Daily Archives: 01/11/2008

વખત વિત્યાની પહેલા શું? – (4)


ગતાંકથી આગળ…


પરંતુ આજે જે સત્યાગ્રહો થાય છે અને સીધા હડતાલો પર ઉતરે છે કામ ધંધા બંધ કરે છે. ઘણા કહે છે દેશમાં ગરીબાઈ વધી છે મોટા નાનાને શોષે છે ઇત્યાદિ ઇત્યાદિ પ્રશ્નો પોત પોતાના લઈને સત્યાગ્રહ તેવું નામ આપીને લડતા હોય છે. દુ:ખ પણ સહન કરતા હોય છે. તો હાલ જે સત્યાગ્રહ થાય છે તેમાં સત્ય તો મળે તેમ નથી. પણ સત્યની થોડી દિશા મળે તો પણ સારું. પરંતુ જ્યાં સંપૂર્ણ માણસ જાતના સુખનો વિચાર કરતા તે રીતે દુ:ખ ઓછું થતું નથી. કારણ કે ક્રોધ તથા લોભ સામે લડવું છે ત્યાં જો ક્રોધ અને લોભથી લડવામાં આવે તો ક્રોધ તથા લોભનો જ વધારો થાય. ક્રોધ તથા લોભને સામે જો પ્રેમનો ઉપયોગ થાય તો જ આસુરી પ્રકૃતિનું જોર નબળું પડે. સત્યાગ્રહનો મુખ્ય સિદ્ધાંત તો આ છે. કારણ કે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ તેમાં પોતાનો સ્વભાવ પહેલા સુધારવો જોઈએ. પછી સમાજનો સ્વભાવ સુધારવા માટે તે સાધનનો ઉપયોગ કરવો જોઈએ. માત્ર ગરીબાઈને ધ્યાનમાં રાખીને તેને દુર કરવામાં આવે ત્યારે પરિણામ તરફ દૃષ્ટિ રહે છે અને જો ફલ મળે નહીં તો ધાર્યું થાય નહીં તો ક્રોધ ભભુકે છે. અને ગરીબ માણસોમાં પણ ક્રોધ ભભુકી ઉઠે છે અને જ્ઞાન કે સત્યની સમજણ ન હોવાથી સંયમ રહેતો નથી. અને પછી પરસ્પર મારામારી અને હિંસાનું પ્રમાણ વધી જાય છે. અને વસ્તુઓની તોડ ફોડ અને ઘરના થઈને ઘરને જ નુકસાન કરવું તેવું થાય છે. રાગ દ્વેષ જો ઉત્પન્ન ન થાય તો સત્યની સાચી દિશા મળે. જે મળ્યા પછી કાંઈ પણ મેળવવાનું ન રહે ત્યારે ભગવાન મળ્યા કહેવાય. સત્ય સમજવું મુશ્કેલ નથી પરંતુ માણસનું માનેલુ સત્ય સમજવું મુશ્કેલ છે. સાચું સત્ય તો કાલાતિત છે. તે ગોતવાની શરૂઆતમાં જ મળી શકે તેમ છે. પરંતુ માણસનું જે માનેલું સત્ય છે તેને યુગો કે યુગાન્તરો સુધી લડતા રહીએ તો પણ તે કાલાધિન હોવાથી અંતે પણ મળતું નથી. અને મળે છે અંતે જે, તે શરૂઆતથી જ જે રહેલું તે મળે છે. કારણ કે તે માન્યતાનું સત્ય નથી.

