Daily Archives: 09/12/2008

જીવનની પરિમિતતા – (28)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૮ – જીવનની પરિમિતતા

13. ચિત્તની એકાગ્રતા કરવામાં મદદરૂપ થાય એવી બીજી બાબત જીવનમાં પરિમિતતાની છે. માપસર રહેવું. ગણિતશાસ્ત્રનું રહસ્ય બધી ક્રિયામાં ગૂંથી લેવું. ઔષધની માત્રાના લિસોટા ગણીને લેવાના હોય છે. તેવું જ આહારનિદ્રાનું કરવું. બધે માપ રાખીને ચાલો. દરેક ઈન્દ્રિય પર પહેરો બેસાડો. હું વધારે તો નથી ખાતો ને ? વધારે ઊંઘતો તો નથી ને ? આંખ આમતેમ ભટકીને ન જોવાનું જોતી તો નથી ને ? આવું બધું ચોકસાઈથી ને ઝીણવટથી તપાસતા રહેવું જોઈએ.

14. એક ગૃહસ્થની બાબતમાં મને એક ભાઈ કહેતા હતા કે, તે ગમે તેની ખોલીમાં જાય તો એક મિનિટમાં તે ખોલીમાં શું ક્યાં છે તે તેના ધ્યાનમાં આવી જાય. મેં મનમાં કહ્યું, ‘ હે ઈશ્વર ! આ મહિમા મારે માથે ન મારીશ. ’ પાંચપચાસ ચીજોની મનમાં નોંધ રાખનારો હું કંઈ તેનો સેક્રેટરી થોડો છું ? કે પછી મારે ચોરી કરવી છે? પેલો સાબુ ત્યાં હતો ને પેલું ઘડિયાળ પણે હતું એ બધું મારે શું કરવા જોઈએ? મારે એ બધું જાણીને કરવું છે શું? આંખનું આ વધારેપડતું ભટકવાનું મારે કાઢવું જોઈએ. એવું જ કાનનું. કાન પર ચોકી રાખો. કેટલાક લોકોને તો થાય છે કે ‘ કુતરાના જેવા આપણા કાન હોત તો કેવું સારૂં ! એક પળમાં ફાવે તે દિશામાં હલાવી શકાત ! માણસના કાનમાં ઈશ્વરે એટલી ખામી રાખી છે ! ’ પણ કાનની આવી વધારેપડતી નકામી પ્રવૃત્તિ ન હોવી જોઈએ. તેવું જ આ મન પણ બહુ જોરાવર છે. જરા કંઈ ખખડ્યું કે ત્યાં પહોંચી જાય.

15. જીવનમાં નિયમન એને પરિમિતતા કેળવો. ખરાબ વસ્તુ જોવી જ નહીં. ખરાબ ચોપડી વાંચવી જ નહીં. નિંદાસ્તુતિ સાંભળવી જ નહીં. દોષવાળી વસ્તુ ન જ ખપે, પણ નિર્દોષ વસ્તુનું સુધ્ધાં વધારેપડતું સેવન ન જોઈએ. કોઈ ચીજ વધારેપડતી ન જોઈએ. દારૂ, ભજિયાં, રસગુલ્લાં તો ન જ જોઈએ. પણ સંતરાં, કેળાં, મોસંબી વગેરે પણ વધારેપડતાં ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે. પણ તેયે યથેચ્છ ન હોવો જોઈએ. જીભનું યથેચ્છપણું અંદર બેઠેલા ધણીએ ચલાવી ન લેવું જોઈએ. વાંકાચૂકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી એવો બધી ઈન્દ્રિયોને ધાક રહેવો જોઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખાવ્યું છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

માતૃત્વ – પાંડુરંગ શાસ્ત્રી

સંપૂર્ણ સમાજમાં માતૃત્વ વધવું જોઈએ. માતૃત્વમાં કેટલાક અદભુત અને લોકોત્તર ગુણો છે તે બધા સમાજમાં ઉતરવા જોઈએ તો જ સમાજનું કલ્યાણ થાય.

મા પાસે પ્રથમ મહાન ગુણ છેઃ- “કરીને ન બોલવાવાળી તે મા.”

