બાણપથારી
(શીખરીણી)
હજારો ભાનુની ધરતી પરકમ્મા કરી વળી,
નહીં તોયે આગે ડગ કંઈ ભર્યાં આદિ મનુજે.
હજારો વર્ષોમાં વિફરી પશુતા, પોત અદકું
મનુષ્યાકારોમાં પ્રગટ્યું પશુએ, ને કહીં કહીં
ખીલેલાં માનવ્યે બહુ બળ કર્યું સત્ય ધરવા;
ડૂબ્યા મૌને યત્નો ! સતકણ ડૂબ્યો ના પણ છતાં.
કરેલા સંસારે અગણિત ગુન્હા કૈંક સદીઓ,
યથેચ્છાએ વેર્યા અડગ ઢગલા, તે નિજ પરે
ધીરે ઓઢી લેતું હૃદય કુમળું એક પ્રગટ્યું –
અનેરા કારુણ્યે પતિત પડખે જૈ રહ્યું ખડું.
ચુરાશે પોતે કે દબી મરી જશે તે ડર વિના
ઉગારી પ્હેલાં સૌ, પછી જ ચહ્યું પોતે ઊગરવા.
અને એ પાપોના દફન કરવા પુંજ સઘળા
બિછાયું એ હૈયું ચહુ દિશ વિંટાઈ કફનશું.
પડેલાં, પીડેલાં ચલિત, દલિતો ને ઘરવનાં
અનાથો – તે સૌનો જીવતર બની, બંધુ બનીને
ગરીબોનો બેલી ઈશુ પ્રગટિયો વિશ્વપ્રણયી.
અને આંસુધારે ટપકી, નહિ કારુણ્ય અટક્યું;
પડેલાંને બાંયે પકડી ઊંચક્યાં પુણ્યસ્વરગે.
ઉરે પેટી જ્યોતિ, નિજથી પ્રગટાવી સહુ ઉરે.
રહી નાચી સૃષ્ટિ નવ–ઉજમથી, સંતજનની
દિશાઓ ઘેરીને ઊછળી ઉરગંગા ભીંજવતી.
મહાકલ્યાણોર્મિ જગત જીરવી એ નવ શક્યું.
ધપી જાતું વેગે વહન રૂંધવા, હાથ બળિયા
શરીરી સત્તાના અધવચધર્યા ને રણ રચ્યું–
સૂકું ચોપાસે, ત્યાં અરર ! ઉરગંગા શમી ગઈ !
ઉખેડી પેટાળો જડ, પ્રગટિયાં કો ઉર તણાં
નવાણોમાં મૂંગી સમસમી રહી દિવ્ય કરુણા.
ઈશુને જીવ્યે જે જગતહૃદયોમાં નવ વસ્યું,
વસ્યું કૈં તે એને ક્રૂસ પર ચઢ્યે, ને જગજને
સુખે માણ્યાં શોખો જીવનબલિ પેગંબર તણો
પૂજી, રોઈ, ગાઈ, પણ ન પ્રગટાવ્યું ઈશુ–ઉર.
રચ્યા ધર્મો, ને ઉત્સવ ઉજવિયા દિવ્ય બલિના
મીઠો એનો કિંતુ હુકમ સહુના બંધુપનનો
જગે ઘોળી પીને અશમ ઉલટાવ્યાં વિષ ઉરે.
ઈશુ સૌ હૈયામાં ક્ષણ ક્ષણ ચડ્યા ક્રૂસ ઉપરે !
ઘવાયેલા પ્રેમે અશ્રુંત ભરિયું મૌન ડૂસકું !
મહામૃત્યુસત્રો જગ ઉજવતું જંગ જગવી;
દુભાયેલા સત્યે ભરવું તિમિરે ચાહ્યું ડગલું.
જગે પંથે છોને મરણક્રૂસ રોપ્યાઅડગ હો !
મહાકલ્યાણોને પથ કવણ શંકાભય ?– અને
ધીરે પૃથ્વીતીરે પ્રબુધઉર ગાંધી ઊતરિયા.
અરે જાને બાપુ ! નજર અમ સામી કરીશ ના !
