Daily Archives: 12/11/2008

વૈષ્ણવજન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી – નરસિંહ મહેતા

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

મધ્યે મહાભારતમ્ – (1)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
પ્રાસ્તાવિક આખ્યાયિકા
પ્રકરણ ૧ – मध्ये महाभारतम्

પ્રિય બંધુઓ,

(૧.) આજથી હું શ્રીમદભગવદ્ગીતા વિષે વાતો કરવાનો છું. ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે. મારૂં શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીયે વધુ મારા હ્રદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્કને જગ્યા રહેતી નથી. તર્કને છોડી, શ્રદ્ધા ને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું. ઘણુંખરૂં હું ગીતાના વાતાવરણમાં હોઉં છું. ગીતા એટલે મારૂં પ્રાણતત્ત્વ. બીજા કોઈકની સાથે ગીતા વિષે હું કોઈક વાર વાતો કરૂં છું ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતો હોઉં છું અને એકલો હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસું છું. આવી આ ગીતામાઈનું ચરિત્ર દર રવિવારે મારે કહેવું એવું નક્કી થયું છે.

2. ગીતાની ગોઠવણ મહાભારતમાં કરવામાં આવી છે. આખાયે મહાભારત પર પ્રકાશ નાખતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે. એક બાજુ મહાભારતનાં છ અને બીજી બાજુ બાર પર્વ એમ મધ્યભાગે અને તેવી જ રીતે ક તરફ સાત અક્ષૌહિણી અને બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાની વચ્ચે એમ પણ મધ્યભાગે રહીને ગીતાનો ઉપદેશ થયેલો છે.

3. મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. રામ, સીતા, ધર્મ, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેનાં ચરિત્રોએ મંત્રની જેમ આખાયે ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે. દુનિયામાં બીજાં મહાકાવ્યોમાંનાં પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલાં જોવાનાં મળતાં નથી. આ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્ભુત ગ્રંથો છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે. એક લાખ શ્લોકો રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્યો ઘણી કાબેલિયતથી આબેહૂબ દોર્યાં છે. તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષથી ભરેલું એવું પણ કંઈ નથી એ વાત મહાભારતે ચોખ્ખેચોખ્ખી કહી છે. એમાં ભીષ્મ ને યુધિષ્ઠિર જેવાના દોષો બતાવેલા છે અને તેથી ઊલટું કર્ણ ને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રકટ કરી બતાવ્યા છે. માનવીનું જીવન ધોળા ને કાળા ધાગાનો બનેલ પટ છે એ વાત મહાભારત કહે છે. વિશ્વમાંનું વિરાટ સંસારનું છાયાપ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાયા વગર અળગા રહીને બતાવે છે. વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમ જ ઉદાત્ત ગૂંથણીની કુશળતાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે. જેને જોઈએ તે એમાંથી શોધન કરીને ભરપટ્ટે સોનું લૂંટી શકે છે.

4. આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરૂં પણ તેમને પોતાને પોતાનું એવું કંઈ કહેવાનું હતું નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંયે આપ્યો છે ખરો ? મહાભારતમાં કયે ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે ? અનેક જાતનાં તત્ત્વજ્ઞાનનાં અને તરેહતરેહના ઉપદેશોનાં વનનાં વન ઠેકઠેકાણે મહાભારતમાં ફેલાયેલાં છે. પણ એ બધાં તત્ત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજુ કર્યું છે કે નથી ? હા, કર્યું છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ગીતામાં આપ્યું છે. ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો સંઘરો છે. એના આધારથી ‘ मुनिओमां हुं छुं व्यास ’ એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે. પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે. ગીતા ઉપનિષદનુંયે ઉપનિષદ છે. કેમકે બધાં ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી જગતને આપ્યું છે. જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એકેએક વિચાર ગીતામાં સમાયેલો છે. એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરૂષોએ યથાર્થ કહ્યું છે. ગીતા નાનો સરખો તોયે હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે.