આ ગુણ સમાજમાં લાવવો જોઈએ. આજે કરીને ન બોલવા વાળાની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. અને કર્યા વિના બોલવાવાળાની સંખ્યા વધતી જાય છે!

માનો બીજો શ્રેષ્ઠ ગુણ છેઃ- “મા હંમેશા આશાવાદી હોય છે.”

આખા સમાજે અને કુટુમ્બે જે છોકરા માટે હાથ ધોઈ નાખ્યા હશે, તો પણ મા નિરાશ નહિ થાય. મારો દિકરો જરૂર સુધરશે એ શ્રદ્ધાથી મા તેને સુધારતી રહેશે. માનું આવું આશાવાદીપણું આજના સમાજમાં ખૂબ આવશ્યક છે.

– પાંડુરંગ શાસ્ત્રી

Categories: મારી વહાલી મા | Tags: | 11 Comments

ભક્તિમાં જુક્તિ છે બહુ ભારી – (68)

ભક્તિમાં જુક્તિ છે બહુ ભારી,જેને સમજમાં આવે સારી –ટેક

કથા કીર્તનમાં કાયમ જાવે પણ, કાજળનો કાળો ભારી
મેલા મનનો મોટપ ન મેલે, એને શું કરે વાત જ્ઞાન વારી –1

વિશ્વાસ વિનાની ભક્તિ કરે નર, બની બેસે બગ ધ્યાન ધારી
સંશયવાળી વાત સઘળી કરે, વૃત્તિ ન છૂટે કાગવારી –2

ભાવ ભક્તિનો ભેદ ન જાણ્યો, ભક્તિ કરે વ્યભિચારી
અનન્ય ભક્તિ વિના નહીં અવિનાશી,ભીતર ન જોયું ભારી –3

મન મુકીને બન્યા મરજીવા, દિલમાં દિનતા ધારી
ભજનપ્રકાશ કહે શરણાગતિને, પ્રભુએ લીધા ભવતારી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

શવાસનનું અદભુત વિજ્ઞાન – ડૉ.રમેશ કાપડિયા


આ લેખ ‘સ્વાસ્થ્ય સુધા’ નામની પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.


આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.

વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. તેમ થતાં વ્યક્તિ ઘણા રોગોમાંથી મુક્ત થાય છે. બીજાં કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતનાની અનુભૂતિ કરાવવાનુમ સામર્થ્ય શવાસનમાં છે. વધુમાં શવાસનથી વ્યક્તિની આત્મશક્તિનો વિકાસ થાય તે ભૌતિક સમૃદ્ધિમાં પણ મદદરૂપ બની વ્યક્તિને જગતમાં ટોચ ઉપર મૂકી શકે છે.

ચેતના
ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.

પ્રાણીઓમાં આસપાસની સૃષ્ટિનું ભાન તો હોય છે પણ પોતાનું – સ્વનું ભાન હોતું નથી. એટલે અંશે પ્રાણીઓમાં ચેતના ઓછી છે. તેમ છતાં ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.

આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે. માત્ર સાત મિનિટના શવાસનથી ચેતનાના ગુણોનો પ્રભાવ આપણી પ્રવૃત્તિઓમાં લગભગ ચારથી પાંચ કલાક રહે છે. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદભુત શક્તિ છે. તે વ્યક્તિને મૂળ તત્વ સુધી પહોંચાડી શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે.

અસલામતીની ભાવના
માનવ શરીરે પોતાના અસ્તિત્વ માટે કેટલીક સ્વયંસંચાલિત યંત્રરચનાઓ વિકસાવી છે. ભય વખતે અનુકંપી (સિમ્પેથેટિક) ચેતાતંત્ર કાર્યાન્વિત બને છે. તે વ્યક્તિને ભય સામે લડી લેવા અથવા ભયથી દૂર નાસી જવા તૈયાર કરે છે. ભય દૂર થતાવેંત પરાનુકંપી (પેરાસિમ્પેથેટિક) ચેતાતંત્રનું કાર્ય શરૂ થાય છે. આથી વ્યક્તિ શાંત પડે છે. આજે હવે જંગલી પ્રાણીઓનો ભય રહ્યો નથી ત્યારે માનવીએ ઘણા કાલ્પનિક ભય ઊભા કર્યા છે. “ધંધામાં સફળતા મળશે કે નહીં? કોલેજમાં ઍડમિશન મળશે કે નહીં? આવા ઉપરાઉપરી વિચારોથી ભયની ગ્રંથિ સતત ઉત્તેજિત રહ્યા કરે છે. એનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. પરિણામે અનુકંપી ચેતાતંત્ર વારંવાર સક્રિય બને છે. તેમ થતાં ઉત્તેજિત થયેલી ગ્રંથિઓ રસાયણોનો વધારે પડતો સ્ત્રાવ રક્તપ્રવાહમાં ઠાલવે છે. આ કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માઈગ્રેન, ઍસિડિટી, ડિપ્રેશન જેવા અનેક રોગોનો ભોગ બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરના ઘસારાની ક્રિયાને વેગ મળે છે.

