Daily Archives: 10/11/2008

વખત વિત્યાની પહેલા શું? – (13)


ગતાંકથી આગળ…


વિશુદ્ધ પ્રેમમાં પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તેજ કાર્ય રહે છે. અને તેની પ્રતિકૂલ વહેવાર કરવો તે વિશુદ્ધ પ્રેમમાં અધર્મ મનાય છે. આવો પ્રેમ ગોપીઓનો હતો તેથી ગોપીઓને શ્રી કૃષ્ણમાં પ્રેમ હતો. અને શ્રી કૃષ્ણને ગોપીઓમાં હતો. રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વિરહમાંથી જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ ઉત્પન્ન કર્યા હતા. અને કોઈ ગોપીને એમ ન લાગ્યું કે મારી પાસે કૃષ્ણ નથી. એટલા કૃષ્ણ નંદ યશોદાને ત્યાં જન્મ્યા ન હતા આવો જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પણ કસોટીમાં મૂકાય જાય. કયારેક ભગવાનને પણ પરીક્ષા ભક્તના પ્રેમની આગળ આપવી પડે છે જે ભગવાન પાસે પોતાના પ્રેમના બદલામાં જે ભક્ત કાંઈ પણ માગતો નથી કે સુખની કે ભક્તિ મૂક્તિની પણ આશા કરતો નથી તેની ભગવાન પણ શું કસોટી કરે? પરંતુ ત્યાં આવો ભક્ત ભગવાનને પરવશ કે પરતંત્ર બનાવી દે છે. માનવ તો બની જ જાય તેમાં કોઈ પણ નવાઈની વાત નથી પણ પરમાત્મા પણ બની જાય છે. અહીં આવા ભક્તની વિશેષતા છે કે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહેલું છે કે મારો ભક્ત જે જે ભાવે મને ભજે છે તેને હું તેવું તેવું ફલ આપું છું. પરંતુ ગોપીઓ પાસે ભગવાન પણ જુઠા પડયા છે કારણ કે જ્યારે ગોપીઓ રાસ લીલામાં ગઈ ત્યારે પોતાના સઘળા સંસાર વહેવારના બંધન કાપીને પુત્ર પરિવાર પતિ સાસુ સસરા સંપતિ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરીને કૃષ્ણને સુખ થાય તેવી ભાવના લઈને ગઈ હતી પણ ભગવાનને ભજવાવાળા તો ઘણા ભક્તો ભિન્ન ભિન્ન ભાવથી ભજતા હોય છે તો અનેક ભક્તો હોવાથી તેને ભક્તોનો ત્યાગ કરી માત્ર ગોપીઓને બધો પ્રેમ આપી શકયા નથી તેથી ભગવાન નું વચન ખોટું પડયું એટલે ગોપીઓ પાસે ભગવાને માફી માગી છે.

આવા પ્રેમમાં ભક્ત ક્યારેક ભગવાન પર ગુસ્સે પણ થાય છે. ભગવાનને કડવા વચનો પણ કહે છે. અને કોઈ વખત ભગવાનને પણ ખુબ વિરહમાં નાખે છે. આ દશામાં પ્રેમની મધુરતા વધે છે. નાના મોટાનો ભેદ રહેતો નથી અને જેના ઉપર પ્રેમ હોય તેને સુખી કરવાની ઇચ્છા રહેવાથી જ સબંધ બહુ જ નિકટ રહે છે આવા પ્રેમમાં સ્વાર્થ તે શત્રુ છે. વિરહ તે મિત્ર છે. અને વિઘ્ન તે પ્રેમને વધારે છે. આ માન્યતા સાચી માન્યતા છે જે માન્યતા પ્રભુની નિકટ લઈ જાય પ્રભુમાં શ્રદ્ધા ભક્તિને વધારે પરમાત્માના જ્ઞાનમાં વૃદ્ધિ કરે તે માન્યતા સાચી માન્યતા છે. અને જ્યાં પરમાત્માનું જ્ઞાન છે ત્યાં અંધશ્રદ્ધા કહેવી તે પણ ઠીક નથી. કારણ કે તે જ્ઞાનમાં જ સાચી આંખ છે. અને તે જ્ઞાનથી જ્યા જોવાનું થતું હોય ત્યાં ભેદ ભ્રાંતિ કે ભયને સ્થાન નથી. ત્યાં પરિણામે આનંદ આનંદ તથા આનંદ જ હોય છે.