આજે વર્તમાનીય વિજ્ઞાન યુગમાં માણસને વિજ્ઞાન ઉપર ખુબ ભરોસો બેઠો છે. અને તેથી પુરાની કંઈક આપણા ઋષિ મુનિઓની માન્યતા ઉપર અશ્રદ્ધા પણ કરતા હોય છે. અને કહેતા પણ હોય છે કે વિજ્ઞાન જે બતાવે તે સાચું પછી તેવી શાસ્ત્રો પુરાણોની જુની વાતો પર શું ધ્યાન દેવાની જરૂર. અને જે પ્રયત્ન થઈ રહ્યો છે તે પણ સુખ શાંતિ કેમ થાય તેની સગવડ માટે આજે માનવ આકાશમાં ઉડતે શીખ્યો. દુર દુરનું નજીક જોતા શીખ્યો. દુર દુરનું સાંભળતો થયો હજારો ગાઉના વ્યવધાન વચ્ચે પણ પરસ્પરને જોતો વાતો કરતો થયો. આ ભૌતિક સુધારા વધારાથી જરૂર સુખની સુવિધા વધી છે પરંતુ તેની વિરુદ્ધમાં વિનાશના શસ્ત્રો પણ તેટલાં જ વધ્યા છે. આજે બંગલો ખુબ જ સારો હોય પરંતુ સુખથી નિંદ્રા લઈ શકાતી નથી. બજારમાં જવું હોય તો નિર્ભય રીતે જઈ શકાતું નથી. જે સુખ સુવિધાના સાધનો વધાર્યા તે જ આજે દુશ્મન થઈને ભય બતાવી રહ્યા છે. પ્લેનમાં કે ટ્રેનમાં કે કોઈ પણ બસ કે વાહનમાં નિર્ભય રીતે બેસી શકાતું નથી. અને ઠેકાણે પહોંચીશ કે કેમ કયારે શું ઘટના ઘટી જશે તેવી ચિંતા તથા ત્રાસવાદીનો પણ ત્રાસ હોય છે. જેટલો સુખ શાંતિ માટે સુધારો ચાલે છે તેટલી જ લડાઈ ઝઘડાની પણ પ્રક્રિયા વધી છે. અને જે જ્ઞાનથી વિષય સુખ વધે તેને જ્ઞાન માનવું આ વિજ્ઞાનીઓની માન્યતા છે. અને ડારવીનનો મત કહે છે કે માણસ વાંદરામાંથી પશુમાંથી આવેલ છે. અને કદાચ તેવી માન્યતા હો કે હવે માણસ બદલાશે તો કાંઈક સારું આવશે. તેથી જે બદલાઈને સારું આવશે તે સારું હશે માટે આગળ કોઈ બીજી માન્યતાની જરૂર નથી પરંતુ પહેલે જે યુરોપ અમેરીકામાં જ પશુ જેવા માણસો હતા ત્યાં જ્યારે પશુ જેવા માણસો હતા ત્યારે અહીં ઋષિ મુનિઓનો જમાનો હતો. જ્યારે તે દેશમાં સ્ત્રીઓનો વેપાર ચાલતો હતો ગુલામોને ખરીદાતા હતા ત્યારે અહીં મદાલસા જેવી સતીઓ હતી. દ્રૌપદિ જેવી સતીઓ હતી. તારા-દમયંતિ જેવા સ્ત્રી રત્ન પણ હતા. અને વાલીયા જેવો કોળી કે ભીલ ઋષિ બનીને વાલ્મિકી રામાયણ જેવો અદ્ભૂત ગ્રંથ તૈયાર કરતા હતા. તેથી આર્યોના ધર્મમાં શરૂઆતથી જ સત્યુગ હતો તેથી નવું બધુ સારૂં અને જુનું બધુ ખરાબ તેમ કહી શકાય નહીં.

