Daily Archives: 30/12/2008

ગીતાના પૂર્વાર્ધનું સિંહાવલોકન (49)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૪૯ – ગીતાના પૂર્વાર્ધનું સિંહાવલોકન

1. ગીતાનો પૂર્વાર્ધ પૂરો થયો. ઉત્તરાર્ધમાં દાખલ થતાં પહેલાં જેટલો ભાગ થઈ ગયો છે તેનો સાર ટૂંકમાં આપણે જોઈ જઈએ તો સારૂં પડશે. પહેલા અધ્યાયમાં ગીતા મોહના નાશને અર્થે અને સ્વધર્મની પ્રવૃત્તિમાં પ્રેરવાને અર્થે છે એમ કહ્યું. બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંત, કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞ એ બધાનું આપણને દર્શન થયું. ત્રીજો, ચોથો ને પાંચમો એ ત્રણ અધ્યાયોમાં કર્મ, વિકર્મ અને અકર્મ એ બાબતોનો ખુલાસો કર્યો. કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરતા રહેવું તે. વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલતું હોય તેની સહાય રૂપે અંદરનું જે માનસિક કર્મ ચાલુ રાખવાનું હોય છે તે. કર્મ અને વિકર્મ બંને એકરૂપ થતાં જ્યારે ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય છે, ચિત્તના બધા મળ ધોવાઈ જાય છે, વાસનાઓ આથમી જાય છે, વિકારો શમી જાય છે, ભેદભાવ નાબૂદ થાય છે, ત્યારે અકર્મદશા આવી મળે છે. આ અકર્મદશા પાછી બેવડી બતાવી છે. રાત ને દિવસ કર્મ કરવાનું અખંડ ચાલુ હોવા છતાં લેશમાત્ર પણ કર્મ પોતે કરતો નથી એવો અનુભવ કરવો તે અકર્મદશાનો એક પ્રકાર છે. એથી ઊલટું કશુંયે ન કરવા છતાં એકધારૂં કર્મ કરતા રહેવું તે અકર્મદશાનો બીજો પ્રકાર છે. આમ બે રીતે અકર્મદશા સિદ્ધ થાય છે. આ બે પ્રકારો દેખાવમાં એકબીજાથી અળગા દેખાતા હોવા છતાં એ બંને પૂરેપૂરી રીતે એકરૂપ છે. કર્મયોગ અને સંન્યાસ એવાં બે જુદાં નામો આ પ્રકારોને આપવામાં આવેલાં હોવા છતાં તેમનો અંદરનો સાર એક જ છે. અકર્મદશા એ અંતિમ સાધ્ય છે. આ સ્થિતિને જ મોક્ષ સંજ્ઞાથી ઓળખાવી છે. એથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો છે.

2. એ પછી આ અકર્મરૂપી સાધ્ય સુધી પહોંચવાને માટે વિકર્મના જે નેક માર્ગો છે, મનને અંદરથી શુદ્ધ કરવાનાં જે અનેક સાધનો છે, તેમાંનાં મુખ્ય મુખ્ય સાધનો બતાવવાની છઠ્ઠા અધ્યાયથી શરૂઆત થઈ છે. છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને માટે ધ્યાનયોગ બતાવી અભ્યાસ અને વૈરાગ્યનો તેને સાથ આપ્યો છે. સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન બતાવ્યું. ઈશ્વરની પાસે પ્રેમથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વના કલ્યાણની તાલાવેલીથી જાઓ કે વ્યક્તિગત અંગત કામનાથી જાઓ, ગમે તેમ જાઓ પણ એક વાર તેના દરબારમાં દાખલ થાઓ એટલે થયું. આ અધ્યાયની આ વાતને હું પ્રપત્તિયોગનું એટલે કે ઈશ્વરને શરણે જા એવું કહેનારા યોગનું નામ આપું છું. સાતમામાં પ્રપત્તિયોગ કહ્યા પછી આઠમામાં સાતત્યયોગ કહ્યો. આ જે નામો હું આપતો જાઉં છું તે તમને પુસ્તકમાં જોવાનાં નહીં મળે. પણ મને પોતાને ઉપયોગી થનારાં નામો મેં આપ્યાં છે. સાતત્યયોગ એટલે પોતાની સાધના અંતકાળ સુધી એકધારી ચાલુ રાખવી તે. જે રસ્તો એક વાર પકડ્યો તે પર એકસરખાં ડગલાં પડતાં રહેવાં જોઈએ. એમાં માણસ બાંદછોડનું વર્તન રાખશે તો છેવટના મુકામ પર પહોંચવાની કદી આશા નથી. ક્યાં સુધી સાધના કર્યા કરવી એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં. ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ રહેવી જોઈએ.

