Daily Archives: 28/11/2008

માની સેવામાં ડૂબી જજો! – સ્વામી આનંદ

મારું માનો તો બધું કોરે મેલીને માની સેવામાં જ ડૂબી જજો. બીજી બધી સેવા ઈન્દ્રજાળ કે અફીણગોળી (dope) છે એમ ગણજો. પેગમ્બરે કહ્યું કે તારું સ્વર્ગ તારી માના પગની પાની હેઠળ છુપાયું છે અને આપણા લોકોએ કહ્યું કે મા-બાપની સેવા એ અડસથ તીરથની જાત્રા છે એ અમસ્તું નથી કહ્યું એ તમને જિંદગીને પાછલે પહોરે સમજાશે. પણ તે દિવસે એ સમજણ અલેખે ઠરશે. કારણ તક નહીં રહી હોય. શંકરાચાર્ય જેવા જ્ઞાની અને સંન્યાસીએ સંન્યાસધર્મને નેવે મૂકી માની સેવા કરી તેથી નાતીલાઓએ નિંદા કરી. શંકરાચાર્યે તેમને સંભળાવ્યું કે ‘તમે જખ મારો છો, હું ધર્મ વધારે સમજું કે તમે?’

– સ્વામી આનંદ


(શ્રી મકરન્દ દવે પરના પત્રમાંથી – ‘સ્વામી અને સાંઈ’ ગ્રંથમાંથી સાભાર)


Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

જરા મેલી માન ગુમાન – (57)

રાગઃ- બાગેશ્રી

જરા મેલી માન ગુમાન, મનવા રામ ભજો
આ જુઠી જાણી જંજાળ, મનવા રામ ભજો

આજકાલ કરતાં આવશે વાયદો, જરા નહીં હાલે ત્યાં તારો કાયદો
જમના સામું નહીં જોર, મનવા રામ ભજો

કુટુંબ કબીલો તારું ટગર ટગર જોશે, દશ દાડા તારી પાછળ રોશે
વિસરી જાશે તારી વાત, મનવા રામ ભજો

મેડીમોલાતમાં ઘડી એક રહેવું, કોડી એક દામ જરા સાથે ન લેવું
સાથે લેવાં પુણ્યને પાપ, મનવા રામ ભજો

હિસાબ આપવો હરિને પડશે, કાયા તારી ત્યારે થરથર કંપશે
ખાતામાં હશે જો ખોટ , મનવા રામ ભજો

રામના નામસું નેહ મને લાગ્યો, કાયાનો કારીંગો ભડકીને ભાગ્યો
આનંદ ઉર અપાર , મનવા રામ ભજો

હરખે હરખે હરિ ગુણ ગાયે, પ્રેમપ્યાલા ભજનપ્રકાશ પીએ પાયે
સંતોના સંગમાં રહી , મનવા રામ ભજો

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

મનની આરસી – બાહ્યકર્મ – (17)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૭ – મનની આરસી – બાહ્યકર્મ

૧. સંસાર બહુ ભયાનક ચીજ છે. ઘણી વાર તેને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. સંસારનું પણ એવું જ છે. સંસાર બધે ઠેકાણે ભરેલો છે. કોઈ એક જણ ઘરબાર છોડી જાહેર કામમાં પડે છે તો ત્યાં પણ સંસાર તેના મનમાં અડ્ડો જમાવીને બેઠેલો જ હોય છે. બીજો કોઈ વળી ગુફામાં જઈ બેસે છે તો ત્યાં પણ તેની વેંતભર લંગોટીમાં સંસાર ભારોભાર ભરેલો હોય છે. પેલી લંગોટી તેની માયામમતાનું સારસર્વસ્વ થઈ બેસે છે. નાની સરખી નોટમાં જેમ હજાર રૂપિયા ભરેલા હોય છે તેમ એ નાનકડી લંગોટીમાં પણ પાર વગરની આસક્તિ ભરેલી હોય છે. વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો તેટલાથી સંસાર ઓછો થતો નથી. દસપચીસાંશ શું કે બેપંચમાંશ શું, બંનેનો અર્થ એક જ છે. ઘરમાં બેસો કે વનમાં બેસો, આસક્તિ કેડો છોડતી નથી, પાસે ને પાસે રહે છે. સંસાર લેશમાત્ર ઓછો થતો નથી. બે યોગી હિમાલયની ગુફામાં જીને બેસે છતાં ત્યાંયે એકબીજાની કીર્તિ કાને પડતાંવેંત બળી ઊઠે છે. સાર્વજનિક સેવામાં પણ આવું જ જોવાનું મળે છે.

