Daily Archives: 11/11/2008

જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !


આ ગીત રણકાર પર સાંભળવા અહીં ક્લીક કરો


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ગીતા પ્રવચનો – વિનોબા


મિત્રો,
શ્રી વિનોબાજીએ ભગવદ ગીતા ઉપર સુંદર પ્રવચનો આપ્યાં હતાં જે ગીતા પ્રવચનો તરીકે ઓળખાય છે. આપણે અહીં ક્રમે ક્રમે તે માણવાનો પ્રયત્ન કરશું. આવું અમુલ્ય સાહિત્ય બહુજન હિતાય બહુજન સુખાય અનેક લોકો સુધી કોમ્યુટરના માધ્યમ દ્વારા દેશ – વિદેશમાં વંચાય એ જ એક માત્ર હેતુ તેને અહીં પ્રકાશીત કરવાનો છે. આ પુસ્તકના બધા જ હકો જે તે પ્રકાશકોના જ છે અહીં તો માત્ર કોઈપણ જાતના આર્થિક લાભ મેળવ્યા વગર આ જ્ઞાનને વહેંચવાનો જ ઉદ્દેશ છે.
(અતુલ જાની)


બે બોલ

‘गीता प्रवचनो ‘એ હવે ભારતીય જનતાનું પુસ્તક થયું છે. ભૂદાનયજ્ઞનું વાતાવરણ નિર્માણ કરવાના કામમાં તેનો ઉપયોગ થતો હોવાને લીધે તેની નકલો ગામેગામ અને ઘેરેઘેર જાય છે.

ગીતાની માફક આ પ્રવચનો પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્રમાં પ્રગટ થયાં છે. ઓગણીસસો બત્રીસની સાલમાં ધૂળિયાની જેલમાં અનાયાસે ઘણા સંત-મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો. તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલાં. એથી સ્વાભાવિક રીતે રોજેરોજના વહેવારમાં ઉપયોગી વાતોની એમાં ચર્ચા આવે છે. જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદો આમાં પેઠા નથી. મને પાકો ભરોસો છે કે શું ગામડાંમાં કે શું શહેરોમાં, સામાન્ય મજૂરી કરી જીવન ગુજારનારાં શ્રમજીવીઓને આમાંથી મનનું સમાધાન મળશે, એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે.

આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી એ તેની હું મોટી કૃપા ગણું છું. આ બધાં પ્રવચનો લખી લેવાને સાને ગુરૂજી જેવા સિદ્ધહસ્ત કાબેલ સત્પુરૂષ મળ્યા એ પણ તેની જ કૃપા. હિંદુસ્તાનભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યાં છે, તે બધે ઠેકાણે એમનાથી સૌ કોઈને હ્રદયશુદ્ધિ અને જીવનના વહેવારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે. મને એવી વાસના રહે છે કે ઘેરઘેર આ પ્રવચનોનું શ્રવણ, પઠન અને મનન થાઓ! આમાં મારૂં કંઈ નથી. હું તો તુકારામના શબ્દોમાં કહું છું કે,

शिकवुनि बोल । केलें कवतुक नवल
आपणियां रंजविलें । बापें माझिया विठ्ठलें

શીખવીને બોલ, કર્યું કૌતુક નવલ
રીઝવ્યો પોતાને, બાપ મારા વિઠ્ઠલે

પરંધામ, પવનાર ( વિનોબા )
૨૨-૧-‘૫૧


વધુ આવતા અંકે


Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


વિષયના યોગથી આનંદ કેમ ભાસે છે?

તત્વદૃષ્ટિરુવાચ |

વિષયસંગ ક્યૂં ભાન વ્હૈ, જો મૈં આનન્દરુપ |
અબ ઉત્તર યાકો કહૌ, શ્રીગુરુ મુનિવરભૂપ || ૩૩ ||

શિષ્યઃ હું (આત્મા) જો આનંદરૂપ હોઉં, તો મને વિષયના સંગથી આનંદ કેમ ભાસે છે? હે ગુરો! હે મુનિવરોમાં શ્રેષ્ઠ! એનો ઉત્તર મને કહો (૩૩)

અંતર્મુખ વૃત્તિમાં આનંદ, વિષયમાં નથી.

શ્રીગુરુરુવાચ |

ચૌપાઈ

આતમવિમુખ બુદ્ધિજન જોઈ, ઈચ્છા તાહિ વિષયકી હોઈ |
તાસૂ ચંચલ બુદ્ધિ બખાની, સુખ આભાસ હોઈ તહં હાનિ || ૩૪ ||
જબ અભિલષિત પદારથ પાવૈ, તબ મતિ છનક વિછેપ નશાવૈ |
તામેં વ્હૈ આનંદપ્રતિબિંબા, પુનિ છનમૈં બહુ ચાહ વિડંબા || ૩૫ ||
તાતે વ્હૈ થિરતાકી હાનિ, સો આનંદપ્રતિબિંબ નશાની |
વિષસંગ આનંદજુ હોઈ, બિન સતગુરુ યહ લખૈ ન કોઈ || ૩૬ ||

જે માણસની બુદ્ધિ આત્માથી વિમુખ હોય છે, તેને વિષયની ઈચ્છા થાય છે; તેથી તેની બુદ્ધિ ચંચળ થાય છે અને એ ચંચળ બુદ્ધિમાં સુખરૂપ આભાસ નાશ પામે છે. (૩૪) જ્યારે તે માણસ પોતાના ઈચ્છેલા પદાર્થ પામે છે, ત્યારે ક્ષણવાર તેની બુદ્ધિમાંથી વિક્ષેપ નાશ પામવાથી બુદ્ધિ સ્થિર થાય છે અને તેમાં આનંદનું પ્રતિબિંબ પડે છે, એટલે તેને વિષયથી સુખ મળ્યું હોય, એમ ભ્રાંતિ થાય છે; તેથી તે વિષયોની ફરી ઈચ્છા કરે છે. (૩૫) એમ થવાથી તેની બુદ્ધિની સ્થિરતા વળી નાશ પામે છે અને તે વખતે તે આનંદનું પ્રતિબિંબ પણ નાશ પામે છે. એવી રીતે વિષયના સંગથી આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સદગુરુ વિના કોઈ જાણતું નથી.

