એક જ દે ચિનગારી
સાચો દ્રષ્ટિકોણ એટલે વિજય-ભવનનું પ્રવેશદ્વાર
એક યુવકે સંત સમક્ષ પોતાની ડાયરીનું પાનું ખોલી વિનંતી કરી કે તેમના હસ્તાક્ષર સાથે કોઈ પ્રેરક સંદેશ લખી આપો.
સંત મરક-મરક હસ્યા અને સરસરાટ એક વાક્ય પેલા યુવકની ડાયરીમાં લખી નાખ્યું: ‘નકારાત્મક વિચારોની પરોણાગત એ પરાજયને નિમંત્રણ છે.’
સંતનું આ વાક્ય કેવળ યુવક માટે જ નહીં, પ્રત્યેક વ્યક્તિ માટે માર્ગદર્શક છે. વાસીપણું એ મૃત્યુ છે, તાજગી એ જીવન. આપણે આપણા મનને અપેક્ષિત આઝાદી આપતા જ નથી. આપણે જોવું હોય એ એટલું જ એને જોવા દઇએ છીએ. સંઘરવું હોય તે જ તેટલું જ એને સંઘરવાની ફરજ પાડીએ છીએ. માણસ ‘મનમાની’ નહીં પણ ‘જાતમાની’ કરતો હોય છે. પોતાનો અસ્વસ્થ દ્રષ્ટિકોણ મન પર લાદવો એ પણ મનની મનોરમ ભૂમિને પ્રદૂષિત બનાવવાનો અવાંછનીય અને હાનિકારક પ્રયાસ જ ગણાય.
તથ્યો કરતાં તથ્યો પરત્વેનો દ્રષ્ટિકોણ વધારે મહત્ત્વનો છે. કોઈપણ પ્રકારનું તથ્ય કે માહિતી આપણી સમક્ષ આવે એટલે તરત જ આપણે આપણી વિચારણા મુજબનો પ્રતિભાવ, આદેશ કે નિર્ણય ઉતાવળે આપી દઈએ છીએ. કેરી પાકે તેની પ્રતીક્ષા કરવા આપણે તૈયાર હોઈએ છીએ, પણ આપણી વિચારણા પુખ્ત બને એટલો અવકાશ કે તક આપણે આપવાનું મૂુનાસિબ માનતા નથી. મળેલી માહિતી કે જાણવામાં આવેલા તથ્યને તટસ્થતાપૂર્વક તપાસવાનું અને તે પરત્વનો શુઘ્ધ દ્રષ્ટિકોણ કેળવવો એ માનસિક તપસ્યાનો વિષય છે. પણ માણસ નામના જીવને સાધના કરતાં સિઘ્ધિમાં જ વિશેષ રસ હોય છે. મળેલી માહિતીથી ન હચમચી ઉઠવું એ માણસે કેળવવાનો અતિ આવશ્યક સંયમ છે. આપણને ચલિત થતાં આવડે છે, વિચલિત થતાં આવડે છે પણ વિપરીત સંજોગોમાં અ-વિચલિત રહેતાં નથી આવડતું એ માનવવર્તનની સૌથી મોટી કરુણતા છે.
વિજયલક્ષી વિચારપ્રક્રિયા એ પોતે જ એક પ્રાર્થના છે. વિજયમાં શ્રઘ્ધા એ મનને સ્વસ્થ રાખવાનું ‘ટોનિક’ છે. નકારાત્મક કે પરાજયવાદી દ્રષ્ટિકોણ એ મનને બીમાર બનાવનારાં આપણે ઉછેરેલાં ‘બેક્ટેરીઆ’ છે, જેની દવા આપણા સિવાય કોઈની પાસે નથી હોતી.
પહેલાંના લોકો ઘૂળ ઝાટકવા કે માખી-મચ્છર ઉડાડવા ચમરીનો ઉપયોગ કરતાં હતાં. આજે સોફા, કારપેટ વગેરેને ઘૂળમુક્ત કરવા ‘વેક્યૂમ ક્લીનર’ વાપરે છે. આ આઘુનિક સફાઈ-સાધન આઘુનિક માણસ માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશો આપે છે. તમારા મનને રજોટીથી મુક્ત રાખવું હોય તો અંદરની ઘૂળને ખેંચી લેવાની કળા શીખી લો. પોતાના મનની અને પોતાના કર્મચારીઓ કે સાથીના મનના નકારાત્મક વિચારોને ભગાડી મૂકવા એ પારકાને પોતાના બનાવવાનો રામબાણ ઇલાજ છે. એકવાર માણસનું મન નકારાત્મક વિચારોની નાગચૂડમાંથી મુક્ત થઇ સકારાત્મક વિચારોનું મુસાફર બન્યું એટલે અડધી લડાઈ આપોઆપ જિતાઈ ગઈ. સાચો દ્રષ્ટિકોણ કેળવવો એ વિજય ભવનનું પ્રવેશ દ્વાર છે.
આજકાલ આપણે એવી ફરીયાદ કરીએ છીએ કે ક્યાંય સુધારણા શક્ય જ નથી. લોકોના મનમાં નકારાત્મક વિચારો અને જડતા એટલી હદ સુધી પ્રવેશી ગઇ છે કે તેઓ નવું કશું આવકારવા, વિચારવા કે સ્વીકારવા તૈયાર જ નથી !
આ પણ એક જાતનો સ્વયંસ્વીકૃત પરાજય છે. તમે જાતે જ નકારાત્મક્તાથી મુક્ત ન થાઓ તો અન્યને સકારાત્મક્તાના માર્ગે ક્યાંથી વાળી શકવાના ? સુધારણાનું રહસ્ય જ એ છે કે માણસની હીન ભાવનાને મુક્ત કરવા માટે શ્રઘ્ધાવાદી દ્રષ્ટિકોણ અપનાવી સતત યત્નશીલ રહેવું.
