ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૭ – એકાગ્રતા કેમ સાધવી
8. એકાગ્રતા જોઈએ તો ખરી, પણ તે કરવી કેવી રીતે ? તે સારૂ શું કરવું જોઈએ ? ભગવાન કહે છે, આત્મામાં મન પરોવી न किंचिदपि चिंतयेत् – બીજા કશાનું ચિંતન ન કરવું. એ વાત સધાય કેવી રીતે ? મન નિવાંત, શાંત, સ્વસ્થ કરવાની વાત બહુ મહત્વની છે. વિચારનાં ચક્રો જોર કરીને ફરતાં અટકાવ્યા વગર એકાગ્રતા કેવી ? બહારનું ચક્ર ગમે તેમ એક વાર ફરતું અટકાવી શકાય, પણ અંદર ચક્ર ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારનાં સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો, ટટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મનને એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ.
9. બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ. પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે. પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે. કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે. ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં ન મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા ! પણ અમે થયા ખાસા ઘોડા જેવા. અમને શિંગડાં ઊગ્યાં. સાત સાત દીવાલની પાચળ અમને પૂરો તોયે અમારી એકાગ્રતા નહીં થાય. કારણકે દુનિયાની ઝીણામાં ઝીણી વાતને અમારે ચર્ચા કરવાની રહી ! જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં જ કૃતાર્થતા પણ માનીશું !
10. આવો આ ભયાનક સંસાર રાત ને દિવસ આપણી અંદર ને બહાર ઘુઘવાટા મારે છે. પ્રાર્થના અથવા ભજન કરવામાં પણ આપણો હેતુ બાહ્ય હોય છે. પરમેશ્વર સાથે તન્મય થઈ, ચાલો એક ક્ષણભર પણ સંસારને ભૂલી જઈએ એવી આપણી ભાવના નથી. પ્રાર્થના પણ એક દેખાવ, એવી જ્યાં મનની સ્થિતિ હોય ત્યાં આસન વાળી બેઠા તોયે શું ને આંખો મીંચી તોયે શું ? બધું ફોગટ છે. મન એક સરખું બહાર દોડ્યા કરે છે તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, નિયંત્રણશક્તિ માણસમાં રહેતી નથી. આ વાતનો અનુભવ આપણા દેશમાં આજે ડગલે ને પગલે થાય છે. ખરૂં જુઓ તો ભારતવર્ષ એટલે પરમાર્થની ભૂમિ. અહીંના માણસો મૂળથી જ ઊંચા વાતાવરણમાં રહેનારાં મનાય છે. પણ એ જ દેશમાં તમારી અને અમારી, આપણી શી દશા થઈ તે જુઓ ! છેક નાની નાની બાબતોમાં આપણે એટલું ઝીણું ઝીણું કાંતીએ છીએ કે તે જોઈને ખરેખર ખેદ થાય છે. નજીવા વિષયોમાં મન ગૂંથાઈ રહેલું છે.
‘ कथा पुराण ऐकतां । झोपें नाडिलें तत्वतां खाटेवरी पडतां ।
व्यापी चिंता तळमळ ऐसी गहन कर्मगति । काय तयासी रडती ।। ’
કથાપુરાણ સાંભળવા જઈએ છીએ ત્યાં ખરેખર ઊંઘ આવી જાય છે, અને ખાટલા પર જઈને પડીએ છીએ ત્યારે મન ફિકરચિંતાથી ઘેરાઈ જાય છે. કર્મની એવી ગહન ગતિ છે તેનું રડવું શું ? કથાપુરાણ સાંભળવાને જાઓ છો તો ઊંઘ ચડી બેસે છે, અને ઊંઘને શોધવા નીકળો છો તો ત્યાં ચિંતા ને વિચારનું ચક્કર ફરવા માંડે છે. એક તરફ શૂન્યાગ્રતા છે ને બીજી તરફ અનેકાગ્રતા છે. એકાગ્રતા ક્યાંયે નથી. એટલો માણસ ઈન્દ્રિયોનો ગુલામ બન્યો છે. એક વાર એક જણે મને પૂછ્યું, ‘ આંખ અર્ધી ઉઘાડી રાકવી એમ શું કામ કહ્યું છે ? ’ મેં તેને કહ્યું, ‘ તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પૂરી મીંચી દેવાથી ઊંઘ આવે છે, બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે એ તમોગુણ થયો. જોર કરીને ખુલ્લી રાખવાથી નજર બધે ફર્યા કરે છે એ રજોગુણ થયો. એટલા ખાતર વચલી સ્થિતિ બતાવી છે. ’ ટૂંકમાં, મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં મળે. તે માટે બધા વહેવાર શુદ્ધ કરવા જોઈએ. વહેવાર શુદ્ધ કરવો એટલે વહેવારનો ઉદ્દેશ બદલવો જોઈએ. વ્યક્તિગત લાભ નજરમાં રાખી, વાસનાની તૃપ્તિને સારૂ અથવા એવી જ બીજી બહારની બાબતોને સારૂ વહેવાર ન કરવો જોઈએ.
