Daily Archives: 18/11/2008

અજ્ઞાતમાં ડૂબકી – પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૌરુષ પર વિચાર

તા.16-02-2003, રવિવાર (શિષ્યો)

પ્રજ્ઞાબહેનનો પ્રશ્નો-
પ્રશ્નઃ- (4) ક્રીયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પણ પ્રારબ્ધ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ – છે કે કેમ? તે જણાવવા કૃપા કરશો.

પ્રશ્નઃ- (5) આ જન્મનો પુરુષાર્થ તથા પુર્વ જન્મનો પુરૂષાર્થ તેમ બે પુરુષાર્થ છે. તેમાં પુર્વ જન્મના પુરુષાર્થને પ્રારબ્ધ કહી શકાય કે કેમ? તે જણાવવા કૃપા કરશો.

રામભાઇનો પ્રશ્નઃ-
પ્રશ્નઃ- (6) પૌરૂષ એટલે શુ?


તા.23-02-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

પ્રજ્ઞાજીનો પ્રશ્નઃ- ક્રીયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પણ પ્રારબ્ધ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ – છે કે કેમ?

પ્રત્યુત્તરઃ-(4),(5),(6) હવે આ પ્રશ્નમાં પ્રારબ્ધ છે કે કેમ? તે મુખ્ય પ્રશ્ન છે. માટે પ્રારબ્ધ તે શું છે તેનો મુખ્ય વિચાર કરવો પડે. અને તે યોગવશિષ્ઠમાં ખુબજ દાખલા, દ્રષ્ટાંત, સિધ્ધાંતથી સમજાવેલ છે. છતા વિષય ઘણો જ ગહન હોવાથી માત્ર સ્વીકાર થતો હોય છે. અને શાસ્ત્ર કહે છે માટે તે સાચું છે તેવી શ્રધ્ધાથી આપણે સ્વીકાર કરી લેતા હોઇએ છીયે. પરંતુ તેવા સ્વીકારથી માત્ર સ્વીકારનો સંતોષ હોય છે. પરંતુ જે અનુભવ સાથે જે સ્વીકાર હોય છે તે જ સ્વીકાર સાચો હોય છે. તે સંતુષ્ટી સાચી સંતુષ્ટી છે. અને જરૂર જે કોઇ શાસ્ત્ર કહે છે તે વશિષ્ઠ કે વાલ્મીકી જેવા સમધિષ્ઠ, તપસ્વી, અનુભવી મહાપુરુષોના અનુભવમાંથી જે શબ્દો બહાર આવ્યા છે તે જ શાસ્ત્ર યોગવશિષ્ઠ બન્યું છે તેથી તે શાસ્ત્ર વચન જુઠું ન હોય અને તેને સ્વીકારવું પડે અને સ્વીકારીને ચાલવાથી હાની પણ નથી. લાભ લાભ તથા લાભ જ છે. તો પ્રારબ્ધ છે કે કેમ તેના પર સ્વબુધ્ધિ મતે વિચાર આપીશ. તો પહેલું આપણે વિચારવું પડશે કે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે કોનુ? તો પ્રત્યુત્તરમાં એ જવાબ મળશે કે પ્રારબ્ધ મારૂં. હવે મારૂં પ્રારબ્ધ કહેનાર કોણ? તો કહેવું પડશે કે હું આત્મા – જીવાત્મા. તો ત્યાં એક વાત નિશ્ચિત થઇ કે મારૂં પ્રારબ્ધ કહેનાર કોઇ પ્રારબ્ધથી ભીન્ન રહીને જુદો રહીને કહે છે કે મારૂં પ્રારબ્ધ. તો આ પ્રારબ્ધ કેમ બન્યું? કોણે બનાવ્યું? અને તે ક્યારે બન્યું? આ ત્રણ પ્રશ્નોમાં આપણે પ્રારબ્ધ કોણે બનાવ્યું તે ઉપર વિચાર પહેલાં કરશું. કારણ કે આ સૃષ્ટિ કોઇકની રચના છે. અને તે કોની રચના છે? તો કહેવું પડશે કે ઇશ્વરની રચના છે. અને જો ઇશ્વરની રચના હોય તો ઇશ્વર ઇશ્વર જ રહે અને પોતામાંથી પોતાના જ અંશરૂપમાં જે ચૈતન્ય જીવો છે તે ઇશ્વરના જ અંશો છે. અને જેમ અગ્નિનો તણખો અગ્નિરૂપ જ છે તેમ જીવો પણ ઇશ્વરના અંશો હોવાથી ઇશ્વરરૂપ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 15મો, શ્લોક 7મો

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानी कर्षति ।।

આ દેહમાં આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. અને આ ત્રિગુણમય માયામાં સ્થિત થઇને મન સહિત પાંચે ઇન્દ્રિયોને આકર્ષણ કરે છે. તો આરંભનો વિચાર કરીયે તો ઇશ્વરના જીવો ઇશ્વરરૂપ જ નિર્દોષ નિત્યશુધ્ધ નિત્યબુધ્ધ તથા નિત્યમુક્ત હતા. જો આમાં જીવની પોતાની કાંઇ પણ સ્વયંકૃતિ ન હોય તો ઇશ્વર નિર્દોષ જીવોને પાપ પુણ્ય વાસના અવિદ્યા ઇત્યાદીકથી દોષીત શા માટે કરે? અને જો કરે તો ઇશ્વરની નિર્દયતા સિધ્ધ થાય. તે વાત તો કોઇ શાસ્ત્ર કે સંતને પણ સ્વીકાર્ય નથી. તો ઇશ્વરની કરૂણા તથા દયાળુપણું છે તે ઉઠી જાય. માટે ઇશ્વરને તો નિર્દોષ જ માનવા પડશે. પરંતુ તેવા વિચારમાં બહુ ઉંડે ઉતરતા કે કલ્પના કરતાં જેનો કદી પણ અંત ના મળે કે સમાધાન ન મળે તેની કલ્પના કરવી તે કાલક્ષેપ (સમયનો બગાડ) કરવા જેવું છે. કારણ કે જે વસ્તુનો આરંભ જોઇ ન શકાય તેને માટે કાંઇ પણ કલ્પના કરવી તે વ્યર્થ છે. તેથી વેદાંતમાં બ્રહ્મ, માયા, ઇશ્વર, જીવ, તેનો સંબધ તથા પરસ્પરનો ભેદ આ છ વસ્તુને અનાદિ માનેલ છે. તેમા બ્રહ્મ એક જ અનાદિ તથા અનંત છે. અન્ય પાંચ અનાદિ સાંત માન્યા છે. તેથી આપણે તે નક્કી કરવું મુશ્કેલ છે કે પ્રારબ્ધ કોણે બનાવ્યું.

