગમાં જેમ ભાલામાં અણી હોય તેમ ચિદાભાસ પદાર્થનો પ્રકાશ કરે છે. ત્યારે પદાર્થ પ્રકાશિત થાય છે તો જેમ વૃત્તિ બાહ્ય સઘળા પદાર્થને પ્રકાશે છે તેમ વેદાંતમાં પણ તેવી માન્યતા છે કે માત્ર બાહ્ય પદાર્થના જ્ઞાનમાં વૃતિવ્યાપ્તિ તથા ફળવ્યાપ્તિની જરૂર છે પરંતુ બ્રહ્મજ્ઞાનમાં માત્ર વૃત્તિવ્યાપ્તિની જરૂર છે. પ્રમાતા અને પ્રમેયના સંયોગની આવશ્યકતા છે અને બ્રહ્મ તેમાં પ્રકાશિત થઈ જાય છે. અને થઈ જાય છે તેમાં વૃત્તિ, શુદ્ધ નિર્મલ તો જેમ અરિસો બિંબનું જ્ઞાન કરાવવામાં પ્રતિબિંબને પ્રગટ કરી ને નિમિત્ત બને છે તેમ સાધનરૂપે નિમિત્ત બને છે. પરંતુ ત્યાં એક વાત ન ભૂલવી જોઈએ કે આંખ સુર્યને જુવે છે ત્યારે આંખે સુર્યને પ્રકાશ કર્યો અને પછી સુર્ય પ્રકાશિત થયો નહીં ત્યાં સુધી સુર્ય જ સુર્યરૂપે સિદ્ધ થયો છે. પોતાને પોતે આંખમાં પ્રકાશ કરીને પોતે જ પોતાને સિદ્ધ કરી આપ્યો છે કે હું છું બસ.
આત્માને જાણવાનો કોઈ પણ ઉપાય નથી તેથી જ ઘણી જગ્યાએ તે કહેવામાં આવે કે વેદશાસ્ત્ર, ગુરુ આ સઘળી તેને જાણવાની સામગ્રી છે. શાસ્ત્રોને, વેદને ગુરુ સમજાવે પછી તેના વેદાંતના સંસ્કાર પડે તેને અનુરૂપ જીવન ઘડાય. સાધન થાય પછી તેવા સંસ્કારવાળી વૃત્તિ જાગે કે છેલ્લે નિદિધ્યાસનરૂપ અતુટ જે તૈલાવતધારા વહેવા લાગે ત્યારે તેમાં સ્વરૂપ પ્રકાશિત થઈ જાય. પરંતુ વેદશાસ્ત્રો ઇત્યાદિ સઘળી સામગ્રી છે છતાં પ્રયત્ન પુરુષનો ન થાય અથવા આત્મકૃપા ન થાય તો સઘળું નકામુ છે. તેથી પુરુષ પ્રયત્ન જ ઉપયોગી છે. તેથી એની જે ઇચ્છા કરે તેનું જ તે વરણ કરે છે અને સ્વરૂપ પ્રગટ કરે છે. તેથી એ સમજી લેવું જોઈએ કે જે પ્રમાણોનો પણ પ્રમાણરૂપ છે જેના પ્રમાણ (પ્રકાશ) થી સઘળું પ્રમાણ થાય છે, પ્રકાશ છે તેને કોણ પ્રકાશિ શકે. જે પ્રમાતાનો પણ પ્રમાતા છે તેને કોણ પ્રમાણથી જાણશે? તેથી તેને પ્રમાણનો અવિજ્ઞેય પદથી અપ્રમેય કહ્યો છે. તેથી કયાંય પણ તેવું આવે કે વેદશાસ્ત્ર કે ગુરુ કશા તેમાં ઉપયોગી નથી તો તેનું આ રહસ્ય છે તે સમજી લેવું જોઈએ. તેથી મુક્ત પુરુષો તે છે કે જેણે આ ઉપાયોથી તત્ત્વને જાણ્યું છે. અને જાણ્યું છે તેથી મુક્ત પુરુષને આત્મ તત્ત્વ પણ પ્રકાશિત નથી. કારણ કે જાણેલું છે પરંતુ જો કહે કે મેં જાણ્યું, તો તે જાણાવાનો વિષય થયો તો તે દૃશ્ય થયું. જે જ્ઞાતાના જ્ઞાન દ્વારા અથવા દૃશ્યના દર્શન દ્વારા જણાય તે દૃશ્ય કહેવાય. માટે તે દૃશ્ય નથી, દૃષ્ટાનો કોઈ દૃષ્ટા નથી અને દ્રશ્ટાનો દ્રશ્ય માનીએ તો અનવસ્થા દોષ લાગે તેથી ત્યાં દ્રશ્ટા તથા દ્રશ્યનો બાધ કર્યો છે. તેથી તે મુક્ત પુરુષને પ્રકાશિત પણ નથી કારણ કે કોઈપણ અનુભવ અનુભવીને અનુભવ્ય પદાર્થનો કે વસ્તુનો અનુભવ આપે છે. તેથી બ્રહ્મને અનુભવ્ય ન માનવું જોઈએ. પરંતુ વહેવારમાં તેમ કહેવું પડે કે મેં અનુભવ્યું કે હું તે અનુભવી છું તેવો વાણી દ્વારા વહેવાર થાય છે.
