Daily Archives: 27/11/2008

અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ – (16)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ચોથો : કર્મયોગ – સહકારી સાધના : વિકર્મ
પ્રકરણ ૧૬ – અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ

10. કર્મનું આમ અકર્મ કેવી રીતે બનતું હશે ? એ કળા કોની પાસે જોવાની મળશે ? સંતો પાસેથી. આ અધ્યાયને છેડે ભગવાન કહે છે, “ સંતોની પાસે જઈને બેસ અને પાઠ લે. ” કર્મનું અકર્મ કેવી રીતે થઈ જાય છે તેનું વર્ણન કરતાં ભાષા પૂરી થઈ જાય છે. તેનો ખ્યાલ મેળવવાને સંતોને ચરણે બેસવું જોઈએ. પરમેશ્વરનું વર્ણન સાંભળ્યું છે ને કે शान्ताकारं भुजगशयनम्. પરમેશ્વર હજાર ફેણવાળા શેષ પર પોઢેલો હોવા છતાં શાંત છે. સંતો હજારો કર્મોમાં ગૂંથાયેલા હોવા છતાં જરા સરખો ક્ષોભતરંગ પોતાના માનસ-સરોવરમાં ઊઠવા દેતા નથી. આ ખૂબી સંતોને ઘેર ગયા વગર સમજી શકાતી નથી.

11. આજના વખતમાં ચોપડીઓ સોંઘી થઈ છે. આના-બેઆનામાં ગીતા, मनाचे श्लोक વગેરે ચોપડીઓ મળે છે. ગુરૂ જોઈએ તેટલા છે. શિક્ષણ ઉદાર અને સોંઘું છે. વિશ્વવિદ્યાલયો જ્ઞાનની ખેરાત કરે છે. પણ જ્ઞાનામૃતભોજનની તૃપ્તિનો ઓડકાર કોઈને આવતો દેખાતો નથી. પુસ્તકોના આવા ઢગલાના ઢગલા જોઈને દિવસે દિવસે સંતોની સેવાની જરૂર વધારે ને વધારે ભાસતી જાય છે. જ્ઞાન, પુસ્તકોની મજબૂત કાપડની બાંધણીની બહાર નીકળતું નથી. આવે પ્રસંગે મને એક અભંગ હમેશ યાદ આવે છે.

कामक्रोध आड पडिले पर्वत । राहिला अनंत पैलीकडे ।।

આડા પડ્યા કામક્રોધના પહાડ ને અનંત રહ્યો પેલી પાર. કામક્રોધના પર્વતોની પેલી કોર નારાયણ વસે છે. તે પ્રમાણે આ ચોપડાઓના ઢગની પાછળ જ્ઞાનરાજા લપાઈને બેઠો છે. પુસ્તકાલયો ને ગ્રંથાલયોનો રાફડો ફાટ્યો છે. પણ માણસ હજી બધે સંસ્કાર વગરનો ને જ્ઞાન વગરનો વાંદરો રહી ગયેલો દેખાય છે. વડોદરામાં એક મોટી લાયબ્રેરી છે. એક વખત એક ગૃહસ્થ તેમાંથી એક ખાસું મોટું પુસ્તક લઈને જતા હતા. તે પુસ્તકમાં બાવલાં – ચિત્રો હતાં. અંગ્રેજી પુસ્તક છે એવું માની તે ભાઈ લઈ જતા હતા. મેં પૂછ્યું, ‘ આ શાનું પુસ્તક છે ? ’ તેમણે જવાબ દેવાને બદલે તે સામું ધર્યું. મેં કહ્યું, ‘ આ તો ફ્રેંચ છે. ’ તે ગૃહસ્થ બોલ્યા, ‘ અરે, ફ્રેંચ આવી ગયું લાગે છે ! ’ પરમ પવિત્ર રોમન લિપિ, સુંદર ચિત્રો, મજાનું બાઈંડિંગ, પછી જ્ઞાનની ખોટ હોય ખરી કે !

12 અંગ્રેજી ભાષામાં દર સાલ દસ દસ હજાર નવાં પુસ્તકો તૈયાર થઈને બહાર પડે છે. બીજી ભાષાઓમાં પણ એવું જ છે. જ્ઞાનનો આટલો બધો ફેલાવો હોવા છતાં માણસનું માથું ખાલી ખોખું કેમ રહ્યું છે ? કોઈ કહે છે યાદદાસ્ત ઘટી છે. કોઈ કહે છે એકાગ્રતા થઈ શકતી નથી. કોઈ કહે છે જે જે વાંચીએ છીએ તે બધું જ સાચું લાગે છે અને કોઈ વળી કહે છે વિચાર કરવાનો વખત જ રહેતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, “ અરે અર્જુન, તરેહતરેહની વાત સાંભળીને ગોટાળે ચડેલી તારી બુદ્ધિ સ્થિર થયા વગર યોગ તને હાથ લાગવાનો નથી. સાંભળવાનું ને વાંચવાનું પતાવીને હવે સંતોને શરણે જા. ત્યાં જીવનનો ગ્રંથ તને વાચવાનો મળશે. ત્યાંનું મૂંગું પ્રવચન સાંભળી તું છિન્નસંશય થશે. એકધારાં સેવાનાં કર્મો કરતાં રહેવા છતાં અત્યંત શાંત કેમ રહેવું, બહારનાં કર્મોનું ઝાજું જોર હોવા છતાં હ્રદયમાં અખંડ સંગીતની સિતાર કેમ મેળવવી એ ત્યાં જવાથી સમજાશે. ”

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તારા એક સ્મિત માટે હું લાખ જોજનનું અંતર કાપીશ, મારી મા !

