Daily Archives: 23/11/2008

વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા – જેનિફર ઓસ્લી

બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ


વહાલાં બાળકો,

તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.

આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

દરેક બાળક સૌથી પહેલાં પોતાનાં માતા-પિતાના સંપર્કમાં આવે છે અને તેમના વિશે જાણકારી મેળવે છે એટલે હું તમને મારાં માતાપિતા વિષે થોડી વાતો કરું.

કોઈ પણ માતા કે પિતા ક્યારે શું કરશે અને કઈ રીતે વર્તશે તે તેના બાળક માટે એક કોયડો હોય છે. બાળક જમવાના ટેબલ ઉપર બેસે એટલે જમવા માંડશે, પણ માતા કે પિતા માટે એવું કોઈ બંધન હોતું નથી. તેઓ પહેલાં કે પછી કે વચ્ચે, ગમે ત્યારે બીજા કામ માટે ઊભાં થઈ શકે છે. મારી મમ્મીનું પણ એવું જ છે, તે જ્યાં સુધી અમુક વાત બોલે નહીં કે અમુક રીતે વર્તે નહીં ત્યાં સુધી તે શું બોલશેે કે કરશે તે જાણી શકાતું નથી.

એના વિષે થોડું વધુ લખું. જો તેને અચાનક ઈચ્છા થઈ જાય તો મકાન સાફસૂફ કરવા માંડે અથવા તો ફર્નિચર ફેરવી નાખે. તેને ઇચ્છા થાય તો સવારે, બપોરે, રાત્રે, ગમે ત્યારે કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દે છે. આપણે તેમ કરી શકીએ નહીં. આપણા માટે નિયમો હોય છે. વડીલો માટે નિયમો હોતા નથી. મા જો થાકી જાય તો ગમે તેને ધમકાવી નાખે કે ગમે તે કામ કરવાની આજ્ઞા કરી નાખે, તે ન થાકે તેમાં જ આપણું, બાળકોનું હિત હોય છે. છતાં, દરેક માતા થાકી જવા માટે તનતોડ પ્રયત્ન કરતી હોય છે. મારી બહેનપણીની બા પણ એમ જ કરતી હોય છે.

મારા પિતા મારી સાથે ખાસ રહેતા નથી. તેમની સાથે રહેવું મને ગમે છે, પણ મોટા ભાગે તેઓ બહાર જ હોય છે.

આપણાં બીજાં સગાંવહાલાં, કાકા, કાકી, ફોઈ, દાદા, દાદી, બધાં બહુ મઝાના હોય છે છતાં કેટલાકની સાથે વર્તવામાં આપણે બહુ સાવચેતી રાખવી પડે છે. ધારો કે, તમારા કાકાનો દીકરો તમારા કરતાં નાનો છે. તેને તમે હીંચકા ઉપર વધારે નહીં બેસવા દો તો તરત જ તે તમારી વિરુદ્ધ ફરિયાદ કરશે અને કાકી તમને નાના છોકરાને હેરાન કરવા બદલ ઠપકો આપશે, પણ ધારો કે તમારા બીજા કાકાનો દીકરો કે દીકરી તમારા કરતાં મોટાં હોય અને તમને સાઇકલ ઉપર ન બેસાડે તો કાકી તમને સાઇકલ પડી જવાની બીક બતાવીને ખોટી જિદ્દ નહીં કરવાની સલાહ આપશે . આવા સંજોગોમાં તમારે બહુ સાવચેતી રાખવી જોઈએ અને તમારા ઝઘડા મોટેરાંઓ પાસે લઈ જવાના બદલે અંદરો અંદર જ પતાવી લેવી જોઈએ. મોટેરાંઓ પાસેથી ક્યારેય નિષ્પક્ષ ન્યાયની આશા રાખશો નહીં. કહે છે કે એમની કોર્ટો પણ એવી જ હોય છે. જોકે હું એ બાબતમાં કશું જાણતી નથી.