અને જે માણસો બરાબર તત્વ વિચાર કરી શકતા નથી તે યુગધર્મને આધિન થાય છે. અને કેટલીક ખોટી માન્યતાઓને પણ સાચી માને છે. અને ઘણા એમ પણ માનતા હોય છે કે આપણા ઋષિ મુનિઓએ સત્યની પુરી શોધ કરી નથી. એટલે સત્ય શોધવાની જરૂર છે. પરંતુ સત્ય કહેવું કોને એ વસ્તુ બરાબર સમજાય નહીં ત્યાં સુધી જીવન ગમે તેટલા બદલાવે કે વારંવાર ફેરવવાથી કાંઈ ફળ મળે તેમ નથી. કારણ કે જે વસ્તુ મળ્યા પછી સત્ય મળ્યું કહેવાય તે વસ્તું શું છે તે પહેલા સમજવું જોઈએ.સત્યને માટે મહાત્માઓ પણ ભિન્ન ભિન્ન માન્યતાઓ આપતા હોય છે અને તે સત્ય માટે માન્યતાઓ પણ ઘણી ચાલી રહી છે. અને ચાલશે. આપણા સત્યના અનુભવી મહાપુરુષો કહી ગયા છે કે સત્ય ત્રણે કાલમાં સત્ય રહેવું જોઈવું અને જે ત્રણે કાલમાં હોય તે ત્રણે કાલમાં મળી પણ શકે કારણ કે તે ત્રણે કાલમાં હાજર છે. અને મળી શકે તેવું હોય તે પરમાત્મા છે. આટલી આ બાબત પહેલા માનવી જોઈએ. પણ કોઈ કહે કે તે પણ શા માટે માનવું જોઈએ. શું તે માનવાથી પેટ ભરાય? આવા પ્રશ્નો પણ કરતા હોય છે. પરંતુ તે તેને ખબર હોતા નથી કે પેટ ભરવાની માન્યતા જુદી હોય છે જુદા પ્રકારની હોય છે. પરમાત્મ તત્વ એક છે. આત્મા કે પરમાત્માના જ્ઞાનથી જે ફલ મળવાનું હોય તે જ મળે છે. પરંતુ પહેલાં તો માણસે તે નક્કી કરવું જોઈએ કે મારે શું જોઈએ છે. અને તે નક્કી કરવું કે નિર્ણય લેવો તે બુદ્ધિનું કામ છે. જ્યાં સુધી પરમાત્મા એક છે અને તે એક પરમાત્માને મેળવવાનું ન થાય તો મન અનેક સંસારની વસ્તુમાં ભટકતું રહે છે.

આજના વિજ્ઞાનથી થતી નવી નવી શોધો અને નવા નવા વિચારોમાં ભટકતા કે રમતા મનને એમ લાગે કે હવે આત્મા કે પરમાત્માના સાક્ષાત્કાર માટે પણ નવી શોધ થશે માટે જુની જે માન્યતાઓ છે તેની શું જરૂર? પરંતુ સાચો વિદ્વાન તો તે કહેવાય કે નવી જુની શોધ કે માન્યતાનો વિચાર કરતો નથી. પણ સાચી માન્યતાનો વિચાર કરે છે. આપણે ક્યારેક એવી ઉતમ સ્થિતિમાં અંતરના ઉંડાણમાં ડુબકી લગાવીને બેઠા હોય અને જે સ્થિતિ તે કાલે અનુભવાય છે અથવા તે દશાનો જે અનુભવ થાય છે તે સત્યુગ હોય કે ત્રેતા દ્વાપર કે કલીયુગ હોય પણ તે અનુભવ કિંમતી ગણાય છે. આવા અનુભવની કિંમત ન હોય તો જ્ઞાનનો કોઈ અર્થ નથી. આપણે કોઈ પણ સાંત્રદાયિક મતભેદમાં ન પડતા સ્વચ્છ અને શુદ્ધ મને સ્વતંત્ર પણે આત્મા ક્ષેત્રે વિચાર કરવો હોય તો કેટલાક અનુભવો સાચા છે તેમ પણ માનવું જોઈએ. અને આ માન્યતા સ્વીકાર્યા વિના જ્ઞાન પણ મળશે નહીં. ઘણા તેમ માનતા હોય છે કે આગળના માણસોએ આત્મ સાક્ષાત્કાર માટેના જે ઉપાયો બતાવ્યા છે તે બધા વહેમ છે. અને કોઈને સત્ય મળ્યું નથી. અથવા આ ક્ષણિક દેહે શાશ્વત ધર્મ કે આત્માને સાક્ષાત્કાર થઈ શકે નહીં. આવું માનવાથી કોઈ લાભ થવાનો નથી.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર – (મહાત્મા નિશ્ચલદાસજી)


 

શ્રી વિચારસાગર એ મહાત્મા નિશ્ચલદાસજીકૃત વેદાંતનો મહાન ગ્રંથ છે. આ વિચારસાગરમાં કુલ સાત તરંગોમાં દોહરાઓ, સોરઠાઓ,ચોપાઈઓ તથા કવિતના માધ્યમથી પ્રાકૃત ભાષામાં વેદાંતનો ગહન વિષય સમજાવવામાં આવ્યો છે. આપણે રોજ ક્રમે ક્રમે આમાંથી થોડા થોડા દોહરાઓ જોશુ. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા ગુજરાતીમાં શ્રી વિચારસાગર નામનો વિસ્તૃત ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે. આ ગ્રંથનું ઉંડાણથી અધ્યયન મુમુક્ષુઓ અને જીજ્ઞાસુઓને ઘણું જ ઉપયોગી થઈ પડશે.