માટે આવી સાચી માન્યતાવાળા પ્રેમમાં કામનાની ગંધ પણ હોતી નથી. અને પરમાત્મા પોતાના પ્રિયતમનો વિરહ છે તે કાયમથી કાયમ પોતાના પ્રિયતમની નીકટ લઈ જનારો છે. અને પ્રેમમાં કોઈ પણ વિધ્ન કરે તો ઉલટો વિશ્વાસ દૃઢ થાય છે. મીરાના પ્રિયતમ ગીરધર ગોપાલના પ્રેમમાં રાણો જેમ જેમ વિધ્ન કરતો ગયો તેમ તેમ મીરાનો વિશ્વાસ દૃઢ થતો ગયો. વિશુદ્ધ અનન્ય પ્રેમનું આ લક્ષણ છે. તેમાં અન્યાશ્રય હોતો નથી. તેવો પ્રેમ મહિમાવાન બને છે. ભક્ત અને ભગવાન બને સાપેક્ષ હોવાથી બંને મહિમાવાન મનાય છે. એટલે માણસ કાંઈ પણ કૃતિ લઈને જનમ્યો છે સાથે અહંકાર છે તેને કાંઈક જોઈએ છે માટે તેની પ્રાપ્તિ માટે કર્મ કરે છે અને તે કર્મથી પ્રાપ્ય જે જે ફલ નાશવંત હોવાથી રાગ-દ્વેષ, ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, સુખ-દુ:ખ ઇત્યાદિ ક્લેશો થયા કરે છે. પીડાય છે અને જેમાં સાચુ સુખ છે જે શાશ્વત છે જે અખંડ છે તેના ખબર નથી તેથી વખત પણ વિતતો ચાલે અને તેના વહેણમાં પ્રવાહમાં પદાર્થ પણ તણાતો ચાલે છે અને ધીમે ધીમે તે પ્રવાહમાં જ ગેબ થઈ જાય છે. ખોવાય જાય છે. જેને ભુતકાલ કહીએ અને ફરી ફરી અધૂરી રહેલી કામના વાસનાથી વળી પુન: નવા દેહને પ્રાપ્ત થઈને અનાગતમાંથી વર્તમાનમાં આવે થોડી ક્ષણ સ્થિતિ કરે નજર સામે આવે પૂર્વક્ષણમાં આવે ઉત્તરક્ષણ જરા ટકે અને ત્રીજી ક્ષણે તો ગેબ થઈ જાય. ખોવાય જાય તેમ અનંતકાલ સુધી કર્મથી પ્રાપ્ત થતાં નાશવંત ફલની પાછળ દોડ થતી રહે છે.