તેમાં બે કારણો મુખ્ય છે કે જો ઇશ્વર પ્રારબ્ધ બનાવે કે જીવને આપે તો જીવ પ્રારબ્ધથી મુક્ત થવામાં કે દુર કરવામાં પોતે પરાધિન સિધ્ધ થાય. જે પ્રારબ્ધ આપે તે જ પ્રારબ્ધને દુર પણ કરી શકે. અને તેવી પણ એક માન્યતા છે કે ઇશ્વરે જીવને પ્રારબ્ધ આપ્યું છે અને ઇશ્વર જ તેને દુર કરે. તેમાં ઇશ્વરની ભક્તિ કરીને ઇશ્વરને પ્રસન્ન કરવા જોઇએ. પછી પ્રસન્ન થયેલા ઇશ્વર જીવનો સ્વીકાર કરીને પોતાની માયાને હુકમ કરે છે કે તેને મુક્ત કર. તેમાં પણ ઇશ્વર પોતે પોતાની માયા શક્તિ દ્વારા સઘળું કરે છે. મે સંસારકે હાથોમેં, સંસાર તુમ્હારે હાથોમેં. ઇશ્વરના હાથમાં તેની માયા છે, સંસાર છે. માયા કે સંસારના હાથમાં જીવ છે. તેથી ઇશ્વર પોતાની ભક્તિ દ્વારા પ્રસન્ન થઇને જીવને પ્રારબ્ધથી મુક્ત કરે. આ થઇ જીવ, જગત તથા જગદીશને સાચા માનનારા આચાર્યોની માન્યતા. આ માન્યતામાં જીવ પરાધિન છે, તેથી પ્રારબ્ધથી મુક્ત થવામાં પણ પોતે સ્વતંત્ર નથી.

હવે જોઇએ વેદાંતમત – યોગવશિષ્ઠનો અજાતવાદ

તો વેદાંતમતે તો પરબ્રહ્મ પરમાત્માથી અન્ય કોઇ માયા કે અવિદ્યા તેવી વસ્તુ નથી. બસ નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, નિરંજન, નિર્વિશેષ સતા સામાન્યરૂપે એક અને દેશકૃત, કાલકૃત તથા વસ્તુકૃત પરિચ્છેદથી રહિત વિભુ તથા વ્યાપક બ્રહ્મ છે. અને માયાનો બ્રહ્મમાં આત્યંતિક અભાવ સ્વીકારેલો છે. તેથી નિર્ગુણ બ્રહ્મ નિરવયવ, નિરાકારમાં તો સૃષ્ટિ નથી. અને વેદાંતને સૃષ્ટિ સ્વીકાર્ય પણ નથી. તેથી સૃષ્ટિ છે જ નહીં. સૃષ્ટિનો સ્વીકાર કરવો હોય તો અધ્યારોપમાં કરો. અપવાદમાં સૃષ્ટિ નથી. તો અધ્યારોપ શુ છે? તો કહેવાનું કે અધિષ્ઠાનમાં થયેલો વસ્તુના અભાવમાં ભાવનો થયેલ આરોપ. જેમ રજ્જુમાં સર્પ નથી. સર્પ વસ્તુનો અભાવ છે છતાં સર્પનો ભાવ થયો અને તે સર્પભાવનો આરોપ તે અધિષ્ઠાન રજ્જુમાં અધ્યારોપ. તેમજ બ્રહ્મમાં માયા, અજ્ઞાન, અવિદ્યા જે કહેવું હોય તે કહો, તો કે અજ્ઞાન શું? તો કહે કે જે કોઇ વસ્તુનું જ્ઞાન નહીં તે અજ્ઞાન. તો માયા શબ્દ પણ જે માપે તે માયા, ભેદ પાડે તે. અને બીજારૂપ વસ્તુ કાંઇ ન હોય અને દેખાડે તે માયા. ઇન્દ્રજાલ કે મદારીનો ખેલ એ વિષયમાં વર્ણન કરવાની જરૂર નથી. તેથી આપણે તે વસ્તુને વિચારી ગયા છે કે અજ્ઞાન કે માયા તેવી કોઇ પણ વસ્તુ નથી. વસ્તુને ન જાણવી બસ તેનું નામ અજ્ઞાન. રજ્જુ જ હતી પણ ભ્રાંતિથી સાપરૂપે ભાસતી હતી. જેવી રજ્જુને જાણી કે તેનું જ્ઞાન થયું કે રજ્જુ જ રહી. બસ અજ્ઞાન તે કોઇ પણ વસ્તુ નથી. એટલે વેદાંત કહે છે જીવને પ્રારબ્ધ કોઇએ આપ્યું કે બનાવ્યુ નથી. જીવ પોતે આપ આપ જેમ વાંદરો કે પોપટ બંધાય છે તેમ બંધાય છે.