દાદા-દાદીની વાત જુદી છે. એક રીતે તેઓ માતા-પિતા કરતાં વધારે જડ અને અક્કડ હોય છે. કાયમ તેઓ થાકેલાં જ હોય છે. અવાજ તો જરાય સહન કરી શકતાં નથી, પણ તેમની પાસે વાતોનો ખજાનો હોય છે અને તમારાં માતા- પિતા કરતાં સમય પણ ઘણો વધારે હોય છે. અને ખાસ તો, તમારાં માતા-પિતા જો તમારા ઉપર ગુસ્સે થાય તો તેઓ સદાય તમારો જ પક્ષ લે છે. બધી રીતે જોતાં મોટી ઉંમરના માણસોમાં દાદા-દાદી બાળકોના ઉત્તમ મિત્રો છે.

ક્યારેક કુટુંબમાં જો તમારા વિષે વાત નીકળે અને તમને સુધારવા કે ભણાવવા માટે કે તમારા ભલા માટે ચર્ચાઓ થાય તો તેમાં ભૂલેચૂકેય ભાગ લેશો નહીં, વડીલો ભલે ચર્ચાઓ કરે. નિયમોની કે શિસ્તની વાત સાંભળીને જરાય ડરવાની જરૃર નથી, કારણ કે કોઈ બાબતમાં ક્યારેય તેઓ સર્વસંમત નિયમો ઘડી શકશે નહીં. હા તમે જો વચ્ચે અભિપ્રાય આપશો કે ચર્ચામાં ભાગ લેશો, તો બધાં તમારા ઉપર ઉતરી પડશે અને તમે હેરાન હેરાન થઈ જશો. એટલે સારામાં સારો માર્ગ એ છે કે મૂંગા રહેવું.

શિક્ષકો બાબતમાં પણ થોડું જાણી લેવું જોઈએ કારણ કે આપણા માટે તેઓ સૌથી ઉપયોગી હોય છે. આપણી જિંદગીનાં ઘણાં વર્ષો આપણે તેમની સાથે ગાળવાના હોય છે.

મોટા ભાગના શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ બહુ ગમતાં હોય છે અને કેટલાંક બિલકુલ ગમતા હોતાં નથી. જે વિદ્યાર્થીઓ તેમનું માથું ખાધા વિના પોતાની મેળે જ અભ્યાસ કર્યા કરે છે અને છતાં તેનો ‘યશ’ શિક્ષકોને આપે છે, તેઓ તેમને બહુ જ ગમે છે, પણ જેમને ભણાવવાની જવાબદારી શિક્ષકો પર આવી પડે છે તેમના ઉપર તેઓ નારાજ રહે છે. તમારે કોઈ એવા શિક્ષક સાથે પનારો પડે તો બહુ મૂંઝાશો નહીં નિભાવી લેજો કારણકે તે માત્ર એકાદ વરસનું જ કામ હોય છે. બીજા વર્ષે બીજા શિક્ષક મળી જાય છે.

પણ જો તમે કોઈ શિક્ષકનાં પ્રિય પાત્ર હો, તો સાવચેતી રાખજો અને બીજા વિદ્યાર્થીઓને તે જાણવા દેશો નહીં નહીં તો તેઓ તમારા વિરોધી થઈ જશે અને શિક્ષકો કરતાં વિરોધીઓ સાથે સારા સંબધો રાખવાનું આપણા માટે હંમેશા સલામતીભર્યું હોય છે.

