Daily Archives: 20/11/2008

ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા

ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા

૧. આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર રહેવું જોઈએ.

૨. ફરજ (કર્તવ્ય) – આપણી પ્રથમ અને અગ્રીમ ફરજ ઈશ્વર અને સદાચારયુક્ત જીવન પ્રતિ છે. સદાચારી જીવન જીવવું તે આપણા દેશની અતિ મૂલ્યવાન સેવા છે.

૩. ચારિત્ર્યઃ ચારિત્ર્ય સૌથી મહાન સંપત્તિ છે. એક શુદ્ધ, સદાચારી, ભ્રષ્ટાચારરહિત નાગરિક આપણા રાષ્ટ્ર ભારતની ઉમદા મૂડી છે. આ અનિવાર્ય અને આવશ્યક બાબત છે.

૪. તંદુરસ્તીઃ નિરામયતા જીવન સાફલ્યનો પાયો છે. તંદુરસ્તી એ સાચી સંપત્તિ છે. ચારિત્ર્ય પછી, મહાન રાષ્ટ્રીય સંપત્તિ તરીકે તેનું સ્થાન છે. નાગરિક તરીકે ઉમદા ચારિત્ર્યનું ઘડતર કરવું અને આરોગ્ય જાળવવું એ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રાથમિક ફરજ છે.

૫. સદગુણઃ આપણે જુગાર, દારૂ, કેફી દ્રવ્યો અને કેફી પીણાઓ, ધુમ્રપાન, પાનમસાલા જેવાં દુષણોને જડમૂળથી ઉખેડી નાખીએ. આપણે લાંચરૂશ્વત, ભ્રષ્ટાચાર, સ્વાર્થપરાયણતા, અપ્રામાણિકતા, અનૈતિકતા અને ગેરવર્તણૂક જેવી બદીઓને પણ આપણા જીવનમાંથી નિર્મૂળ કરીએ. રાષ્ટ્ર પ્રત્યેની બેવફાદારી એ સૌથી મોટો ગુનો અને પાપ છે.

૬. જાહેર મિલ્કતઃ હે દેશવાસી નાગરિકો! આપણે પ્રજાકીય જાહેર મિલ્કતના રક્ષક છીએ. રાષ્ટ્રીય સંપત્તિનો દુર્વ્યય ન કરીએ. તેનો દુરુપયોગ પણ ન કરીએ. તેની ચોરી કે તેનો નાશ પણ ન કરીએ. તેનું પ્રેમપૂર્વક જતન કરીએ. આપણા દેશને સ્વચ્છ, ચોખ્ખો રાખીએ.

૭. એક કુટુમ્બઃ આપણા રાષ્ટ્રના તમામ નાગરિકો આપણા ભાઈઓ છે. આપણે બંધુત્વનો અનુભવ કરીએ. આપણે એકબીજાને ચાહીએ અને એક બનીએ.

૮. ધર્મઃ તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે સમાન આદરભાવ રાખીએ. તમામ ધર્મોના અનુયાયીઓ પ્રત્યે આત્મીયતા, બંધુભાવ કેળવીએ. સૌ પાસે આપણે જેવી વર્તણૂકની અપેક્ષા રાખીએ છીએ તેવી જ વર્તણૂક આપણે સૌ પ્રતિ રાખીએ.

૯.માનવીય અહિંસાઃ કોઈ પણ પ્રકારની હિંસા અને ધિક્કારથી દૂર રહીએ. હિંસા, જબરદસ્તી એ રાષ્ટ્રના ઉજ્જ્વલ નામ પરનું કલંક છે.

૧૦. અર્થ – વ્યવહારઃ ‘સાદુ જીવન અને ઉચ્ચ વિચાર’ અપનાવીએ. ઉડાઉ ન થઈએ. બધા જ પ્રકારના નિરર્થક ખર્ચને અટકાવીએ. કરકસરની ટેવ પાડીએ. જે કંઈ આપણી પાસે સંચિત છે તે સઘળુ આપણા કમનસીબ દેશબાંધવો સાથે વહેંચીએ.

૧૧. કાયદોઃ સામાજિક ન્યાયની પુષ્ટિ કરીએ અને નિયમોનું – કાયદાઓનું સન્માન કરીએ.

૧૨. સાર્વત્રિક અહિંસાઃ ‘અહિંસા પરમો ધર્મ’.અહિંસા સૌથી મોટો સદગુણ છે. કરુણા એ દૈવી ગુણ છે. પશુઓનું રક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે. ભારત-વર્ષનો આ ખાસ સંદેશ છે. તમામ જીવો પ્રત્યે માયાળુ બનીએ. આમ સાચા ભારતીય બનીએ.

