Daily Archives: 17/11/2008

તમે મન મુકીને વરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાંતિ આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

હે લોકો – ગૌતમ બુદ્ધ

buddha

“હે લોકો, 

હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં. 
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં. 
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. 
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં. 
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”

– ગૌતમ બુદ્ધ

Categories: ચિંતન | Tags: | Leave a comment

જીવનસિદ્ધાંત (૧) – દેહ વડે સ્વધર્માચરણ (6)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૬ – જીવનસિદ્ધાંત (૧) – દેહ વડે સ્વધર્માચરણ

(4) બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે. (૧) આત્માની અમરતા ને અખંડતા. (૨) દેહની ક્ષુદ્રતા અને (૩) સ્વધર્મની અબાધ્યતા. આવા આ ત્રણ સિદ્ધાંતો છે. આમાંનો સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે એટલે કે આચરણમાં મૂકવાનો છે. અને બાકીના બે જ્ઞાતવ્ય છે એટલે કે જાણવાના છે. ગયે વખતે સ્વધર્મની બાબતમાં મેં થોડું કહ્યું હતું. આ સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતાં ખડા થઈ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હસ્તીમાં હતો. આપણાં માબાપ હતાં ને આપણાં પડોશી પણ હતાં. આમ આપણો જન્મ આ ચાલુ પ્રવાહમાં થાય છે. જે માબાપને પેટે મેં જન્મ લીધો તેમની સેવા કરવાનો ધર્મ જન્મથી જ મને પ્રાપ્ત થયો છે.
જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવી મળે છે. બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંયે ખોટું નથી. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. કોઈ કોઈ લોકો સ્વધર્મને પત્નીની ઉપમા આપે છે. અને પત્નીનો સંબંધ અવિચ્છેદ્ય એટલે કે તોડ્યો તોડી ન શકાય એવો મનાયો છે તેમ સ્વધર્મનો ને આપણો સંબંધ અવિચ્છેદ્ય છે એવું તેનું વર્ણન કરે છે. મને આ ઉપમા ગૌણ લાગે છે. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હો, મા મટી શક્તી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ ‘સ્વ’ ને ટાળવા જેવું આત્મઘાતકીપણું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ છીએ. અને તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં. આ જીવનનો એક મૂળભૂત સિદ્ધાંત ઠરે છે.

5. સ્વધર્મ એવો સહેજે આવી મળનારો છે કે માણસને હાથે સહેજે તેનું આચરણ અથવા પાલન થયા વગર રહે નહીં. પણ તરેહ તરેહના મોહને લીધે એમ થતું નથી, અથવા તેમાં પાર વગરની મુશ્કેલી પડે છે, અને પાલન થાય છે તોયે તેમાં ઝેર ભેળવેલું હોય છે. સ્વધર્મના રસ્તામાં કાંટા પાથરનારાં મોહનાં બાહ્ય રૂપોની સંખ્યાનો પાર નથી. છતાં તે બધાં રૂપોનું પૃથક્કરણ કરતાં તે બધાંના મૂળમાં જે એક મુખ્ય વાત જોવાની મળે છે તે સંકુચિત તેમ જ છીછરી એવી દેહબુદ્ધિની છે. હું અને મારી સાથે મારા શરીરસંબંધથી બંધાયેલા માણસો, તેટલી જ મારી વ્યાપ્તિ હોય છે. એની બહારના તે બધા મારા નહીં, પારકા અથવા દુશ્મન એવી દીવાલ આ સંકુચિત ને છીછરી એવી દેહબુદ્ધિ ઊભી કરે છે. અને એ દેહબુદ્ધિ મારી પોતાની બાબતમાં અથવા જેમને મેં મારા માન્યા હોય તેમની બાબતમાં પણ શરીરને જ જુએ છે. દેહબુદ્ધિના આ બેવડા કૂંડાળામાં ફસાઈને આપણે આપણા જીવનનાં જાતજાતનાં ખાબોચિયાં બનાવીએ છીએ.
ઘણુંખરૂં સૌ કોઈ એ ખાબોચિયાં બાંધવાના ધંધામાં જ મંડ્યા રહે છે. કોઈનાં ખાબોચિયાં નાનાં તો કોઈનાં મોટાં એટલો જ ફેર. પણ આખરે એ બધાં મોટાં કે નાનાં પણ ખાબોચિયાં જ રહે છે. આ શરીરની ચામડીથી એ ખાબોચિયાનું ઊંડાણકે ફેલાવો આગળ વધતો નથી. કોઈ કુટુંબના અભિમાનનું બંધિયાર ખાબોચિયું બાંધી તેમાં મગ્ન રહે છે તો કોઈ વળી દેશાભિમાનના જરા મોટા ખાબોચિયા સુધી પહોંચે છે. બ્રાહ્મણ-બ્રહ્મણેતરનાં ખબોચિયાં, હિંદુ-મુસલમાનનાં ખાબોચિયાં એમ એક યા બીજે નામે ખાબોચિયાંનો સુમાર નથી. જ્યાં જોશો ત્યાં આ બંધિયાર નાનાં કે પછી મોટાં ખાબોચિયાં વગર બીજું જોવાનું નહીં મળે. અરે, આ જેલમાં સુદ્ધાં આપણે રાજદ્વારી કેદીઓ ને ઈતર કેદીઓ એવાં ખાબોચિયાં બનાવ્યા વિના રહ્યા નથી! કેમ જાણે એ વગર આપણને જીવવાનું ફાવતું જ નથી! પણ એનું પરિણામ શું આવે છે? એક જ. હલકા વિચારોનાં જંતુઓ ફેલાયા કરે છે અને સ્વધર્મરૂપી તંદુરસ્તીનો નાશ થયા કરે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

દેખો આ દેહમાં અવાજ કૈસા હોતા (46)

રાગઃ- માલકૌંસ

દેખો આ દેહમાં અવાજ કૈસા હોતા, મનવા મેલા ક્યોં રેત –ટેક

હરદમ હરદમ હરિ ઘટ બોલત, બધીર શ્રવણ ક્યોં ન દેત
હરદમ જપતા જાપ અજંપા, સુજાન નર સમજી લેત –1

પરા, પશ્યતી, મધ્યમા, વૈખરી, ચારો વાણી સમેત
બોલનહારો માંહી બોલત, જાનનહારા જાની લેત –2

ઓહમ સોહમ કો તાર જ લાગ્યો, ભીતર ભભકુ દેત
આવન જાવન કોઇ નવ જાનત, સમજ્યા સો સુગંધ લેત –3

પિંડ બ્રહ્માંડમેં ભરપુર ભાસત, ચૈતન્ય વ્યાપક ચેત
ભજનપ્રકાશ જેને ભીતર ખૌજ્યા, અનુભવ આનંદ ઉર લેત –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.