 

શ્રી વિચારસાગર

તરંગ પહેલો – અનુબંધ સામાન્ય નિરૂપણ

વસ્તુ નિર્દેશરુપ મંગલાચરણ

દોહા

જો સુખ નિત્ય પ્રકાશ વિભુ, નામ રુપ આધાર |
મતિ ન લખૈ જિહિં મતિ લખૈ, સા મૈં શુદ્ધ અપાર || ૧ ||

જે પરમાત્મા સુખરૂપ, નિત્ય, પ્રકાશરૂપ (જ્ઞાનરૂપ) અને વ્યાપક છે, જે નામ અને રૂપમાત્રનો આધાર છે તથા બુદ્ધિ વડે જે જાણી શકાય તેવો નથી, પરંતુ બુદ્ધિ જેની સત્તાથી બીજા પદાર્થો જાણી શકવાને સમર્થ થાય છે, તે અનંત અને શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ છે.

અબ્ધિ અપાર સ્વરુપ મમ, લહરી વિષ્ણુ મહેશ |
વિધિ રવિ ચન્દા વરુણ યમ, શક્તિ ધનેશ ગણેશ || ૨ ||

મારું સ્વરૂપ અનંત સમુદ્ર જેવું છે; વિષ્ણુ, મહેશ્વર, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, વરુણ, યમ, શક્તિ, કુબેર અને ગણપતિ એ સઘળા મારા અપાર ચૈતન્યસ્વરૂપ સમુદ્રના તરંગો છે.

જા કૃપાલુ સર્વજ્ઞકો, હિય ધારત મુનિ ધ્યાન |
તાકો હોત ઉપાધિતૈં, મોભૈં મિથ્યા ભાન || ૩ ||

જે કૃપાળુ સર્વજ્ઞ (ઈશ્વર) નું મુનિઓ હ્રદયમાં ધ્યાન કરે છે, તે ઈશ્વરનું માયા ઉપાધિથી જેમ રજ્જુમાં સર્પાદિનું અને સ્વપ્નમાં નગરાદિનું ભાન થાય છે, તેમ મારા સ્વરૂપમાં (પ્રત્યક્ આત્મતત્વમાં) મિથ્યા જ ભાન થાય છે; માટે મારા મંગળથી ઈશ્વરાદિક સર્વના મંગળની સિદ્ધિ થાય છે.

વ્હૈ જિહિં જાનૈ બિન જગત,
મનહુ જેવરી સાપ |
નસૈં ભુજંગ જગ જિહિં લહૈ, સોઅહં આપે આપ || ૪ ||

જેમ દોરડાને જાણ્યા વિના સાપ પ્રતીત થાય છે, તેમ જે બ્રહ્મને જાણ્યા વિના જગત પ્રતીત થાય છે, અને જેમ દોરડાને જાણવાથી સાપ નિવૃત્તિ પામે છે, તેમ જે બ્રહ્મને જાણવાથી આ જગતનિવૃત્ત થાય છે, તે અધિષ્ઠાનરૂપ શુદ્ધ બ્રહ્મ હું પોતે જ છું.

બોધ ચાહિ જાકો સુકૃતિ, ભજત રામ નિષ્કામ |
સો મેરો હૈ આતમા, કાકૂં કરું પ્રણામ || ૫ ||

જે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પુણ્યશાળી પુરુષો કામનારહિત થઈને જે રામચંદ્રજી(ઈશ્વર)ને ભજે છે, તે રામચંદ્રજી તો મારો આત્મા જ છે; હવે હું કોને પ્રણામ કરું?

ભર્યો વેદ સિદ્ધાંત જલ, જામૈં અતિગમ્ભીર |
અસ વિચારસાગર કહું, પેખિ મુદિત વ્હૈ ધીર || ૬ ||

આ વિચારસાગર એટલે વિચારનો સમુદ્ર એવો છે કે જેમાં વેદ ના સિદ્ધાંતરૂપી અતિ ઊંડું પાની ભરેલું છે. એ વિચારસાગર હું (નિશ્ચળદાસ) કહું છું કે જેને જોઈને (વિચારીને-સમજીને) બ્રહ્મચર્ય વગેરે સાધનસંપત્તિવાળા ધીર પુરુષો આનંદ પામશે.