પરંતુ અહીં ત્રીપુટીનો લોપ કરીને અનુભવરૂપ છે તેવા મુક્ત પુરુષને આત્મ તત્ત્વ અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી અહીં પ્રત્યુત્તર પુરો થયો.
પ્રશ્નઃ-(9) પ્રલયમાં તથા સમાધિના કાળમાં સંપૂર્ણ જગત સુષુપ્તરૂપ થઈ જાય છે. જ્ઞાન કાળમાં તુર્યારૂપ થઈ જાય છે એટલે શું બંનેનો ભેદ શુ ?
પ્રત્યુત્તરઃ-(9) પ્રથમ વાત આપણે તે સમજી લઈએ કે સૃષ્ટિ કયારે પણ ન હતી તેમ નહી. સૃષ્ટિ કાયમ છે તે વાત નિશ્ચિત કરી લેશો. સૃષ્ટિની નવિનતા શોધવા જશો કે પ્રથમ કયું તો મુંજાઈ જશો. તેમાં છ તત્ત્વો અનાદિ છે તેનો ખ્યાલ રાખીને પછી સૃષ્ટિની વાત કરવી નહીંતર ઉત્પત્તિનું મુલ નહીં જડે. તેથી આપણે માનવું જોઈએ કે જે વસ્તુની ઉત્પત્તિ થતી હોય તેનો વિનાશ પણ અવશ્ય હોય. ઉત્પત્તિનો ધર્મ જેને લાગુ પડે તેને વિનાશનો ધર્મ લાગુ પડે. તેથી પરબ્રહ્મ પરમાત્માના અધિષ્ઠાનમાં ત્રણ ક્રમો ચાલે છે. જે જન્મે જેની ગતિ હોય અને જે તાપથી તપાયમાન થાય તેને જગત કહેવાય. અને જે જગતમાં નામરૂપ જેટલાં છે તે જગત છે. જીવપણ ક્ષરોભાવને પામે છે.
જેમ શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમાં અધ્યાયમાં ત્રણ પુરુષો બતાવ્યા છે તેમાં ક્ષર પુરુષ તે ચિદાભાસ જીવ છે અને તેની જગતમાં ગણના થાય. જીવ-જગત આ જીવ તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય તેમ ત્રણ ક્રમો ચાલે છે. કાલ પુરુષને આધિન થઈને આદિ, મધ્ય તથા અંત થતા રહે છે. એક પરબ્રહ્મ પરમાત્મા અધિષ્ઠાનરૂપમાં ત્રિકાલાબાધિત રહે છે. તો જ્યારે તે પરબ્રહ્મ પરમાત્મામાંથી જગતના જીવોના કર્મ સંસ્કારો જે સુપ્ત પડયાં છે, સુતેલા જેનો મોક્ષ થયો નથી તેવા જીવોનાં કર્મ સંસ્કાર, ઇશ્વર સૃષ્ટિ કયારે કરે જે જ્યારે સઘળા સુપ્ત જીવોના સુપ્ત સુતેલા કર્મ સંસ્કાર ફલ આપવાને ભાવવાળા થાય. ત્યારે ઇશ્વર માયા વિશિષ્ટ ચૈતન્ય વેદાંત મતે માયા ઉપહિત ચૈતન્ય એકોહં બહુ સ્વામ તેવો સંકલ્પ કરે, ઇક્ષણ કરે. એટલે કે જીવો તથા તેનાં કર્મ સંસ્કારોને જુવે છે પછી તેમાંથી પ્રથમ હિરણ્યગર્ભ તેમ વિરાટની રચના થઈને સૃષ્ટિ ઉભી થાય અને તેમા જગતના જીવો સ્થિતિકાલ સુધી કર્મ કરતા રહે અને તેનાં ફલ ભોગવતાં રહે તેમ કર્મ તથા વાસનાના સંસ્કારો ને લઈને બીજ અંકુર ન્યાયે સૃષ્ટિ કર્મ ચાલતો રહે.
