રાગઃ- વેલાના વછુટ્યાંરે ભવે ભેળાં નહીં થયે.
શામળિયાની સાથે રે, હરિવરની હારે રે,
બાયુ મારો નેડલો –ટેક
વિઠ્ઠલ વરને વર્યાં રે બીજે મન માને નહીં,
અલબેલો મારી આવીને બેઠો ઉર રે
મન મારૂં મોહ્યું રે છબીલાને છોગલે,
હૈયે હેતતણો નહીં પાર રે –1
પિયુ વસ્યા પરદેશમાંહી નોધારા કરી નાથજી,
સેજડિયે અમને સુખડાં નહીં લગાર રે
નિંદ નેણે નાવે રે રડતાં રજની વિતે,
જપીએ અમે જીભે જદુરાય –2
મીન મન માન્યાં રે જલ તણા જોગશું,
સુકાણા પછી પંડમાં રહે નહીં પ્રાણ
પ્રમાણ ઇ પ્રિતુના રે વિચારો વિઠલા,
નિભાવશું અમે જનમ જનમ તણો નેહ –3
બપૈયાને બંધાણી રે મેઘસું પ્રિતડી,
વરસે ભલે બારે મેઘ મલાર રે
પીયે નહિં પાણી રે ચાતક જલ સ્વાતી વિના,
વરસે નહીં તો વિરહે વિતાવે દિન –4
પ્રભુ મારી પ્રીતુ રે પ્રેમે તમે પાળજો,
ભજનપ્રકાશને દેજોને દિદાર રે
રંક થઇને રહેશું રે સ્વામી તમ સાથમાં,
કરશું અમે દાસીપણાં ના કામ રે –5