ગતાંકથી આગળ
આચાર્ય-સેવાની આવશ્યકતા
બાની જાકી વેદ સમ, કીજૈ તાકી સેવ |
વ્હૈ પ્રસન્ન જબ સેવતૈં, તબ જાનૈ નિજ ભેદ || ૧૧ ||
બ્રહ્મવેતા આચાર્યની વાણી વેદ સમાન છે, માટે તેની જિજ્ઞાસુએ સેવા કરવી; કેમ કે જ્યારે સેવાથી આચાર્ય પ્રસન્ન થાય છે, ત્યારે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન શિષ્ય ગુરુ પાસેથી મેળવી શકે છે. (૧૧)
આચાર્ય-સેવાનો પ્રકાર
સોરટા
વ્હૈ જબહી ગુરુ સંગ, કરૈ દંડ જિમ દંડવત |
ધારૈ ઉત્તમ અંગ, પાવન પાદસરોજરજ || ૧૨ ||
જ્યારે ગુરુની મુલાકાત થાય, ત્યારે તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને તેમના ચરણની પવિત્ર રજ માથે ચડાવવી. (બે પગ, બે ઘૂંટણ, બે હાથ, છાતી અને માથું = એ આઠ અંગ પૃથ્વીને અડકાડી, લાકડીની પેઠે લાંબા પડી નમસ્કાર કરવો, તેને ‘સાષ્ટાંગ દંડવત્ પ્રણામ’ કહે છે.) (૧૨)
ચૌપાઈ
ગુરુ સમીપ પુનિ કરિયે વાસા, જો અતિ ઉત્કટ વ્હૈ જિજ્ઞાસા |
તન મન ધન વચ અર્પી દેવૈ, જો ચાહૈ હિય બંધન છેવૈ || ૧૩ ||
જો શિષ્યની જિજ્ઞાસા (જ્ઞાન મેળવવાની ઈચ્છા) અતિશય ઉત્કટ હોય, તો તેણે ગુરુની પાસે જ નિવાસ કરવો; અને જો હ્રદયમાં રહેલો સંસારરૂપી બંધ કાપી નાખવો હોય, તો શરીર, મન, ધન અને વાણી ગુરુને અર્પણ કરવાં. (૧૩)
શરીર તથા મન – અર્પણના પ્રકાર
તન કરિ બહુ સેવા વિસ્તારૈ,આજ્ઞા ગુરુકી કબહુ ન ટારૈ |
મનમૈં પ્રેમ રામસમ રાખૈ, વ્હૈ પ્રસન્ન ગુરુ ઈમ અભિલાખૈ || ૧૪ ||
દોષદૃષ્ટિ સ્વપનૈ નહિ આનૈ, હરિ હર બ્રહ્મ ગંગ રવિ જાનૈ |
ગુરુમૂરતિકો હિયમૈં ધ્યાના, ધારૈ ચાહૈ જો કલ્યાના || ૧૫ ||
શરીર વડે ગુરુની ઘણી સેવા કરવી અને તેમની આજ્ઞાનો કદી લોપ ન કરવો, એ શરીર અર્પણ કર્યું કહેવાય. પોતાના મનમાં ગુરુ ઉપર પરમેશ્વર જેવી પ્રીતિ રાખવી અને ગુરુ શી રીતે પ્રસન્ન થાય એ જ ઈચ્છામાત્ર મનમાં રાખવી; વળી ગુરુના દોષ કદાપિ જોવા નહિ અથવા તેમના આચરણમાં દોષદૃષ્ટિ કરવી નહિ; પણ ગુરુને વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ગંગાજી કે સૂર્યદેવ જેવા જાણવા. જે શિષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે ગુરુની મૂર્તિનું હ્રદયમાં ધ્યાન કરવું. (૧૪,૧૫)
ધન – અર્પણ પ્રકાર
ચૌપાઈ
પત્ની પુત્ર ભૂમિ પશુ દાસી, દાસ દ્રવ્ય ગ્રહ વ્રીહિ વિનાસી |
ધનપદ ઈન સબહિનકું ભાખૈ, વ્હૈ ગુરુ સરન દૂરિ તિહિ નાખૈ || ૧૬ ||
સોરટા
ધન અર્પનકો ભેવ, એક કહ્યો સુન દૂસરો |
વ્હૈ ગૃહસ્થ ગુરુદેવ, યાજ્ઞવલ્ક્ય સમ દેહ તિહિં || ૧૭ ||
