ગતાંકથી આગળ
તરંગ ત્રીજો
ગુરુશિષ્ય લક્ષણ અને ગુરુભક્તિફળ
(૧) ગ્રંથારંભની પ્રતિજ્ઞા
દોહા
પેખ ચારિ અનુબન્ધયુત, પઢૈ સુનૈ યહ ગ્રન્થ |
જ્ઞાનસહિત ગુરુસે જુ નર, લહૈ મોક્ષકો પન્થ || ૧ ||
ચારે અનુબંધ સહિત ગ્રંથને જાણી જ્ઞાની ગુરુ પાસેથી જે આ ગ્રંથ ભણે અથવા એકાગ્ર ચિત્ત કરી સાંભળે, તેને મોક્ષનો માર્ગ જે જ્ઞાન તે પ્રાપ્ત થાય છે. (૧)
દોહા
અનાયાસ મતિ ભૂમિમૈં જ્ઞાન ચિમન આબાદ |
વ્હૈ ઈહિ કારન કરત હૂં, ગુરુશિષ્યસંવાદ || ૨ ||
શ્રોતાની બુદ્ધિરૂપી પૃથ્વીમાં જ્ઞાનરૂપી બાગ વિના પ્રયાસે આબાદ થાય (અર્થાત્ ગ્રંથનો બોધ શ્રોતાને સુખથી થાય) માટે ગુરુશિષ્યના સંવાદરૂપે આ ગ્રંથનો આરંભ કરીએ છીએ. (૨)
(૨) ગુરુનું લક્ષણ
ચૌપાઈ
વેદ અર્યકૂં ભલે પિછાનૈ, આતમ બ્રહ્મરુપ ઈક જાનૈ |
ભેદ પન્ચમ કી બુદ્ધિ નશાવૈ, અદ્વય અમલ બ્રહ્મ દરશાવૈ || ૩ ||
ભવ મિથ્યા મૃગતૃષા સમાના, અનુલવ ઈમ ભાષત નહિ આના |
સો ગુરુ દે અદ્ભુત ઉપદેશા, છેદક શિખા ન લુન્ચિત કેશા || ૪ ||
જે ગુરુ વેદના અર્થને ભલા પ્રકારે જાણતા હોય તથા આત્મા અને બ્રહ્મને એકરૂપે જાણતા હોય, જે ગુરુ પાંચ પ્રકારના ભેદની બુદ્ધિનો નાશ કરે તથા દ્વૈતરહિત અને નિર્મળ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે વળી જે ગુરુ સંસારને મૃગતૃષ્ણા સમાન મિથ્યા છે અને બ્રહ્મભિન્ન બીજું કાંઈ છે નહિ એમ સર્વદા કહ્યા કરે છે, એવો ગુરુ અદ્ ભુત ઉપદેશ આપવાને યોગ્ય છે. તે સિવાય શિષ્યની શિખા કાપનારા અથવા માથાના વાળનો લોચ કરનારા (તોડીને બોડું કરનારા) ગુરુ ઉપદેશ આપવાને યોગ્ય નથી. (૩,૪)
કરત મોક્ષ ભવગ્રાહતે, દે અસિ નિજ ઉપદેશ |
સો દૈશિક બુધ જન કહત, નહિ કૃત ગૈરિકવેશ || ૫ ||
જે પોતાની ઉપદેશરૂપી તલવારથી સંસારરૂપી મગરને મારીને તેનાથી શિષ્યને છોડાવે છે, તેને પંડિતો આચાર્ય કહે છે, માત્ર ભગવાં લૂગડાં ધારણ કરનારને નહિ. (૫)
શિષ્યનાં લક્ષણ
દૈશિક કે લક્ષણ કહે, શ્રુતિ મુનિ વચ અનુસાર |
સો લક્ષણ હૈ શિષ્યકે, વ્હૈ જિતને અધિકાર || ૬ ||