2. સંસાર આમ ખાઈપીને આપણી પાછળ પડેલ હોવાથી આપણે આપણી જાત પર સ્વધર્માચરણની મર્યાદા મૂકી હોય છતાં ત્યાંયે સંસાર છૂટતો નથી. અનેક ઊથલપાથલ કરવાનું છોડી, બીજો વિસ્તાર ઘટાડી પોતાનો સંસાર આપણે ટૂંકો કરીએ છતાં ત્યાંયે બધી માયામમતા ભરાઈ રહે છે. રાક્ષસ જેમ નાના થઈ જતા ને વળી મોટી થતા તેવું સંસારનું છે. નાના થાય કે મોટા થાય પણ આખરે રાક્ષસ તે રાક્ષસ. સંસારનું દુર્નિવારપણું હવેલીમાં કે ઝૂંપડીમાં સરખું છે. સ્વધર્મનું ધન મૂકી સંસાર પ્રમાણસરનો કરવા છતાં ત્યાંયે અનેક ઝઘડા ઊભા થયા વગર રહેતા નથી, અને તમને થઈ જાય છે કે હવો આ નથી જોઈતું. ત્યાં પણ અનેક વ્યક્તિઓ ને અનેક સંસ્થાઓ સાથે સંબંધમાં આવવું પડે છે અને તમે ત્રાસી જાઓ છો. તમને થાય છે કે આ હવે બહુ થયું. હવે નહીં જોઈએ. પણ તમારા મનની કસોટી એ વખતે થાય છે. સ્વધર્મનું આચરણ કરવા માંડવામાત્રથી અલિપ્તતા કેળવાઈ જતી નથી. કર્મનો પસારો ઘટાડ્યો એટલે ચાલો અલિપ્ત થઈ ગયા, એવું નથી.

3. ત્યારે અલિપ્તપણું મેળવવું કેવી રીતે ? તે માટે મનોમય પ્રયત્નની જરૂર છે. મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી. માબાપ કોઈક સંસ્થામાં પોતાના છોકરાને મૂકી આવે છે. ત્યાં તે પો ફાટતાં ઊઠે છે, સૂર્યનમસ્કારની કસરત કરે છે, અને ચા પીતો નથી. પણ ઘેર આવી બે દિવસમાં તે એ બધું છોડી દે છે એવો એનુભવ થાય છે. માણસ કંઈ માટીનો પિંડો નથી. જે ઘાટ તેના મનને આપવા ધારો તે તેના મનમાં પહેલાં ઊતરવો જોઈએ ખરો કે નહીં ? મન તે ઘાટમાં બેસે નહીં તો બહારની પેલી બધી તાલીમ નકામી ગઈ એમ કહેવું જોઈએ. એટલા સારૂ સાધનામાં માનસિક સહકારની ખૂબ જરૂર રહે છે.

4. સાધન માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ. બાહ્ય કર્મની પણ જરૂર છે. કર્મ કર્યા વગર મનની પરીક્ષા થતી નથી. સવારના પ્રશાંત પહોરે આપણું મન અત્યંત શાંત હોય એમ લાગે છે. પણ છોકરૂં જરા રડ્યું કે પછી મનની એ શાંતિની કિંમત કેટલી તે પરખાઈ જશે. બાહ્ય કર્મો ટાળવાથી કશો અર્થ સરતો નથી. બાહ્ય કર્મોમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે. ખાબોચિયાનું પાણી ઉપરથી નિર્મળ દેખાય છે. પણ અંદર પથરો નાખો. નાખતાંવેંત ગંદવાડ ઉપર તરી આવશે. આપણા મનનું પણ એવું છે. મનના અંતઃસરોવરમાં ઢગલેઢગલા ગંદવાડ સંઘરાયેલો પડેલો હોય છે. બહારની વસ્તુ સાથે સંબંદમાં આવતાંની સાથે એ ગંદવાડ ઉઘાડો દેખાઈ આવે છે. આપણે કહીએ છીએ કે ફલાણાને ગુસ્સો આવ્યો. એ ગુસ્સો શું બહારથી આવ્યો ? તે મૂળે અંદર જ હતો. મનમાં ન હોત તો બહાર દેખાત ક્યાંથી ? લોકો કહે છે કે, ‘ અમારે સફેદ ખાદી નથી જોઈતી. તે મેલી થાય છે. રંગીન ખાદી મેલી નથી થતી. ’ રંગીન પણ મેલી થાય છે પણ તેવી દેખાતી નથી. ધોળી ખાદી મેલી થયેલી વરતાઈ આવે છે. તે બોલે છે, ‘ હું મેલી થઈ છું. મને ધુઓ. ’ આવી આ બોલકી ખાદી માણસને ગમતી નથી. એવી જ રીતે આપણું કર્મ પણ બોલે છે. તમે મિજાજી હો કે સ્વાર્થી હો કે બીજું ગમે તે હો, તે બધુંયે તમારૂં કર્મ ખુલ્લું કરી દેખાડે છે. કર્મ આપણું અસલ સ્વરૂપ દેખાડનારી આરસી છે. એ સારૂ કર્મનો આભાર માનવો જોઈએ. આરસીમાં મોઢું મેલું દેખાય તેથી શું આપણે આરસી ફોડી નાખીશું ? ના. ઊલટું તે આરસીનો આભાર માનીશું. પછી મોઢું ચોખ્ખું કરી પાછું તેમાં જોઈશું. તે પ્રમાણે આપણા મનમાંનો મળ કર્મ વડે બહાર આવે છે તેથી શું તેને ટાળવાનું હોય ? એ કર્મ ટાળવાથી, તેનાથી અળગા રહેવાથી મન નિર્મળ થવાનું છે ? એથી કર્મ કરતાં રહેવું જોઈએ અને નિર્મળ થાય તે માટેની કોશિશમાં મંડ્યા રહેવું જોઈએ.