સ્ત્રી, પુત્ર, પૃથ્વી, પશુ, દાસ, દાસી, દ્રવ્ય, ઘર, અનાજ – એ સઘળી નાશવંત વસ્તુઓને ધન કહે છે. તે સર્વનો ત્યાગ કરીને ગુરુને શરણે જવું, તેને ધન – અર્પણ કહે છે; કેમ કે ગુરુ તો ત્યાગી હોવાથી, તે સઘળાનો ગુરુ પોતે તો અંગીકાર કરે નહિ; પણ એવા ત્યાગી ગુરુની પ્રાપ્તિ માટે ધનનો ત્યાગ કર્યો હોય, તો તે પણ ગુરુને અર્પણ કર્યું કહેવાય. ધન-અર્પણનો એક એ પ્રકાર કહ્યો. બીજો સાંભળઃ ગુરુ જો ગૃહસ્થાશ્રમી હોય, તો તે સઘળું ધન ગુરુને આપી દેવું. એ ધન-અર્પણનો બીજો પ્રકાર છે. (૧૬,૧૭)
વાણી – અર્પણનો પ્રકાર
છંદ
ભાખત ગુનગન ગુરુકે બાની સુદ્ધ |
દોષ ન કબહુ અર્પણ કરિ ઇમ બુદ્ધ || ૧૮ ||
વાણી વડે ગુરુના ગુણોનું વર્ણન કરવું, પણ દોષ કદાપિ બોલવા નહિ; એ ગુરુને વાણી અર્પણ કરવાનો પ્રકાર છે. (૧૮)
શિષ્યનો ગુરુના સંબધમાં વ્યવહાર
સોરટા
જો ચાહૈ કલ્યાન, તનમનધનવચ અરપિ ઈમ |
વસૈ બહુત ગુરુસ્થાન, ભિચ્છા તૈ જીવન કરૈ || ૧૯ ||
જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે પાછળ કહ્યું તેમ ગુરુને શરીર, મન, ધન અને વાણી અર્પણ કરીને ઘણા કાળ સુધી ગુરુ હોય ત્યાં અથવા સમીપમાં રહેવું; અને બ્રહ્મચારી કે ત્યાગી શિષ્ય હોય તો તેણે ભિક્ષા માગી જીવન ચલાવવું. (૧૯)
ચૌપાઈ
સો ભિક્ષા ધરિ દૈશિક આગે, નિજ ભોજનકું નહીં પુનિ માગે |
જો ગુરુ દેહ તુ જાઠર ડારૈ, નહીં દૂજે દિનવૃત્તિ સંભારૈ || ૨૦ ||
શિષ્યે જે ભિક્ષા માગી આણી હોય, તે પોતેજ ખાઈ લેવી નહિ, પણ તે ગુરુની પાસે મૂકી દેવી. જો ગુરુ તેમાંથી કાંઈ આપે તો તે શિષ્યે લઈને ખાઈ લેવું; ન આપે તો બીજે દિવસે પણ એ જ પ્રમાણે ભિક્ષા માગી લાવીને ગુરુને આપવી. એક દિવસમાં બે વખત ભિક્ષા માગવા જવું નહિ. (૨૦)
દોહા
પુનિ ગુરુકે આગે ધરૈ, ભિક્ષા શિષ્ય સુજાન |
નિર્વેદ ન જિયમૈં કરૈ, જો નિજ ચૈ કલ્યાન || ૨૧ ||
બીજે દિવસે પણ શિષ્ય-ધર્મને સારી રીતે જાણનારો તે શિષ્ય ભિક્ષા માગી લાવીને ગુરુની પાસે મૂકે; જો તે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તો તેણે તેમ કરતાં મનમાં કોચવાવું નહિ. (૨૧)
ચૌપાઈ
ઈમ વ્યવહૃત અવસર જબ પેખૈ, મુખ પ્રસન્ન સન્મુખ લેખૈ |
વિનતિ કરે દોઉ કર જોરી, ગુરુ આજ્ઞાતૈ પ્રશ્ન બહોરી || ૨૨ ||
આ રીતે વ્યવહાર કરતાં કરતાં જ્યારે ગુરુને અવકાશ છે એમ માલૂમ પડે અને ગુરુ પ્રસન્ન મુખથી પોતાના તરફ જુએ, ત્યારે હાથ જોડી ગુરુની સ્તુતિ કરી વિનતિ કરવી કે, હે ભગવન્ | મારે કાંઈક પૂછવાની ઈચ્છા છે. પછી ગુરુ પૂછવાની આજ્ઞા કરે તો પ્રશ્ન કરવો. (૨૨)
દોહા
તનમનધનબાની અરપિ, જિહિં સેવત ચિત લાય |
સકલરુપ સા આપ હૈ, દાદુ સદા સહાય || ૨૩ ||
જે પુરુષ પાછળ કહ્યા પ્રમાણે તન, મન, ધન અને વાણીને અર્પણ કરીને ગુરુની ખરા ભાવથી (એક ચિત્તથી) સેવા કરે છે, તે પોતે જ સર્વ જગતરૂપ છે અને દાદુ સદા તેને સહાય કરે છે. (૨૩)
તરંગ ત્રીજો સમાપ્ત
વધુ આવતા અંકે