વેદ અને શાસ્ત્રનાં વચનોને અનુસરીને ઉપર ગુરુનાં લક્ષણો કહ્યાં છે. હવે જે સાધનોથી ગ્રંથ સમજવાનો અધિકાર (યોગ્યતા) પ્રાપ્ત થાય, તે સાધનોને શિષ્યનાં લક્ષણો જાણવાં; અર્થાત્ પાછળ પહેલા તરંગમાં વિવેકાદિ અધિકારીનાં લક્ષણો કહ્યાં છે, તે જ લક્ષણોને શિષ્યનાં જાણી લેવાં. (૬)
ગુરુભક્તિના ફળનું વર્ણન
ઈશ્વરતે ગુરુમેં અધિક, ઘોર ભક્તિ સુજાન |
બિન ગુરુભક્તિ પ્રવીણ હૂં, લહૈ ન આતમજ્ઞાન || ૭ ||
શિષ્યે ઈશ્વર કરતાં પણ ગુરુની વધારે ભક્તિ કરવી; કેમ કે કોઈ માણસ સઘળાં શાસ્ત્રોમાં પ્રવીણ હોય, તથાપિ ગુરુભક્તિ વિના આત્મજ્ઞાન મેળવી શકતો નથી. (૭)
વેદ ઉદધિ બિનગુરુ લખૈ, લાગૈ લૌન સમાન |
બાદર ગુરુમુખ વ્હૈ, અમૃતસે અધિકાન || ૮ ||
વેદરૂપી સમુદ્રનું પાન જો ગુરુ વિના કરે, તો તે લવણ સમાન ખારું લાગે છે; પણ તે જ જળ ગુરુમુખરૂપી વાદળને દ્વારે આવે છે, ત્યારે અમૃતથી પણ વધારે મીઠું લાગે છે. (૮)
જ્ઞાની ગુરુ પાસેથી વેદાર્થનાં પાઠ અને શ્રવણની યોગ્યતા
દતિપુટ ઘટ સમ અજ્ઞ જન, મેઘ સમાન સુજાન |
પઢે વેદ ઈહિ હેતુતૈં, જ્ઞાનીપૈ તજિ આન || ૯ ||
અજ્ઞાની માણસો ચામડાની બોખ અથવા મસક જેવા છે. ચામડાની બોખથી સમુદ્રનું પાણી આણીએ, તેમાં કોઈ વિલક્ષણ સ્વાદ આવતો નથી, તેમ અજ્ઞાની માણસ પાસેથી ગ્રહણ કરેલા વેદરૂપી સમુદ્રનું અર્થરૂપી જળ પણ વિલક્ષણ આનંદ આપતું નથી; માટે અજ્ઞાની ગુરુઓ ચામડાની બોખ જેવા છે. જ્ઞાની ગુરુ મેઘ જેવા છે, તે વાત પૂર્વે કહેવાઈ છે; માટે ચર્મપાત્ર જેવા અજ્ઞાની ગુરુઓને છોડીને મેઘ સમાન જ્ઞાનીગુરુ પાસેથી વેદના અર્થ શીખવા અથવા સાંભળવા. (૯)
ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે
બ્રહ્મરુપ અહિ બ્રહ્મવિત, તાકી બાની વેદ |
ભાષા અથવા સંસ્કૃત, કરત ભેદભ્રમ છેદ || ૧૦ ||
બ્રહ્મવેત્તા પુરુષ બ્રહ્મરૂપ છે એ વાત શ્રુતિમાં પ્રસિદ્ધ છે; માટે તેની વાણી વેદરૂપ છે; પછી તે પ્રાકૃત ભાષારૂપ હોય કે સંસ્કૃતરૂપ હોય, તથાપિ તે ભેદરૂપી ભ્રમનો નાશ કરે છે; અર્થાત્ આત્માના સ્વરૂપનાં પ્રતિપાદક વાક્યોથી જ્ઞાન થાય છે, પછી તે વેદનાં હોય કે બીજાં હોય; માટે ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે. (૧૦)
વધુ આવતા અંકે