જેમ વ્યષ્ટિ જીવોમાં પણ આપણે આપણું દ્રષ્ટાંત લઈએ કે સવારથી સાંજ સુધી કર્મ કરીએ છીએ તેના ફલ ભોગવીએ છીએ, પરંતુ જ્યારે સુર્ય અસ્ત પામે ત્યારે કર્મ કરવાનો અભાવ થાય છે. ફલનો પણ અભાવ થાય છે તેથી સાંજે સુષુપ્તિમાં સુઈ જઈએ છીએ. પ્રાજ્ઞ અધિષ્ઠાનમાં તેને આશ્રિત રહેલી અવિદ્યા, તેમાં કર્મ, વાસના, સંસ્કારો સહિત અંત:કરણ પણ સુઈ જાય છે. સુપ્ત થઈ જાય છે. અને જ્યારે સાંજે સુતી વખતે કામનાનો વિચાર જ્યાં અધુરો રહ્યો, જે કામ કરવાના ઘણા બાકી કે અધુરાં રહી ગયા છે તે કામ કરવાની વાસનાના સંસ્કારો પણ સાથે સુપ્ત થઈ જાય છે. અનઅવધિ કાલે તે અવિદ્યામાં કામ, કર્મના સંસ્કાર ફરી અધુરાં કામ પુરા કરવા માટે જાગે છે. તે સંસ્કાર તથા કર્મ ફલ આપવાને ભાવવાળાં થયા એટલે આપણે જાગીને તે જ કામ શરૂ કરીએ છીએ. તેમ ફરી ફરીને સુવું, ફરી ફરીને જાગવું. તેમ દિન દિન પ્રતિના સંસારમાં જીવના જગતમાં પણ આદિ, મધ્ય તથા અંત થતાં રહે છે. વળી આયુ મર્યાદા પુરી થાયે જન્માન્તર પ્રતિનો સંસાર શરૂ થાય કોઈ બીજી જગ્યાએ જન્મ ધારણ કરીને તેમ પરંપરા થતી રહે. વળી માતા પિતાના રજક, બીજક મળવું તેમ સંસાર. તેવી જ રીતે નિત્ય પ્રલય, જે નિત્ય પ્રતિ પર માં પ્રકૃતિમાં લય થતો રહે છે.
અધિષ્ઠાન, ઇશ્વર, પરબ્રહ્મ કોઈ નિમિતથી થતો પ્રલય નૈમિતિક કહેવાય. વિશેષ વર્ણન ન કરતાં પ્રલય તથા મહાપ્રલયમાં શેષ પરબ્રહ્મ પરમાત્મા સિવા કશું પણ બચતું નથી. સઘળું માયામાં વિલીન થઈ જાય છે. માયા પણ પરબ્રહ્મ પરમાત્મામાં પરંતુ અહીં વિલીનનો અર્થ એવો ન કરવો કે ફરીને ઉત્પન્ન નહીં થાય. મતલબ કે ઇશ્વર પણ પ્રલય ત્યારે કરે છે કે જ્યારે જીવોના કર્મ, સંસ્કારો ફલ આપવાને અભાવવાળા થાય. એટલે સઘળા જીવો કે જે મોક્ષ નથી પામ્યા તેવા ઇશ્વરમાં સુષુપ્તદશામાં હોય છે. ઇશ્વરમાં અભિન્ન થઈને કે જેમ આપણો સુપ્તદશામાં અહંકાર વિલીન હોય અભિન્ન હોય ત્યારે મોક્ષ જેવી જ સઘળા જીવોની દશા હોય છે. સુખ દુઃખ કે સ્વર્ગ નરક ઇત્યાદિ કાંઈ પણ ન હોતા સુષપ્તિવાળા પ્રાજ્ઞ જેવી દશા હોય છે. ત્યારે પ્રાજ્ઞ જીવો ઇશ્વર સાથે અભિન્ન હોય છે. ફરી કર્મ સંસ્કારો ભાવવાળા થશે ત્યારે ઇશ્વરના ઇક્ષણ થી કે સંકલ્પથી પોત પોતાના કર્મ સંસ્કાર લઈને ફલ ભોગવવા માટે અભિમુખ થશે અને આવી રીતે સૃષ્ટિ, સ્થિતિ તથા પ્રલય થતાં રહે છે. આ ક્રમ અતુટ રહે. આ થઈ પ્રલયની વાત.
