મુમુક્ષુતાનું લક્ષણ
બ્રહ્મપ્રાપ્તિ અરુ બન્ધકી, હાનિ મોછકો રુપ |
તાકી ચાહ મુમુચ્છુતા, ભાખત મુનિવરભૂપ || ૨૧ ||
બ્રહ્મની પ્રાપ્તિ અને બંધની નિવૃત્તિને મોક્ષ કહે છે. મોક્ષની ઈચ્છાને મુમુક્ષુતા કહે છે; એનું જ બીજું નામ મુમુક્ષુત્વ છે.
અંતરંગ સાધનો
યે ચવ સાધન જ્ઞાનકે, શ્રવનાદિક ત્રય મેલિ |
તત્પદ ત્વંપદ અર્થકો, સોધન અષ્ટમ ભેલિ || ૨૨ ||
ભન્તરન્ગ યે આઠ હૈં, યજ્ઞાદિક બહિરન્ગ |
અન્તરન્ગ ધારૈ, તજૈ બહિરન્ગકો સન્ગ || ૨૩ ||
પૂર્વોક્ત વિવેકાદિ ચાર જ્ઞાનનાં સાધન છે. તથા તેમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ત્રણ મેળવવાં, તથા તત્ પદ અને ત્વં પદના અર્થના શોધનરૂપ આઠમું સાધન ઉમેરવું એટલે એ આઠ અંતરંગ સાધન કહેવાય છે. યજ્ઞાદિકને બહિરંગ સાધન કહે છે. મુમુક્ષુએ અંતરંગ સાધનો રાખવાં અને બહિરંગનો સંગ છોડી દેવો.
પ્રતિપાદક પ્રતિપાદ્યતા, ગ્રન્થ બ્રહ્મ સમ્બન્ધ |
પ્રાપ્ય પ્રાપકતા કહત, ફલ અધિકૃતકો ફન્દ || ૨૪ ||
ગ્રંથ અને બ્રહ્મનો પ્રતિપાદક – પ્રતિપાદ્યતા રૂપ સંબંધ છે, તેમ જ મોક્ષફળ પ્રાપ્ય છે અને અધિકારી તેનો પ્રાપક (પ્રાપ્ય કરનારો) છે; માટે એ પ્રાપ્ય-પ્રાપ્યકતા રૂપ સંબંધ છે.
વિષય-વર્ણન
જીવબ્રહ્મકી એકતા, કહત વિષય જન બુદ્ધિ |
તિનકો જે અન્તર લહૈ, તે મતિમન્દ અબુદ્ધિ || ૨૫ ||
જીવ અને બ્રહ્મની એકતા એ આ ગ્રંથનો વિષય છે, એમ બુદ્ધિમાન પુરુષો કહે છે; ને જીવ અને બ્રહ્મમાં જે ભેદ માને છે, તે મંદમતિવાળો તથા જ્ઞાનહીન છે એમ જાણવું.
પ્રયોજન – વર્ણન
પરમાનન્દ સ્વરુપકી, પ્રાપ્તિ પ્રયોજન જાનિ |
જગત સમૂલ અનર્થ પુનિ, વ્હૈ તાકી અતિહાનિ || ૨૬ ||
પરમ આનંદરૂપ બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ અને આ જગત તેના કારણ સહિત અનર્થરૂપ છે; માટે તેની નિવૃત્તિ એ આ ગ્રંથનું પ્રયોજન છે.
પ્રયોજન વિષે શંકા સમાધાન
(કવિત)
જીવકો સ્વરુપ અતિ આનન્દ કહત વેદ,
તાકૂ સુખ પ્રાપ્તિકો અસમ્ભવ બખાનિયે |
આગે જો અપ્રાપ્ત વસ્તુ તાકી પ્રાપ્તિ સમ્ભવત,
નિત્ય પ્રાપ્ત વસ્તુકી તૌ પ્રાપ્તિ કિમ ભાનિયે ?
એસી શન્કા લેસ આનિ કિજૈ ન વિશ્વાસહાનિ,
ગુરુકે પ્રસાદતૈં કુતર્ક ભલે ભાનિયે,
કરકો કન્ગન ખોયો એસો ભ્રમ ભયો જિહિં |
જ્ઞાન તૈ મિલત ઈમ પ્રાપ્તપ્રાપ્તિ જાનિયે || ૨૭ ||
જીવ અતિ આનંદસ્વરૂપ છે, એમ વેદ કહે છે. તે આનંદસ્વરૂપ જીવને આનંદની પ્રાપ્તિ કહેવી એ તો અસંભવ વાત છે; પહેલાં જે વસ્તુની પ્રાપ્તિ ન હોય, તેની પ્રાપ્તિ સંભવે છે; પણ જે વસ્તુ નિત્યપ્રાપ્ત હોય, તેની પ્રાપ્તિ શી રીતે મનાય? એવી લગાર પણ શંકા લાવીને વેદ-ગુરુવાક્યમાંથી વિશ્વાસ ઓછો કરવો નહિ, પણ ગુરુની કૃપાથી વાદીઓના એવા કુતર્કોનો ભલી રીતે નાશ કરવો. જેમ કોઈના હાથમામ કંકણ છતાં ‘મારા હાથનું કંકણ ખોવાયું છે,’ એવો કોઈને ભ્રમ થાય, ત્યારે તેને કોઈ તેના હાથમાં કંકણ બતાવીને કંકણનું જ્ઞાન થવાથી કંકણ ખોવાયાની ભ્રાંતિ ટળી જાય છે, તેમ હું આત્મા બ્રહ્મ છું એવું ગુરુ પાસેથી જ્ઞાન મળવાથી પોતાની પ્રાપ્તિ પોતાને થાય છે. એવી રીતે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ શકે છે.
અધિષ્ઠાન તૈં ભિન્ન નહીં, જગતનિવૃત્તિ વખાન |
સર્પનિવૃત્તિ રજ્જુ જિમ, ભયે રજ્જુ કો જ્ઞાન || ૨૮ ||
જેમ દોરડીનું જ્ઞાન થયા પછી સર્પની નિવૃત્તિ તે દોરડીથી ભિન્ન નથી, તેમ જગતની નિવૃત્તિ તે તેના અધિષ્ઠાનરૂપ બ્રહ્મથી ભિન્ન નથી.
જો જન પ્રથમ તરન્ગ યહ, પઢૈ તાહિ તતકાલ |
કરહુ મુક્ત ગુરુમૂર્તિ વ્હૈ, દાદૂ દીનદયાલ || ૨૯ ||
જે મનુષ્ય આ પ્રથમ તરંગ ભણે, તેને ગરીબ ઉપર દયા કરનાર દાદુજી ગુરુરૂપ થઈને તત્કાળ મુક્ત કરે છે.
(પ્રથમ તરંગ સમાપ્ત)