બાળકો કરતાં મોટેરાંઓ વધારે વાતોડિયાં હોય છે. તમે તમારી મમ્મીની આંગળી પકડી હોય અને તે તેની બહેનપણી સાથે વાત કરતી હોય, તમને જમવા બેસાડીને તે કોઈનો ફોન લેવા ગઈ હોય; તમારી સાથે તમારા પિતા રમતા હોય અને કોઈ પાડોશી મળી જાય, તો બંને કોઈ વાતમાં ઝૂકાવી દે. મોેટેરાંઓને વાતોમાંથી ઉખાડવા તે મજબૂત વૃક્ષને ઉખાડવા કરતાં પણ કપરું કામ છે. છતાં તમારે પ્રયત્ન કરવો જ પડે છે. તેનો સહેલામાં સહેલો રસ્તો છે તેમની વાતોમાં દખલ કરવાનો. તે માટે તમારે શું કરવું? જોરજોરથી બોલવું, અથવા રેડિયો જોરથી વગાડવાનું શરૃ કરવું , અથવા તો ઉપરના મજલે જઈને દોડાદોડી કરવી, અથવા તો ર્ફિનચરની થોડી અદલા બદલી કરવી. મોટા ભાગે તમે સફળ થશો.

તમારે ત્યાં મહેમાનો પણ આવતાં જ હશે. બાળકો માટે મહેમાનો હંમેશા સારા મિત્રો હોય છે. પોતાના ઘેર તેઓ ગમે તે રીતે વર્તતા હોય, પણ બીજાના ઘેર મહેમાન બનીને જનાર વ્યક્તિ બાળકો સાથે બહુ પ્રેમથી વર્તે છે. તેઓ તમારા ઉપર જેટલો પ્રેમ બતાવે છે એટલ પ્રેમ રાખે છે એમ માનશો નહીં પણ તેમની સાથે તમને જરૂર મજા આવશે.

ઘણાં મા- બાપ પોતાનાં બાળકોને વહેલા સૂઈ જવાની શીખામણ આપતાં હોય છે પણ પોતે મોડે સુધી જાગતાં હોય છે. બાળક માટે આ એક કોયડો હોય છે પણ આવા તો ઘણાં કોયડાઓ એને ઉકેલવાના હોય છે. એક વાત સ્પષ્ટ છે કે, મોટી ઉંમરના માણસો દરેક બાબતમાં પ્રામાણિક હોતા નથી.

ધર્મની વાત કરીએ, તો લગભગ દરેક પ્રસંગે તેઓ ઈશ્વરની ને ધર્મની ગૂઢ વાતો કરતાં હોય છે પણ તેમાં બાળકો કરતાં તેઓ જરાય વધારે સમજતાં હોય એમ હું માનતી નથી.

તેમને સૌથી વિશેષ રસ પૈસામાં હોય છે. કોઈ પણ પખ્ત ઉંમરની વ્યક્તિ વિષે જાણવાની તમને ઈચ્છા હોય તો પૈસા વિષે તે શું વિચારે છે તે તમારે જાણવું જોઈએ.

ઘણા વડીલો પોતાનાં બાળકોને દર મહિને અમુક પૈસા વાપરવા આપતા હોય છે. તેથી બાળકો હિસાબ રાખતાં શીખે એમ તેઓ માનતા હોય છે . તમારા ઘરમાં જો આવી વ્યવસ્થા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેય વધારે પૈસા માંગશો નહીં, નહીં તો અનેક પ્રકારના સવાલ- જવાબની અને બીજી મુસીબતોમાં ફસાઈ જશો. પૈસા બાબતમાં વડીલો ગમે ત્યારે પોતાનો મિજાજ ગુમાવી બેસે છે.

કેટલાંક માબાપ પોતાને ઈચ્છા પડે ત્યારે બાળકોને પૈસા વાપરવા આપતાં હોય છે. તેમને કાંઈક લાભ થયો હોય અથવા તો તેઓ આનંદમાં હોય ત્યારે તરત જ બાળકોના ખોળામાં સિક્કાઓ ફેંકે છે. આમાં બાળકે સતત જાગૃત રહેવું પડે છે. જો તે સારો પ્રસંગ શોધી કાઢે અથવા તો લાડ કરવાનું શીખે તો તેને વધારે પૈસા મળી શકે છે.