અળગાપણાની ભાવના (આઈસોલેશન)
સામાન્યપણે આપણે શરીર અને મનને લગતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓ આપણને આપણામાં રહેલી પરમશક્તિથી અલગ કરે છે અને અળગાપણું લાવે છે. અળગાપણાની ભાવનાથી વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા, વેરવૃત્તિ, સ્વાર્થીપણું, વગેરે જન્મે છે. આ બધાને કારણે ભાવાત્મક તનાવ ઉત્પન્ન થાય છે. આજના યુગમાં ભાવાત્મક તનાવ સૌથી વિશેષ જોવા મળે છે.

ભાવાત્મક તનાવ વખતે અનુકંપી ચેતાતંત્રની પ્રક્રિયા સતેજ થતાં ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)માં સંતુલન ખોરવાય છે. તેમ થતાં તનના અને મનના આરોગ્યને હાનિકારક અસરો પહોંચે છે.

શવાસનમાં તેનાથી ઊલટું બને છે. શવાસનથી ચેતાતંત્રમાં સંતુલન પ્રાપ્ત થાય છે, તનાવ ઘટે છે અને વ્યક્તિમાં સલામતી અને ઐક્યની ભાવના ખીલે છે.

જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય ત્યારે શરીરના સ્નાયુઓ આપણી જાણ બહાર સૂક્ષ્મ રીતે સંકોચાઈ કદમાં ટૂંકા થાય છે. આ સ્નાયુઓને હળવાશથી થોડા ખેંચી, લંબાવીએ કે તરત જ તનાવનાં ચિહ્નમાં ખાસ્સો ઘટાડો થાય છે. આને muscle to mind control કહે છે. જ્યારે થોડા ખેંચીને લંબાવેલા સ્નાયુને આપણે શિથિલ કરીએ છીએ ત્યારે મન વધુ શાંત થવા લાગે છે. મન ફક્ત મગજમાં નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી મનને શાંત કરવા શરીરને શાંત કરવું જરૂરી છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી તેને ઢીલા છોડવાની, શિથિલ કરવાની કસરતો શવાસનની ભૂમિકા તૈયાર કરે છે. સ્નાયુઓ શિથિલ થતાં મન શાંત થાય છે. મન શાંત થતાં શરીર વધુ શિથિલ થાય છે. આ સુખદ ચક્ર છે. આ પ્રક્રિયા દરમિયાન મન સ્નાયુ ખેંચવાની અને શિથિલ થવાની ક્રિયામાં પરોવાયેલું રહે તે અગત્યનું છે. શવાસન અને ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં સહાયભૂત થાય છે.

માનવીના શરીરનું સંચાલન મૂળભૂત રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુના બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે.તણાવ વખતે તેમાં અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. શવાસન દરમિયાન પરાનુકંપી ચેતાતંત્ર કાર્યાન્વિત થાય છે અને બંને વચે સંતુલન પ્રાપ્ત થાય છે. પરિણામે ઍડ્રેનલિન, નોરએડ્રેનલિન અને કોર્ટિકોસ્ટેરૉઈડ જેવા હૉર્મોનના સ્ત્રાવ ઘટી નૉર્મલ થાય છે. લેક્ટિક ઍસિડ બનવાનું પ્રમાણ ઘટે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વળી મગજમાંથી એન્ડ્ર્ફિન્સ અને ન્યુરો પેપ્ટાઈડ્ઝના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનાથી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ જૈવ રાસાયણિક ફેરફારોથી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ થાય છે.