પળ્યો જા તું તારે, જગકીચડમાં પાય ધર મા !
અમે પાપી ભૂંડાં સત સમજિયે; શે જીરવવું
પરંતુ એ ?! જા તું ! જય તુજ થશે, સત્ય જિતશે.
અમારાં પાપોની કરીશ પરવા ના લગીર તું.
શિરે લેવા જાતાં ગઠડી કચડાઈ તું મરશે.
અમોને પાપો તો કંઈ યુગથી કોઠે પડી ગયાં.
તું જેવા એકાકી ભડથી વળશે શું ઘડિકમાં ?
થયું ડાહ્યું કાંઈ જગ – વહી ગઈ વીસ સદીઓ –
ન રોપ્યા કાષ્ટોના ક્રૂસ સ્થૂલ, ઉરે કિંતુ પરખી
ઉપાડ્યા ગાંધીએઃ ‘દુરિત મરશે કે મરીશ હું.’
હજારો મૃત્યુની કરપીણ વહોરી ઉરવ્યથા
અને મોઢે મોંઘું સ્મિત ફરકતું રાખી કુમળું
ઘડ્યું ગાંધીએ જીવન ચિરક્રૂસારોહણ સમુ.
અરે એ સિંધુ શા ઉરની લહરી ફેનિલ સ્ફુરે;
નિહાળી તે નૌકા–જમીનતટ જાણી ક્યમ શકે
ઊંડાણે લાગેલા ભીષણ વડવાગ્નિ ? નિશિદિનિ
પ્રવૃત્તિઓ જાણે જલધિ–ધબકારે ઊછળતી.
ગળે મેલી ઘેલી જગની સરિતાઓ અણગણી;
ગભીરે એ હૈયે નિજની લઈને નાવ રમતાં
કરોડો નિઃશંકે; નિજ ઉરવરાળો દૂર સુધી
વહાવી વર્ષાવે અમી હૃદય કેરાં અણખૂટ્યાં.
અને આકાશી એ ગહન ઉરની શાંતિ દીસતી,
ન જુએ કો ઊંડે રતનકણ જેવા દીપી રહ્યા
વીંઝાતા ગોળાઓ મથન કરતા જે હૃદયનું.
વ્યથા ના જોવી, ને ફકત ઉર આનંદ જ મહીં
જગે ભાગી થાવું. સતપુરુષને તો નિજ વ્યથા
વલોવી સૌ સામે નિજસકલનો સાર ધરવો.
ગયા સિંધુ કેરું મથન કરવા દેવદનુજો,
વલોવી મેરુથી જલધિજલનાં રત્ન અમૂલાં
અતિ રાચ્યા,નાચ્યા;તહીં જ વિષ હાલાહલ ચઢ્યું
દિશાઓ ઘેરીને પ્રલયપૂર જેવું ઊમટિયું,
અને રત્નોઘેલા સુરઅસુરથી ના વળી શક્યું !
ઉમાશૃંગેથી ત્યાં શિવ ઊતરિયા સંયમવ્રતિ
અને એકી ઘૂંટે વિષ ગટગટાવ્યાં, જગતને
સુરક્ષ્યું, ને પૂંઠે અમૃત મળ્યું તેની નવ તમા !
મળીને આજે યે સુરઅસુર આ માનવ તણા
વિશાળા સિંધુનું મથન કરતા સ્વસ્વહિતથી.
મળ્યાં રત્નો કે ના કવણ કહશે ? કિંતુ દીસતાં
વિષો ઘોડાપૂરે જગ ઊભરતાં. તે જીરવવા
ગજું શેં એકાકી મનુજ તણું ? તોયે ધીરપથી
ધરે કોઠે ગાંધી સ્મિત ફરકતે સંયમવ્રતી.
ન રે ! તારે પંડે જગત ! વિષ દેવા જવું પડે.
