ગતાંકથી આગળ…
ઘણાનું તેવું માનવું કે કહેવું હોય છે કે જગત આપણને સુખરૂપ થવું જોઈએ. પરંતુ કોઈ પણ એમ કહી શકે તેમ નથી કે જગતમાં આપણી સઘળી ઇચ્છા પૂરી થવી જોઈએ. જગતના પદાર્થો અનંત છે તેમ ઇચ્છાઓનો પણ અંત નથી. અને જગત પાસે આપણી માગણીઓ એવી અને એટલી હોય છે કે સઘળી મૂર્ખાઈ ભરેલી વિચાર કરતા જણાય છે. આપણે જેવી માગણીઓ જગત પાસે મૂકીએ છીએ કે કરીએ છીએ તેવી મહાપુરુષો કરતા નથી. જગત આપણને સુખરૂપ થવું જોઈએ તે કહેવું ઠીક છે પરંતુ સુખરૂપ ન થાય તો તેથી જગત ખરાબ છે તેમ કહેવાય નહીં. કારણ કે તેમાં આપણી ઇચ્છાઓનું જ ઠેકાણું નથી. માટે તે પણ વિચારવાનું રહ્યું કે કઈ જાતની અને કયાં પ્રકારની તથા કેવી ઇચ્છા સારી કહેવાય તે પણ સમજવાની પહેલી જરૂર છે.
સત્ય કે પરમાત્મા આપણી ઇચ્છા પ્રમાણે વળે નહીં અને જો વળે તો સત્ય નથી. અને ઉલટું સત્ય તો એવું હોવું જોઈએ કે આપણી ઇચ્છાને સત્ય બનાવે. તેથી સત્ય કેને કહેવું તે પણ જાણવાની ખાસ જરૂર છે. આ જગતમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ જોઈએ છીએ. અને તે તે પ્રાણીને આપણે તે તે પ્રકારનું નામ પણ આપીએ છીએ. કુતરો ઘોડો ગધેડો સાપ વીંછી ઇત્યાદિ ઇત્યાદિ અને સઘળાને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી નિહાળીએ છીએ. પરંતુ આપણને તે પ્રાણીઓ કઈ દૃષ્ટિથી જોતા હશે આપણે તેને આ પુરુષ છે આ સ્ત્રી છે તેવું દૃષ્ટિમાં નહીં હોય ત્યારે કુતરો ગધેડાને ગધેડારૂપે કે સાપને સાપરૂપે કે વીંછીને વીછીંરૂપે તેમ પરસ્પર નહીં જોતા હોય અને જ્ઞાનીની દૃષ્ટિમાં તો આ ભિન્ન ભિન્ન દૃષ્ટિ કે સંખ્યાની ગણના નથી. તેને તો સઘળું એકરૂપ ભાસે છે. સંખ્યાની ગણના તથા ભિન્નતાની દૃષ્ટિ તે માણસની છે. તેમાં કાયમને માટે વસ્તુ તો વસ્તું છે. વસ્તુનું સ્વરૂપ ફરતું નથી પરંતુ વસ્તુને આપણે જેવા ભાવથી જોઈએ તેવી દેખાય અને તેમાં આપણે સામાન્ય દૃષ્ટિથી જોશું તો જગતનો કે વસ્તુનો સામાન્ય ભાવ જણાશે. અને વિશેષ દૃષ્ટિથી કે જ્ઞાનની દૃષ્ટિથી જોશું ત્યારે વિશેષ ભાવ જણાશે. પરંતુ સામાન્ય વિષેશ તે વસ્તુમાં નથી તે આપણો ભાવ છે. વસ્તુઓનો મૂળભાવ ફરતો નથી. આપણા મનોભાવ ફરતા રહે છે. સામાન્ય બુદ્ધિથી માનેલ ભાવ સાચો માનવાથી વિશેષ ભાવ અનુભવની બહાર જતો રહે છે. અને વહેવારિક સુખ સાચું છે પરંતુ તે કામ પુરતું હોય છે. અને તે એમ બતાવે છે કે જીવન સુખ માટે છે પણ જ્યારે એ જીવનને બરાબર વાપરતા ન આવડે ત્યારે સુખની હદ કે મર્યાદા બંધાઈ જાય છે. કે જે સુખ પાછળથી દુ:ખરૂપ દેખાવા લાગે છે.
જે જ્ઞાનથી સુખ વધે તે જ્ઞાન ઉપયોગી છે. જુદા જુદા ધર્મો વિશે ચર્ચા કરવાથી કેટલીક વાર વાદ વધે છે. અને સુખને બદલે દુ:ખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષો તો પૂર્ણ તથા આખી વસ્તુનો અનુભવ લે છે. જ્યારે સામાન્ય માણસ તેના એક ભાગનો વિચાર કરે છે. પૂર્ણ કે આખી વસ્તુની વાત કરવી મુશ્કેલી પડે છે. છતાં તે મહાપુરુષોની વાણીમાં જણાય આવે છે. વાસ્તવિકતામાં તો ભિતરમાં પ્રેમ જાગૃત હોય અને પછી પ્રેમની વાતો કરે તો તે શોભે છે. તેમ અંદર આત્મજ્ઞાન હોય અને આત્માની વાતો કરે તો તે શોભે છે. અંદર આત્મજ્ઞાન કે આત્માની અનુભૂતિ ન હોય અને આત્માની વાતો કરે તેની કોઈ અસર બીજા માણસ ઉપર થતી નથી. સામાન્ય ભાવથી જ્યારે તેનો વિચાર થાય છે ત્યારે પૂર્ણ કે આખા કરતા ઓછું માલુમ પડે છે. વળી આપનારમાં જ્ઞાન હોય પણ લેનારમાં તે વિશે પુરી જિજ્ઞાસા ન હોય તો પણ તેની અસર થતી નથી.
