ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૧૦ – આદર્શ ગુરૂમૂર્તિ
20. શાસ્ત્ર બતાવ્યું. કળા બતાવી. પણ એટલાથી પૂરેપૂરૂં ચિત્ર નજર સામે ઊભું થતું નથી. શાસ્ત્ર નિર્ગુણ છે. કળા સગુણ છે. પણ સગુણ સુદ્ધાં આકાર ધારણ ન કરે ત્યાં સુધી વ્યક્ત થતું નથી. કેવળ નિર્ગુણ જેમ હવામાં અધ્ધર રહે છે તેવું નિરાકાર સગુણનું પણ બને એવો પૂરો સંભવ છે. ગુણ જેનામાં ઠરીને મૂર્તિમંત થયો હોય તેવા ગુણીનું દર્શન એ જ આ મુશ્કેલીનો ઈલાજ છે. તેથી અર્જુન કહે છે, “ હે ભગવાન, જીવનના મુખ્ય સિદ્ધાંતો તો તમે કહી બતાવ્યા. એ સિદ્ધાંતોને અમલમાં મૂકવાની કળા પણ તમે બતાવી. છતાં હજી મને ચોખ્ખો ખ્યાલ આવતો નથી. હવે મારે ચરિત્ર સાંભળવાનું છે. સાંખ્યનિષ્ઠા જેની બુદ્ધિમાં સ્થિર થઈ હોય, ફળત્યાગરૂપ યોગ જેના જીવન સાથે વણાઈ ગયો હોય એવા પુરૂષનાં લક્ષણો મને વર્ણવી બતાવો. ફળત્યાગનું પૂરેપૂરૂં ઊંડાણ બતાવનારો, કર્મસમાધિમાં મગ્ન રહેનારો, અઢળ નિશ્ચયનો મહામેરૂ – જેને સ્થિતપ્રજ્ઞ કહીને ઓળખાવાય તે પુરૂષનું બોલવાનું કેવું હોય છે, બેસવાઊઠવાનું કેવું હોય છે, ચાલવાનું કેવું હોય છે, તે બધું મને કહો. એ મૂર્તિ કેવી હોય છે ? તેને ઓળખવી કેવી રીતે ? હે ભગવાન, આ બધું કહો. ”
21. અર્જુનના આ સવાલોના જવાબમાં બીજા અધ્યાયના છેવટના અઢાર શ્લોકોમાં સ્તિતપ્રજ્ઞનું ગંભીર તેમ જ ઉદાત્ત ચરિત્ર ભગવાને વર્ણવ્યું છે. આ અઢાર શ્લોકોમાં ગીતાના અઢારે અધ્યાયનો જાણે કે સાર સંઘર્યો છે.સ્થિતપ્રજ્ઞ ગીતાની આદર્શમૂર્તિ છે. એ શબ્દ પણ ગીતાનો સ્વતંત્ર યોજેલો છે. આગળ પાંચમા અધ્યાયમાં જીવનમુક્તનું, બારમામાં ભક્તનું, ચૌદમામાં ગુણાતીતનું અને અઢારમામાં જ્ઞાનનિષ્ઠાનું આવું જ વર્ણન છે. પણ એ બધા કરતાં સ્થિતપ્રજ્ઞનું વર્ણન વધારે વિસ્તારથી તેમ જ ખુલાસાવાર કરેલું છે. તેમાં સિદ્ધનાં લક્ષણોની સાથે સાધકનાં લક્ષણો પણ બતાવ્યાં છે. હજારો સત્યાગ્રહી સ્ત્રીપુરૂષો રોજ સાંજની પ્રાર્થનામાં આ લક્ષણો બોલી જાય છે. દરેકેદરેક ગામમાં અને દરેકેદરેક ઘરમાં એ પહોંચાડી શકાય તો કેટલો આનંદ થાય ! પણ પહેલાં તે આપણા હ્રદયમાં વસશે ત્યારે બહાર સહેજે આપોઆપ પહોંચી જશે. રોજ બોલાય તે પાઠ યાંત્રિક બની જાય તો ચિત્તમાં ઠસી જવાની વાત આઘી રહી, ઊલટો તે ભૂંસાઈ જાય. પણ એ નિત્યપાઠનો વાંક નથી, મનનના અભાવની ખામી છે. નિત્યપાઠની સાથેસાથે નિત્ય મનન અને નિત્ય આત્મપરીક્ષણ બંનેની જરૂર રહે છે.
22. સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળો પુરૂષ એ તો એના નામ પરથી ચોખ્ખું સમજાય છે. પણ સંયમ વગર બુદ્ધિ સ્થિર ક્યાંથી થાય ? એથી સ્થિતપ્રજ્ઞને સંયમની મૂર્તિ કહ્યો છે. બુદ્ધિ આત્મનિષ્ઠ અને અંતર્બાહ્ય બુદ્ધિના તાબામાં એ સંયમનો અર્થ છે. સ્થિતપ્રજ્ઞ બધી ઈન્દ્રિયોને લગામ ઘાલી કર્મયોગમાં રોળવે છે. ઈન્દ્રિયોરૂપી બળદ પાસે તે નિષ્કામ સ્વધર્માચરણની ખેતી વ્યવસ્થિત રીતે કરાવે છે. પોતાના એકેએક શ્વાસોચ્છ્વાસનો તે પરમાર્થમાં ઉપયોગ કરે છે.
23. ઈન્દ્રિયોનો આવો સંયમ સહેલો નથી. ઈન્દ્રિયોનો બિલકુલ ઉપયોગ ન કરવાનું એક રીતે સહેલું હોય એમ બને. મૌન, નિરાહાર વગેરે વાતો એટલી બધી અઘરી નથી. અને ઈન્દ્રિયોને બેલગામ છોડી મૂકવાનું તો સૌ કોઈ કરી શકે એવું છે. પણ કાચબો જેમ જોખમની જગ્યાએ પોતાના અવયવ પૂરેપૂરા અંદર ખેંચી લે છે અને વગર જોખમની જગ્યાએ વાપરે છે, તેવી જ રીતે વિષયોપભોગમાંથી ઈન્દ્રિયોને ફેરવીને વાળી લેવી અને પરમાર્થકાર્યમાં તેમનો પૂરો ઉપયોગ કરવો એ સંયમ મહા કપરો છે. એ માટે ભારે પ્રયત્ન જોઈએ. જ્ઞાન પણ જોઈએ. અને એ બધી કોશિશ કરવા છતાં તે હમેશ પૂરેપૂરો પાર પડે જ એવું નથી. તો શું નિરાશ થઈ મહેનત કરવાનું માંડી વાળવું ? ના. સાધકથી કદી નિરાશ ન થવાય. તેણે પોતાની સાધક તરીકેની બધી યુક્તિ વાપરવી, અને તે અધૂરી પડે ત્યાં ભક્તિનો સાથ લેવો એવી અત્યંત કીમતી સૂચના આ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવતાં ભગવાને આપી રાખી છે. આ સૂચના તદ્દન માપસરના થોડા શબ્દોમાં કરી છે. પણ ઢગલાબંધ વ્યાખ્યાનો કરતાં તેનું મૂલ્ય વધારે છે. કેમકે ભક્તિની જ્યાં ખાસ જરૂર છે ત્યાં જ તે હાજર કરી છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનું સવિસ્તર વિવરણ આજે આપણે અહીં કરવું નથી. પણ આપણી આખી સાધનામાં ભક્તિની આ અચૂક જગ્યા આપણે ચૂકી ન જઈએ તેટલા ખાતર તેના પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પૂર્ણ સ્થિતપ્રજ્ઞ આ જગતમાં કોણ થઈ ગયો હશે તે એક ભગવાન જાણે. પણ સેવાપરાયણ સ્થિતપ્રજ્ઞના નમૂના તરીકે પુંડલીકની મૂર્તિ કાયમ મારી આંખો સામે તર્યા કરે છે. મેં તમારી આગળ રજૂ કરી છે.થયું ત્યારે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પૂરાં થયાં ને બીજો અધ્યાય પણ સમાપ્ત થયો.
(નિર્ગુણ) સાંખ્યબુદ્ધિ + (સગુણ) યોગબુદ્ધિ +(સાકાર) સ્થિરપ્રજ્ઞ મળીને સંપૂર્ણ જીવનશાસ્ત્ર બને છે. આમાંથી બ્રહ્મનિર્વાણ અર્થાત્ મોક્ષ એ સિવાયબીજું શું ફલિત હોય ?