૧૩. પર્યાવરણઃ માનવી અને કુદરતને છૂટા ન પાડી શકાય તેવા છે. માનવી અને તેની આસપાસનું કુદરતી પર્યાવરણ બંને એકબીજા સાથે સંકળાયેલા-વણાયેલા અને સમાન રીતે પરાવલંબી છે. કુદરતની દરેક વસ્તુનો આપણા પાલન, પોષણ અને રક્ષણમાં હિસ્સો છે. તેથી આપણે આપણી આસપાસના નૈસર્ગિક પર્યાવરણનું રક્ષણ કરીએ. પર્યાવરણની સમતુલા જાળવવી એ આપણી ફરજ છે. આપણા સલામત જીવન અને સર્વોત્કૃષ્ટ કલ્યાણ માટે તે સહાયરૂપ છે. રાષ્ટ્રના હવા અને પાણીને પ્રદુષિત કરવા તે રાષ્ટ્રીય ગુનો છે. આપણે આપણી ભૂતકાળની ભૂલોને સુધારી લેવી જોઈએ.

૧૪. એકતાઃ રાષ્ટ્રના નાગરિકો જેટલા વધુ સંપીને રહે એટલી તે રાષ્ટ્રમાં અવરોધો અને જોખમો સામે ઊભા રહેવાની શક્તિ વધુ. એકતામાં ચડતી છે, વિખવાદમાં પડતી. વર્તમાન ભારત માટે આ વાત બિલકુલ સાચી છે. તેથી આપણે આપણા દેશબાંધવો સાથે ગાઢ સુસંવાદમાં અને પ્રેમપૂર્ણ સદભાવનાઓ સાથે રહીએ. રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્ર્ના નાગરિકો પ્રત્યેનો પ્રેમ. એક ભારતીય નાગરિક તરીકેની આ આપણી માતૃભૂમિ ભારત પ્રત્યેની અત્યંત મૂલ્યવાન સેવા છે.

૧૫. કેળવણીઃ આપણે આપણા બાળકોમાં તથા કુટુમ્બીજનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર-ભક્તિ અને રાષ્ટ્રસેવાને જગાડીએ.

તમે તમારી જીવનરીતિ અને આચરણ વડે એક સાચા નાગરિક તરીકે ઝળકી ઊઠો અને દેશની સર્વોત્કૃષ્ટ સેવા કરો. જય હિંદ…


  • આ અતિ મૂલ્યવાન લખાણનું કાળજીપૂર્વક જતન કરીએ.
  • આમાં એક રાષ્ટ્ર તરીકેની આપણી એકતા અને અખંડિતતાનો પથ સમાહિત છે.
  • અન્યોન્ય પ્રત્યેની સદભાવના, શાંતિ અને સુસંવાદિતાનો પણ આ માર્ગ છે જે આપણી આબાદી અને સુખ માટે અત્યંત આવશ્યક છે.
  • વધુમાં વધુ લોકો આપણા સમાજજીવનના ક્ષેત્રે આ સંહિતાના મુદ્દાઓને જીવનરીતિ તરીકે અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરો તથા પ્રેરો.
  • આનાથી આપણું સર્વોત્તમ ભલું નિપજશે.

સંકલનકર્તાઃ દેશપ્રેમી દેશવાસીઓ.


Categories: દેશપ્રેમ | Tags: | Leave a comment

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું – ચિત્રભાનુ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,
દીનદુ:ખીયા ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે
મૈત્રી ભાવનું…

માર્ગ ભૂલેલાં જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું,
માનવતાની શુભ્ર ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાયે
મૈત્રી ભાવનું…

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ફળત્યાગનાં બે ઉદાહરણ (9)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૯ – ફળત્યાગનાં બે ઉદાહરણ

16. સંતોએ પોતાના જીવનથી આ વાત ચોખ્ખી બતાવી છે. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી હતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાનો સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુઃખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, “આ મારી ભક્તિનું ફળ ? આને સારૂ હું ઈશ્વરની ભક્તિ કરૂં છું ?” તેમને થયું કે માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગા કરવા માગે છે. તેમણે કહ્યું,

“ जाणूनि अंतर । टाळिशील करकर ।
तुज लागली हे खोडी । पांडुरंगा बहु कुडी ।।”

– મારૂં અંતર જાણી લઈ તું મારી કચકચ ટાળવાના પ્રયાસ કરીશ. હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લોભામણી બતાવી મને કાઢવા કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારૂં ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ. ભક્તિ ભક્તનો સ્વધર્મ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.

17. પુંડલિકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે વધારે ઊંડો આદર્શ બતાવે છે. પુંડલીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા. પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેની ઊંડી અંતરની મમતાવાળી ઈશ્વરભક્તિ હતી. કોઈક દીકરો બીજાંને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે. અથવા કોઈક દેસસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે. પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડલીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પરમેશ્વર તેવડો જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડલીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત્ ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું ‘પણ-સિદ્ધાંત’ માનવાવાળો છું. તું એકલો ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારૂ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શક્તો નથી માટે તું મને માફ કરજે.” આમ કહી પંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.
તુકારામ કૌતુક અને વિનોદમાં કહે છે,

“कां रे प्रेमें मातलासी । उभे केलें विठ्ठलासी ।।
ऐसा कैसा रे तूं धीट । मागें भिरकाविली वीट ।।”

– અલ્યા પ્રેમથી કેવો ફાટ્યો છે ! ખુદ વિઠ્ઠલને પણ ઊભો રાખ્યો ! અને ધીટ પણ કેવો કે પાછું ફરીને જોયા વગર તેને ઊભા રહેવાને પાછળ ઈંટ ફેંકી !