3. આવા આ સાતત્યયોગની વાત કર્યા બાદ નવમા અધ્યાયમાં એક તદ્દન સાદી છતાં જીવનનો આખોયે રંગ પલટી નાખનારી વસ્તુ ભગવાને આપી. એ વસ્તુ તે રાજયોગ. જે જે કર્મો ક્ષણેક્ષણે થયા કરે છે તે બધાંયે ઈશ્વરાર્પણ કર એમ નવમો અધ્યાય કહે છે. આ એક જ વાતથી શાસ્ત્રસાધન, બધાંયે કર્મો, વિકર્મો બધું બૂડી ગયું. સર્વ કર્મસાધના આ સમર્પણયોગમાં બૂડી ગઈ. સમર્પણયોગ એટલે રાજયોગ. અહીં બધાં સાધન સમાપ્ત થયાં. આવી જે આ વ્યાપક તેમ જ સમર્થ ઈશ્વરાર્પણ કરવાની વાત તે દેખાવમાં સાદી ને સહેલી લાગે છે પણ એ સાદી વાત જ બહુ અઘરી થઈ બેઠી છે. આ સાદના તદ્દન ઘરમાં ને ઘરમાં, અને તદ્દન અણઘડ ગામડિયાથી માંડીને તે મોટા વિદ્વાન સુધી સૌ કોઈને ખાસ મહેનત સિવાય સાધ્ય થઈ શકે એવી હોવાથી સહેલી છે. પણ તે સહેલી છે છતાં તે સાધવાને પુણ્યનો પુષ્કળ સંચય માણસ પાસે હોવો જોઈએ.

बहुता संकृतांची जोडी । म्हणुनी विठ्ठलीं आवडी ।।

ઘણાં ઘણાં સુકૃતો એકઠાં કર્યાં તેથી તો વિઠ્ઠલ પર પ્રેમ થયો છે. અનંત જન્મોમાં પુણ્યોની કમાણી કરી હોય તો જ ઈશ્વરને માટે રૂચિ ઉત્પન્ન થાય છે. સહેજ પણ કંઈક થાય છે એટલે આંખમાંથી ડબડબ આંસુ વહે છે. પણ પરમેશ્વરનું નામ લેતાંની સાથે આંખમાં બે આંસુનાં ટીપાં આવીને ઊભાં રહ્યાં હોય એવું કદી બનતું નથી. એનો ઈલાજ શો ? સંતો કહે છે તેમ એક બાજુથી આ સાધના અત્યંત સહેલી છે પણ બીજી બાજુથી તે અઘરી પણ છે. અને આજના વખતમાં તો તે ખૂબ જ મુશ્કેલ થઈ પડી છે.

4. આજે આંખો પર જડવાદની છારી બાઝી ગઈ છે. ‘ ઈશ્વર ચે જ ક્યાં, ’ એ વાતથી આજે શરૂઆત થાય છે. કોઈને ક્યાંય તે પ્રતીત જ થતો નથી. આખું જીવન વિકારમય, વિષયલોલુપ અને વિષમતાથી ભરાઈ ગયેલું છે. હમણાં ઊંચામાં ઊંચો વિચાર કરનારા જે તત્વજ્ઞાનીઓ છે તેમના વિચાર સુધ્ધાં સૌને પેટપૂરતો રોટલો કેમ મળે એ વાતથી આગળ જઈ શકતા નથી. એમાં તેમનોયે દોષ નથી. કેમકે આજે અનેક લોકોને ખાવાનું પણ મળતું નથી એવી સ્થિતિ છે. આજનો મોટો સવાલ એટલે રોટલો. આ સવાલનો ઉકેલ કાઢવામાં બધી બુદ્ધિ ખૂંતી ગઈ છે. સાયણાચાર્યે રૂદ્રની એવી વ્યાખ્યા કરી છે કે,