વાંદરો મુઠી ચણા માટે કુપમાં બંને હાથ નાખીને બંધ થઇ જાય છે તેમાં બંધનનું કારણ બીજું કાંઇ પણ નથી. ચણા ખાવાની ઇચ્છા, વાસના, સ્વાદ. મુઠી છુટતી નથી, બંધન છુટતું નથી તે તો કહેવું વૃથા છે. કારણ કે કોઇએ તેને બાંધ્યો નથી. આ ચણા ખાઇશ તો મજા આવશે તેવી સ્વાદની લાલચ, સુખ તે પણ અજ્ઞાન જ છે. તેને તે ખબર નથી હોતા કે આની પાછળ જેમાં સુખ નથી પરંતુ થોડી વસ્તુની લાલસા કે વાસનાએ પ્રવૃતિ કરાવી. બંધનથી તે જ ક્ષણે મુક્ત થઇ શકે છે પણ મમત્વ, ઇચ્છા, ચણાની મુઠી છોડવા દેતી નથી અને બંધાયો. પ્રારબ્ધ વળગ્યું, પોતે જ બનાવ્યું, પોતે જ ઇચ્છા વાસના કરીને રચ્યું. અને પોપટ પણ સ્વતંત્ર છે. નલીમાં બંધન પામે છે. ઉડતો નથી. પાંખો છે, નલીથી પગ છોડતો નથી અને ભ્રાંતિમાં પડે છે કે મને કોઇએ પકડ્યો છે.

બસ તેમજ આપણું જીવનું પણ છે. તેથી અજ્ઞાન ક્યારે વળગ્યું તે કહેવું અશક્ય છે. કારણ કે તેનો આદિ નથી. અને અજ્ઞાન ક્યાંથી આવ્યું તે પણ અજ્ઞાનીનો જ પ્રશ્ન છે, જ્ઞાનીનો નથી. આપણે નિંદ્રામાં કેમ સરકી ગયા, ક્યારે સ્વપ્ન શરૂ થયું તે જાણતા નથી. બસ બે સાવધમાં પોતાપણાની ભાન ગુમાવવી અને અન્ય કૃતિમાં લાગી જવું તેનું નામ જ અજ્ઞાન છે. તેથી પ્રારબ્ધ કોણે બનાવ્યું તેમાં વેદાંત મત સુંદર લાગે છે. અને આપણો પણ આપણા સત ચિત આનંદ સ્વરૂપનો જે સ્વભાવ તથા સ્વતંત્રતાનો વિચાર કરવાથી પણ ઠીક સમજાય છે કે વ્યક્તિ સ્વતંત્ર છે અને રહેવા પણ ઇચ્છે છે. તેથી પ્રારબ્ધ કોણે કર્યું કે બનાવ્યું તે પ્રશ્ન પુરો થાય છે. અને કેમ બન્યું તે પ્રશ્ન પણ પુરો થાય છે. કારણ કે ઉપરના દ્રષ્ટાંતથી તે બની ગયું છે, બનાવ્યું નથી. કેમ બન્યું તો કહે બસ આવી રાતે સુર્ય મધ્યાન્હનો પ્રકાશતો હતો અને ચાલતાં ચાલતાં ઠેસ લાગી તેમાં પડ્યાં અને લાગ્યું. તો સુર્યનો કે તેના પ્રકાશનો શું દોષ? બસ હોશ ન રહી. બેહોશીરૂપી અંધકારને કારણ બન્યું, બની ગયું.

તો પ્રશ્ન ત્રીજો શા માટે બનાવ્યું કે બન્યું તેનું કારણ પણ તે જ અનાદિ અજ્ઞાન, અવિદ્યા, વાસના આ સઘળા અનાદિ છે. તેથી સૃષ્ટિ નવિન છે તેવું કાંઇ નથી. નિત્ય છે. થતી રહે. કલ્પ, મહાકલ્પ, સર્ગ, વિસર્ગ ઇત્યાદી કોઇ અનાદિકાળની અવિદ્યાભુમિમાં રહેલી વાસના, કામના અને આ કામના કે વાસના જે ઉદ્ભવે તો તેની સાથે તે પુર્તિ માટેનો જે પ્રયત્ન કે પુરુષાર્થ થયો તે કર્મ. તેથી અવિદ્યા ભુમિમાં કામ તથા કર્મના સંસ્કાર રહેલા છે. જેમ સુષુપ્તિમાં કામ, કર્મના સંસ્કાર છે અને તે જાગૃત થતાં સ્વપ્ન સૃષ્ટિ તથા જાગૃત સૃષ્ટિને કલ્પી લે છે. તેમ અનાદિ અવિદ્યાને કારણ જીવને વાસના છે અને તે ઇશ્વરથી માયા અને માયાથી જીવ પોતે વાસનાના ભોગ ફલ માટે તેમાંથી ઉઠવું તે જ પ્રારબ્ધનું બનવું. કે બન્યું શા માટે? તો કે મારી ઇચ્છા પુર્તિ માટે, તેના ફલ ભોગ માટે, તેના પદાર્થના સુખની ભાવના ભોગ માટે. જેમ માછલું ઉંડા પાણીમાં નિર્ભય રહે છે. પરંતુ સ્વાદવશ રસ વાસના તેને બહાર લાવે છે અને ગલ કાંટામાં ફસાઇ જાય છે. તેમજ જીવનું પણ પ્રારબ્ધ શરૂ થયું. વાસના માટે કર્મ કરવા લાગ્યો. હું કર્મ કરૂં અને મને આ ફલ મળે બસ કર્તા બન્યો અને કર્મની શરૂઆત થઇ. ક્રિયમાણનો પ્રારંભ થયો અને ભોગ માટે ભોક્તા તેના ભોગ્ય પદાર્થો અને ભોગવવાનું સાધન મળી ગયાં.