મા વિશે ઉત્તમ ઊર્મિકવિતાથી માંડીને શ્રેષ્ઠ નવલકથા સુધીનું પારાવાર સાહિત્ય રચાયું છે. પ્રત્યેક સર્જકે જ્યારે જ્યારે મા વિશે લખવાનું નક્કી કર્યુ છે ત્યારે એની કલમમાં દૈવી રણકો આવી જ ગયો છે. હમણાં કોઈએ પૂછ્યું – ‘મા વિશેની શ્રેષ્ઠ ઉક્તિ કઈ હોઈ શકે?’ મારી જીભે એક યહૂદી કહેવત સહજભાવે આવી ગઈ. મેં એ કહેવત જ જવાબમાં કહી દીધીઃ ‘ભગવાન સર્વત્ર પહોંચી ન શકે, એટલા માટે એણે માતાનું સર્જન કર્યુ.’ થકરેની નવલકથા ‘વૅનિટી ફેર’ માં આ જ વાત જરા જુદી રીતે કહેવાઈ છે” ‘નાનાં બાળકના હોઠ અને હ્રદયમાં ભગવાનને સ્થાને માનું નામ હોય છે.’ વિ.સ.ખાંડેકરે પણ સહેજ જુદી રીતે કહ્યું છેઃ ‘દુનિયામાં બે બાબતો કદી ખરાબ નથી હોતીઃ એક આપણી માતા, બીજી આપણી જન્મભૂમિ.’

હમણાં મારા હાથમાં એક જૂની ડાયરી આવી. અમેરિકન પ્રકાશન હતું એટલે ત્યાં મનાવાતા દિવસોની યાદી તેમાં હતી. એમાંનો એક દિવસ છે ‘મધર્સ ડે’. દર મે મહિનાના બીજા રવિવારે અમેરિકામાં માનું સન્માન કરવા માટે, માનું ઋણ સ્વીકારવા માટે આ દિવસ ઊજવાય છે. ૧૯૦૮માં ફિલાડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે.

માનું સ્મરણ કરવા માટે, માના ઋણને માથે ચડાવવા માટે તહેવાર ઉજવાય એ વાત જ હ્રદયને સ્પર્શી ગઈ. ૧૯૮૪માં આઠમી મેના રોજ (મે મહિનાના બીજા રવિવારે) ‘માતૃદિન’ (મધર્સ ડે) ઉજવાશે. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે. પોશાક, રીતભાત, છિન્ન કુટુંબ, ઘરડા ઘર વગેરે. હવે પશ્ચિમનો આ તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. સંયુક્ત કુટુંબ છૂટા પડતાં જાય છે. ‘મા બાપે અમને જન્મ આપ્યો છેઃ અમને મોટા કરે એમાં શું? એટલી તો તેઓની ફરજ છે.’ — આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે, ઍ તો રહેલો છે, પણ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં વરસમાં એક દિવસ માતૃદિન ઉજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ વ્યવહારમાં મૂકીએ તો કેવું?

ચન્દ્રવદન મહેતાએ એમના એક આશ્વાસન પત્રમાં લખ્યું હતું – ‘મા તે માની સ્મૃતિ હજી અ ગોઝારા ભારતમાં રહી છે, એ એની સંસ્કૃતિ છે.’ રવીન્દ્રનાથે એકવાર વિદેશમાં ખળખળ વહેતાં ઝરણાંને કાંઠે ઊભા રહીને કહ્યું હતું – ‘આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે.’ એક લેખકે પોતાની મા પરના પત્રનો આરંભ કર્યો હતોઃ ‘તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું, મારી મા !’

મા માટેની આ આરત, આ આરઝૂને દરેક વાચા આપી શકતા નથી. કેટલાક તો પોતાના હ્રદયની લાગણીને વાચા જ આપી શકતા નથી. પરંતુ જેમ કોઈના જન્મદિને આપણે એ વ્યક્તિને ફુલો અર્પીએ, સુંદર ભેટ આપીએ એનો જ મહિમા છે. છોકરાઓ દૂર દૂર રહેતા હોય પણ તે દિવસે માને મળવા ન આવી શકે એ તાર કરે, પત્ર લખે. આખો વખત બાળકો વચે જીવન વીતાવી દેતી માને એ દિવસે એવી લાગણી થાય કે મારું પણ કંઈક મહત્વ છે.

