સ્કન્દોપનિષદ્
કૃષ્ણ યજુર્વેદ સાથે સંબદ્ધ આ ઉપનિષદમાં માત્ર 15 મંત્ર છે. એમાં વિષ્ણુ અને શિવ તથા શિવ અને જીવમાં, અભેદ દર્શાવવામાં આવેલ છે. શરીરને શિવ મંદિર કહીને, એની ઉપેક્ષા ન કરતાં, મંદિરની જેમ સ્વચ્છ-સુંદર રાખવાનો સંકેત કરવામાં આવેલ છે. ભેદરહિત દ્રષ્ટિને ‘જ્ઞાન’, મનનું નિર્વિષય થવું ‘ધ્યાન’, મનનો મેલ દુર કરવો ‘સ્નાન’ અને ઇન્દ્રિય નિગ્રહ ‘શૌચ’ કહીને, ઋષિએ અધ્યાત્મ દર્શનને વ્યવહારિક બનાવવાની દિશા આપવામાં આવેલી છે. અંતમાં ઉપનિષદ્ની શિક્ષાને, આત્મસાત્ કરવાનું મહત્વ દર્શાવવામાં આવેલ છે.
શાંતિપાઠઃ
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ ,
તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હે પરમાત્મન! આપ આપણા બંનેયની (ગુરૂ-શિષ્ય) એક સાથે રક્ષા કરો. આપણા બંન્નેનું એક સાથે પાલન કરો. આપણે બંનેય એક સાથે શક્તિ અર્જિત કરીએ. આપણા બંનેયની ભણેલી વિદ્યા તેજસ્વી (પ્રખર) બનો. આપણે બંનેય એકબીજા પ્રત્યે ક્યારેય ઇર્ષા-દ્વેષ ન કરીએ. હે શક્તિ-સંપન્ન! (અમારા) ત્રિવિધ (આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક) તાપોનું શમન થાવ, અક્ષય શાંતિની પ્રાપ્તિ થાવ.
અચ્યુતોSસ્મિ મહાદેવ તવ કારુણ્યલેશતઃ.
વિજ્ઞાનઘન એવાસ્મિ શિવોSસ્મિ કિમતઃ પરમ્ ..1..
હે મહાદેવ! આપની લેશમાત્ર કૃપા પ્રાપ્ત હોવાથી હું અચ્યુત (પતિત અથવા વિચલિત ન થનારો) વિશિષ્ટ જ્ઞાન-પુંજ અને શિવ (કલ્યાણકારી) સ્વરૂપ બની ગયેલ છું, એથી વધારે શું જોઇએ? ..1..
ન નિજં નિજવદ્ભાત્યન્તઃકરણજૃમ્ભણાત્
અન્તઃકરણનાશેન સંવિન્માત્રસ્થિતો હરિઃ..2..
જ્યારે સાધક પોતાના પાર્થિવ સ્વરૂપને ભૂલીને, પોતાના અતઃકરણને વિકાસ કરતાં, બધાને પોતાની જેમ પ્રકાશમાન માને છે, ત્યારે તેનું પોતાનું અતઃકરણ (મન,બુદ્ધિ, ચિત્ત, અહંકાર) સમાપ્ત થઇને, ત્યાં એકમાત્ર પરમેશ્વરનું જ અસ્તિત્વ રહે છે. ..2..
સંવિન્માત્રસ્થિતશ્ચાહમજોSસ્મિ કિમતઃ પરમ્
વ્યતિરિક્તં જડં સર્વં સ્વપ્નવચ્ચ વિનશ્યતિ..3..
એથી વધારે શું હોય કે હું આત્મરૂપમાં રહેલ છું અને અજન્મા અનુભવ કરૂ છું. એ સિવાય આ સંપૂર્ણ જડ-જગત્ સ્વપ્નવત્ નાશવાન છે…3..
