Daily Archives: 05/12/2008

બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે – (24)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૪ – બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે

૨8. આમ હોવા છતાં ભગવાને ઉપર એક ટપકું મૂકી રાખ્યું છે. સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે એમ ભગવાન કહે છે. બંને સરખા છે, તો પછી ભગવાન આમ કેમ કહે છે ? આ વળી બીજી શી ગંમત છે ? કર્મયોગને ભગવાન ચડિયાતો કહે છે ત્યારે તેઓ સાધકની દ્રષ્ટિથી એમ કહે છે. જરાયે કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરવાનો પ્રકાર એકલા સિદ્ધને માટે શક્ય છે, સાધકને માટે શક્ય નથી. પણ સર્વ કર્મો કરતા રહેવા છતાં કશું ન કરવું એ પ્રકારનું થોડું સરખું અનુકરણ થઈ શકે એવું છે. પહેલો પ્રકાર સાધકને માટે શક્ય નથી, ફક્ત સિદ્ધને માટે પમ વત્તાઓછા પ્રમાણમાં શક્ય છે. જરાયે કર્મ ન કરવા છતાં કર્મ કેવી રીતે કરવું એ સાધકને ગૂઢ લાગશે, સમજાશે નહીં. સાધકને માટે કર્મયોગ રસ્તો છે તેમ મુકામ પણ છે, પણ સંન્યાસ મુકામ ઉપરની સ્થિતિ છે, રસ્તામાંની નથી. એથી સાધકની દ્રષ્ટિએ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે.

29. આ જ ન્યાયે આગળ ઉપર બારમા અધ્યાયમાં ભગવાને નિર્ગુણ કરતાં સગુણને વિશેષ માન્યું છે. સગુણમાં બધી ઈન્દ્રિયોને કામો મળી રહે છે. નિર્ગુણમાં એવું નથી. નિર્ગુણમાં હાથ નકામા, પગ નકામા, ને આંખ પણ નકામી. બધી ઈન્દ્રિયો કામ વગરની રહે છે. સાધકથી એ બની શકતું નથી. પણ સગુણમાં એવું નથી. આંખથી રૂપ નીરખી શકાય છે, કાનથી ભજન કીર્તન સાંભળી શકાય છે. હાથ વડે પૂજા થઈ શકે છે, લોકોની સેવા થઈ શકે છે અને પગ વડે તીર્થયાત્રા થાય છે. આમ બધી ઈન્દ્રિયોને કામ આપી, જેનું તેનું કામ જેની તેની પાસે કરાવતાં કરાવતાં આસ્તે આસ્તે કેળવી તેમને હરિમય બનાવવાનું સગુણમાં બની શકે છે. પણ નિર્ગુણમાં બધુંયે બંધ. જીભ બંધ, કાન બંધ, હાથપગ બંધ. આ બધી બંધી જોઈ સાધક ગભરાઈ જાય. તેના ચિત્તમાં નિર્ગુણ ઠસે કેવી રીતે ? કંઈ પણ કર્યા વગર હાથપગ જોડી બેસી રહેવા જાય તો તેના ચિત્તમાં ભળતા જ વિચારો રમવા માંડશે. ઈન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે આ કરશો નહીં એમ તેમને ફરમાવો એટલે અચૂક તે જ કરે. જાહેરખબરનો આપણને એવો એનુભવ નથી કે ? ઉપર લખે છે, ‘ વાંચશો નહીં. ’ એટલે વાચક અચૂક મનમાં કહે છે, “ આ શું વાંચવાનું નથી ? તો એ જ પહેલું વાંચી લઈએ. ” પેલું ‘ વાંચશો નહીં ’ છાપેલું હોય છે તે વાંચનાર નીચેનું વાંચે એ જ ઉદ્દેશથી છાપેલું છે. માણસ જે ન વાંચવાનું કહ્યું હોય તે જ અચૂક કાળજીથી વાંચી જાય છે. નિર્ગુણમાં મન ભટકતું રહેશે. સગુણભક્તિમાં એવું નથી. તેમાં આરતી છે, પૂજા છે, સેવા છે, ભૂતદયા છે. ઈન્દ્રિયોને ત્યાં પૂરતું કામ મળી રહે છે. એ બધી ઈન્દ્રિયોને બરાબર કામે વળગાડી પછી મનને કહો, ‘ હવે જા તારે જવું હોય ત્યાં, ’ પણ પછી મન નહીં જાય. તેમાં જ રમમાણ થઈ જશે, ખબર ન પડે તેમ એકાગ્ર થશે. પણ મનને ખાસ જાણીબૂઝીને એક ઠેકાણે બેસાડવા જશો તો તે અચૂક ભટકવા નાસી ગયું જાણો. જુદી જુદી ઈન્દ્રિયોને સારામાં સારા સુંદર વ્યવસાયોમાં રોકો ને પછી મનને કહો હવે ખુશીથી જ્યાં ભટકવું હોય ત્યાં જા. પણ તે નહીં જાય. જવાની સદર પરવાનગી મળશે ત્યારે તે કહેશે, ‘ આ આપણે બેઠા. ’ ‘ ગુપચૂપ બેસ, ’ એવો હુકમ તેને કરશો તો લાગલું કહેશે, ‘ હું ઊઠી જઈશ. ’