5. ગીતા શ્રીકૃષ્ણે કહી છે એ બીના સૌ કોઈ જાણે છે. આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ ‘ કૃષ્ણ ’ સંજ્ઞા મળી, ઈશ્વર અને તેના ભક્તના હ્રદયનું રહસ્ય પ્રગટ કરતાં કરતાં વ્યાસદેવ પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમનેયે લોકો‘ કૃષ્ણ ’ નામથી ઓળખવા લાગ્યા. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ એવું એ ત્રણેમાં જાણે કે અદ્વૈત પેદા થયું. ત્રણેની જાણે કે એકચિત્ત બની સમાધિ થઈ. ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


આત્માના અજ્ઞાનથી જન્માદિ દુઃખ પ્રતીત થાય છે.

શિષ્ય ઉવાચ |

ચૌપાઈ

હે પ્રભુ! પરમાનન્દ બખાન્યો, મેરો રુપ સુ મૈં પહિચાન્યો |
નહિ તોમૈં ભવબંધન લેશા, કહ્યો આપ પુનિ યહ ઉપદેશા || ૪૩ ||
યામૈં શંકા મુહિ યહ આવે, જાતૈં તવ વચ હિય ન સુહાવે |
નહિ મોમૈં યહ બંધપસારો, કહો કૌન તૌ આશ્રય ન્યારો || ૪૪ ||

શિષ્ય કહે છે કે ભગવન્ આપે કહ્યું કે તું પરમાનંદસ્વરૂપ છે, તે મેં સારી રીતે જાણ્યું; પણ આપે કહ્યું કે, જન્મમરણ વગેરે સંસારદુઃખ તારામાં નથી. માટે તેની નિવૃત્તિ સંભવતી નથી તેમાં મને એક શંકા થાય છે, જેથી આપનાં વચન હ્રદયમાં ઊતરતાં નથી. મરામાં (એટલે આત્મામાં) જન્માદિક દુઃખ નથી, ત્યારે તે જેનામાં હોય એવો મારાથી જુદો આશ્રય કૃપા કરી બતાવો, કે જેથી સંસારદુઃખ જાણીને હું મારા પોતાનામાં માનું નહિ. (૪૩,૪૪)

શ્રી ગુરુરુવાચ |

સોરટા

સુનહુ શિષ્ય મમ બાનિ, જાતૈં તવ શંકા મિટૈ |
હૈ જગકી અતિ હાનિ, તો મોમૈં નહિ ઔર મૈં ||૪૫||

ગુરુ કહે છે કે હે શિષ્ય! મારી વાત સાંભળ કે જેથી તારી શંકા નાશ પામે. જન્માદિ દુઃખરૂપ સંસાર તારામાં, મારામાં કે કોઈનામાં પણ નથી (કેમ કે જગત થયું નથી ને છે પણ નહિ; તો તેનાથી થતું દુઃખ શી રીતે હોય? (૪૫)

તત્વદૃષ્ટિરુવાચ |

દોહા

હે ભગવન્ કહું કે નહીં જન્મમરણ જગખેદ |
વ્હૈ પ્રત્યક્ષ પ્રતીતિ ક્યોં? કહો આપ યહ ભેદ || ૪૬ ||

શિષ્ય પૂછે છે, હે ભગવન્! જ્યારે જન્મમરણ વગેરે સંસારદુઃખ મારામાં કે બીજા કોઈનામાં નથી, ત્યારે દુઃખની પ્રત્યક્ષ પ્રતીતિ કેમ થાય છે એ ભેદ સમજાવો. (૪૬)

શ્રીગુરુરુવાચ |

આત્મરુપ અજ્ઞાનતૈં, વ્હૈ મિથ્યા પરતીતિ |
જગત સ્વપ્ન નભનીલતા, રજ્જુભુજંગકી રીતિ || ૪૭ ||