એકવાર એક મિત્રે મને સરસ પ્રસંગ કહ્યો હતો. એમના કુટુંબમાં મા તરફ સૌને લાગણી. પણ બધા ભાઈઓ વ્યવસાયમાં પડી ગયેલા. કોઈને મા પાસે જવાનો સમય ન મળે. એકવાર એક ભાઈને તુક્કો સૂઝ્યો. તેણે માનો જન્મદિવસ ક્યારે આવે છે તે શોધવા કોશિષ કરી. માને તો યાદ હતો જ નહિ. બીજા કોઈ ને પણ ખબર નહિ. પણ તેણે એક યુક્તિ કરી. એક જૂની નોટબુક શોધી કાઢી. તેમાં કંઈક જૂના હિસાબો લખ્યા. અને એક પાના પર લખ્યું – ‘ચિ. કાશીનો જન્મ ચૈત્ર વદ… વગેરે વગેરે’ અને પછી સૌને લખ્યું – ‘મેં આપણા કુટુંબના જૂના કાગળોમાં સંશોધન કરી માનો જન્મદિન શોધી કાઢ્યો છે. આ વખતે આપણે સૌ એ દિવસ ઉજવીએ.’

માના ત્રણ દીકરા ને બે દીકરીઓ, ત્રણ પુત્રવધૂઓ અને બે જમાઈઓ તથા સંખ્યાબંધ પૌત્રો એકઠા થયા. બધા એક પછી એક માને પગે લાગ્યા. એક દીકરાએ પોતાનું ડૉક્ટરી સર્ટિફિકેટ માના ચરણમાં મૂકીને કહ્યું – “મા, તે મારી સંભાળ લીધી તો હું આટલો મોટો થયો!”. એ દીકરાની વહુએ પણ કહ્યું – ‘મા, તમે ન હોત તો આવો સરસ વર મને ક્યાંથી મળત? એક દીકરીએ કહ્યું – ‘મા, મને સાસરિયામાં કોઈ આંગળી ચીંધી શક્યું નથી. એ તારી કેળવણીને કારણે જ બન્યું છે.’ એક દીકરાએ કહ્યું – ‘હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી કશો જ ઉમેરો કરી શકી નથી!’ મા બધાની વાત સાંભળી રહી. બધાએ માને હાર પહેરાવ્યા. જાતજાતની ભેટ સોગાદો આપી. ‘હૅપી બર્થડે ટુ યૂ’ નું ગીત ગાઈ માને હાથે કેક કપાવી. તાળીઓ પાડી. છેલ્લે કોઈએ કહ્યું – ‘હવે મા કૈંક બોલે !’

માના ગળે ડૂમો બાઝી ગયો હતો. તેણે કહ્યું – ‘દીકરાઓ, મને તો મે આ બધું કર્યું એની ખબર જ નથી. દેવે દીધેલા છોકરા-છોકરીઓને હસતાં-રમતાં મોટાં કર્યા એ ખરું, પણ એ તો દરેક મા કરે છે !’

જે છોકરાને માનો જન્મદિન ઉજવવાનો વિચાર આવ્યો હતો, તેણે કહ્યું – ‘પણ મા, એ જ માને એના ઘડપણમાં હસતાં-રમતાં હથેળીમાં રાખીએ તે અમારે સૌએ કરવાનું કામ છે અને અમારામાંથી કેટલા કરે છે?’

બધાં જ સંતાનોની આંખો એ ક્ષણે ભીની થઈ. આ દિવસને કે આવા કોઈ પણ દિવસને હું માતૃદિન કહું.

— હરિન્દ્ર દવે
(‘તીર્થોત્તમ માંથી સાભાર’)

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

હવે સમરોને શ્રીભગવાન અંતે મરવાનું – (56)

રાગઃ-મારા જીવનના મોંઘા મહેમાન

હવે સમરોને શ્રીભગવાન અંતે મરવાનું
ધરો હ્રદયમાં હરિનું ધ્યાન અંતે મરવાનું –ટેક

જોતજોતામાં જીવન આ જાતું રહેશે
કાળ કાયા કોમળને ઝડપી લેશે
પછી પસ્તાવાનો નહીં પાર અંતે મરવાનું –1

જીવ જાણી રહ્યો મન સર્વ મારૂં
નથી કુટુંબ કબીલામાં કોઇ તારૂં
આતો સ્વાર્થની સઘળી સગાઇ અંતે મરવાનું –2

લોભ લાલચ થકી જીવ લહેરાઇ રહ્યો
આવેલ અણમૂલ અવસર તે વયો ગયો
જરા જીવનનો જાણ્યો નહીં સાર અંતે મરવાનું –3

માટે મૂકો મમતા હવે ભટક્યાં ઘણાં
સહ્યાં સંકટ અતિ ચોરાસી તણાં
આમાં ભૂલવણીનો નહીં પાર અંતે મરવાનું –4

કરો સતસંગ સદા ઉર સ્નેહ કરી
કરી અણમૂલ જીવનની કિંમત જરી
હવે લેજોને ભક્તિની લેર અંતે મરવાનું –5

દીનબંધુ દામોદર દયાળુ ઘણા
કરશે પૂરા સર્વે કોડ ભક્તો તણા
ભજનપ્રકાશના ભારે ભગવાન અંતે મરવાનું –6

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.