ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૯ – અકર્મની એક બાજુ – સંન્યાસ
12.સંન્યાસની કલ્પના શી છે ? કેટલાંક કર્મો કરવાનાં છોડી દેવાં ને કેટલાંક કર્મો કરવાં એવી એ કલ્પના છે કે ? સંન્યાસનો ખ્યાલ એવો નથી. સંન્યાસની વ્યાખ્યા મૂળમાં એવી છે કે બધાં કર્મો છોડી દેવાં. સર્વ કર્મોમાંથી મુક્ત થવું, કર્મો બિલકુલ ન કરવાં તેનું નામ સંન્યાસ છે. પણ કર્મ ન કરવું એટલે શું ? કર્મ બહુ ચમત્કારિક છે. સર્વકર્મસંન્યાસ થાય કેવી રીતે ? આગળ-પાછળ, સર્વત્ર કર્મ વ્યાપીને રહેલું છે. અરે બેસી રહો તો પણ તે એક ક્રિયા થઈ. બેસવું એ ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણની દ્રષ્ટિથી એ ક્રિયા છે એવું નથી, સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. બેટાં બેઠાં જાંઘ દુખવા માંડે છે. બેસવામાં પણ મહેનત છે. ન કરવું એ સુધ્ધાં ક્રિયા ઠરે છે ત્યાં કર્મસંન્યાસ થાય કેવી રીતે ? ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. ચારે બાજુ ફેલાઈ રહેલા વિવરૂપને જોઈ અર્જુન બીધો ને ગભરાટના માર્યા તેણે આંખ મીંચી દીધી. પણ આંખ બંધ કરીને જુએ છે તો અંદર દેખાવા લાગ્યું. આંખ બંધ કરવા છતાં જે દેખાય તેનાથી અળગા રહેવું કેવી રીતે ? ન કરવાથી પણ જે થઈને ઊભું રહે છે તેને ટાળવું કેમ ?
13. એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા. નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું, “ કેવો મૂરખ છે ! અરે અજાગળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. ” નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. “ હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. ” પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં ! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આવું ને આટલું જે વ્યાપક કર્મ, તેનો સંન્યાસ કઈ રીતે થાય ?
14. આવા આ કર્મનો સંન્યાસ કરવાની રીત જ એ છે કે જેટલાં જેટલાં કર્મો કરવાનાં હોય તે બધાંયે કરતા રહેવા છતાં તે બધાં ખરી જાય એવી તરકીબ સાધવી. એવું થાય ત્યારે જ સંન્યાસ સધાયો જાણવો. કર્મો કરવા છતાં તે બધાંયે ખરી જાય એ વાત કોના જેવી છે ? સૂર્યના જેવી છે. સૂર્ય રાત ને દિવસ કર્મમાં મંડ્યો રહે છે. રાત્રે પણ તેનું કર્મ ચાલુ હોય છે. તેનો પ્રકાશ બીજા ગોળાર્ધમાં પોતાનું કામ કરે છે. પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ કહી શકાય. એથી તો ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે, “ મેં આ યોગ પહેલાં સૂર્યને બતાવ્યો. અને પછી વિચાર કરનારો, મનન કરનારો મનુ સૂર્ય પાસેથી તે યોગ શીખ્યો. ” ચોવીસ કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશમાત્ર કર્મ આચરતો નથી. ખરેખર આ સ્થિતિ અદ્ભૂત છે એમાં જરાયે શક નથી.