30. દેહધારી માણસને સારૂ સુલભપણાની દ્રષ્ટિથી નિર્ગુણના કરતાં સગુણ સારૂં છે. કર્મ કરતા રહેવા છતાં તેને ઉડાવી દેવાની યુક્તિ કર્મ ન કરવા છતાં કરતા રહેવાની વાતથી ચડિયાતી છે. કેમકે તેમાં સહેલાપણું છે. કર્મયોગમાં પ્રયત્ન, અભ્યાસ એ બધાંને અવકાશ છે. બધી ઈન્દ્રિયોને તાબામાં રાખી આસ્તે આસ્તે બધી પ્રવૃત્તિમાંથી મનને કાઢી લેવાનો મહાવરો કર્મયોગમાં થઈ શકે છે. આ યુક્તિ તાબડતોબ હાથમાં ન આવે એમ બને, પણ હાથમાં આવે એવી છે. કર્મયોગ અનુકરણસુલભ છે. એ સંન્યાસની સરખામણીમાં તેની ખૂબી છે. પણ પૂર્ણાવસ્થામાં કર્મયોગ અને સંન્યાસ બંને સરખા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ કર્મયોગ બંને એક જ વસ્તુ છે. નામ બે, દેખાવે જુદા, પણ બંને એક જ છે. એક પ્રકારમાં કર્મનું ભૂત બહાર નાચતું દેખાય છે પણ અંદર શાંતિ છે. બીજા પ્રકારમાં કશું ન કરવા છતાં ત્રિભુવનને હલાવવાની શક્તિ છે. જેવું દેખાય તેવું ન હોવું એ બંનેનું સ્વરૂપ છે. પૂર્ણ કર્મયોગ એ સંન્યાસ છે તો પૂર્ણ સંન્યાસ કર્મયોગ છે. જરાયે ફેર નથી. પણ સાધકની દ્રષ્ટિએ કર્મયોગ સુલભ છે. પૂર્ણાવસ્થામાં બંને એક જ છે.

31. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો. એ પત્ર કોરો કાગળ હતો. ચાંગદેવ કરતાં જ્ઞાનદેવ ઉંમરે નાના હતા. चिरंजीवी લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા હતા. तीर्थस्वरूपલખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન કેમ કરવું તે નક્કી ન થાય. એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલ્યો. એ કાગળ પહેલો નિવૃત્તિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મૂક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું, ‘ અલ્યા ચાંગા, આવડો મોટો થયો તોયે હજી કોરો જ રહેયો ! ’ નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું, ‘ ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મળ છે અને ઉપદેશ આપવાને લાયક છે. ’ એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે પાંસઠ ઓવીનો કાગળ મોકલ્યો. તેને चांगदेव पासष्टी કહે છે. આવી એ પત્રની ગંમતભરેલી હકીકત છે. લખેલું વાંચવું સહેલું છે પણ ન લખેલું વાંચવું અઘરૂં છે. તેમાંનું વાંચવાનું પુરૂં થતું નથી. એ પ્રમાણે સંન્યાસી ખાલી, કોરો દેખાય તો પણ અપરંપાર કર્મ તેનામાં ભરેલું હોય છે.