ચિજ્જડાનાં તુ યો દ્રષ્ટા સોઽચ્યુતો જ્ઞાનવિગ્રહઃ
સ એવ હિ મહાદેવઃ સ એવ હિ મહાહરિઃ..4..
જે જડ-ચેતન (એમ) બધાનો દ્રષ્ટારૂપ છે, એજ અચ્યુત (અટલ) અને જ્ઞાન-સ્વરૂપ છે, એજ મહાદેવ અને એજ મહાહરિ (મહાન્ પાપહારક) છે…4..
સ એવ જ્યોતિષાં જ્યોતિઃ સ એવ પરમેશ્વરઃ
સ એવ હિ પરબ્રહ્મ તદ્બ્રહ્માહં ન સંશયઃ..5..
એજ બધી જ્યોતિઓની મૂળ જ્યોતિ છે, એજ પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, હું પણ એજ છું, એમાં સંશય નથી…5..
જીવઃ શિવઃ શિવો જીવઃ સ જીવઃ કેવલઃ શિવઃ
તુષેણ બદ્ઘો વ્રિહિઃ સ્યાત્તુષાભાવેન તણ્ડુલઃ..6..
જીવજ શિવ છે અને શિવજ જીવ છે. જીવ વિશુદ્ધ શિવજ છે. (જીવ-શિવ) એવી રીતે છે, જેમ ધાનનું છોડું (છિલકુ) જોડાઇ રહેવાથી ડાંગર અને છોડું દૂર કરી દેવાથી – હટાવી દેવાથી એને ચોખા કહેવામાં આવે છે…6..
એવં બદ્ઘસ્તથા જીવઃ કર્મનાશે સદાશિવઃ
પાશબદ્ઘસ્તથા જીવઃ પાશમુક્તઃ સદાશિવઃ..7..
આ રીતે બંધનમાં બંધાએલ (ચૈતન્ય તત્વ) જીવ હોય છે અને એજ (પ્રારબ્ધ) કર્મોના નષ્ટ થયેથી સદાશિવ બની જાય છે અથવા બીજા શબ્દમાં, પાશમાં બંધાએલ જીવ ‘જીવ’ કહેવાય છે અને પાશમુક્ત થઇ ગયેથી, સદાશિવ બની જાય છે…7..
શિવાય વિષ્ણુરુપાય શિવરુપાય વિષ્ણવે
શિવસ્ય હ્રદયં વિષ્ણુર્વિષ્ણોશ્ચ હ્રદયં શિવઃ..8..
ભગવાન શિવજ ભગવાન વિષ્ણુરૂપ છે અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવસ્વરૂપ છે. ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ વિરાજમાન છે…8..
યથા શિવમયો વિષ્ણુરેવં વિષ્ણુમયઃ શિવઃ
યથાન્તરં ન પશ્યામિ તથા મે સ્વતિરાયુષિ
યથાન્તરં ન ભેદાઃ સ્યુઃ શિવકેશવયોસ્તથા..9..
જે રીતે વિષ્ણુદેવ શિવમય છે, એવી રીતે દેવ શિવ વિષ્ણુમય છે. જ્યારે મને એમાં કોઇ અંતર જણાતું નથી તો હું આ શરીરમાંજ, કલ્યાણરૂપ બની જઉ છું. ‘શિવ’ અને ‘કેશવ’ માં પણ કોઇ ભેદ નથી…9..
દેહો દેવાલયઃ પ્રોક્તઃ સ જીવઃ કેવલઃ શિવઃ
ત્યજેદજ્ઞાનનિર્માલ્યં સોSહંભાવેન પૂજયેત્..10..
તત્વદર્શિયો દ્વારા આ દેહનેજ દેવાલય કહેવામાં આવેલ છે અને એમાં જીવ, માત્ર શિવરૂપ છે. જ્યારે મનુષ્ય અજ્ઞાનરૂપ કલ્મષનો પરિત્યાગ કરી દે, ત્યારે એ સોSહં ભાવથી એમનું (શિવનું) પૂજન કરે…10..
