ગતાંકથી આગળ
અપાર મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે છે.
શિષ્ય ઉવાચ |
દોહા
યહ મિથ્યા પરતીત વ્હૈ, જામૈં જગત અપાર |
સો ભગવન મો કૂં કહો, કો યાકો આધાર || ૫૧ ||
શિષ્ય – આ જગત જેમાં મિથ્યા પ્રતીત થાય છે તે શી વસ્તુ છે; અર્થાત્ આ મિથ્યા જગતનો આધાર કોણ છે, તે મને કહો. (૫૧)
શ્રી ગુરુરુવાચ |
તબ નિજરુપ અજ્ઞાનતૈ, મિથ્યા જગભાન |
અધિષ્ઠાન આધાર તૂં, રજ્જુ ભુજંગ સમાન || ૫૨ ||
ગુરુ કહે છે કે, જે અજ્ઞાનને લીધે તું પોતાના બ્રહ્મ રૂપને જાણતો નથી, એ અજ્ઞાન વડે જ મિથ્યા જગત પ્રતીત થાય છે; માટે મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે જ છે. જેમ દોરડીના અજ્ઞાનથી મિથ્યા સર્પ પ્રતીત થાય છે; ત્યાં સર્પનું અધિષ્ઠાન અને આધાર દોરડી જ છે. (૫૨)
તમામ કલ્પિત વસ્તુનું અધિષ્ઠાન એ જ તેનો દ્રષ્ટા છે
શિષ્ય ઉવાચ |
ભગવન્ મિથ્યા જગતકો, દ્રષ્ટા કહિયે કૌન |
અધિષ્ઠાન આધાર જો, દ્રષ્ટા હોય ન તૌન || ૫૩ ||
શિષ્યઃ હે ભગવન્ ! આ મિથ્યા જગતનો જોનારો કોણ હશે? જે જગતનો આધાર અને અધિષ્ઠાન હોય, તે તો દ્રષ્ટા થઈ શકે નહિ; કેમ કે મિથ્યા સર્પનો આધાર અને અધિષ્ઠાન રજ્જુ છે; તે સર્પની દ્રષ્ટા થતી નથી પણ તેનાથી ભિન્ન એવો પુરુષ સર્પનો દ્રષ્ટા થાય છે. (૫૩)
શ્રી ગુરુરુવાચ
ચૌપાઈ
મિથ્યા વસ્તુ જગતમેં જે હૈ, અધિષ્ઠાનમેં કલ્પિત તે હૈં |
અધિષ્ઠાન સો દ્વિવિધ પિછાનહુ, ઈક ચેતન દૂજો જડ જાનહુ || ૫૪ ||
અધિષ્ઠાન જડ વસ્તુ જહાં હૈ, દ્રષ્ટા તાતે ભિન્ન તહાં હૈ |
જહાં હોય ચેતન આધારા, તહાં ન દ્રષ્ટા હોવે ન્યારા || ૫૫ ||
દોહા
ચેતન મિથ્યા સ્વપ્નકો, અધિષ્ઠાન નિર્ધાર |
સોઈ દ્રષ્ટા ભિન્ન નહિ, તૈસે જગત વિચાર || ૫૬ ||
ગુરુ કહે છે કે જગતમાં જેટલી મિથ્યા વસ્તુઓ હોય છે, તે સઘળી અધિષ્ઠાનમાં કલ્પિત હોય છે. અધિષ્ઠાન બે પ્રકારનાં છેઃ (૧) ચેતન અધિષ્ઠાન (૨) જડ અધિષ્ઠાન (૫૪)
(૧) જ્યાં જડ વસ્તુ અધિષ્ઠાન હોય, ત્યાં દ્રષ્ટા અધિષ્ઠાનથી ભિન્ન હોય છે (૨) જ્યાં ચેતન અધિષ્ઠાન હોય, ત્યાં અધિષ્ઠાન જ દ્રષ્ટા હોય છે – અધિષ્ઠાનથી ભિન્ન કોઈ હોતો નથી. જેમ સ્વપ્નનું અધિષ્ઠાન સાક્ષી-ચેતન છે તે જ સ્વપ્નનો દ્રષ્ટા છે, તેમ જગતનું અધિષ્ઠાન આત્મા છે; માટે આત્મા જ જગતનો દ્રષ્ટા છે. (૫૫,૫૬)
મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી
ઈમ મિથ્યા સંસાર દુઃખ વ્હૈ, તોમૈં ભ્રમ ભાન |
તાકી કહાં નિવૃત્તિ તૂ, ચાહે શિષ્ય સુજાન || ૫૭ ||
ગુરુઃ- હે શિષ્ય! આ રીતે તારે વિષે સંસારદુઃખ ભ્રાંતિથી મિથ્યા જ પ્રતીત થાય છે; તે મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા તું ડાહ્યો છતાં કેમ કરે છે? અર્થાત્ મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી. જેમ કોઈ બાજીગરે કોઈ માણસને મંત્રબળથી મિથ્યા શત્રુ બનાવ્યો હોય, તો પણ તે મિથ્યા શત્રુને મારવાનો ઉધ્યોગ તે પુરુષ કરતો નથિ, તેમ મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા પણ સંભવે નહિ. (૫૭)
જન્માદિક સંસારની નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે
શિષ્ય ઉવાચ |
ચૌપાઈ
જગ યદ્યપિ મિથ્યા ગુરુદેવા, તથાપિ મૈ ચાહૂં તિહિ છેવા |
સ્વપ્ન ભયાનક જાકૂં ભાસૈ, કરિ સાધન જન જિમિ તિહિ નાસૈ || ૫૮ ||
યાતૈં વ્હૈ જાતે જગ હાના, સો ઉપાય ભાખો ભગવાના |
તુમ સમાન સતગુરુ નહિ આના, શ્રવણ ફૂંક દે બંચક નાના || ૪૯ ||
શિષ્ય – હે ભગવન્ ! આપે કહ્યું, કે જગત તારામાં મિથ્યારૂપે ભાસે છે, સત્યરૂપે નથી. એ વાત જો કે સાચી છે, તો પણ હે ભગવન્ ! તે મિથ્યારૂપે કરીને અથવા જે ઉપાય કરીને મરણાદિક સંસાર મારામાં ન જણાય એવો ઉપાય આપ કહો.
શ્રી ગુરુરુવાચ |
સોરટા
સો મૈં કહ્યો બખાનિ, જો સાધન તૈ પૂછિયો |
નિજ હિય નિશ્ચય આનિ, રહૈ ન રંચક ખેદ જગ || ૬૦ ||
ગુરુઃ- જગતરૂપી દુઃખની નિવૃત્તિનો ઉપાય તો અમે તને પ્રથમથી જ (આ પ્રકરણના આરંભમાં જ) કહી દીધો છે. તેનો જ દ્રઢ નિશ્ચય કર, જેથી તારા મનમાં જગતરૂપી દુઃખ રહેશે નહિ. (૬૦)
વધુ આવતા અંકે