5. કોઈક માણસ ગુફામાં જઈને બેસે છે. ત્યાં તેને કોઈનાયે સંબંધમાં આવવું પડતું નથી. તેને થાય છે, ચાલો આપણે તદ્દન શાંતમતિ થયા. એને ગુફા છેડી કોઈક ઘેર ભિક્ષા માગવાને જવા દો પછી જુઓ શું થાય છે તે. ત્યાં એકાદ રમતિયાળ છોકરૂં બારણાની સાંકળ ખખડાવીને રમે છે. તે બાળબ્રહ્મ નાદબ્રહ્મમાં લીન છે. પણ એ નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા પેલા યોગીથી સહેવાતી નથી. તે કહે છે, ‘ આ છોકરો કેવી ગરબડ મચાવે છે ! ’ ગુફામાં રહીને તેણે પોતાનું મન એટલું બધું નબળું પાડી દીધું છે કે જરા સરખો ધક્કો તેનાથી સહેવાતો નથી. જરા સાંકળ ખખડી કે ખલાસ, તેની શાંતિની બેટક તૂટી જાય છે. આવી દૂબળી સ્થિતિ કંઈ સારી નથી.

6. ટૂંકમાં, આપણા મનનું સ્વરૂપ સમજાય તે સારૂ કર્મ ઘણું ઉપયોગી છે. દોષ દેખાય તો તેને કાઢવાનું બની શકે. દોષ માલૂમ ન પડે તો પ્રગતિ અટકી જાય, વિકાસ થંભી જાય. કર્મ કરતાં દોષ દેખાશે. તેમને કાઢવાને વિકર્મની યોજના કરવી. અંદર આવી વિકર્મની કોશિશ રાતદિવસ ચાલુ રહે પછી કાળાંતરે સ્વધર્મનું આચરણ કરતાં કરતાં અલિપ્ત કેમ રહેવું, કામક્રોધાતીત, લોભમોહાતીત કેમ થવું એ બધું સમજાશે ને આવડશે. કર્મ નિર્મળ કરવાના એકધારા પ્રયાસમાં મંડ્યા રહેવાથી પછી તમારે હાથે નિર્મળ કર્મ સહેજે થવા માંડશે. નિર્વિકાર કર્મ આપમેળે સહજપણે થવા માંડશે એટલે પછી કર્મ ક્યારે થયું તેનો ખ્યાલ સરખો નહીં રહે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ કર્મને જ અકર્મ કહે છે એ આપણે ચોથા અધ્યાયમાં જોયું. કર્મનું અકર્મ કેવી રીતે બને છે તે વાત સંતોના ચરણ સેવવાથી સમજાય છે, એમ પણ ભગવાને ચોથા અધ્યાયને છેડે કહ્યું. આ અકર્માવસ્થાનું વર્ણન કરવાને વાણી અધૂરી પડે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

વૃક્ષન સોં મત લેહ – સુરદાસ

વૃક્ષન સોં મત લેહ,
મન રે ! તૂ વૃક્ષન સોં મત લેહ;
કાટે તા પર ક્રોધ કરે નાહીં,
સીંચે તાહિ સ્નેહ. – ૧

જો કોઉ વા પર પથ્થર ચલાવે,
તાહિ કૌ ફલ દે;
આપ સિર પર ધૂપ સહત હૈ,
ઔરન કૌ છાયાસુખ દે. – ૨

ધનિ ધનિ જડ યે પરમ પદારથ,
વૃથા મનુષ્ય કી દેહ;
‘સૂરદાસ’ મન કર્મ બચન કરિ,
ભક્તન કૌ મત એહ. – ૩

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

झीनी झीनी बीनी चदरिया – કબીર

झीनी झीनी बीनी चदरिया
झीनी झीनी बीनी चदरिया॥ टेक॥

काहे कै ताना काहे कै भरनी
कौन तार से बीनी चदरिया॥ १॥

इडा पिङ्गला ताना भरनी
सुखमन तार से बीनी चदरिया॥ २॥

आठ कँवल दल चरखा डोलै
पाँच तत्त्व गुन तीनी चदरिया॥ ३॥

साँ को सियत मास दस लागे
ठोंक ठोंक कै बीनी चदरिया॥ ४॥

सो चादर सुर नर मुनि ओढी
ओढि कै मैली कीनी चदरिया॥ ५॥

दास कबीर जतन करि ओढी
ज्यों कीं त्यों धर दीनी चदरिया॥ ६॥

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.