11. આપણે આખો દિવસ વહેવારમાં ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઊઠવેઠનો હેતુ શો ?
‘ याजसाटीं केला होता अट्टहास । शेवटचा दीस गोड व्हावा ।।’
આખરનો દિવસ રૂડો થાય તે સારૂ બધી તન તોડીને મથામણ કરી હતી. બધી તન તોડીને કરેલી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય માટે કરવાની છે. આખો જન્મારો કડવું ઝેર પચાવીએ છીએ. શા સારૂ ? તે છેવટની ઘડી, તે મરણ પવિત્ર થાય તે સારૂ. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. તે તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. દિવસની એ છેવટની ઘડી રૂડી નીવડી તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી મારા મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે આવી જીવનની શુદ્ધિ જરૂરી છે. બહારની વસ્તુનું ચિંતન છૂટી જવું જોઈએ. માણસની આવરદા આમ જુઓ તો ઝાઝી નથી. પણ એટલી ટૂંકી આવરદામાંયે પરમેશ્વરી સુખનો અનુભવ મેળવી આપવાનું સામર્થ્ય છે. બે માણસો એક જ બીબામાં ઢાળેલાં, એક જ ઘાટનાં હોય છે. બે આંખ, તે આંખની વચ્ચે પેલું એક નાક, અને તે નાકને બે નસકોરાં છે. આવું એ બધું એકસરખું હોવા છતાં એક માણસ દેવ જેવો થાય છે ને બીજો પશુ જેવો થાય છે એમ કેમ થતું હશે ? એક જ પરમેશ્વરનાં બાળ,
‘ अवधी एकाचीच वीण ’ – બધાં એક જ પેટનાં. આમ છતાં વો ફેર કેમ પડે છે ? એ બે માણસોની જાત એક જ છે એ વાત ગળે ઊતરતી નથી. એક નરનો નારાયણ ને બીજો નરનો વાનર !
12. માણસ કેટલો ઊંચે જઈ શકે છે તે બતાવનારાં માણસો પહેલાં થઈ ગયાં છે એને આજે પણ આપણી વચ્ચે છે. આ અનુભવની વાત છે. આ નરદેહની કેવા શક્તિ છે તે બતાવનારા સંતો પાછળના વખતમાં થઈ ગયા છે. અને આજે પણ હયાત છે. આ દેહમાં રહીને બીજો માણસ આવડી મોટી કરણી કરી શકે તો મારે હાથે કેમ ન થાય ? મારી કલ્પનાને હું મર્યાદા શા સારૂ મૂકું ? જે નરદેહમાં રહી બીજા નરવીર થઈ ગયા તે જ મનખાદેહમાં હું પણ છું. પછી હું આવો કેમ ? મારૂં કંઈક અવળું ચાલે છે. આ મારૂં ચિત્ત કાયમ બહાર રજળવા નીકળે છે. બીજાના ગુણદોષ જોવામાં તે બહું દોઢડાહ્યું થાય છે. પણ મારે બીજાના દોષ જોવાના કેવા?
‘ कासया गुणदोष पाहूं आणिकांचे । मज काय त्यांचें उणेंअसे ।। ’
બીજાના ગુણદોષ હું શા સારૂ જોવા જાઉં ? મારામાં તેની ક્યાં ખોટ છે ? મારામાં ખામી શું ઓછી છે ? કાયમ બીજાના ઝીણા ઝીણા દોષો જોવામાં હું મશગુલ રહું તો ચિત્તની એકાગ્રતા કેમ સધાશે ? પછી મારી બે જ દશા થાય. શૂન્યાવસ્થા એટલે કે ઊંઘ, અથવા અનેકાગ્રતા. તમોગુણ ને રજોગુણ બેમાં હું ફસાઈ જવાનો. આમ બેસ, નજર આમ રાખ, આવું આસન વાળ વગેરે સૂચના એકાગ્રતા કરવાને માટે ભગવાને નથી આપી એવું નથી. પણ ચિત્તની એકાગ્રતા બિલકુલ જરૂરી છે એટલી વાત ગળે ઊતરે તો જ એ બધું કામનું છે. ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઊતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.