અને ખોટી મિથ્યા સ્વપ્ન જેવી હાથમાં કશું પણ ન આવે તેવી માન્યતાઓમાં વિશ્વાસ કરી ખોટા ખ્યાલો બાંધી અને અનંતકાલ સુધી આ જીવ ભટકતો રહે છે. અને કયારેક ક્યારેક માનવ તન મોંઘામુલો મળે છે. તેમાં જો જીવ જાગૃત થાય અને કોઈ સંત મહાપુરુષનો સતસંગ મળી જાય તો જે ખોટા ખ્યાલો છોડાવે મિથ્યા માન્યતાઓથી મુક્ત કરે અને સાચી માન્યતા દૃઢ કરાવે કે જેથી નિસ્પૃહી તથા નિષ્કામ કર્મયોગને આચરી અને પોતાના પરમાત્મા પ્રત્યે વિશુદ્ધ પ્રેમથી ભક્તિ કરી અને આત્મા પરમાત્માની અભિન્નતા યથાર્થરૂપમાં ગુરુબોધથી સમજી ને તે અસલ સુખને અખંડ આનંદને પ્રાપ્ત કરી લે છે. આ સંસારમાં વખત વીતી ન જાય તે પહેલા કરવા જેવું બસ આ એક જ કામ છે. અને આ શરીરનો અંત ન આવે કે વખત તેને વિતાવે તે પહેલા જ કરી લેવું જોઈએ કે જેથી જીવનમાં પસ્તાવો ન રહે. ન કરેલાનો ધોખો ન રહે. અપૂર્ણતાનું દુ:ખ ન રહે. તેવી પરમ આત્યંતિક પરમ તૃપ્તિનો અનુભવ કરી લેવો જોઈએ અને તે જ સાચો પુરુષનો પુરુષાર્થ છે. બાકી તો પરમાર્થની ભાવના વગરનો જે ઇતર કોઈ પણ પુરુષાર્થ હોય તો તે સાચો પુરુષાર્થ નથી. કારણ કે જે પુરુષાર્થથી પ્રાપ્ત ફલ જ નાશવંત હોય અંતે રડાવનારું હોય તે ફલની પાછળ દોડવું જ મૂર્ખતા છે. માટે મિથ્યા છે તો વખત વિત્યાની પહેલા માણસે શું કરવું જોઈએ તેવી પ્રેરણા થતા થોડા શબ્દોમાં યથા મતિ લખીને વિરમું છું. આ સંસારમાં કે વહેવારિક જગતમાં કોઈ પણ વસ્તુ નિર-ઉપયોગી નથી નકામી નથી કોઈને કોઈ તો તેનો ઉપયોગ કરનાર હોય છે તેથી કોણ આનો ઉપયોગ કરશે કે લાભ લેશે તેનો વધારે વિચાર ન કરતા સહજ સદ્ગુરુ પરમાત્માની પ્રેરણાથી સ્વાંતઃ સુખાયે પ્રેરાયો અને લખાયું છે તો અસ્તુ પરમાત્મા સૌનું કલ્યાણ કરો.

સ્વામી ભજનપ્રકાશાનંદ

સર્વે ભવન્તુ સુખીન:
સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણી પશ્યન્તુ
મા કશ્ચિદ દુ:ખ માપ્નુયાત્
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ૐ પુર્ણમદઃ પુર્ણંમિદં પુર્ણાત્ પુર્ણમુદચ્યતે
પુર્ણસ્ય પુર્ણમાદાય પુર્ણમેવાવશિષ્યતે
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ૐૐૐ
ૐૐ


સંપૂર્ણ


Categories: વખત વિત્યાની પહેલા | 1 Comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તત્વદૃષ્ટિ અને ગુરુનું સંભાષણ

દોહા

ભો ભગવન્ | હમ બ્હ્રાત તિહું, શુભસંતતિ સંતાન |
લખ્યો ચહૈં બહુ મેવ હિય, દીન નવીન અજાન || ૨૩ ||
જો આજ્ઞા વ્હૈ રાવરી, તો વ્હૈ પૂછિ પ્રવીન |
આપ દયાનિધિ કલ્પતરુ, હમ અતિ દુઃખિત અધિન || ૨૪ ||

તત્વદૃષ્ટિ – હે મહારાજ! અમે ત્રણ ભાઈઓ છીએ અને શુભસંતતિ રાજાના પુત્રો છીએ. અમે દીન છીએ, નવીન છીએ અને અજ્ઞાની હોઈ જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. જો આપની આજ્ઞા હોય, તો અમે અમારી શંકા આપને પૂછીને પ્રવીણ થઈએ. આપ તો કલ્પવૃક્ષના જેવા દયાના ભંડાર છો અને અમે તો અતિ દુઃખિયારા તથા પરાધીન છીએ. (૨૩,૨૪)

શ્રીગુરુરુવાચ |

સોરટા

સુનહુ શિષ્ય મમ બાત, જો પૂછહુ તુમ સા કહૂં |
લહો હિયે કુશલાત, સંશય કોઉ ના રહૈ || ૨૫ ||

ગુરુ – હે શિષ્ય! સાંભળ; તું જે પૂછીશ તે બધું હું તને કહીશ. તરા મનમાં કોઈ જાતનો સંશય રહી જશે નહિ અને તેથી તારા મનમાં શાંતિ થશે. (૨૫)