તો હવે જોઇએ કે પ્રારબ્ધ છે કે કેમ? તો વેદાંત મત પર વિચાર કરશું તો ઉપર જોયું તેમ અજ્ઞાન, માયા કે અવિદ્યા કે અવિદ્યા જનિત વાસના કર્મ તથા પ્રારબ્ધ આ સઘળાના મુલમાં અવિદ્યા છે. અજ્ઞાન છે. તો અજ્ઞાન શું છે? તો કહે કે કાંઇ પણ નથી. વસ્તુને ન જાણવી તે અજ્ઞાન છે. અને રજ્જુનો સાપ રજ્જુજ ભ્રાંતિને કારણ સાપ થઇ ડરાવતી હતી. દીપક લઇ જોવા જતાં સાપ ત્રણે કાલે ન હતો. હતી ત્યાં રજ્જુ. તેમ અજ્ઞાનથી જ કે માયાથી જ બ્રહ્મ જગતરૂપે ભાસે છે. તેમાં પણ અધિષ્ઠાન બ્રહ્મનું જ અજ્ઞાન છે. તો અજ્ઞાનમાંથી વાસના, કર્મ તેના સંસ્કારો આ સઘળું તેમાંથી ઉઠ્યું છે. જો મુલકારણ ન રહે તો કાર્ય પણ ન રહે તેવો નિયમ છે. તેથી અજ્ઞાનની નિવૃતિમાં સઘળાની નિવૃતિ છે. અને અજ્ઞાન ન રહ્યું તો વાસના ન રહી, કર્મ પણ ન રહ્યું, સંસ્કારો ન રહ્યાં તો પ્રારબ્ધ ક્યાંથી રહે? અને મુલમાં જ કાંઇ નથી કલ્પના સિવાય તો પછી પ્રારબ્ધ ક્યાંથઈ રહે? માટે પ્રારબ્ધ તેવી વસ્તુનો યોગવશિષ્ઠ જેવા અજાતવાદમાં જ્યાં ત્રણે કાલમાં કાંઇ પણ થયું નથી, થશે નહીં અને થવાનું પણ નથી.

એક અજાત બ્રહ્મ જ છે. તેથી તેમાં પ્રારબ્ધનો સ્વીકાર જ નથી.અને સ્વીકાર કરવાનો છો તો અધ્યારોપની દ્રષ્ટિથી આપણે હવે સ્વીકાર કરીને ચાલશું. આપણે બે માન્યતા જોઇ. એક જગતને સત્ય માનનાર અને એક જગતને મિથ્યા માનનાર. એકને મતે પ્રારબ્ધ સત્ય છે અને એકને મતે પ્રારબ્ધ તેવી એક કલ્પના છે. વાસના કલ્પના છે. વાસનાની પુર્તિ માટે કર્મ થયું તે પણ કલ્પીત. તેથી મળેલું ફળ પણ ખોટું જેમકે સાક્ષિ આશ્રિત રહેલી અવિદ્યા અને તેમાંથી ઉઠેલ વાસનાની કલ્પના તે જ સ્વપ્ન સૃષ્ટિ છે. અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ જડ ચેતન જીવો અસંખ્ય જોવામાં આવે છે. તેમાં વાસ્તવિક જીવતો સાક્ષિ કેવલ કુટસ્થ છે. પરંતુ અનેક જીવો, અનેક જીવોની વાસના, તેનું કર્મ, સંસ્કાર અને પ્રારબ્ધ આ સઘળું શું છે? તો કહે જાગ્યા પછી ખબર પડે છે કે સ્વપ્ન હતુ, કાંઇ પ્રારબ્ધ કે કશી વસ્તુ ન હતી. પરંતુ તે વખતનું સઘળું સત્ય હતું. આ થઇ વેદાંતની માન્યતા કે જેની નિવૃતિમાં જાગવાની જરૂર છે. બસ જાગ્યાં નથી ત્યાં સુધી અવિદ્યા છે. તેથી સ્વપ્ન છે, વાસના છે, કર્મ છે, તેનું ફલ છે, પ્રારબ્ધ છે. પરંતુ જાગ્યા કે સઘળું ગયું. કલ્પનાનો કાંટો લાગ્યો, પીડા કરતો હતો. કલ્પનાનો કાંટો લઇ કલ્પનાથી કાઢી નાખ્યો. પ્રારબ્ધ દુર થયુ.

હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ જોવામાં આવતુ નથી. તેથી પ્રારબ્ધ કાંઇ છે જ નહીં. હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને પ્રારબ્ધ કેમ જોવામાં આવતું નથી તેનું કારણ વીચારીયે કે પહેલાં બીજ હોય છે પછી તેમાંથી અંકુર પછી વૃક્ષ થાય. તે બીજનું પરિણામ તે ફલ છે. બીજ જ વૃક્ષરૂપે પરિણામ પામ્યું છે અને ફરી તે વૃક્ષમાં બીજ લાગ્યાં તેથી બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ આ એક ચક્ર થયું. આને બીજ અંકુર ન્યાય કહેવાય. હવે બીજમાં વૃક્ષ પહેલાં દેખાતું નથી. પરંતુ તેને યોગ્ય વાતાવરણ મળતાં તુરત અંકુરિત થઇને વૃક્ષરૂપે પરિણામ થઇ જાય છે, ત્યારે વૃક્ષ દેખાય છે. પરંતુ બીજ ક્યાંય પણ દેખાતું નથી. આ થઇ પરસ્પરમાં બીજ અંકુર પ્રગટ કરવાની યોગ્યતા. તેમાં પહેલા કોને કહેવું? પહેલું બીજ કે વૃક્ષ અથવા પહેલાં વૃક્ષ કે પછી બીજ. કારણ કે આ બીજ અંકુર ન્યાયે નક્કી ન થાય કે પહેલાં કોણ?

તેમ પહેલાં કર્મ કે જીવ તેમાં પણ પહેલાં કોણ તે નક્કી થતું નથી. કારણ કે કર્મ વગર જીવ નહીં અને જીવ વગર કર્મ નહીં. તેથી પહેલું ક્યું તે નક્કી ન થતાં આપણે વેદાંતમાં ઉત્પતિના પ્રકારમાં આત્માશ્રય ઇત્યાદી જે દોષો કહેવાય છે તે જોઇ ગયા છે. તેથી જે નક્કી ન થાય, ત્યાં અજ્ઞાન કહેવાય. અને વેદાંતને તે જ સ્વીકાર્ય છે. તો જીવને પણ જીવપણું કર્મવાસનાથી છે. પરંતુ તે બેમાં ક્યું પહેલે તે નક્કી થાય નહીં. છતા જરૂર પહેલે અવિદ્યા તથા વાસનાબીજ છે અને તે અવિદ્યા જનિત વાસનારૂપી બીજ એક સંકલ્પ કે કલ્પના ઉભી કરે છે. મને આ મળે. હું આ મેળવું અને ફલ ભોગવી સુખી થાઉ. તો આ સંકલ્પ છે. તે જ પ્રારબ્ધનું બીજ છે. પછી તે જે પ્રકારની જેવી વાસના ઉદ્ભવી તેવું તે પ્રકારનું પહેલા સંકલ્પ મનોરાજ્ય જેવી કલ્પના ચાલી. પરંતુ માત્ર તેવી કલ્પનાથી સંતુષ્ટ ન થતાં તેમાંથી એક ભોગ્ય પદાર્થ તેને ભોગવનારો ભોક્તા તેને ભોગવવાના સાધનો પ્રગટ થયાં. જેને આપણી સામે રહેલા શબ્દ સ્પર્શાદીક પદાર્થો આ ભોગ્ય જગત અને ભોગવવાના સાધનો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ તથા કારણ સુક્ષ્મ તથા સ્થુલ શરીરની રચના થઇ. તેમાં જીવાત્મા ભોક્તા સુખ દુઃખનો અનુભવ લેનાર.