યથા ગ્રીસે પૂર્વે સુક્રુતકર પ્યાલી વિષ તણી
દીધી, ને ઘેલૂડી પ્રભુપ્રણયમાં પ્રાણ ધરતી
સુકંઠી મીરાંને દીધ વિષકટોરી નૃપતિએ,
ન એવું ગાંધીને. – નિજ નજર તીણી ચલવીને
લિયે ગોતી એ તો વિષ હૃદયપ્યાલા. વિષ ચૂસી
ભરી દે પાછા એ ઉર અમૃત પૂરી નિજ તણાં.
અસત્પુંજો, હિંસાદવ, હૃદયને બાળી દમતાં,
વિકારો વંટોળી ઉર વિમલ વીંધે જ શતધા;
ગરીબી–પાતાળે જન સબડતાં કોટિ કીચડે,
સ્વધર્મોના ભેદો જગવી અસહિષ્ણુ લડી મરે;
પછી શે જાગેલું હૃદય ક્ષણ જંપી પણ શકે ?
અને શે એકાકી દૂર કરી શકે પાપઢગલા ?
વીણી વીણી ફેંકી દઈ ભીતરના ક્ષુદ્ર વિષયો
ઊભા ગાંધી પંડે સહન કરવા સત્યવીતકો.
ઘવાયું જ્યાં કિંચિત્ સત, જખમ ગાંધીઉર થયો;
નિચોવાયું હૈયું, કહી જરીય જો પ્રેમ દુભવ્યો.
ગરીબીથી કંપી નિજ જીવન નિષ્કિંચન કર્યુ;
ઊંચાનીચા ભેદે થરથરી, લીધું દીનપડખું.
શકે કો એકાકી હૃદય, સહ્યું એથી કંઈ ગણું.
પથારી જે ભીષ્મે સમરબિચ પૂર્વે રચી હતી
સદા ગાંધીને તે મરણ શરશય્યા પર સૂવું !
જીવનભર એ શેં જીરવવું ?
‘અરે શાને સાધો તસુતસુ મરે મોત ?’ જગ ક્હે.
વદે સાધુઃ ‘તો કાં તસુતસુ તમે સત્ય છૂંદતાં ?
અરેરે ! નાનોશો જખમ પડતાં સત્ય ઉરને
કશી ત્યાં લાખોની મુજ સરીખડાંની ઉરવ્યથા ?
નિસાસો દે કંપી સત ઘડીક, એથી જગતનાં
હજારો હું જેવાં મરણ અભિનન્દે વરદ એ.’
મર્યે તારે જાણ્યું ક્યમ, ઊગરશે સત્ય !’‘મરણે
હું જેવાને, એનું હૃદય રૂઝશે એ ન બસ શું ?’
ઘણાંએ જીવીને સતહૃદય ઠાર્યું, મરણથી
અને કૈં એ; આજે નહિ જ અભિનન્દી જીવનને
ન કે વન્દી મૃત્યુ, પણ ઉણપ કેરી સમતુલા
રચી સામંજસ્યે ઈહ શરીરમાં બેય બળને
ધરી જીવે ગાંધી પરમસતમાં ને ક્ષણક્ષણે
દીસે આયુર્દોલા જીવનમરણોમાં હીંચકતી.
હજારો બીજી કૈં ધરતી પરકમ્મા સૂરજની
કરે, ધ્રૂસ્કે રોવું તદપિ ન શમે, અંતરવ્યથા
તણા જ્વાળામુખી પ્રલયપળ ઝંખે અધીર થૈ.
તને મારે ક્હેવું કવિજન અરે તે સમયના !
અમારી સામે તું નજર કરવી રે ન ચૂકજે.
જમાને તારે જો જગતઉર–લાવા સળગતા
ઉરે પોતા કેરે હસી ઠલવતા સંતજન હો,
કવિ ! તો રેડીને જીવન નિજ ગાજેઃ “જગજનો !
રિબાવી સંતોનાં હૃદય કુરબાનીની પછીથી
તમે ગાશો ગાથા. રમત ક્રૂર એવી શીદ રમો ?
ન કાં પ્હેલેથી તો હૃદય પરખો સંતજનનાં ?”
અમે આજે ગાતાં ઈશુની કુરબાની; બસ થયું !
ન કાલે ગાંધીની જીવનબલિગાથા કવીશ તું !
(ગંગોત્રી’માંથી)