32. સંન્યાસ અને કર્મયોગ, પૂર્ણ રૂપમાં બંનેની કિંમત સરખી છે, પણ કર્મયોગની એ ઉપરાંત વહેવારૂ કિંમત છે. ચલણની એકાદ નોટની પાંચ રૂપિયા કિંમત હોય છે. પાંચ રૂપિયાનું રોકડ નાણું પણ હોય છે. સરકાર જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી બંનેની કિંમત સરખી રહે છે. પણ સરકાર પલટાઈ જાય તો વહેવારમાં તે નોટની કિંમત એક પાઈ પણ નહીં રહે. સોનાના નાણાની અલબત્ત કંઈક ને કંઈક કિંમત ઊપજ્યા વગર નહીં રહે કારણકે તે સોનું છે. પૂર્ણાવસ્થામાં કર્મત્યાગ અને કર્મયોગ બંનેની કિંમત તદ્દન સરખી છે કેમકે બંને પક્ષે જ્ઞાન હોય છે. જ્ઞાનની કિંમત અનંત છે. અનંતતામાં કંઈ પણ ઉમેરો તોયે કિંમત અનંત જ રહે છે. ગણિતશાસ્ત્રનો એ સિદ્ધાંત છે. કર્મત્યાગ અને કર્મયોગ એ બંનેને પરિપૂર્ણ જ્ઞાનમાં ઉમેરવાથી બંનેની કિંમત સરખી રહે છે. પણ બંને બાજુ પરનું જ્ઞાન કાઢી લો તો માત્ર કર્મત્યાગની સરખામણીમાં સાધકની દ્રષ્ટિથી કર્મયોગ ચડિયાતો સાબિત થાય છે. અસલ નક્કર જ્ઞાન બંને બાજુ ઉમેરો તો કિંમત એક જ રહેશે. છેવટને મુકામ પહોંચ્યા પછી જ્ઞાન + કર્મ = જ્ઞાન + કર્મભાવ. પણ જ્ઞાન બંને બાજુથી બાદ કરો એટલે કર્મના અભાવ કરતાં સાધકની દ્રષ્ટિએ કર્મ ચડિયાતું સાબિત થાય છે. સાધકને ન કરવા છતાં કરવું એટલે શું તે સમજાતું નથી. કરવા છતાં ન કરવું એમાં તેને સમજ પડશે. કર્મયોગ રસ્તા પર છે ને ઠેઠ મુકામ પર પણ છે. પણ સંન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્રની ભાષામાં આ વાત કહેવી હોય તો એમ કહેવાય કે કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે. નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

મા મારી શ્રેષ્ઠ મિત્ર – ભગવતીકુમાર શર્મા

મા મારી શ્રેષ્ઠ મિત્ર
મા મારી પહેલી મિત્ર
અને છેલ્લી પણ.
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ, તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ.
ઉદારતાથી ક્ષમા કરીએ
કે કોઈ આપણને ક્ષમા કરી દે તે વાત જુદી,
પણ થીગડું અને ભીંગડું બંને ઊખડે…
માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગંધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ !
(ભગવાનની યે મા તો હશે જ ને?)

– ભગવતીકુમાર શર્મા

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

જીવડા કરી લેને કમાઇ, તારો વખત વડો વહી જાય – (64)

રાગઃ- હિંચમાં

જીવડા કરી લેને કમાઇ તારો વખત વડો વહી જાય –ટેક

મોંઘો પદારથ મનખો પ્રભુએ, આપ્યો કરીને ભલાઇ
ભક્તિ શાને ભૂલી ગયો તું, વચને રહ્યો તો બંધાઇ –1

પંડને પોષે પૂરો ન પડે ભાઇ, રહ્યો વિષયમાં બંધાઇ
સુકરગામી બની રહ્યો સંસારમાં, ઘર ધંધાની માંય –2

પાપમાં પ્રાણી તેં પાછુ ફરીને, જોયું નહીં જરાય
દૈવે દંડ આ દેહમાં દીધો પછી, દુઃખ રડી કોને કહેવાય –3

મતલબે સૌ મારૂં મારૂં કરે, સ્વાર્થે બાંધી સગાઇ
મોટું મરે તો મરવાનું ટાણું, અને નાનું મરે બહું રડાય –4

ડાહ્યો થઇ તું રે દુનિયામાં, ભજન કરી લે ભાઇ
ભજનપ્રકાશ કહે આતમાને નહીં, કોઇની સાથે સગાઇ –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.