તો હવે જોઇશું કે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પુરૂષ ભોક્તા જે કાંઇ પણ ક્રિયા કર્મ કરે છે તેમાં પુરૂષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આપ સઘળાં ભક્તો જે યોગવશિષ્ઠ વાંચો છો તેમાં તમારો પુરૂષાર્થ બે કલાક બેસીને વાંચો છો, સતસંગ કરો છો, સાંભળો છો તે તમારો પુરૂષાર્થ છે. અને જે સતસંગરૂપી ક્રિયા કરી રહ્યા છો તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. પરંતુ તેનું ફલ આનંદતો મળે છે પરંતુ તે પછીની જે ધ્યેયે પહોંચવાની અપેક્ષા ઇચ્છાઓ તે ફલ અત્યારે પ્રત્યક્ષ પ્રગટ નથી. કારણ કે જે સાંભળ્યુ, સમજ્યાં અને વિચાર્યું તેના સંસ્કારો પડ્યા તે અપ્રત્યક્ષ છે. આ તમારો પુરૂષાર્થ છે. તે બીજા સંસ્કારોરૂપી બીજોને ચિત્તભુમીમાં ધારણ કરે છે. સંચિત કરે છે. પછી જે કરેલો પુરૂષાર્થ જે વર્તમાનમાં ફલ નથી આપી શક્યો પરંતુ કરેલા પુરૂષાર્થના વાસનાત્મક સંસ્કારો સંચિત બીજરૂપે પડ્યા હતા તેણે આ વર્તમાન શરીરીની રચના કરી. અને તે વાસનાત્મક સંસ્કારો હતા તે શરીરરૂપમાં પરીણામ પામ્યાં. તેથી તેમ કહેવું પડે કે પુર્વનો કરેલો પુરૂષાર્થ વર્તમાનમાં સુક્ષ્મ મન કહો કારણ કે વાસનાનો સમુહ તે મન. ઇચ્છાનો સમુહ તે મન. સંસ્કારોનો સમુહ તે મન. એટલે શરીરનું સુક્ષ્મરૂપ તે મન અને મનનું સ્થુલરૂપ તે શરીર.

હવે આની સાથે બે પ્રકારના પુરૂષાર્થનો પણ પ્રત્યુત્તર આવી જાય છે. પુર્વનો પુરૂષાર્થ તે બીજરૂપ બન્યો પછી તેણે આ વર્તમાન શરીર આપ્યું તે થયું પ્રારબ્ધ. પછી તે પ્રારબ્ધથી થતે પુરૂષાર્થ એટલેકે શરીરથી થતો પુરૂષાર્થ. તો અહી બંને પ્રકારના પુરૂષાર્થ કહ્યાં છે. તેમાં ફલ પણ પુરૂષાર્થથી ઉપજતુ છે તેથી પુરૂષાર્થ સીવાય અન્ય કશું નથી કારણ કે બીજ અંકુર ન્યાયે જે બીજ હતુ તેણે ફલ વૃક્ષ ઉપજાવ્યું. વળી જે ફલ વૃક્ષ હતું તેણે બીજ ઉપજાવ્યુ. તેમા તમે કોને બીજ કહેશો? કોને ફલ કહેશો? બાપથી દીકરો થાય તે તો સમજાય તેવી વાત છે પરંતુ દીકરાથી પાછો બાપ થાય આ વિચિત્ર છે. તેથી કોને પુરૂષાર્થ કહેવો અને કોને પ્રારબ્ધ કહેવું? કારણ કે પુરૂષાર્થથી પ્રારબ્ધ બને છે અને વળી પ્રારબ્ધથી પુરૂષાર્થ થાય છે. તેથી કહેવું હોય તો અત્યારના વર્તમાન શરીરને પ્રારબ્ધ કહો પરંતુ પુરૂષાર્થ પ્રારબ્ધનો પિતા છે.

તેથી યોગવશિષ્ઠમાં પ્રારબ્ધને ગૌણ સ્થાન આપીને અથવા તો તે કાંઇ નથી પરંતુ પૂર્વનો કરેલો પુરૂષાર્થ આ વર્તમાન શરીરરૂપે જણાય રહ્યો છે. તેથી ફરી પણ પાછો શરીરથી પુરૂષાર્થ થાય છે. તો પૂર્વ જન્મના પુરૂષાર્થને બીજ માનો, વર્તમાન શરીર તૈયાર થયું તેને પ્રારબ્ધ ફલ માનો. પરંતુ બીજ વગર અંકુર નહી તે વાત પાકી. પરંતુ અહીં પાછુ અંકુર બીજ ઉપજાવે છે તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ અન્યોન્યના પુરક છે. સાથે રહીને કામ કરે તેથી પ્રારબ્ધનો પણ સ્વીકાર કરવો પડે. પરંતુ યોગવશિષ્ઠમાં અજાતવાદ હોવાથી પુરૂષાર્થને જ મહાન ગણ્યો છે અને છે પણ.