આપણને એમ લાગતું હોય કે અમુક બાબતમાં આપણે જીતી શકીશું નહીં તો આપણે એક કામ કરવું જોઇએ. અને તે કામ છે એક યાદી તૈયાર કરવાનું. એ યાદીમાં તમારી જીતના પક્ષે સાનુકૂળ વાતો/બાબતો કઇ-કઈ છે એ નોંધતા જવાનું. જો તમે કેવળ પ્રતિકૂળ બાબતોને પ્રાધાન્ય આપી તમારી જાતની કમજોરીઓની યાદી બનાવવાનું શરૂ કરી દીઘું તો તમે હિંમત હારતા જવાના. નકામી બાબતોને કે નકારાત્મક વિચારોને જાતે જ વધારે પડતું મહત્ત્વ આપવું એ આપણી જાતને હરાવનારા સૈનિકોની ભરતી કરવા જેવું કામ છે.
આપણી સંપત્તિ છે સકારાત્મક વિચારો, આપણી વિશિષ્ટ શક્તિઓ. આપણે તેમની પડખે ઉભા રહી એમને મજબૂત બનાવવી જોઇએ. એના ઉપર ઊંડું ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, જીવનની સારી બાબતો આપણી સમસ્યાઓ, પડકારો કે મુશ્કેલીઓ સામે લડવામાં ક્યાં અને કેવી રીતે મદદરૂપ થશે, એનું સતત ચિંતન કરી ઇશ્વરની કરુણામાં શ્રદ્ધા રાખવી એ વિજયપ્રાપ્તિ કે ગતિ-પ્રગતિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની ગુરુચાવી છે. મારી જાત સિવાય મને કોઈ હરાવી શકે તેમ નથી એવી સકારાત્મક શ્રઘ્ધા-આત્મવિશ્વાસ એકવાર કેળવી તો જુઓ. બહાદુર બનો એટલે તમને વિજય અપાવનારી શક્તિઓ તમારી મદદે સ્વતઃ દોડી આવશે.
ઇમર્સન એક સુંદર સલાહ સૌને આપતા કે તમને જે કામ કરતાં ડર લાગતો હોય એ કામ કરી નાખો એટલે તમારો ડર આપોઆપ મૃતપ્રાય બની જશે. કહેવાય છે કે સ્ટોનવેલ જેકસન એક સાહસિક આક્રમણનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સેનાના એક વડાએ કહ્યું કે મને અમુક વાતનો ડર છે કે… સ્ટોનવેલે એ જનરલની વાત તરત જ કાપી નાખતાં કહ્યું: ‘સેનાપતિ, તમારા ડરને ક્યારેય તમારો સલાહકાર બનાવશો નહીં.’ સફળતા કે વિજય માટેનો અડગ આત્મવિશ્વાસ કેળવવા નીચે દર્શાવેલી સાત બાબતોના તમે સંત્રી બનો:
૧. સફળતા માટેની શ્રઘ્ધાનું એક સૂત્ર હૃદયની દીવાલ પર કોતરી રાખો. એના પર કદીયે ઝાંખપ ન આવવા દો, એના પ્રત્યે કદીયે શંકાશીલ ન બનો. મન જે બાબતમાં દોડતું થઇ જાય છે એમાં કશી દખલ સહન નથી કરતું એટલે સકારાત્મક વિચારો તરફ દોડતા મનની ગતિમાં નકામા વિચારોનો વિક્ષેપ ઉભો ન કરો.
૨. સકારાત્મક વિચાર એ નકારાત્મક વિચારોનું મારણ છે. જ્યારે પણ નિરાશા કે નકારાત્મક્તા મન પર ત્રાટકે ત્યારે સકારાત્મક વિચારોનાં શ્વેતકણોને નકારાત્મક્તાનાં જીવાણુઓને મારવા કામે લગાડો.
૩. કાલ્પનિક મુશ્કેલીઓના મહેમાન બનવાનું ટાળો અને ડર સાથે દોસ્તી કરવાથી અળગા રહો.
૪. બીજાના નકારાત્મક અનુભવો, વિચારો કે માન્યતાથી દોરવાશો કે ભોળવાશો નહીં. બીજો બીજો છે. તમારી મર્યાદાઓની બીજાની લાક્ષણિક્તાઓની સાથે તુલના કરી તમારી જાતને નિર્બળ ન બનાવો.
૫. જ્યાં કોઈની સલાહ કે માર્ગદર્શનની જરરૂ હોય ત્યાં તે અવશ્ય લો, પણ એ બઘું કરવું આત્મજ્ઞાન કેળવવા, મજબૂત બનવા માટે. સતત એ વાતનું રટણ કરતા રહો કે હું દીન-દીન નથી. ઇશ્વરની મદદ અને કૃપાથી હું ધાર્યું કરવા શકિતમાન છું.
૬. પોતાની યોગ્યતા અને દક્ષતાનું સતત અવલોકન કરી એમાં દસ ટકાનો વધારો કરવાનું મનોબળ કેળવો, પણ એને કારણે અહંકાર મન અને વર્તનને અભડાવી ન જાય એની કાળજી રાખશો.
૭. તમારી જાતને પરમશક્તિ પ્રત્યે સમર્પિત કરી તેની કૃપાથી તમારામાં દિવ્ય શક્તિનો સંચાર થઇ રહ્યો છે એવી શ્રદ્ધાભીની અનુભૂતિ કરો.
ગુજરાત સમાચારમાંથી સાભાર