હવે સમાધિનો વિચાર કરશું. વાસ્તવિકતામાં તો સમાધિનો અર્થ તો થાય કે જ્યાં મનનું આધિ સમ થઈ જાય કે મન ન રહે તે સમાધિ. સમાધિ શબ્દથી ઘણી ઘણી ભ્રાંત સમજણ થાય છે. સાચો અર્થ તે છે જ્યાં મન ન રહે તે સમાધિ છે. પરંતુ આપણે જે વિષય ચર્ચવાનો છે તેની વાત કરવી છે કે સમાધિ વિશે વર્ણન કરીયે તો પતંજલિનો ગ્રંથ ચાલે પણ સંક્ષિપ્તમાં જોશું કે એક પ્રશ્ન ઉઠશે કે ભાઈ સમાધિ શા માટે ? તો પ્રત્યુત્તરમાં જે આ મન દ્વારા કંઈક થઈ રહ્યું છે, જોઈએ છીએ આ જગતને અને તેના સુખ દુ:ખના પડઘા પડે છે તેને પણ અનુભવિએ છીએ. તો આ જગત એ વસ્તુ શું છે? જે સુખ દુ:ખનો ભોક્તા જીવ તે કોણ છે? અને પરમાત્મા જેવી કોઈ વસ્તુ છે કે નહીં? કોની સત્તાથી આ ચાલે છે? નિયમન પણ જોઈ રહ્યા છીએ કે કોઈ નિયમન કરે છે. સઘળું નિયમમાં ચાલે છે. સુર્ય ચંદ્ર ઇત્યાદિ તો તે શું છે? ઇત્યાદિ પ્રશ્નોના સમાધાન માટે સમાધિ. ઉત્પત્તિ તથા સ્થિતિ અને પ્રલયનું જ્ઞાન સંપૂર્ણ પણે સમાધિથી જ મળે છે. સમાધિ એટલે કે જે હું બહાર ભટકું છું તે ફરીને મારે મારા મૂલ તરફ વળવું અને મુલમાં મળવું તે માટે સમાધિ છે.
આ સઘળું મનથી જ ચાલે છે મન ન હો તો જગત નથી મન છે તો જગત છે. તે યોગ વશિષ્ઠમાં ફરી ફરી મનની જ વાત આવશે. તો મનનો વિલય થાય છે જેમાં તે સમાધિ. આ સમાધિનું સાચુ સ્વરૂપ સમજીને હવે સમાધિના ભ્રાંત અર્થો પણ જોશું કારણ કે સમાધિમાં આપણા વ્યષ્ટિગત જગતનો પ્રલય કરવાનો હોય છે અને તેનું અધિષ્ઠાન આધારભૂત તત્ત્વ શું છે તે જાણવું કે મારું વ્યષ્ટિ જગત સુખ દુ:ખ આપવાવાળું છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે. આ વ્યષ્ટિ જગતના અને તેના અધિષ્ઠાનને જાણવાથી સમષ્ટિનું અને સમષ્ટિના અધિષ્ઠાનનું પણ જ્ઞાન થઈ જાય છે.
શરીરના મૃત્યુ પછી પણ કોઈ શેષ વસ્તુ બચે છે કે કેમ? તે પ્રશ્ન પણ સમાધિથી હલ થાય છે કે આ શરીર છોડીને અન્ય શરીરમાં જનારો જીવ છે કે નહીં. જન્મ છે કે નહીં. ઇત્યાદિ પ્રશ્નો હલ કરવા માટે સમાધિ અને તે જાણીને સર્વ દુ:ખથી મુક્ત થવું અને પરમાનંદ સ્થિતિ તે શું તે જાણીને માણવું પરંતુ વિચારવાનું તે છે કે જે સમાધિ કરે છે તે પોતાના પ્રારબ્ધ ભોગવી રહ્યો છે અને દરેક જીવના શ્વાસ હોય છે કે જ્યાં પ્રારબ્ધની સમાપ્તિ થાય અને વળી સંચિતમાંથી નવું પ્રારબ્ધ બનીને નવા શરીરની રચના કરે. તો સમાધિ કરનાર વ્યક્તિ સમાધિ માટે અંતર્મુખ થાય છે અને અંતર્મુખ થયા પછી મન્ તથા પ્રાણની સાથે સંબંધ અધિક જોડે છે. ઇન્દ્રિયો મન સહિત પાછો ફર્યો છે જેની વિલીનતા માટે મન પ્રાણ સંયુક્ત સ્વભાવવાળો હોય છે. તેથી એકની નિવૃત્તિમાં બીજાની પણ નિવૃત્તિ હોય છે. તો પ્રાણ કલા સર્વશ્રેષ્ઠ વસ્તુ છે કે