તો હવે આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધના પરસ્પર ઝઘડામાં ઉતરશું તો પ્રારબ્ધનું કેટલું સ્થાન તથા પુરૂષાર્થનું કેટલું મહત્વ તે આપણે જોશું. તેમાં જે રામભાઇનો પ્રશ્ન પૌરૂષ છે તે શું છે તેના પર વિચાર કરશું એટલે સઘળાં પ્રશ્નો હલ થઇ જશે. તો આપણે બે જ પ્રશ્ન જોશું કે પૌરૂષ શું? અને પુરૂષાર્થ શું? પૌરૂષ અને પુરૂષાર્થ બંને શબ્દો એકાર્થ જેવા લાગે છે. કારણકે પુરૂષમાં જે શક્તિ છે, વિર્ય છે, સામર્થ્ય છે તે જ તેનું પૌરૂષપણું અથવા પૌરૂષત્વ છે. વિર્ય વિનાનો કે સામર્થ્ય વિનાનો પુરૂષ તે પુરૂષ નથી કહેવાતો પણ નપુંસક કહેવાય છે. પરંતુ આપણે અહીં જે પૌરૂષત્વની વાત કરશું તેમાં એક જગ્યાએ કીધુ છે કે પુરૂષ તો એક માત્ર પરમાત્મા છે ઔર તો સબ જગ નારી હૈ. કારણ કે પરમાત્માનું જે પુરૂષત્વ છે તેમાં ક્યારે પણ નપુસંકતા આવતી નથી. તેના સામર્થ્ય કે વિર્યમાં ક્યારે પણ ન્યુનાધિકતા થતી નથી. તેથી ઇશ્વરનું પૌરૂષત્વ કાયમને માટે જેવું ને તેવું રહે છે. પરંતુ પ્રકૃતિથી બધ્ધ જીવો પ્રકૃતિ વશ થવાથી તેનું જે પૌરૂષત્વ છે તે સુપ્ત પડેલ છે.

તેથી પ્રકૃતિ જ જ્યાં સંસારમાં જોશો ત્યાં જણાશે. તેની જ પ્રવૃત્તિ પણ જણાશે. અને પ્રકૃતિ જીવને પરવશ બનાવીને સ્વતંત્રપણે વહેવાર કરી રહી છે. તેથી પ્રકૃતિથી બંધાયેલા કે આવૃત થયેલા જીવોને પુરૂષ કહેતા નથી પણ જીવ પ્રકૃતિરૂપ જ થઇ ગયો છે. તેથી જીવો નારી જ છે. જ્યારે તેનું પૌરૂષત્વ કોઇ જગાડે અને તે જાગી જાય ત્યારે તેને ખબર પડે છે કે પૌરૂષત્વ શું છે. જ્યારે સીતાજીની શોધ કરવા સઘળા વાનર તથા રીંછ સમુદ્ર કિનારે બેઠા બેઠા વિચાર કરતા હતા, પોતપોતાનું જે બલ હતું તે બતાવતા હતા. કોઇ કહે કે હું સામે કાંઠે તો પહોંચુ પણ પાછો અહીં ન આવી શકું તેમ નિરાશ થઇને બેઠા હતા. હનુમાનજી પણ બેઠા હતા. પણ કાંઇ બોલતા ન હતા. ત્યારે જાંબુવાને હનુમાનજીને કીધું કે તમે કેમ બેઠા છો? તમો તો પવનપુત્ર છો. તમારે ક્યું કાર્ય મુશ્કેલ છે? તમે સઘળું કરી શકો તેમ છો તેમ તેના પૌરૂષત્વના વખાણ કર્યા અને હનુમાનજી ગર્જના કરીને ઉભા થઇ ગયા પર્વતાકાર બનીને કહેવા લાગ્યા બોલો હું ત્યા જઇ શું કરુ? રાક્ષસોને મારી નાખુ? લંકાને સમુદ્રમાં ડુબાડી દઉં? બસ જાંબુવાને સમજાવ્યા આપણે તો સીતાજી ક્યાં છે તે જાણીને આવવાનું છે. પછી કરવાનું તે કરવાવાળો કરશે.

તો તેવી રીતે દરેક જીવોમાં પૌરૂષત્વ તો છે. પરંતુ છુપાયેલું પડ્યું છે. તેને કોઇ ગુરૂ જગાડી આપે ત્યારે તે બેઠો થઇ જાય છે. અને પોતાના પૌરૂષત્વ દ્વારા જ પ્રકૃતિને વશ કરીને તેનો માલિક બની જાય છે. કારણ કે શક્તિ શક્તિમાનની છે. અને તે શક્તિમાનને આધિન હોય છે. તે તેને સમજાય જાય છે ત્યારે પુરૂષ જાગૃત થઇ જાય છે. તેથી એક ભજનમાં કીધું છે, હેલી ગાતા કહે છે કેઃ- નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે સુરતા અને સુરતા જગાડે બ્રહ્મ. બસ પુરૂષનું પુરૂષત્વ જાગ્યાં પછી પ્રકૃતિ વશીકાર કરીને સાચો શક્તિમાન બની જાય છે. બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. આ થયો પૌરૂષનો અર્થ.

હવે પુરૂષાર્થ વિશે થોડું જોશું કારણ કે તેમાં બે પદ છેઃ- પુરૂષ + અર્થ = પુરૂષાર્થ. તો પુરૂષાર્થ કોને કહેવો? પુરૂષાર્થ તેને કહેવાય જે આપણી ઇચ્છા છે તે ઇચ્છાનો જે વિષય હોય અને તેની પ્રાપ્તિ માટે થતા પુરૂષના પ્રયત્નને પુરૂષાર્થ કહેવાય. તો પુરૂષાર્થ કેટલા પ્રકારનો, તો ચાર પ્રકારનો છે. ક્યાં ચાર પ્રકાર? ધર્મમય પુરૂષાર્થ, અર્થમય પુરૂષાર્થ, કામમય પુરૂષાર્થ અને મોક્ષમય. તેમાં ઉપજતાં સુખ પણ ચાર પ્રકારનાઃ- ધર્મમય પુરૂષાર્થથી મનનું સુખ કે કોઇ પણ ઇચ્છાનો અભિઘાત ન થાય માટે માનસીક સુખ. અર્થમય પુરૂષાર્થથી શરીરનું સુખ તે શરીર ગાદી તકીયામાં લોટવામાં સુખ માને બીજાં પણ ખાનપાન ઇત્યાદી. કામમય પુરૂષાર્થથી પ્રાણનું સુખ, સ્ત્રી-પુરૂષ સંયોગજન્ય સુખ અને મોક્ષમય પુરૂષાર્થથી પરમાત્માનું અખંડ અક્ષય સુખ મળે.