શવાસનના ઉપયોગો
શવાસન અને ધ્યાનના ફાયદાઓ સમજાયા પછી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આરોગ્યક્ષેત્રે હ્રદયરોગ, કૅન્સર તેમજ ઘણા દર્દોમાં તે લાભદાયી પુરવાર થયેલ છે. વ્યક્તિમાં તનાવ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા, ઉત્પાદન વધારવા ઘણાં ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રમતવીરોમાં તેનાથી સહનશક્તિ અને સહકારવૃત્તિ વધતાં જોવામાં આવ્યાં છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન ખેંચાયું છે કે વિદ્યાર્થીઓને જો શવાસન કરાવવામાં આવે તો તેમની એકાગ્રતામાં વધારો થાય. યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેમનામાં પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થાય્ તેમની વિચારસરણી હકારાત્મક બનતાં વિકાસ અને પ્રગતિ ઝડપી બને. સગર્ભા સ્ત્રીઓ માટે પણ શવાસનની ભલામણ કરવામાં આવી છે. તેનાથી માતાના ઉદરમાં વિકસતા બાળક ઉપર મંગલ અસર થાય છે.

શવાસન કરવાની રીત
શવાસન કરવું ખૂબ જ સરળ છે. તે બેસીને પણ કરી શકાય. શવાસન સફળ રીતે કરવા માટે સૌ પ્રથમ આપણું બધું ધ્યાન શરીર ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે બીજા વિચારો આવે તે સ્વાભાવિક છે, પણ તે નકાર્યા વિના વિચારો ઉપર ધ્યાન ન આપતાં શરીર ઉપર ધ્યાન આપવું. વિચારો ઉપર ધ્યાન નહીં આપો તો તે આપોઆપ શમી જશે. તે પછી શ્વાસ સાથે એકરૂપ થતાં શવાસનના લાભ મળવા શરૂ થઈ જાય છે.

શવાસન માટે જમીન પર ચત્તા સૂઈ જાઓ. પગના બે પંજા વચ્ચે એકાદ ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખી હથેળી આકાશ તરફ અને મુઠ્ઠી અડધી વાળેલી રાખો. વધુ શિથિલીકરણ માટે નીચે જણાવેલ અંગોને વારાફરતી ખેંચી એ ખેંચાતાં અંગો પર ધ્યાન લાવી, ખેંચાણનો અનુભવ કરી ઢીલાં મૂકતા જાઓ. દરેક ક્રિયા ઉતાવળ કર્યા વગર કે જોર કર્યા વગર બબ્બે વખત લયબદ્ધ રીતે કરો.

૧. બંને પગના પંજાને આગળની તરફ ખેંચી ઢીલા છોડી દો.
૨. ડાબા પગનાં આંગળાથી ઠેઠ થાપા સુધી સ્નાયુઓને ખેંચી ઢીલા છોડી દો. આ પ્રમાણે જમણા પગને પણ બે વખત કરો.
૩. કમર નીચેના અને થાપાના સ્નાયુઓનું સંકુચન કરી ઢીલા છોડી દો.
૪. ફેફસામાં હવા ભરી છાતીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી, તેને શિથિલ કરો.
૫. બંને હાથની મુઠ્ઠીઓ વાળી પંજાથી ખભા સુધીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શિથિલ કરો.
૬. ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જઈ, જે સ્થિતિમાં ફાવે તેમ ગરદનને રહેવા દો.
૭. જડબાને ધીરેથી પૂરેપૂરું ખોલો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલું છોડી દો. દાંત ભીંસાય નહીં તે પ્રમાણે જડબું હળવેથી બંધ થવા દો.
૮. આંખો ધીરેથી ખોલો, પૂરી ખોલો, ભ્રમર અને કપાળના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. આંખોને હળવેથી બંધ થવા દો.

આમ આખા શરીરને શિથિલ કર્યા બાદ શરીરને ભૂલી શિથિલ અવસ્થામાં પડ્યા રહો. અહીં તમારું મન પણ શાંત થઈ ગયું છે. ખાસ ખ્યાલ રાખો કે શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. તેની ગતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તેને માત્ર જોયા કરો. એક પણ શ્વાસ તમારા ખ્યાલ વિના ન અંદર જાય કે ન બહાર આવે તેની તકેદારી રાખો.