ચિત્તિશક્તિમાં સઘળું જગત સંઘરાયેલું છે અને સઘળા જગતના તે રહસ્યો પણ આપી શકે છે તેને કુંડલીની શક્તિ કહેવાય છે. તે અધોરૂપ હોય તો સંસાર અભિમુખ કરે અને જો પ્રયત્ન દ્વારા અંતર્મુખ થઈને ઉર્ધ્વીકરણ થાય તો પરમાત્માનો પરિચય કરાવે તેવી શક્તિ તે પુરુષે પોતાના પ્રયત્ન દ્વારા ઉર્ધ્વીકરણ કરે પછી મુલાધારથી સુષુમ્ણા વાટે ચક્રોનું ભેદન કરતી ધીમે ધીમે સહસ્ત્રસારમાં વિલીન થવાં લાગે, જે આપણા શરીમાં તે પરમાત્માનો પરિચય કરાવે તેવું મુખ્ય કેન્દ્ર તે છે કે જ્યાં પ્રકૃતિની સામ્યાવસ્થા અનુભવી શકાય છે અને સમાધિ વખતે ત્યાં પ્રકૃતિની સહસ્ત્રદલ ચક્રમાં કે જે પરમાત્માનો વાસ છે. અજર અમર ચક્ર છે કે જ્યાં જઈને કે પામીને યોગીને હું પણ અજર અમર છું તેવું જ્ઞાન થાય છે. અને સઘળા જ્ઞાનના ઝરણા પણ ત્યાંથી ઝરે છે. ત્યાં વ્યષ્ટિરૂપમાં પ્રકૃતિની સામ્યાવસ્થાને પામે છે અને આત્મા પરમાત્મા જીવ શિવની અભિન્નતા અનુભવે છે.
જ્યારે તે સહસ્ત્રદલમાં કયાં સુધી સમાધિ કરીને રહેવું તે પણ મર્યાદિત હોય છે. કારણ કે શેષ પ્રારબ્ધના સંસ્કાર જેને વ્યુત્થાન સંસ્કાર કહેવાય તો આ વર્તમાન જન્મ કે જીવન ચાલે છે તેના સંસ્કાર ફરી વ્યુત્થાન દશામાં લાવે. કાયમને માટે યુગધર્મ પણ કયારેક અધિક કામ કરતો હોય છે અને તેમાં પણ પ્રારબ્ધ હોય છે. કોઈ હજારો વર્ષ સુધી પણ નિચેષ્ટ દશામાં રહે અને તેમાં પણ જો જ્ઞાનપૂર્વક સમાધિ ન કરી હોય તો રસ્તામાં જ સિદ્ધિઓ આવે અને રોકાઈ જાય. શરીર શરીરની જગ્યાએ નિચેષ્ટ રહે અને પોતે આતિવાહિક શરીર દ્વારા બહાર વિલાસો ભોગવતો રહે તેવી કથા યોગવશિષ્ઠમાં બહુ આવશે. જે યોગાભ્યાસ દ્વારા જ સમજી શકાય છે. શુક્રાચાર્યની કથા સઘળાએ વાંચી છે
તેમ પણ બને પરંતુ યોગીને પોતાના સંકલ્પ પર સત્તા આવે છે તેથી ઠીક પડે તેમ કરવા માંડે છે જો જ્ઞાનના અભાવ સાથે પ્રાણનો નિરોધ કરીને સમાધિમાં ગયો હશે તો સંભવ મોક્ષનો કે પરમાત્માનો અનુભવ ન પણ થાય અને પરમાત્મા કરતા પણ સિદ્ધિઓના આનંદમાં ફસાઈ જાય છે. પરંતુ સ્વરૂપના જ્ઞાનપૂર્વક અથવા ગુરુના માર્ગદર્શનપૂર્વક ચાલે છે તે સમાધિમાં પોતાના નિજ સ્વરૂપનો અનુભવ લીયે છે પરંતુ વ્યુત્થાનદશામાં તો આવવું પડે તેમાં કારણ એક છે કે યોગી ધારે કે હવે મારે પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરીને પરમાત્મામાં એક થઈ જવું છે વિદેહ મુક્તિને પ્રાપ્ત થવું છે તો તે પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરી શરીરનું મૃત્યુ કરીને વિદેહમુક્તિ થઈ જાય છે. તેમાં યોગીને સત્ય લોક કે બ્રહ્મલોકમાં લોકાંતર ગમન નથી. પાંચ ભૌતિક શરીર અહીં જ વિલીન થઈને પાંચભૂતના કાર્યો પોત પોતાના ભુતમાં મળી જાય છે.