ગુરુ કહે છેઃ જેમ સ્વપ્નના પદાર્થ, આકાશમાં નીલતા અને દોરડીમાં સાપ વસ્તુતઃ છે જ નહિ, તથાપિ મિથ્યારૂપે દેખાય છે ખરાં (અને તેથી સુખદુઃખ પણ ઊપજે છે); તેમ જ જન્મમરણ વગેરે જગત વસ્તુતઃ છે જ નહિ, તથાપિ આત્માના ખરા સ્વરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા પ્રતીત થાય છે અને મિથ્યા જગતથી ઊપજતાં સુખદુઃખ પણ મિથ્યા જ પ્રતીત થાય છે. (૪૭)

રજ્જુસર્પ – દૃષ્ટાંતમાં રહેલું રહસ્ય

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

મિથ્યા સર્પ રજ્જુમૈં જૈસે, ભાસ્યો ભવ આતમમૈં તૈસે |
કૈસે સર્પ રજ્જુમૈં ભાસે, યહ સંશય મનબુદ્ધિ વિનાસે || ૪૮ ||

તત્વદૃષ્ટિ પૂછે છે કે જેમ દોરડીમાં સાપ મિથ્યા ભાસે છે, તેમ આત્મામાં સંસાર મિથ્યા ભાસે છે, એમ આપે કહ્યું. (હવે દૃષ્ટાંત સારી રીતે સમજાયા વિના સિદ્ધાંતનું જ્ઞાન થાય નહિ; માટે હું પૂછું છું કે) દોરડીમાં સાપ શી રીતે ભાસે છે, એ મને સમજાવો; કેમ કે એ સંશય મારા મનને તથા બુદ્ધિને ગૂંચવી નાખે છે. (૪૮)

અધ્યાસ વિષે ચાર મત અથવા ચાર ખ્યાતિઓ

અસતખ્યાતિ પુનિ આતમખ્યાતિ, ખ્યાતિ અન્યથા અરુ અખ્યાતિ |
સુને ચારિમત ભ્રમકિ ઠૌરા, માનૂં કૌન કહૌ યહ બ્યૌરા || ૪૯ ||

દોરડીમાં સાપ, છીપમાં રૂપું ઈત્યાદિ ભ્રમ જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં તે થવા વિષે ચાર પ્રકારના મત મેં સાંભળેલા છે; એટલે અસત્ ખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારમાંથી હું (ભ્રમના સંબધમાં) ક્યો મત શ્રેષ્ઠ માનું.

અખ્યાતિ-મતખંડન

શ્રીગુરુરુવાચ |

દોહા

ખ્યાતિ અનિર્વચનીય લખિ, પંચમ તિનતૈં ઔર |
યુક્તિહીન મત ચારિ યે, માનહુ ભ્રમકી ઠૌર ||૫૦ ||

ગુરુઃ- હે શિષ્ય! પાછળ જે ચાર ખ્યાતિઓ કહિ, તેનાથી પાંચમી એક અનિર્વચનીય ખ્યાતિ છે; તેને સઘળાં ભ્રમનાં ઠેકાણાંમાં સમજવી અને અસતખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારે મત યુક્તિહીન હોવાથી તજવા જેવા છે. (૫૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

નાથ તારી અકળતી માયા (41)

રાગઃ- જગત છે ઝાંઝવાનું પાણી

નાથ તારી અકળતી માયા, એનો પાર કીસે ન પાયા –ટેક

પવન પાણી પૃથ્વી આકાશ, બનાવ બહુ બનાયા
ચંદ્ર સૂરજ નવલખ તારા, થંભ વિણ ઠેરાયા –1

નિર્ગુણ બ્રહ્મ અદ્વૈત અવિનાશી, એકથી અનેક ઉપાયા
જીવ શિવ તણો ભેદ મીટે નહીં, અટપટા ખેલ બનાયા –2

એક પિતાના લાડકવાયા, એના વિધ વિધ ખેલ લખાયા
એક જ્ઞાની અને એક અજ્ઞાની, એક રંક એક રાયા –3

તારી માયાનો પાર ન પાવે, મહાજ્ઞાની મુંઝાયા
ભજનપ્રકાશ આ મિથ્યા સ્વપ્નું, અસતમાં સૌ અટવાયા –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.