પૂર્ણરૂપમાં ગ્રહણ ન કરવું તેનું નામ જ અજ્ઞાન છે, કે કહે છે. અજ્ઞાન વસ્તુના એક ભાગમાં રહે છે. પણ તે ભાગ બહારના જગતમાં નથી. જીવાત્મા પોતાની મતલબથી પૂર્ણમાંથી થોડું ગ્રહણ કરીને તેને આખું માને છે. અને પછી વધારે વિચાર કરતાં તેને પાછળથી અપૂર્ણ લાગે છે. અને અપૂર્ણ લાગતા દુ:ખી થાય છે. ભગવાનનું અસ્તિત્વ આપણે દલીલથી સિદ્ધ ન કરી શકીએ કે કરી શકાય તેમ નથી કારણ કે તે સિદ્ધ પ્રસિદ્ધ વસ્તુ છે. તેથી તે તર્કની પહેલા પણ સિદ્ધ જ છે. સિદ્ધ પ્રસિદ્ધ ને તર્કથી કેમ સિદ્ધ કરવું. અને જે સિદ્ધ પ્રસિદ્ધ વસ્તુ છે તે બીજા સાથે સબંધમાં આવવાથી તે ફેરફાર પામતી નથી. આપણે ભગવાનના જેટલા ગુણોનું વર્ણન કે વિચાર કરીએ છીએ તેટલા ગુણોમાં ભગવાન સમાઈ જતા નથી. તેથી તેને અનંત ગુણોવાળા કહેલા છે. જે અનંત ગુણોવાળા છે તેને વિચારથી અને શ્રદ્ધાથી એટલે કે સાચી માન્યતાથી પહોંચી શકાય છે. જે વસ્તુ આપણી નજીક તથા નિકટ છે. જે નિત્ય છે. જેની સત્તાથી વિચાર ચાલે છે. તેને શ્રદ્ધાથી સ્વીકાર્યા વિના માત્ર તેને વિચાર પકડી શકશે નહીં.
ક્રિયાથી સત્તાને પૂરી ગ્રહણ કરી શકાતી નથી. પણ સત્તાથી ક્રિયાને પૂરી ગ્રહણ કરી શકાય છે. જે જ્ઞાનથી એવી વસ્તુ મળે કે જે મેળવ્યા પછી કાંઈ પણ મેળવવાનું રહે નહીં તે ખરું જ્ઞાન છે. ખરું જ્ઞાન કિંમતી છે. જો સાયન્સ કે વિજ્ઞાનવાળા સાયન્સ કે વિજ્ઞાનથી સુખ વધારી શકે તો તત્વજ્ઞાની તત્વજ્ઞાનથી કેમ સુખ વધારી ન શકે? પરંતુ સાયન્સ કે વિજ્ઞાનથી મળતા સુખ માટે પણ કેટલીક માન્યતાઓ પહેલેથી માની લેવી પડે છે. તેમ તત્વજ્ઞાનના સુખ માટે પણ કેટલીક માન્યતાઓ પહેલેથી સ્વીકારી લેવાની જરૂર પડે છે. જે જ્ઞાનથી આખું જગત સમજાય છે તે જ્ઞાન બુદ્ધિથી પર છે. છતાં તે જ્ઞાનનો સ્વભાવ સમજીને પહેલેથી સ્વીકારવાથી ફાયદો થાય છે. તેથી જ્યારે વેદાંત સંપ્રદાયના આચાર્યો પ્રસ્થાનત્રયી ઉપર ટીકા લખે છે. ત્યારે ઉપનિષદના સુત્રોને પ્રમાણ વડે વાપરે છે. હાલમાં એટલા એટલા લેખો પણ આવે છે કે સઘળા લેખકો અનુભવી હોતા નથી. અને જેમ તેમ જ્યાંથી ત્યાંથી સાંભળેયુ કે વાંચેલુ લખી નાખતા હોય છે. આત્માની ઉચ્ચ સ્થિતિનો અનુભવ જ વાસ્તવિકતામાં તો પ્રમાણ છે પરંતુ તે પ્રમાણને સ્વીકારવાને બદલે સમાજના લાભની સામે પોતાનો પણ કાંઈક અહં થોડી દાંભિકતા બીજું જે હોય તે અન્યનું ખોટું એમ સમજાવે છે. અને મારું હું જે કહું છું તે સાચું છે અને સમાજના ગમે તેવા ધર્મને દેવવાણી માને છે. અને પછી દેવવાણીને ઓળંગી ના શકાય તેવી માન્યતા ઉપર ચડી જાય છે. આવા આવા કારણોને લઈને સત્ય સહેલાઈથી સમજાવી શકાતું નથી. સત્યના પણ પ્રયોગો કરવા પડે છે. અને તે કયારે પુરા થશે તે કહી ના શકાય કે કહી શકાતું નથી.
વધુ આપણે કાલે જોઈશું…