18. પુંડલીકે વાપરેલો આ ‘પણ – સિદ્ધાંત ’ ફળત્યાગની તરકીબનું એક અંગ છે. ફળત્યાગી પુરૂષની કર્મસમાધિ જેમ ઊંડી હોય છે તેમ તેની વૃત્તિ વ્યાપક, ઉદાર અને સમ હોય છે. એથી તરેહતરેહનાં તત્ત્વજ્ઞાનોની જંજાળમાં તે ફસાતો નથી અને પોતાનું જે હોય તેને છોડતો નથી. ‘नान्यदस्तीवादिनः‘ ‘આ જ છે એને બીજું નથી,’ એવા વાદવિવાદમાં પણ તે પડતો નથી. ‘આ પણ છે અને તે પણ છે. પરંતુ મારા પૂરતું આ જ છે,’ એવી તેની નમ્ર તેમ જ નિશ્ચયી વૃત્તિ રહે છે. એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “ મોક્ષને માટે શું ઘર છોડવું જ પડે ? ” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે?” જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે જ ઘર છોડવાની જરૂર શી ? “ ત્યાર બાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે શું બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરૂં છે અને ઘર છોડવાની જરૂર છે એ પમ ખરૂં છે. ” આનું નામ ‘પણ – સિદ્ધાંત’ છે.

19. પુંડલીકના દાખલા પરથી ફળત્યાગ કેટલી હદ સુધી પહોંચે છે એ જોવાનું મળે છે. ઈશ્વર તુકારામને જે લોભામણી આપીને ટાળવા માગતો હતો તેની સરખામણીમાં પુંડલીકને આપવા ધારેલી લોભામણીની ચીજ કેટલીયે મોહક હતી. પણ તેનાથીયે તે ભરમાયો નહીં. ભરમાઈ જાત તો ઠગાઈ જાત. એક વખત સાધનનો નિશ્ચય થઈ ગયા પછી છેવટ સુધી તેનું પાલન અને તેનો આચાર ચાલુ રહેવો જોઈએ. વચમાં સાક્ષાત્ ઈશ્વરનું દર્શન આડું આવીને ઊભું રહે તો તેને ખાતર સાધન છોડવાનું હોય નહીં. આ દેહ બાકી રહ્યો હોય તો સાધનને માટે છે. ઈશ્વરનું દર્શન તો જ્યારે જોઈએ ત્યારે હાથમાં જ છે. તે ક્યાં જવાનું હતું ? ‘सर्वात्मकपण माझें हिरोनि नेतो कोण? मनीं भक्तिची आवडी’ – મારૂં સર્વાત્મકપણું હરી જનારૂં કોણ છે ? મનમાં ભક્તિની રૂચિ છે. તે ભક્તિ પૂરી કરવાને આ જન્મ છે. ‘मा ते संगोडस्त्वकर्मणि’ એ ગીતાવચનના અર્થમાં એવી અપેક્ષા છે કે નિષ્કામ કર્મ કરતાં કરતાં અકર્મની એટલે કે છેવટની કર્મમુક્તિની એટલે જ મોક્ષની વાસના પણ રાખવી નહીં. વાસનામાંથી છુટકારાનું નામ જ મોક્ષ છે. મોક્ષને વાસનાની શી જરૂર ? ફળત્યાગથી આટલો પંથ કાપ્યો એટલે જીવનની કળા સોળે કળાએ સિદ્ધ થઈ જાણવી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

હરીજન વીરલા આવો રે (49)

રાગઃ- પારકો આજો દીલમાં ન આણીએ

હરીજન વીરલા આવો રે સંતો મુખે સ્વાતુ ઝરેરે હોજી
ઝરમર ઝરમર વરસે મધુરા મેઘ
છીપમાંહે મોતી રે અમૂલખ નીપજે રે હોજી –ટેક

જીરે સંતો મારા હરિજન હીરલાના હાટડાં હોજી
મારા હરિજન હીરલા વોરે હીરા હીરાલાલ
ઝવેરી મળે તોરે કરે એના પારખાં –1

જીરે સંતો મારા હરીજન માન સરોવડા રે હોજી
મારા હરિજન હંસા બેસે સરોવર પાળ
મોતીડાં ચણેરે સવા સવા લાખનાં –2

જીરે સંતો મારા હરિજન ફૂલેલ ફૂલવાડી રે હોજી
મારા હરિજન ભમરા સુગંધ લેત સવાઇ
સ્વાદ અનેરો રે સુંઘે એને સાંપડે હોજી –3

જીરે સંતો સ્વાતીલાં સજ્જન અમને જો મળે હોજી
પ્રેમરસ પીએ ને અમને પાય
દાસના દાસ રે ભજનપ્રકાશ બોલીયા રે –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.