ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ત્રીજો – કર્મયોગ
પ્રકરણ ૧૧ – ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
ભાઈઓ,
૧. બીજા અધ્યાયમાં આપણે સંપૂર્ણ જીવનશાસ્ત્ર જોયું. ત્રીજામાં તે જ જીવનશાસ્ત્રની વધારે ફોડ પાડી છે. પહેલાં તત્ત્વો જોયાં. હવે વિગત જોઈએ. પાછલા અધ્યાયમાં કર્મયોગ સંબંધમાં વિવેચન કર્યું હતું. કર્મયોગમાં ફળનો ત્યાગ મહત્ત્વની વાત છે. હવે સવાલ એ છે કે કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો પણ પછી ફળ મળે છે કે નહીં ? ત્રીજો અધ્યાય બતાવે છે કે કર્મના ફળનો ત્યાગ કરવાથી કર્મયોગી અનંતગણું ફળ મેળવે છે. મને લક્ષ્મીની વાત યાદ આવે છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. તેણે કહ્યું, ‘ જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું. ’ પેલા તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મી ઈચ્છા વગરનો વર શોધતી શોધતી નીકળી. શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેણે જોઈ. વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતી બેઠી છે. ‘न मागे तयाची रमा होय दासी’ – ન માગે તેની રમા થાય દાસી, એ તો ખરી ખૂબી છે.
2. સામાન્ય માણસ પોતાના ફળની આજુબાજુ વાડ કરે છે. પોતાને મળે એવું અનંત ફળ તે એ રીતે ગુમાવી બેસે છે. સંસારી માણસ પાર વગરનું કર્મ કરી તેમાંથી નજીવું ફળ પામે છે. અને કર્મયોગી થોડું સરખું કરીને અનંતગણું મેળવે છે. આ ફેર માત્ર ભાવનાને લીધે પડે છે. ટૉલ્સ્ટૉયે એક ઠેકાણે લખ્યું છે કે, “ લોકો ઈશુ ખ્રિસ્તના ત્યાગની સ્તુતિ કરે છે, પણ એ બિચારા સંસારી જીવો રોજ કેટલું લોહી સૂકવે છે ! અને કેટલી માથાફોડ કરી મહેનતમજૂરી કરે છે ! ખાસો બે ગધેડાંનો ભાર પીઠ પર લઈ હાંફળાફાંફળા ફરનારા આ સંસારી જીવોને ઈશુના કરતાં કેટલાં વધારે કષ્ટ વેઠવાં પડે છે અને તેના કરતાં તેમના કેટલાયે વધારે હાલહવાલ થાય છે ! ઈશ્વરને માટે એ લોકો એનાથી અડધા ભાગની મહેનત કરે અને અડધા જ ભાગના હાલહવાલ વેઠે તો ઈશુના કરતાંયે મોટો બન્યા વગર ન રહે. ”
3. સંસારી માણસની તરસ્યા મોટી હોય છે પણ તે ક્ષુદ્ર ફળને સારૂ હોય છે. જેવી વાસના તેવું ફળ. આપણી ચીજની આપણે કરીએ તેનાથી વધારે કિંમત જગતમાં થતી નથી. સુદામા ભગવાનની પાસે તાંદુળ લઈને ગયા. એ મૂઠીભર તાંદુળના પૌંઆની કિંમત પૂરી એક પાઈ પણ નહીં હોય. પણ સુદામાને મન તે અમોલ હતા. તે પૌંઆમાં ભક્તિભાવ હતો. તે મંતરેલા હતા. તે પૌંઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. ચલણની નોટનું વજન કેટલું હોય છે ? સળગાવીએ તો એક ટીપું પાણી ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે. એ છાપથી તેની કિંમત થાય છે.
કર્મયોગમાં જ મુખ્ય ખૂબી છે. કર્મનું, ચલણ નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની છાપની કિંમત થાય છે. આ એક રીતે હું મૂર્તિપૂજાનો મર્મ સમજાવું છં. મૂર્તિપૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. આ મૂર્તિને કોણ ભાંગી શકશે ? મૂર્તિ પહેલાં એક પથ્થરનો ટુકડો નહોતી કે ? મેં તેમાં મારો પ્રાણ રેડ્યો, મારી ભાવના રેડી. એ ભાવનાને ભાંગીને શું તેના ટુકડા થાય ખરા કે ? ટુકડા પથ્થરના થાય, ભાવનાના નથી થતા. મૂર્તિમાંથી હું મારી ભાવના પાછી ખેંચી લઉં એટલે ત્યાં પથરો બાકી રહી જશે અને પછી તેના ટુકડેટુકડા ઊડી જશે.