એવું બને કે ચિત્ત શ્વાસોચ્છવાસ ઉપરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય, તેનો ખ્યાલ આવે કે તરત તેને હળવેથી પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડી દો. શરીરના પ્રત્યેક સ્નાયુ શિથિલ થતાં, શ્વાસ સાથે એકરૂપ બનતાં, શ્વસન પોતાની મેળે ઉદરીય બને છે. ઉદરીય શ્વસન શિથિલીકરણને વધુ ઊંડું બનાવે છે. આવી પ્રગાઢ શાંતિની સ્થિતિમાં થોડી મિનિટ પડ્યા રહો. આ શવાસન છે. મન શાંત અને શ્વાસ સાથે એકાગ્ર છે. આ પરમ શાંતિ અને આનંદની, ચેતનાની અનુભુતિની ક્ષણો છે. આ ક્ષણે કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે.

તમે તમારું ધ્યાન જ્યારથી એક પછી એક ખેંચાતા અને શિથિલ થતાં સ્નાયુઓ ઉપર લઈ જાઓ છો ત્યારથી શવાસનની શરૂઆત થાય છે અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સંપૂર્ણ થાય છે. શવાસનમાંથી બહાર આવવા એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.

શવાસનમાં વિશિષ્ટ શું બને છે?
૧. વ્યક્તિનો તનાવ પ્રત્યે પ્રતિભાવ બદલાય છે. વ્યક્તિના વિચારો, વૃત્તિઓ, ભાવનાઓમાં પરિવર્તન આવે છે. ક્રોધ, વેરભાવ શમે છે.
૨. શવાસનમાં વર્તમાનમાં રહેવાનો મહાવરો થાય છે.
૩. શવાસન દરમિયાન વ્યક્તિને પોતાની સાચી ઓળખ થાય છે અને અહેસાસ થાય છે કે જે શાશ્વત અને અવિનાશી છે તે પોતે જ છે, તેને મૃત્યુનો ભય ક્યાંથી હોય!
૪. શવાસન દરમિયાન શરીરને નિષ્પ્રાણ જેવું બનાવવાનો અનુભવ થતો હોવાથી પણ મૃત્યુનો ડર ઘટી જાય છે.
૫. શવાસનમાં વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું મનોપટ પર ચિત્ર ખડું કરી તે ફળીભૂત થાય તો કેવો આનંદ થાય તે અનુભૂતિ જો વારંવાર કરે તો એ આકાંક્ષાઓ ફળીભૂત થવામાં સહાય થાય.
૬. શવાસન દરમિયાન ધ્યાન વખતે વ્યક્તિ પોતા માટે, સહુ માટે, પોતાના પ્રતિસ્પર્ધી કે વિરોધી માટે પણ પ્રેમ અને કરુણાથી ભરપૂર શુભ ભાવના રાખે તો તે અન્યોને કલ્યાણકારી નીવડે તે કરતાં વધુ, વ્યક્તિને પોતાને શ્રેયકર નીવડે છે.
૭. આ ક્ષણ માનવીય ગુણોમાં પરિવર્તન માટે ટર્નિંગ પૉઈન્ટ બની રહે છે.

શીઘ્ર શવાસન
શરીરનાં બધાં અંગો વારાફરતી ખેંચી શિથિલ કરી શવાસન કરવા માટે સમય ન હોય તો શીઘ્ર શવાસન કરીને શવાસનનો લાભ લઈ શકાય.

આરામથી ચત્તા સૂઈ શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હાથ, પગ અને ધડના સ્નાયુઓને એક સાથે ખેંચી, સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી એ પ્રમાણે કરો. થોડી મિનિટ શિથિલ અવસ્થામાં શ્વાસ સાથે એકાગ્ર થઈ પડ્યા રહો. પછી એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.


ડૉ.રમેશ કાપડિયા વિશે વધુ માહિતિ તથા તેમના પ્રકાશનોની માહિતિ મેળવવા અહીં ક્લિક કરો.


Categories: સ્વાસ્થ્ય | Tags: | Leave a comment

Blog at WordPress.com.