અભેદદર્શનં જ્ઞાનં ધ્યાનં નિર્વિષયં મનઃ
સ્નાનં મનોમલત્યાગઃ શૌચમિન્દ્રિયનિગ્રહઃ..11..
બધાં પ્રાણીઓમાં બ્રહ્મનું અભેદરૂપથી દર્શન કરવું યથાર્થ જ્ઞાન છે અને મનના વિષયોથી આસક્તિ રહિત હોવું- આ યથાર્થ ધ્યાન છે. મનના વિકારોનો ત્યાગ કરવો- એ યથાર્થ સ્નાન છે. આને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી- એ યથાર્થ શૌચ (પવિત્ર થવું) છે…11..
બ્રહ્મામૃતં પિબેદ્ભૈક્ષમાચરેદેહરક્ષણે
વસેદેકાન્તિકો ભૂત્વા ચૈકાન્તે દ્વૈતવર્જિતે
ઇત્યેવમાચરેદ્ભીમાન્ત્સ અવં મુક્તિમાપ્નુયાત્..12..
બ્રહ્મજ્ઞાનરૂપી અમૃતનું પાન કરો. માત્ર શરીર રક્ષા માટેજ ઉપાર્જન (ભોજન ગ્રહણ) કરો. એક પરમાત્મામાં લીન બનીને, દ્વૈતભાવ છોડી એકાંત ગ્રહણ કરો. જે ધીરપુરુષ આ રીતનું આચરણ કરે છે, એ મુક્તિને પ્રાપ્ત કરે છે…12..
श्रीपरमधाम्ने स्वस्ति चिरायुष्योन्नम इति।
विरिञ्चिनारायणशंकरात्मकं नृसिंह देवेश तव प्रसादतः।
अचिन्त्यमव्यक्तमनन्तमव्ययं वेदात्मकं ब्रह्म निजं विजानते।।13।।
શ્રીપરમધામવાળા (બ્રહ્મા, વિષ્ણુ, શિવદેવ) ને નમસ્કાર છે. (અમારૂ) કલ્યાણ થાવ. દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાવ. હે વિરંચિ! નારાયણ અને શંકરરૂપ નૃસિંહ દેવ! આપની કૃપાથી એ અચિંત્ય, અવ્યક્ત, અનંત, અવિનાશી, વેદસ્વરૂપ બ્રહ્મને, અમો પોતાના આત્મ સ્વરૂપમાં જાણવા લાગ્યા છીએ…13..
તદ્વિષ્ણોઃ પરમં પદં સદા પશ્યન્તિ સૂરયઃ
દિવીવ ચક્ષુરાતતમ્..14..
આવા બ્રહ્મવેતા, એ ભગવાન વિષ્ણુના પરમપદને હંમેશાં (ધ્યાન મગ્ન થઇને) જોઇએ છીએ, પોતાના ચક્ષુઓમાં, એ દિવ્યતાને સમાવેલી રાખીએ છીએ…14..
तद्विप्रासो विपन्यवो जागृवांस समिन्धते।
विष्णोर्यत्परमं पदमित्येतन्निर्वाणानुशासनमिति वेदानुशासनमिति वेदानुशासनमित्युपनिषत्।।15।।
વિદ્વજ્જન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે ભગવાન વિષ્ણુનું પરમપદ છે, એમાં લીન થઇ જાય છે. આ નિર્વાણ સંબધી સંપૂર્ણ અનુશાસન છે, આ વેદનું અનુશાસન છે, આ રીતે આ ઉપનિષદ્ (રહસ્ય જ્ઞાન) છે…15..
શાંતિપાઠઃ
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ , સહ વીર્યં કરવાવહૈ ,
તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સ્કન્દોપનિષદ્ સમાપ્ત