તેમાં કર્તા ભોક્તા આ જીવ અંતઃકરણ વિશિષ્ટ પ્રમાતા જીવ છે. તેના ફલ ભોગનાં ઇન્દ્રિયાદી અંતઃકરણ ભોગ પ્રાપ્તિના ઉપકરણો છે. શરીર ભોગનું સ્થાન ભોગાયતન છે. તેથી આપણે તેમાં એ માનવું જરૂરી કે શરીર ઇન્દ્રિયો ઇત્યાદી જે કાંઇ છે તે સાધન છે. ભોગ્ય પદાર્થો સાધ્ય છે અને કર્તા ભોક્તા જીવ સાધક છે. તે આ કર્તા ભોક્તા જીવ જે જે વિષય પદાર્થના સુખ માટે પ્રયત્ન કરે તેને તેવું તે ફલ મળે તે ફલ સાધ્ય કહેવાય. તો ધર્મમય તથા અર્થમય અને કામમય આ ત્રણ પુરૂષાર્થથી ઉપજતાં સુખો તે સાંસારિક નાશવંત ફલવાળા છે. જે એક મોક્ષમય પુરૂષાર્થથી ઉપજતું ફલ અક્ષય અખંડ સુખ છે. માટે મોક્ષમય પુરૂષાર્થ તે સાચો પુરૂષાર્થ છે અને આ પુરૂષાર્થમાં પ્રારબ્ધની ગણના નથી કારણ કે પ્રારબ્ધની નિવૃત્તિ કરનારો છે. તો તે પુરૂષાર્થની વાત આપણે પાછળથી જોશું.

અત્યારે જે ત્રણ સાંસારીક પુરૂષાર્થ છે તેના પર જ વિચારશું. ને જીવાત્મા પણ તે જ પુરૂષાર્થમાં જ લાગ્યો રહે છે. તે સુખ માટે જ પ્રયત્ન કરે છે. અને તે ત્રણ પુરૂષાર્થ પણ માનવ આચરી શકે છે. પશુ ધર્મ કમાઇ શકતાં નથી. અર્થમય તથા કામમય પુરૂષાર્થનું ફલ તો પશુ પક્ષીને પણ મળે છે. તેથી આપણે જોશું કે હવે આ ત્રણ સુખો માટે આપણે જેને ઇચ્છાનો વિષય બનાવીને પ્રયત્ન કરીયે છીએ તેમાં ધર્મમય પુરૂષાર્થને આચરનારાં કેટલાં? બહું ઓછાં, ઓછાં એટલે ઓછાં. હવે અર્થમય અને કામમય જે શરીરસુખ અને પ્રાણસુખને વિષય બનાવીને સર્વકોઇ પુરૂષ પ્રયત્ન કરે છે તો જે વર્તમાને પુરૂષ પ્રયત્ન (પુરૂષાર્થ) થાય તે ક્રિયમાણ બને અને ક્રિયમાણ બન્યું તેનું વર્તમાનમાં ફલ ન મળ્યું. કોઇ કારણોવશાત કે જેને આવરણ કઇ શકાય અને ઇચ્છા અપુર્ણ રહી ગઇ. પ્રયત્ન કર્યો પરંતુ નિરાશાનો જે અનુભવ થયો અને નક્કી પણ થયું કે આ વર્તમાન જીવનમાં સંભવ કે શક્ય નથી તેવો ફલનો નકારાત્મક અનુભવ અને તેનો સંસ્કાર. અનુભવ તો સંસ્કાર છોડીને નિવૃત્ત થઇ ગયો. સુક્ષ્મ વાસનાત્મક સંસ્કાર રહી ગયો. આ થયું સંચિત. આવું સંચિત કાંઇ જન્મ-જન્માંતરોનું હોય છે. અને ચિત્ત એટલે સંસ્કારોનો ખજાનો. ચિત્ત કહો કે મન કહો અથવા અંતઃકરણ કહો આ સઘળું સુક્ષ્મ શરીરમાં સંચિત થાય છે.

જીવન પુરુ થયું, શરીરની અવધિની મર્યાદાએ કાલાન્ત થયો. અંત ક્ષણે અપુર્ણ ઇચ્છાઓ અને તેની વાસના લાલસાએ કોઇ નિમિત્ત બનાવી લીધું કે જે નિમિત્તથી સંઘરાયલું સંચિત કર્મ વાસના છે તેને તે નિમિત્તથી ઉત્તેજના મળી ગઇ અને અંતરના ઉંડાણમાંથી પણ દબાયેલ બહાર તેને ભોગ માટે કે પુર્વની વર્તમાનની અધુરી ઇચ્છાઓને તે નિમિત્તે ઢંઢોળી અને તે નીચેથી ઉપર જાગૃત થઇને આવી ગઇ અન્ય સુપ્ત દબાઇને રહી ગઇ. અને તે સંચિતનું સંચિત રહ્યું. બસ જે ઉપર આવી તેમાં જેમ ભરતમુનીને હરણબાળ નિમિત્ત પાશવી વાસનામાં બન્યું તેમ કોઇ પણ નિમિત્ત પાશવી, માનુષી કે દૈવીમાંથી પ્રગટ થઇ અને સંચિત પ્રારબ્ધરૂપમાં ફેરવાઇ ગયું, ફલ નિશ્ચિત કર્યુ, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યું અને માનો કે ફરી પાછું જે કર્તા ભોક્તાએ શરીર સાધનથી કરેલો પુર્વનો પુરૂષાર્થ શરીર બન્યો, ફલ બન્યો એટલે કે વાસનાત્મક મન હતુ તે જ સ્થુલ શરીર આકારને પ્રાપ્ત થયું અને વળી આ પુર્વના પુરૂષાર્થથી મળેલ શરીરથી ફરી અપુર્ણ ઇચ્છાઓની પુર્તિ માટે પ્રયત્ન થવા લાગ્યો. પુર્વનો પુરૂષાર્થ આ વર્તમાન પુરૂષાર્થનું કારણ બન્યો અને વળી વર્તમાન પુરૂષાર્થ કાર્ય થયું વળી વર્તમાન કાર્ય પુરૂષાર્થથી પુરૂષ પ્રયત્ન પુરૂષાર્થ થવા લાગ્યો તો કાર્ય પુરૂષાર્થથી કારણ પુરૂષાર્થ થયો.

