ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૮ – બંનેનો મેળ સાધવાની યુક્તિ – ફળત્યાગ
(13) ભગવાને જીવનના સિદ્ધાંત તો બતાવ્યા ખરા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી કામ પાર પડતું નથી. ગીતામાં વર્ણવેલા આ સિદ્ધાંતો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં એ પહેલાં બતાવેલા છે. ગીતાએ તે ફરી રજૂ કર્યા તેમાં ગીતાની અપૂર્વતા નથી. આ સિદ્ધાંતો આચરવા કેવી રીતે, એ દેખાડવામાં ગીતાની અપૂર્વતા છે. આ મહાપ્રશ્ન ઉકેલવામાં ગીતાનું ખાસ કાબેલપણું છે. જીવનના સિદ્ધાંત અમલમાં મૂકવાની હથોટી અથવા યુક્તિને જ યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર, અને યોગ એટલે કળા. ‘योगियां साधली जीवनकला’ યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવી સાખ જ્ઞાનદેવે ક્યારની પૂરેલી છે. ગીતા સાંખ્ય ને યોગ, શાસ્ત્ર ને કળા બંને વડે પરિપૂર્ણ છે. શાસ્ત્ર ને કળા બંને મળીને જીવનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. એકલું શાસ્ત્ર ખાલી હવામાં અધ્ધર રહેશે. સંગીતનું શાસ્ત્ર સમજાય તોયે ગળામાંથી સંગીત પ્રગટ કરવાની કળા હાથ લાગ્યા વગર નાદબ્રહ્મ પૂરૂં ખીલી નહીં ઊઠે. આટલા સારૂ ભગવાને સિદ્ધાંત બતાવ્યા. તેની સાથે તેમનો વિનિયોગ શીખવનારી કળા પણ બતાવી છે. કળા કઈ છે? દેહને તુચ્છ લેખી આત્માનું અમરપણું ને અખંડપણું ધ્યાનમાં રાખી સ્વધર્મનું આચરણ કરવાની આ કળા કઈ છે ? કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે. અમે કર્મ કરીએ તો તે કર્મનાં ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, અમારો એ હક છે એ એક વૃત્તિ છે. અને એથી ઊલટી બાજુ, અમને ફળ ચાખવાનાં ન મળવાનાં હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠવેઠ અમે શા સારૂ કરીએ? એ બીજી વૃત્તિ છે. ગીતા ત્રીજી એક વૃત્તિનું પ્રતિપાદન કરે છે. ગીતા કહે છે, “કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.” કર્મ કરનારને ફળનો હક છે. પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો. રજોગુણ કહે છે, ‘લઈશ તો ફળની સાથે લઈશ.’ તમોગુણ કહે છે, ‘છોડીશ, ફેંકી દઈશ તો ફળ સાથે કર્મને પણ ફેંકી દઈશ.’ બંને એકબીજાના પિતરાઈ છે. એનાથી ઉપર જઈ શુદ્ધ સત્ત્વગુણી થાઓ. કર્મ કરી તેનું ફળ છોડો, અને ફળ છોડી કર્મ કરો. આગળ કે પાછળ, કર્મ કરતાં પહેલાં કે તે પાર પાડ્યા પછી ફળની આશા રાખો મા.
14. ફળની આશા રાખો મા એમ કહેતી વખતે કર્મ સારામાં સારૂં થવું જોઈએ એમ ગીતા ઠોકી ઠોકીને કહે છે. સકામ પુરૂષના કર્મ કરતાં નિષ્કામ પુરૂષનું કર્મ વધારે સારૂં થવું જોઈએ, એ અપેક્ષા તદ્દન બરાબર છે. કેમકે સકામ પુરૂષ ફળને વિષે આસક્તિવાળો હોવાથી ફળ બાબતના સ્વપ્ન-ચિંતનમાં તેનો થોડોઘણો વખત બગડ્યા વગર નહીં રહે અને તેની થોડીઘણી શક્તિ વેડફાયા વગર નહીં રહે. પણ ફળની ઈચ્છા વગરના પુરૂષની એકેએક ક્ષણ ને બધી શક્તિ કર્મ પાર પાડવામાં વપરાશે. નદીને રજા હોતી નથી. પવનને વિસામો ખાવાનો હોતો નથી. સૂર્યને હમેશ બળતા રહેવા સિવાય બીજી પ્રવૃત્તિ નથી. એ જ પ્રમાણે નિષ્કામ કર્તાને સતત સેવાકર્મ વગર બીજી ફિકર હોતી નથી. આમ નિરંતર કર્મમાં મંડ્યા રહેનાર પુરૂષનું કામ સારામાં સારૂં નહીં થાય તો બીજા કોનું થવાનું હતું? આ ઉપરાંત ચિત્તનું સમત્વ, કુશલતા માટે બીજો એક મોટો જરૂરી ગુણ છે. અને તેના પર નિષ્કામ પુરૂષનો ખાસ માલિકીનો હક છે. એકાદું તદ્દન બહારની કારીગરીનું કામ લઈએ તો પણ તેમાં હાથની કુશળતાની સાથે ચિત્તની સમતાનો મેળ હશે તો કામ વધારે સુંદર થશે એ વાત દીવા જેવી ખુલ્લી છે. વારૂ, વળી સકામ અને નિષ્કામ પુરૂષ બંનેની કર્મ કરવાની દ્રષ્ટિ માં જે ફરક છે, તે પણ નિષ્કામ પુરૂષના કર્મને વધારે અનુકૂળ છે. સકામ પુરૂષ કર્મ તરફ સ્વાર્થની દ્રષ્ટિથી જુએ છે. મારૂં જ કર્મ અને મારૂં જ ફળ એવી તેની નજર હોય છે. એથી કર્મમાં જરા બેધ્યાન થવાય તોયે તેમાં તે નૈતિક દોષ માનતો નથી. બહુ તો વહેવારૂપણાનો દોષ માને છે. પણ નિષ્કામ પુરૂષની સ્વકર્મની બાબતમાં નૈતિક કર્તવ્યબુદ્ધિ હોવાથી તેમાં જરાયે ઊણપ ન રહે તે માટે તે ચીવટ રાખે છે. એથી પણ તેનું કર્મ વધારે ખામી વગરનું નીવડે છે. કોઈ પણ રીતે જોતાં ફળત્યાગનું તત્ત્વ અત્યંત કુશળ અને સફળ સાબિત થાય છે. એથી ફળત્યાગને યોગ એટલે કે જીવનની કળાના નામથી ઓળખવો જોઈએ.