દોહા

વિષયસંગતે વ્હૈ પ્રગટ, આતમ આનંદરુપ |
શિષ્ય સુનાયો તોહિ મૈં, યહ સિદ્ધાંત અનૂપ || ૩૭ ||

સોરઠા

સો તૂં નોહિ વ ભાખ, જો યામૈ શંકા રહી |
નિજ મતિ મૈં મતિ રાખ, મૈં તાકો ઉત્તર કહું || ૩૮ ||

ગુરુ કહે છે કે, હે શિષ્ય! વિષયના સંગથી આત્માનું આનંદરૂપ શી રીતે પ્રકટ થાય છે, તેનો અનુપમ સિદ્ધાંત મેં તને સંભળાવ્યો. (૩૭) જો તને એમાં કાંઈ શંકા રહી હોય, તો હવે તારા મનમાં ને મનમાં ન રાખતાં મને કહિ દે, કે જેથી હું તેનો ઉત્તર તને કહું. (૩૮)

જ્ઞાનીને વિષયનાસંબધથી આનંદનું ભાન થાય કે નહિ?

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

ભો ભગવન્ તુમ દીનદયાલા, મેટ્યો મમ સંશય તતકાલા |
યામૈં કછુક રહી આશંકા, સો ભાખું અબ વ્હૈ નિર્બકા || ૩૯ ||
આતમવિમુખ બુદ્ધિ અજ્ઞાની, તાકી યહ સબ રીતિ બખાની |
જ્ઞાની જનકો કહૈ વિચારા, કોઉ ન તુમ સમ ઔર ઉદારા || ૪૦ ||

શિષ્ય કહે છે કે હે ભગવન્ આપ તો દીનદયાળ છો; તેથી આપે મારો સંશય તત્કાળ દૂર કર્યો છે, પણ એમાં કંઈક શંકા મને રહી છે, તે હું આપને નમ્રપણે વિદિત કરું છું. (૩૯) જે લોકો આત્માને જાણતા નથી, એટલે જેમની બુદ્ધિ આત્મા તરફ નથી, પણ આત્માથી વિરુદ્ધ દિશાએ એટલે બહારના વિષયો તરફ છે, તેમને તો આત્મામાંથી મળતો આનંદ વિષયોમાંથી મળે છે, એવા ભ્રમથી તેઓ વિષયની ઈચ્છા કરે છે; પણ જેઓ જ્ઞાની છે, તેમને વિષયોની ઈચ્છા થતી હશે કે નહિ? અને તેમને પણ વિષયોમાંથી આનંદ મળતો હશે કે નહિ? હે ભગવન્ તમારા સમાન ઉદાર બીજા કોઈ નથી. (૪)

બે પ્રકારના આત્મવિમુખ વિષયાનંદ સ્વરુપાનંદથી જુદા નથી

શ્રી ગુરુરુવાચ |

દોહા

સુનહુ શિષ્ય ઈક બાત મમ, સાવધાન મન કાન |
હૈં વિધ આતમવિમુખ, અજ્ઞાની રુ સુજાન || ૪૧ ||
વ્હૈ વિસ્મૃત વ્યવહારમેં, કબહુક જ્ઞાની સંત |
અજ્ઞાની વિમુખ હિ રહૈ, યહ તૂ જ્ઞાન સિદ્ધંત || ૪૨ ||

હે શિષ્ય! મન અને કાનને સાવધ રાખીને મારી એક વાત સાંભળ. આત્મવિમુખ બે પ્રકારના છેઃ (૧) અજ્ઞાની અને (૨) જ્ઞાની. (૪૧) જ્ઞાની સંત પુરુષ પણ કોઈક વખત વ્યવહારમાં આત્મસ્વરૂપને ભૂલી જાય છે; પણ અજ્ઞાની તો સદૈવ આત્મસ્વરૂપથી વિમુખ જ હોય છે, એવો સિદ્ધાંત તારે જાણી લેવો.


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

જોજો આ માયા છે મસ્તાની (40)

રાગઃ- બેલીડા બેદલનો સંગ નવ કરીએ

જોજો આ માયા છે મસ્તાની –ટેક

રાવણ જેવા રાજવીની, ન રહી નામ નિશાની
સીતાજીની ચોરી કરતાં, લંકા થઇ ધૂળ ધાણી –1

દ્રૌપદી સતીના ચીર ખેંચ્યા, કૌરવ સભામા આણી
કૌરવ કુળમાં રહ્યું ન કોઇ, પીવડાવવા એને પાણી –2

સુરના સ્વામી ઇંદ્રની મતિ, અહલ્યામાં ઓરાણી
કામી નર કલંક પામ્યાં, એની નામની નિંદવાણી –3

કાચના કૂડા નરની ઇ, અંતમાં ઓળખાણી
કામી નર તો કુટાઇ ગયા, કહેવા ન રહ્યું કહાની –4

સમજુ નર તો ચેત્યા જેની, જુવાની જરવાણી
ભજનપ્રકાશ એની વધામણીની, વાતુ વૈંકુંઠમાં વંચાણી –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.