માણસની ઉંમર જેમ વધે તેમ પૈસો તેને વધારે મોટો દેખાવા માંડે છે. તમારે ત્યાં કોઈ જુવાન માણસ મહેમાન તરીકે આવશે તો તે તમને દસ-વીસ રૃપિયા હાથમાં આપશે પણ ઘરડાં ડોસા કે ડોસી તમને રૃપિયો બે રૃપિયા હાથમાં આપશે. તેઓ તમને ખૂબ પ્રેમ કરશે. તમે દોડી દોડીને તેમનું કામ કરો તેવી અપેક્ષા પણ રાખશે પણ જુદાં પડતી વખતે તેઓ વધારે રૂપિયા આપી શકશે નહીં.

પૈસા વાપરવાની બાબતમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે ઉડાઉ છો, તેવી છાપ તમારા માબાપ ઉપર પડવા દેશો નહીં કારણ કે પૈસા માટે તેમને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે. તેનો હિસાબ લખતાં અને સરવાળા બાદબાકી કરતાં નાકે દમ આવી જતો હોય છે, તે મેં પોતે જોયું છે. જોકે મને સમજાતું નથી કે પૈસા કમાવા કરતાં વધારે મહેનત તેઓ હિસાબ રાખવામાં શા માટે કરતાં હશે. ગમે તેમ પણ પૈસા વાપરવા બાબતમાં આપણે તેમનો ખ્યાલ રાખવો જોઈએ.

મોટા માણસો વિષે બીજી પણ કેટલીક અગત્યની વાતો છે. હું હવે પછી ક્યારેક તમને એ કહીશ.


સંદેશમાંથી સાભાર

Categories: રસપ્રદ લેખો | Tags: | 4 Comments

કર્મયોગનાં વિવિધ પ્રયોજનો – (12)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ત્રીજો – કર્મયોગ
પ્રકરણ ૧૨ – કર્મયોગનાં વિવિધ પ્રયોજનો

8. નિષ્કામ કર્મયોગમાં અદ્ભૂત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમ જ સમાજનું પરમ કલ્યામ થાય છે. સ્વધર્મ આચરનારા કર્મયોગીની શરીરયાત્રા ચાલ્યા વગર રહેતી નથી, પણ હમેશ ઉદ્યોગમાં મંડ્યો રહેતો હોવાથી તેનું શરીર નીરોગી તેમ જ ચોખ્ખું પણ રહે છે. વળી પોતાના એ કર્મને પરિણામે જે સમાજમાં તે રહે છે તે સમાજનું ભરણપોષણ પણ બરાબર થાય છે. કર્મયોગી ખેડૂત વધારે પૈસાની આવક થાય તેટલા ખાતર અફીણ અને તંબાકુની ખેતી નહીં કરે. પોતાની ખેતીના કર્મનો સંબંધ સમાજના કલ્યાણની સાથે છે એવી તેની ભાવના હોય છે. સ્વધર્મરૂપ કર્મ સમાજના કલ્યાણનું હશે. મારૂં વેપારનું કર્મ જનતાના હિતને માટે છે એવું સમજનારો વેપારી પરદેશી કાપડ નહીં વેચે. તેનો વેપાર સમાજને ઉપકારક હશે. પોતાની જાત વીસરી જઈ પોતાની આસપાસના સમાજ સાથે સમરસ થનારા આવા કર્મયોગી જે સમાજમાં નીપજે છે તે સમાજમાં સુવ્યવસ્થા, સમૃદ્ધિ તેમ જ મનની શાંતિ પ્રવર્તે છે.