बुभुक्षमाणः रूद्ररूपेण अवतिष्ठते ।

ભૂખે મરનારો રૂદ્ર બનીને ખડો થાય છે. ભૂખ્યા લોકો એટલે જ રૂદ્રનો અવતાર જાણવો. તેમની ક્ષુધાશાંતિને અર્થે તરેહતરેહનાં તત્વજ્ઞાન, જાતજાતના વાદ, નાનાવિધ રાજકારણ ખડાં થયાં છે. આ સવાલના કૂંડાળામાંથી બહાર નીકળવાની આજે કોઈને નવરાશ નથી. એકબીજાની સાથે ઝઘડયા વગર માણસ બે કોળિયા નિરાંતે કેવી રીતે ખાઈ શકે એ વાતનો વિચાર કરવામાં આજે પાર વગરની મહેનત થાય છે. આવી ચમત્કારિક સમાજરચના જે જમાનામાં ચાલે છે તેમાં ઈશ્વરાર્પણતાની સાદીસહેલી વાત અત્યંત અઘરી થઈ ગઈ હોય તેમાં નવાઈ શી ? પણ એનો ઈલાજ શો ? ઈશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો, એ વાત આજે દસમા અધ્યાયમાં આપણે જોવાની છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ઉધો અમે પ્રીતુ કરી પસ્તાણા – (89)

ઉધો અમે પ્રીતુ કરી પસ્તાણા,
અમારા સાંવરીયે ચિત્ત ચોરાણા –ટેક

શું કહીએ ઉધો શ્યામ સુંદરને, મોહનમાં મન મોહાણા
નિષ્ઠુર થઇને ગયા નટવર, દિલડાં બહુ દુભાણાં –1

સાવરીયાસે ગયા છેતરાઇ, કાળામાં મન કોરાણા
નિર્લજ સાથે સ્નેહ કરતાં, દિલડાં બહુ દજાણાં –2

વિઠ્‌્ઠલમાં અમે વિશ્વાસ કરીને, ભોળપમાં ભોળવાણાં
સ્વાર્થીસે સંબધ કરીને, મનમાં બહુ મુંઝાણા –3

મન મારીને બેઠા મંદિરમાં, આ દુઃખ ન કોને કહેવાણાં
ભજનપ્રકાશ કરશું ભક્તિ, જનમ જનમથી જોડાણાં –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary

December 30
Patience

તમે તમારા શત્રુ છો છતાં પણ તમે તે જાણતા નથી. તમે શાંતિથી બેસવાનું શીખતા નથી. પ્રભુને સમય આપવાનું તમે શીખતા નથી. તેમ છતાં તરત સ્વર્ગ મળે તેવી ઈચ્છા રાખીને અધીરા થયા છો. ચોપડીઓ વાંચવાથી કે પ્રવચનો સાંભળવાથી કે દાન કાર્ય કરવાથી તેને તમે મેળવી શક્શો નહીં. તમે પ્રભુને ફક્ત ઊંડા ધ્યાનમાં સમય આપીને જ પ્રાપ્ત કરી શકશો.

You are your own enemy and you don’t know it. You don’t learn to sit quietly. You don’t learn to give time to God. And you are impatient and expect to attain heaven all at once. you cannot get it by reading books or by listening to sermons or by doing charitable works. You can get it only by giving your time to Him in deep meditation.

 Sri Sri Paramhansa Yogananda
 “Man’s Eternal Quest”

Categories: Spiritual Diary | Leave a comment

Blog at WordPress.com.