સૂત્ર ભાષ્ય વાર્તિક પ્રભૃતિ, ગ્રંથ બહુત સુરબાનિ |
તથાપિ મૈં ભાષા કરું, લખિ મતિમન્દ અજાનિ || ૭ ||

જો કે સૂત્ર, ભાષ્ય અને વાર્તિક વગેરે સંસ્કૃત ભાષાના ગ્રંથો અનેક છે, તથાપિ તે સંસ્કૃત ગ્રંથોથી મંદબુદ્ધિવાળા અજ્ઞાની માણસોને બોધ થઈ શકે નહિ એમ જાણીને હું આ ભાષાગ્રંથની રચના કરું છુ.

ગ્રંથ મહિમા

કવિજનકૃત ભાષા બહુત, ગ્રન્થ જગત વિખ્યાત |
બિન વિચારસાગર લખૈ, નહીં સંદેહ નસાત || ૮ ||

કવિલોકોએ વેદાંત વિષયક ગ્રંથો ઘણા કર્યા છે અને તે ગ્રંથો પ્રસિદ્ધ પણ છે; તથાપિ વિચારસાગર ગ્રંથ જાણ્યા વિના બીજા ભાષાગ્રંથોથી આત્મવસ્તુ વિષેનો સંદેહ દૂર થઈ શકતો નથી.

અનુબંધનું સ્વરૂપ

નહીં અનુબન્ધ પિછાનૈ જૌલૌં, વ્હૈ ન પ્રવૃત્ત સુઘરનર તૌલોં |
જાનિ જિનૈ યહ સુનૈ પ્રબન્ધા, કહૂં વ યાતૈં તે અનુબન્ધા || ૯ ||

કોઈ પણ પુસ્તકનો અનુબંધ જાણ્યા સિવાય વિચારશીલ માણસો તે પુસ્તક વાંચવાને પ્રવૃત્ત થતા નથી. પણ અનુબંધ જાણ્યા પછી પુસ્તક વાંચવામાં પ્રવૃત્ત થાય છે; માટે આ ગ્રંથનો અનુબંધ પ્રથમ કહીએ છીએ.

સોરઠા

અધિકારી સંબંધ, વિષય પ્રયોજન મેલિ ચવ |
કહત સુકવિ અનુબન્ધ, તિનમૈં અધિકારી સુનહુ || ૧૦ ||

અધિકારી, સંબધ, વિષય અને પ્રયોજન – એ ચારેને એકઠા કરીને (એટલે એ ચારેને) વિદ્વાનો અનુબંધ કહે છે. તેમાંથી પ્રથમ અધિકારીનું સ્વરૂપ સાંભળો


(વધુ આવતા અંકે)


Categories: વિચારસાગર | Leave a comment

વણીકનું વહાણ સાગરમાં ડૂબ્યું – (30)

રાગઃ- રામ ભજન વિના નહી વિસ્તારા

વેપારી હાલ્યો વણજે સંતો,હેતે વહાણ હંકાર્યા
દેશમેલી વિદેશ વણિકે, ધન કમાવા દિલ ધર્યાં –ટેક

ખૂટલ ખારવાસે ખેપ આદરી, ભાંગલ વહાણ ન વિચાર્યા
મોંઘો માલ ભરી માંહી, વિદેશમાં વહેવરાવ્યાં –1

મધદરિયે મામલો મચ્યો, સાગરે તોફાન વધાર્યા
વંટોળે વહાણ વમળે લીધું, ભાંગલ પાટીયા ચીરાયાં –2

સઢ તૂટતાં સાંધવા ખારવે, ખવે મન ખૂતાવ્યાં
ખવે ચડતાં ચૂક્યો ખારવો, ધીરજ મન હરાયાં –3

સાગરે તોફાને નાવ ભાંગ્યુ, પાણી માંહી ભરાયાં
વણિક મનમેં વિલાપ વસ્યો, હિંમત બંધ હરાયાં –4

વિશ્વાસે વહાણ વણિકે, સાગર માંહી ડૂબાડ્યાં
ખૂટલ ખારવાસે ખેપ કરતાં ભજનપ્રકાશ, ગાંઠના ગરથ ગુમાવ્યાં –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.