9. કર્મયોગીના કર્મને લીધે તેની શરીરયાત્રા ચાલે છે, સાથે દેહ તેમ જ બુદ્ધિ સતેજ રહે છે અને સમાજનું પણ કલ્યાણ થાય છે. આ બંને ફળ ઉપરાંત ચિત્તશુદ્ધિનું મોટું ફળ પણ તેને મળે છે. ‘कर्मणा शुद्धिः’ – કર્મથી શુદ્ધિ એમ કહ્યું છે. કર્મ ચિત્તશુદ્ધિનું સાધન છે. પણ બધા લોકો કરે છે તે એ કર્મ નથી. કર્મયોગી ભાવનાના મંત્રથી મંતરેલું કર્મ કરે છે, તેનાથી ચિત્તશુદ્ધિનું ફળ મળે છે. મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ, ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરૂં દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી. ઉદ્યોગની મન પર અસર થાય છે. કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી તેની ચિત્તશુદ્ધિ થાય છે. અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. પોતપોતાના જે તે કર્મમાંથી કર્મયોગી છેવટે જ્ઞાન મેળવે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી. સેના નાવી હજામત કરતો. બીજા લોકોનાં માથાંમાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. ‘બીજાના માથા પરનો મેલ હું કાઢું છું પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો? ’ એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફુરવા લાગી. ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હ્રદયમાં પેદા થનારૂં વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે. માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, ‘માટલાં કાચાં કે પાકાં’ એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે. જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાંથી ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. એ તેમનાં કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં. દેખાવમાં વહેવારનાં છતાં અંતરમાં તે કર્મો આધ્યાત્મિક હતાં.

10. કર્મયોગીના કર્મમાંથી તેને બીજું એક ઉત્તમ ફળ મળે છે. એ ફળ તે તેના કર્મ વડે સમાજને જે આદર્શ મળે છે તે. સમાજમાં પહેલા જન્મનારા ને પછી જન્મનારા એવો ફેર છે જ. એમાંથી ગળ જન્મેલા લોકોએ પાછળ જન્મનારાઓને ધડો બેસાડવાનો હોય છે. મોટાભાઈએ નાનાભાઈને, માબાપે છોકરાંને, આગેવાનોએ અનુયાયીઓને અને ગુરૂએ શિષ્યને પોતપોતાની કૃતિથી દાખલો બેસાડવાનો હોય છે. આવા દાખલા કર્મયોગી વગર બીજા કોણ બેસાડી શકે ? કર્મયોગી કર્મમાં જ આનંદ માનનારો હોવાથી હમેશ કર્મ કરતો રહે છે. એથી સમાજમાં દંભ ફેલાતો નથી. કર્મયોગી સ્વયંતૃપ્ત એટલે કે પોતાની જાતથી જ સંતોષ મેળવનારો હોવા છતાં કર્મ કર્યા વગર રહેતો નથી. તુકારામ કહે છે, “ભજન કરવાથી ઈશ્વર મળ્યો, માટે શું મારે ભજન છોડી દેવું ? ભજન હવે મારો સહજ ધર્મ થયો.”

आधीं होता संतसंग । तुका झाला पांडुरंग ।।
त्याचें भजन राहीना । मूळ स्वभाव जाईना ।।