અને તેવી રીતે પ્રારબ્ધના ઉત્ક્રમણમાં મતલબ કે હજી પ્રારબ્ધ ભોગવાઈને પુરું નથી થયું અને પ્રારબ્ધનો નાશ કરીને વિદેહ મુક્ત થવું તેમાં પ્રારબ્ધ ભોગવવું જ પડે. તેવો એક નિયમ છે કે પ્રારબ્ધથી મુક્ત કોઈપણ ન થઈ શકે. જ્ઞાનીને પણ લેશ વિદ્યા હોય છે. પ્રારબ્ધ જ્ઞાન થયા પછી પણ શેષ રહે છે તે પૂરું થાય ત્યારે જ વિદેહ મુક્તિ થાય છે ત્યાં સુધી વિદેહ મુક્તિ થતી નથી પરંતુ અહીં તે પ્રારબ્ધ ભોગવવું જ પડે તેવો નિયમ યોગીને માટે નથી. તે અધૂરું પ્રારબ્ધ હોય અને શાસ્ત્રોક્ત ક્રિયા કે જે યોગની છે તે તેમાં તે ભોગવવાનો નિયમ તૂટી જાય છે તેથી તે યોગી વિદેહમુક્તિ જ્યારે ઇચ્છે ત્યારે થઈ શકે છે. શરીરને છોડીને ચાલ્યો જાય છે પરંતુ જ્ઞાનીને જ્ઞાન થયું છે પરંતુ યોગક્રિયા નહીં હોય તો વિદેહમુક્તિ માટે પ્રારબ્ધના અંતની પ્રતિક્ષા કરવી પડશે. અને પ્રારબ્ધ પૂરું થતાં શરીરના અંતનો જે તે નિમિત્તે શરીરનું છે પછી ગમે તે હોય તેમાં જ્ઞાનીને કોઈપણ લેવા દેવા નથી. તે વિદેહમુક્તિને પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રારબ્ધનું ઉત્ક્રમણ ન કરવું અને પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી ચાલવા દેવું તેવા નિર્ધારવાળો જ્ઞાની યોગી ફરી વ્યુત્થાન દશામાં આવે છે.
અને સમાધિમાં એક એવો નિયમ છે કે જ્યારે સમાધિ કરી કે આયુની મર્યાદા પણ બંધ રહે. ગાડીને ઊભી રાખી દીધી કે ગતિ બંધ પડી ગઈ તેમ સમાધિ કાલ સુધી આયુની પણ ગણના હોતી નથી. આયુની ગણના શ્વાસોશ્વાસથી થાય છે. ફરી વ્યુત્થાનદશામાં આવે અને આયુ મર્યાદા શરૂ થાય તેમ યોગી સ્વતંત્ર છે. દરેક રીતે કાલની પણ અમુક સમય સુધી વંચ્છના કરી શકે છે. જેમ કે ચાંગદેવ ચૌદશો વર્ષ, વર્ષે વર્ષે કાલની વંચ્છના કરે. આખરતો અવશ્ય ભાવીનો સિદ્ધાંત સર્વને સ્વીકારવો પડે તો અહીં જે પ્રશ્નમાં સમાધિની વાત થઈ છે તેને પ્રલય સાથે સરખાવી છે કારણ કે જેમ ઇશ્વર પણ મહાપ્રલય કરે છે ત્યારે સારા એ જગતના સૃષ્ટિના સંસ્કારરૂપે સઘળાને પોતાનામાં સમાવી લે છે જેમ બીજમાં વૃક્ષના સંસ્કાર રહે તેમ પ્રલયકાલે સઘળું બ્રહ્માંડ ખળભળી નાશ થઈને સુક્ષ્મ સંસ્કારરૂપે પરમાત્મામાં સમાઈ રહે છે. અને ફરી વળી સર્ગકાલે તેમાંથી પ્રગટ કરે છે.