દોહા

ગુરુકી લખી દયાલુતા, શિષ્ય હિયે ભો ચૈન |
કાર્ય સિદ્ધ નિજ માનિ હિય, ભાષે સવિનય બૈન || ૨૬ ||

ગુરુનું દયાળુપણું જોઈને શિષ્યના હ્રદયમાં આનંદ થયો અને પોતાનું કાર્ય સિદ્ધ થયું એમ માની તે વિનય સહિત બોલ્યો (૨૬)

તત્વદૃષ્ટિના ત્રણ પ્રશ્નો

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

ભો ભગવન! તુમ કૃપાનિધાના, હો સર્વજ્ઞ મહેશસમાના |
હમ અજાનમતિ કછૂ ન જાનૈ, જન્માદિકસંસૃતિ ભય માનૈ || ૨૭ ||

હે ભગવન્ ! આપ તો કૃપાના ભંડાર છો અને મહાદેવજીના જેવા સર્વજ્ઞ છો. હે મહારાજ! અમે અજ્ઞાની છીએ અને કાંઈ પણ જાણતા નથી. જન્મમરણરૂપ સંસારથી અમે ડરીએ છીએ. (૨૭)

કર્મ ઉપાસન કીને ભારી, ઔર અધિક જગપાશી ડારી |
આપ ઉપાય કહૌ ગુરુદેવા, વ્હૈ જાતે ભવદુઃખકો છેવા || ૨૮ ||

હે ગુરો! અમે કર્મ તથા ઉપાસના ઘણી કરી, પણ તેનાથી અમને ઈચ્છિત ફળ ન મળ્યું; એટલું જ નહિ, પણ સંસાર એથી ઊલટો વધતો ગયો; માટે એવો ઉપાય બતાવો કે જેથી અમારા સંસારરૂપી દુઃખનો નાશ થાય. (૨૮)

પુનિ ચાહત હમ પરમાનન્દા, તાકો કહો ઉપાય સુછંદા |
જબહિં કૃપા કરી કહિહૌ તાતા, તબ વ્હૈ હૈ હમરે કુશલાતા || ૨૯ ||

વળી અમને પરમાનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે; માટે તેનો પણ ઉપાય કહો. હે ગુરો! કૃપા કરીને જ્યારે અમને તે કહેશો, ત્યારે અમારું કલ્યાણ થશે. (૨૯)

મોક્ષની ભ્રાંતિજન્ય ઈચ્છા; મોક્ષ સદા પ્રાપ્ત જ છે.

દોહા

મોક્ષકામ ગુરુ શિષ્ય લખિ, તાકો સાધન જ્ઞાન |
વેદૌક્ત ભાષન લગે, જીવબ્રહ્મ ભિદ ભાન || ૩૦ ||

દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિને મોક્ષ કહે છે. શિષ્યના મનમાં એવા મોક્ષની ઈચ્છા સમજીને તેનું સાધન જે વેદોક્તજ્ઞાન તે કહેવાનો ગુરુએ આરંભ કર્યો, જેથી જીવ અને બ્રહ્મના ભેદનો નાશ થાય.

શ્રીગુરુરુવાચ |

પરમાનંદ મિલાપ તૂ, જો શિષ ચહૈ સુજાન |
જન્માદિક-દુઃખ નાશપુનિ, ભ્રાંતિજન્ય તિહિં માન || ૩૧ ||
પરમાનન્દ સ્વરૂપ તૂ, નહિ તોમૈં દુઃખલેશ |
અજ અવિનાશી બ્રહ્મ ચિત્ , જિન આનૈ હિય ક્લેશ || ૩૨ ||

ગુરુ કહે છેઃ ‘હે શિષ્ય! પરમાનંદ પ્રાપ્તિ માટે તથા જન્મમરણ આદિક જે સંસાર છે, તેની નિવૃત્તિ માટે તને જે ઈચ્છા થઈ છે, તે ભ્રાંતિથી થયેલી છે, એમ તારે જાણવું. તું પોતે જ પરમાનંદસ્વરૂપ છે. તારામાં લગાર પણ દુઃખ નથી. તારો જન્મ નથી, તેમ નાશ પણ નથી; પણ તું કેવળ ચૈતન્ય બ્રહ્મ છે. (૩૧,૩૨)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

Blog at WordPress.com.