15. નિષ્કામ કર્મની વાત બાજુએ રહેવા દઈ બીજી રીતે જોઈએ તો પણ પ્રત્યક્ષ કર્મમાં જે આનંદ છે તે તેના ફળમાં નથી. સ્વકર્મ કરતાં કરતાં તેમાં જે એક જાતની તન્મયતા થાય છે તે આનંદનો ઝરો છે. ચિત્રકારને કહીએ કે, “ચિત્ર કાઢવાનું રહેવા દે. એ માંડી વાળવાને જેટલા જોઈએ તેટલા પૈસા તને આપીશું.” તો એ આપણી વાત નહીં સાંભળે. ખેડૂતને કહો કે, “તું ખેતરમાં જઈશ મા, ડોર ચારીશ નહીં. કોસ હાંકવાનું માંડી વાળ. અમે તને તારે ત્યાં જોઈએ તેટલું અનાજ ભરી આપીશું.” હાડનો સાચો ખેડૂત હશે તો એને આ સોદો ન ખપે. ખેડૂત સવારના પહોરમાં ખેતરે જાય છે. સૂર્યનારાયણ તેનું સ્વાગત કરે છે. પંખીઓ તેને સારૂ ગીતો ગાય છે. ગાય-વાછરડાં તેની ફરતે એકટાં મળેલાં છે. પ્રેમથી અને ઊલટથી તે તેમના પર હાથ ફેરવી તેમને પંપાળે છે. પોતે રોપેલાં ઝાડો તે જોઈ વળે છે. આ બધાં કાર્યોમાં એક સાત્ત્વિક આનંદ રહેલો છે. એ કર્મનું મુખ્ય અને સાચું ફળ આ આનંદ છે. તેની સરખામણીમાં તેનું બહારનું ફળ છેક ગૌણ બની જાય છે. ગીતા માણસની નજર કર્મફળ પરથી હઠાવી લેવાને કહે છે ત્યારે એ તરકીબથી તેની કર્મ સાથેની તન્મયતા સેંકડો ગણી વધારી આપે છે. ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરનારા પુરૂષની પોતાના કામ સાથેની તન્મયતા સમાધિના દરજ્જાની હોય છે. એથી તેને મળતો આનંદ બીજા લોકોના આનંદ કરતાં સોગણો હોય છે. આ રીતે જોતાં નિષ્કામ કર્મ એ જ મોટું ફળ છે એ બીના સમજાય છે. “ઝાડને ફળ બેસે છે પણ ફળને બીજું કયું ફળ આવશે ?” એમ જ્ઞાનદેવે સવાલ કર્યો છે તે તદ્દન બરાબર છે.
આ દેહરૂપી વૃક્ષને નિષ્કામ સ્વધર્માચરણ જેવું મજાનું ફળ બેસે પછી બીજા કયા ફળની અને શા સારૂ અપેક્ષા રાખવી ? ખેડૂત ખેતરમાં ઘઉં પકવે તે વેચીને જુવાર લાવી તેના રોટલા તેણે શા સારૂ ખાવા ? કેળની રસાળ વાડી બનાવી પછી તેમાંનાં કેળાં વેચીને મરચાં લાવી તે શા માટે ખાય ? અરે, એ કેળાં જ ખાને ! પણ લોકમતને આજે એ વાત મંજૂર નથી. કેળાં ખાવાનું સદ્ભાગ્ય સામું આવીને ઊભું હોવા છતાં લોકો મરચાં ખાવાને બેસી જાય છે. ગીતા કહે છે, એવું ન કરશો. કર્મ જ ખાઓ, કર્મ જ પીઓ, કર્મ જ પચાવો. જે કંઈ છે તે બધું કર્મ કર્યામાં સમાઈ જાય છે. છોકરાં રમવાનો આનંદ મેળવવાને રમે છે. કસરતનું ફળ તેમને આપોઆપ સેહજે મળે છે. પણ એ ફળ પર તેમની નજર હોતી નથી. તેમનો સર્વ આનંદ રમત રમવામાં હોય છે.