જેમ બીજમાંથી વૃક્ષ તેવી જ રીતે સમાધિમાં પણ યોગી પોતાના પિંડરૂપી બ્રહ્માંડનો પ્રલય કરે છે કારણ કે સ્થુલ શરીરમાંથી પ્રાણકલાને સંકોચી લેતાં તેથી અલગ કરી લેતાં શરીરની મૃત્યુ જેવી સ્થિતિ થઈ જાય છે. લિંગાત્મા પુરુષ સહસ્ત્રસારમાં પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ જાય. પ્રાણ તે હિરણ્યગર્ભનો અંશ છે તે ભ્રકૃટીએ જ મસ્તકમાં હિરણ્યગર્ભ સાથે એકતા પામી જાય છે. પરંતુ યોગી ધારણા મુજબ સંકલ્પને સાથે રાખીને સમાધિ કરે છે કે જે સંક્લ્પ ફરી ધારણા મુજબ વ્યુત્થાન દશામાં લાવી શકે છે. મસ્તકમાં હિરણ્યગર્ભ સાથે તે એકતા સાધે છે. બાદ ત્યાંથી જે પ્રકૃતિની સામ્યાવસ્થાને પ્રાપ્ત થઈ અને સંકલ્પના બીજ સાથે જેમ કે ઇશ્વર સૃષ્ટિનો પ્રલય કર્યા પછી સંકલ્પનું બીજ રાખે છે તેમ યોગી પણ પરમાત્માની સાથે એકતા તાદાત્મ્ય સમાધિમાં સાધે છે. જેમ મીઠાની પુતળી સાગરમાં મળે તેમ મન તેમાં તદ્રૂપ થાય છે. અંત:કરણ ત્યાં તદ્રુપ થયું હોય છે. સમાધિમાં અને સુષુપ્તિમાં તેથી સઘળાં તેમ કહે છે કે આ જીવે છે પરંતુ જીવાત્માને ખબર હોતા નથી કે મારા પ્રાણ ચાલે છે. અને અંત:કરણ સુષુપ્તિમાં સુપ્ત થઈ જાય છે. તેથી જો બેઠા હોય તો શરીર ઢળી જાય છે. ડોક નમી પ॰ે છે. પરંતુ સમાધિમાં તેવું થતું નથી. તેથી ઉલટું છે. સુતેલી વ્યક્તિ તે એકઘાટા ઘનધોર અંધારામાં છે તમસથી છવાયા ગયેલ છે. અને યોગી સમાધિમાં ઝળહળતા પ્રકાશમાં પૂર્ણ સત્વમાં છે. ત્યાં અત:કરણ સુપ્ત નથી. પરમાત્માની સાથે તદરૂપ થઈને તેનો સ્વાદ માણે છે. અનુભવ લીયે છે. પરંતુ ત્યાં અનુભવ વ્યકત કરવા માટે સામગ્રી નથી. અને અંત:કરણ પણ જાગૃત હોય છે ધ્યેય તદ્રૂપ હોય છે. તેથી યોગીનું શરીર ટટાર નિશ્ચળ ચેતના પ્રાણકલા રહિત હોય છે. માત્ર ચેતન્ય બ્રહ્મરંધ્રમાં સત્તારૂપે ગરમીરૂપે હોય છે. બાકી તો સઘળું શૂન્ય પ્રલય હોય છે. પરંતુ અવધિવાળા સંસ્કાર સાથે તે સુખ પરમાત્માનું લેતો હોય છે. તેથી સંકલ્પની મર્યાદાએ તે ફરી વ્યુત્થાનદશામાં આવે છે. અને વળી હિરણ્યગર્ભ સાથે એકતા કરી ત્યાંથી અંશાત્મકરૂપે સારા શરીરમાં પ્રાણકલાને પ્રસરાવે છે અને વળી જગત વહેવાર શરૂ થાય છે આ જ યોગી ધ્યાનના લાંબા અભ્યાસ દ્વારા સઘળા પાંચ ઇન્દ્રિયો પ્રાણ મન શરીર સઘળા ઉપર પોતાનો કાબુ પ્રાપ્ત કરે છે. અને સંકલ્પની સત્તા નીચે સઘળું રાખે છે. તેથી જેમ ઇશ્વર સૃષ્ટિનો પ્રલય કરે છે અને ફરી સૃજન કરે છે તેમ યોગી પણ પોતાની વ્યષ્ટિગત સૃષ્ટિનું સૃજન પાલન સંહાર કરે છે. તેથી વશિષ્ઠ મહારાજે કહ્યું છે કે પ્રલય તથા સમાધિકાળમાં જગત સુષુપ્ત થઈ જાય છે. યોગી જ્યારે વ્યષ્ટિગત જગતના પ્રલય સાથે સમષ્ટિનો પણ પ્રલય અનુભવે છે તેથી વ્યષ્ટિ સમષ્ટિનો અનુભવ લેવા માટે મન જ નથી. મન તો મીઠાની પુતળી માફક તદ્રૂપ થઈ ગયું છે. તેથી બંને પ્રલયકાલ અને સમાધિકાલની સરખામણી કરીને કહે છે તેથી પ્રલયકાલ અને સમાધિકાલ જગત સુષુપ્ત હોય છે. અને જ્ઞાનકાલમાં તુર્યારૂપ થઈ જાય છે. પરંતુ હવે અહીંથી જ્ઞાન કાલમાં તુરીયરૂપ એટલે કે જીવની ત્રણ અવસ્થા જાગૃત, સ્વપ્ન તથા સુષુપ્તિ. આ ત્રણ અવસ્થા જીવની છે અને ચોથી આ ત્રણની અપેક્ષાએ આત્માની છે.