4. કર્મ પથ્થર, પતાકડું , કાગળનો કકડો છે. માએ પત્તા પર વાંકીચૂકી ચાર લીટી લખી મોકલી હોય અને બીજા કોઈકે પચાસ પાનાં ભરીને ઘણું સટરપટર લખી મોટું પાકીટ મોકલ્યું હોય તો તે બેમાંથી વધારે વજન શાનું ? માની એ ચાર લીટીમાં જે ભાવ છે તે અમોલ છે, પવિત્ર છે. પેલા બીજા પસ્તી જેવા કાગળમાં એના જેટલી લાયકાત ક્યાંથી ? કર્મમાં ભીનાશ જોઈએ, ભાવના જોઈએ. આપણે મજૂરે કરેલા કામની કિંમત ઠરાવી તેને કહીએ છીએ કે આ તારા મજૂરીના પૈસા થયા તે લઈ જા. પણ દક્ષિણા એમ નથી આપતા. દક્ષિણાનું નાણું પલાળીને આપવું પડે છે. દક્ષિણા કેટલી આપી એવો સવાલ હોતો નથી. દક્ષિણામાં ભાવનાની ભીનાશ છે કે નહીં એ વાતને મહત્વ છે. મનુસ્મૃતિમાં મોટી ખૂબી કરી છે. બાર વરસ ગુરૂને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો. હવે તેણે ગુરૂને આપવું શું ? પહેલાંના વખતમાં ભણાવવાને આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ કહે છે, ‘ ગુરૂને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે. ’ આ કંઈ મજાક નથી. જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની દાખલ આપવાનું છે. ફુલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે.
‘रुक्मिणीनें एक्या तुलसीदळानें गिरिधर प्रभु तुळिला ।’ રૂખમણીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા. સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. પણ ભાવભક્તિથી ભરેલું એક તુળસીપત્ર રૂખમણીમાતાએ પલ્લામાં મૂકતાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર મંતરેલું હતું. તે સાદું તુળસીના છોડનું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે.
5. ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે, “ અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા !” બીજો કહે છે, “ ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરનાં પુણ્યનાં કામો એને કાંઠે થયાં. આવી આ પવિત્ર ગંગામા છે. ” આવી ભાવનાથી પલળીને તે સ્નાન કરે છે. પેલો ઓક્સિજન – હાઈડ્રોજનવાળો પણ સ્નાન કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ પેલા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગામાં બળદને પણ દેહશુદ્ધિ ક્યાં નથી મળતી ? શરીરનો મળ ધોવાશે પણ મનનો મળ ક્યાંથી ધોવાશે ? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું. બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ મળ્યું. નાહ્યા પછી સૂર્યને નમસ્કાર કરનારને વ્યાયામનું ફળ મળ્યા વગર નહીં રહે. પણ સૂર્યનમસ્કાર કરનારો શરીરના આરોગ્યને માટે નહીં પણ ઉપાસનાના હેતુથી નમસ્કાર કરે છે. એટલે એનાથી શરીરને તંદુરસ્તી તો મળે જ છે પણ સાથે તેની બુદ્ધિની પ્રભા પણ પાંગરે છે. શરીરની તંદુરસ્તીની સાથે એને સૂર્ય પાસેથી સ્ફૂર્તિ ને પ્રતિભા પણ પ્રાપ્ત થશે.
6. કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થી માણસનું કર્મ આત્મવિકાસ કરનારૂં નીવડે છે. સંસારી જીવનું કર્મ આત્માને બાંધનારૂં નીવડે છે. કર્મયોગી ખેડૂત સ્વધર્મ સમજીને ખેત કરશે. તેથી તેને પેટને માટે અનાજ મળશે. પણ ખાલી પેટ ભરવાને તે ખેતીનું કર્મ નથી કરતો. ખેતી કરી શકાય તે માટે ખાવાની વાતને તે એક સાધન ગણશે. સ્વધર્મ તેનું સાધ્ય ને ખોરાક ખાવો એ તેનું સાધન છે. પણ બીજા ખેડૂતની બાબતમાં પેટ ભરવાને અનાજ મળે એ સાધ્ય અને ખેતીનો સ્વધર્મ સાધન બને છે. આમ બંનેની બાબતમાં વાત ઊલટીસૂલટી થઈ જાય છે. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં આ વાત મજાની રીતે કહી છે. બીજા લોકો જાગે છે ત્યારે કર્મયોગી ઊંઘે છે. બીજા જ્યારે ઊંઘે છે ત્યારે કર્મયોગી જાગતો રહે છે. આપણે પેટને સારૂ કંઈ મળશે કે નહીં એ વાતની ફિકરમાં જાગતા રહીશું. કર્મયોગી કર્મ વગરની એક ક્ષણ પણ ફોગટની તો ગઈ નથી ને એ વાતની ફિકરથી જાગતો રહેશે. બીજો ઈલાજ નથી માટે તે ખાય છે. આ માટલામાં કંઈક તે રેડવું જોઈએ માટે તે રેડે છે. સંસારી જીવને જમતી વખતે આનંદ થાય છે, યોગી પુરૂષને જમતાં કષ્ટ થાય છે. એથી તે સ્વાદ કરતો કરતો નહીં ખાય. સંયમ રાખશે. એકની રાત તે બીજાનો દિવસ હોય છે અને એકનો દિવસ તે બીજાની રાત હોય છે. એટલે એકનો જે આનંદ તે બીજાનું દુઃખ અને એકનું જે દુઃખ તે બીજાનો આનંદ હોય છે એવો આનો અર્થ છે. સંસારી અને કર્મયોગી બંનેનાં કર્મ તેનાં તે હોય છે. પણ કર્મયોગી ફળ પરની આસક્તિ છોડી દઈ માત્ર કર્મમાં મશગૂલ રહે છે એ વાત મુખ્ય છે. યોગી સંસારી માણસની માફક જ ખાશે, ઊંઘશે, પણ તે બાબતોની તેની ભાવના જુદી હશે. આટલા ખાતર હજી આગળ આખા સોળ અધ્યાય આવતા હોવા છતાં પહેલેથી સ્થિતપ્રજ્ઞની સંયમમૂર્તિ ઊભી કરી રાખી છે.
સંસારી પુરૂષ અને કર્મયોગી બંનેનાં કર્મમાં રહેલું સરખાપણું અને તેમની વચ્ચે રહેલો ફેર તરત જ ચોખ્ખો દેખાઈ આવે છે. ધારો કે કર્મયોગી ગોરક્ષાનું કામ કરે છે. એ કામ તે કઈ દ્રષ્ટિથી કરશે ? ગાયની સેવા કરવાથી સમાજને જોઈએ તેટલું દૂધ પૂરૂં પાડી શકાશે, ગાયને બહાને કેમ ન હોય પણ માણસથી નીચેની આખીયે પશુસૃષ્ટિ સાથે પ્રેમનો સંબંધ કેળવી શકાશે એવી ભાવનાથી તે ગોરક્ષાનું કામ કરશે. એમાંથી પગાર મેળવવાના આશયની નહીં કરે. કર્મયોગી ગોસેવકને પણ પગાર તો મળશે, પણ આનંદ આ દિવ્ય ભાવનાનો છે.
7. કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં એ નિયમમાં વનસ્પતિ સૃષ્ટિ સાથે જોડાયેલો પ્રેમનો સંબંધ છે. તુળસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે એકરૂપતા, વૃક્ષવનસ્પતિ સાથે એકરૂપતા અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા છોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમના શરીરમાંથી કાંટા વીણી કાઢતા. આ સેવામાં ભગવાનને શો આનંદ આવતો ! કવિ એ વર્ણન કરતાં થાકતા નથી. પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવો અને કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ સમજી લો. હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે. ખાદીનું કામ લો. ખાદીનું પોટલું માથે લઈ ટાઢતડકામાં રખડનારો કંટાળતો નહીં હોય ? ના. અરધે પેટે રહેનારાં પોતાનાં કરોડો ભાઈબહેનો આખા દેશમાં છે તેમને થોડું વધારે અનાજ પહોંચાડવાનું છે એ ખ્યાલમાં તે મસ્ત રહે છે. એનું એ એક વાર જેટલી ખાદીનું વેચાણ બધા દરિદ્રનારાયણો સાથે પ્રેમથી જોડાયેલું હોય છે.