પહેલાં સંતસંગ થયો તેથી તુકો પાંડુરંગ બન્યો. પણ તેનું ભજન અટકતું નથી કેમકે તેનો મૂળ સ્વભાવ ક્યાં જાય ? કર્મની નિસરણી વડે ઠેઠ ટોચે પહોંચ્યા છતાં કર્મયોગી તે નિસરણી છેડી દેતો નથી. તેનાથી તે છોડી શકાતી નથી. તેની ઈન્દ્રિયોને તે કર્મનું કુદરતી વળણ બેસી ગયેલું હોય છે. અને એ રીતે સ્વધર્મકર્મરૂપી સેવાની નિસરણીનું મહત્વ તે સમાજને બતાવતો રહે છે. સમાજમાંથી દંભ નાબૂદ કરવાની વાત બહુ મોટી છે. દંભથી સમાજ ડૂબી જાય છે. જ્ઞાની કંઈ પણ કર્મ કર્યા વગર બેસી રહે તો તેનું જોઈને બીજા પણ તેવું કરવા માંડે. જ્ઞાની નિત્યતૃપ્તિ હોવાથી અંતરમાં સુખથી ને આનંદથી મસ્ત રહી કંઈ પણ કર્યા વગર શાંત રહી શકશે, પણ બીજો મનમાં રડતો રહીને કર્મશૂન્ય બનશે. એક અંતસ્તૃપ્ત હોઈને શાંત છે. બીજો મનમાં બળતો, અકળાતો હોવા છતાં શાંત છે. એની આ દશા ભયાનક છે. એથી દંભ જોરાવર થાય છે. એથી બધા સંતો સાધનાને શિખરે પહોંચ્યા પછી પણ સાધનાને ચીવટથી વળગી રહ્યા અને મરણ સુધી સ્વકર્મ આચરતા રહ્યા. મા છોકરાંની ઢીંગલાઢીંગલીની રમતમાં રસ લે છે. એ રમત છે એવું જાણતી હોવા છતાં છોકરાંની રમતમાં ભળીને તે મીઠાશ પેદા કરે છે. મા રમતમાં ભાગ ન લે તો છોકરાંને તેમાં મજા નહીં પડે. કર્મયોગી તૃપ્ત થઈ કર્મ છોડી દે તો બીજા અતૃપ્ત રહ્યા હોવા છતાં કર્મ છોડી બેસશે અને છતાં મનમાં ભૂખ્યા રહી આનંદ વગરના થઈ જશે. તેથી કર્મયોગી સામાન્ય માણસની માફક કર્મ કરવાનું ચાલુ રાખે છે. હું કંઈક ખાસ છું એવું તે પોતાની બાબતમાં માનતો નથી. બીજાના કરતાં બહારથી તે હજારગણી વધારે મહેનત કરે છે. અમુક એક કર્મ પારમાર્થિક છે એવી તેના પર છાપ મારેલી હોતી નથી. કર્મની જાહેરાત કરવાની પણ હોતી નથી. તું સારામાં સારો બ્રહ્મચારી હોય તો બીજા લોકોના કરતાં તારા કર્મમાં સોગણો ઉત્સાહ જણાવા દે. ઓછું ખાવાનું મળે તોયે ત્રણગણું કામ તારે હાથે થવા દે. તારે હાથે સમાજની વધારે સેવા થવા દે. તારૂં બ્રહ્મચર્ય તારા આચરણમાં પ્રગટ થવા દે. ચંદનની સુવાસ આપમેળે બહાર ફેલાવા દે. ટુંકમાં, કર્મયોગી ફળની ઈચ્છા છોડવા છતાં આવાં પાર વગરનાં ફળો મેળવશે. તેની શરીરયાત્રા ચાલશે, શરીર ને બુદ્ધિ બંને સતેજ રહેશે, જેમાં રહી તે પોતાનો વહેવાર ચલાવે છે તે સમાજ સુખી થશે, તેનું ચિત્ત શુદ્ધ થવાથી તે જ્ઞાન મેળવશે અને સમાજમાંથી દંભ નાબૂદ થઈ જીવનનો પવિત્ર દર્શ ખુલ્લો થશે. કર્મયોગનો આવો મોટો અનુભવસિદ્ધ મહિમા છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

આજ સખી ગઇતી રે – (52)

આજ સખી ગઇતી રે, દહીં વેચવા
મારગમાં મોરારી મળ્યારે સખી શામળો

કાળો કાળો કાનો, આવ્યો છાનોમાનો
છાનો જાલ્યો છેડો રે સખી શામળો

હાથે હતી લાકડી, ખંભે કાળી કામળી
મોરલી વાળો રે સખી શામળો

કાને લીધો કેડો, જાલી ઉભો છેડો
મૂકે નહીં મોહન રે સખી શામળો

જશોદાએ જીવન, મોઢે ચડાવ્યો મોહન
કહ્યું ન માને કાનો, રે સખી શામળો

અટકચાળો આવો, જસોદાનો માવો
ઉભો કરી દાવો રે સખી શામળો

હરિ હું તો હારી ભજનપ્રકાશ દાસી તમારી
જાઉં બલિહારી રે સખી શામળો

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.