તેથી સંસ્કૃતમાં તુરીય એટલે ચોથી. પરંતુ તેમાં ત્રણે અવસ્થાના અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ રહ્યાં નથી. સ્થુલ સુક્ષ્મ કારણ શરીર પણ રહ્યા નથી. પરંતુ જ્ઞાનની તે અવસ્થા છે. આ ત્રણ અજ્ઞાનની છે તેથી સ્થુલ સુક્ષ્મ બંને શરીરોના કારણરૂપ અવિદ્યાની સમાધિમાં નિવૃત્તિ થઈ જાય છે. તેથી તુરિયરૂપ જ્ઞાનકાલમાં તુરીયરૂપ થઈ જાય છે પરંતુ તે તુરીય પણ આત્માની જ્ઞાનની અવસ્થા છે તેથી અવસ્થાતીત અનવસ્થા જે પરમાત્મા છે. તેની સાથે સત્તા માત્રમાં સ્થિતિ તે તુર્યાતીત દશા છે. અહીં જ્ઞાન કાલની જ વાત કરી છે તેથી તે ચોથી અવસ્થાજ્ઞાન કાલની છે. પછી સમાધિના પણ બે પ્રકાર કહ્યા છે. વસ્તુતાએ તેમાં જ્ઞાન થયાં પછી આત્માની એક સહજાવસ્થા સ્થિતિ છે. આ સહજાવસ્થાને સાથે જેટલા પર્યાય લગાડવા હોય તે લાગી શકે પરંતુ પછી કબીર કહે છે તેમ સહજ સમાધિ ભલીમાં તે રહે છે. શંકરાચાર્ય પણ શિવમાનસ પુજામાં આત્મા ત્વં ગિરીજા મતિ કહીને ગાય છે તેવી સ્થિતિમાં પછી જ્ઞાની કહે કે યોગી કહો કે કાંઈ ન કહો તે પછીના નામો છે. સંજ્ઞાઓ છે પરંતુ તેને માટે કાંઈ ન કહેવું. તે સ્વતંત્ર છે તેને ઠીકલાગે તો યોગી જ્ઞાની પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરવુ ધારે કે ઇચ્છે તો તેમાં પણ સ્વતંત્ર છે. ન ઇચ્છે જે તે સઘળું સ્વતંત્ર છે. આ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રલયમાં તથા સમાધિના કાલમાં સંપુર્ણ જગત સુપ્તરૂપ થઈ જાય છે. જ્ઞાનકાલમાં તર્યારૂપ થઈ જાય છે. તેનો પ્રત્યુત્તરમાં મારા પ્યારા વહાલાં વહાલા ભક્તો મારી અનુભૂતિ મુજબ આપ્યો છે. જેમાં આપને પૂર્ણ સંતોષ થશે એમ હું માનું છું. છતાં કાંઈ પણ પ્રશ્ન થાય તો અને મારા પ્રત્યુત્તરમાંથી પણ જો પ્રશ્ન થાય તો ફરી મોકલશો અને યોગવશિષ્ઠમાથી તો જ્યાં જ્યાં પરસ્પર ચર્ચાને અંતે સમાધાન ન લઈ શકાય તો જરૂર અહીં પ્રશ્ન મોકલશો પરસ્પર શબ્દ ન સમજાતો કે સમજાતો લઈને ચર્ચા બુદ્ધિમતે ખુબ કરશો, કારણ કે બ્રહ્મચર્ચા પણ ખુબ જ આનંદ આપે છે. અનુભૂતિ જુદી વાત છે. પરંતુ બ્રહ્મચર્ચા પણ સુખદાયક છે. તેથી ચર્ચાને લઈને પરસ્પરમાં સંવાદ પણ થાય આનંદ આનંદ થાય. ખુબ જ પ્રસન્નતા મારા વહાલાં વહાલાં ભક્તો
આપનો ભજન પ્રકાશાનંદ
* રાજયોગ, ઉન્મની, મનોન્મની, ચિતવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિતપ્રલય, અમરત્વ, લય, તત્ત્વ શુન્યાશુન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા ને તુર્થાવસ્થા આ સમાધિના પર્યાય છે. *