તેમ પિતાથી પુત્ર કાર્ય કહેવાય પરંતુ ફરી કાર્ય પુત્રથી કારણ પિતા પેદા થાય તે જ સંસારે આશ્ચર્ય છે. કારણ કાર્યને ઉપજાવે અને વળી કારણ કાર્યને ઉપજાવે તેમ સંસાર ચાલે છે તેમાં મુખ્ય કારણ કોને કહેશ? તેમાં પ્રથમના પુરૂષાર્થને કારણ કહો તો પછીનો પુરૂષાર્થ કે જે શરીર મળ્યું છે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે પુરૂષાર્થથી કાર્ય થયો અને વળી તેથી કારણ ઉભુ થાય તેમ પુરૂષાર્થ પુરૂષાર્થ જ છે. યોગવશિષ્ઠના મતે તેથી તેમાં પ્રારબ્ધને સ્થાન નથી આપ્યું પુર્વ પુરૂષાર્થ અને આજનો વર્તમાન પુરૂષાર્થ. હવે આપણે પ્રારબ્ધ વિશે વિચાર કરીયે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે શું? તો કહે જે પુર્વે પુરૂષાર્થ કરેલ છે તે માટે નિશ્ચિત થયેલું ફલ. આપણી અપુર્ણ ઇચ્છાઓ હતી, પુર્વે પુરી ન થઇ માટે અસંખ્ય વાસનામાં જેટલાને ઉત્તેજના મળી ફલ માટે. ગોદામ તો અનાજનું ઘણું ભર્યું છે પરંતુ તેમાંથી ખાવા માટે જે અનાજ લીધું તે પ્રારબ્ધ અને પછી તે જ ફલ માટે આ શરીરરૂપ સાધનથી પુરૂષાર્થ પુરૂષ દ્વારા થાય.

તેમાં ઇશ્વર સૃષ્ટિમાં ઘટના પરિસ્થીતી અનિવાર્ય છે. તેનું નામ જ સંસાર છે. પરિવર્તનશીલ પદાર્થોમાં પરિવર્તન થયા કરે. કોઇ દેશમાં કોઇ કાલમાં કોઇ વ્યક્તિને માટે કોઇ ઘટના પરિસ્થીતી હોય તેમાં આ સઘળી વસ્તુ સાપેક્ષ છે. પરંતુ ઘટના તે ઘટના છે. પરિસ્થીતી તે પરિસ્થીતી છે. તે ઘટના કે પરિસ્થીતીને વસ્તુના ખબર નથી, ઘટી છે તો જે ઘટના કે પરિસ્થીતીની સાથે જે વ્યક્તિએ સંબધ કર્યો તેની તે બની જાય છે. બની જાય છે તેમ કહેવું યોગ્ય નથી બનાવી લઇએ છીયે. મારી ઘટના મારી પરિસ્થીતી બસ તમે કર્તા -ભોક્તા થઇ ગયા. પછી પરિસ્થીતી અનુકુલ કે પ્રતિકુલ તે પણ પરિસ્થીતીને ખબર નથી. તે પણ તેની સાથે સંબધ રાખનાર વ્યક્તિનો માનસ ધર્મ છે. મનનું ચિંતન છે. બસ આ છે પ્રારબ્ધ. બસ આવી રીતે ઇશ્વર અંતરમાં સાક્ષીરૂપે માત્ર સત્તા હોવાની અને સ્ફુરવાની. જેમ સુર્યના પ્રકાશની સત્તામાં સઘળાં સંસારના જીવોને પ્રેરણા આપનાર બને છે અને સઘળા પ્રભાતે ખાનપાન ઈત્યાદી વ્યવહારમાં પ્રવૃત થાય છે તેમ.

ઇશ્વર પણ ક્યાંય બીજે ખુણે ખાંચરે મેડી બંગલામાં કે લોકમાં નથી પરંતુ તમારા જ અંતરમાં સાક્ષિ કૂટસ્થ જે તમારૂં સ્વરૂપ છે અને તેના જ્ઞાનના અભાવે જીવભાવ કર્તા-ભોક્તા અહંકારથી બસ જે ઇચ્છાઓ ઉત્પન્ન થાય તેવું તેવું કર્મ ક્રિયા કે પુરૂષ પ્રયત્ન કરતો રહે છે. અને પુર્વની ફલ આપવા માટેની વાસનાએ જે શરીર ઈન્દ્રિયો આપ્યાં છે તેની પણ અવધિ નિશ્ચિત છે કે આટલો સમય પચીસ પચાસ કે સો વર્ષ ઇત્યાદી અને તે પ્રમાણે કર્તા-ભોક્તા જીવ અહંકારથી સઘળું કરતો રહે છે અને કામમય પુરૂષાર્થ તથા અર્થમય પુરૂષાર્થની જ ક્રિયા થતી રહે છે. અને તેનું ફલ શરીર સુખ તથા સ્ત્રી પુરુષ સંયોગજન્ય સુખ પ્રાણ સુખ આ સંસારમાં બે છે તે પ્રારબ્ધથી નિશ્ચિત છે.

ધર્મમય પુરૂષાર્થ નથી, મોક્ષમય પુરૂષાર્થ નથી બસ, છુટેલા તીર જેવો નિશ્ચિત ફલ કે નિશાન વીંધે તેવા હોય છે. પ્રારબ્ધ એટલે છુટેલું તીર કે છુટેલી ગોલી અને તે નિશાન વિંધે અને આને જ આપણે પ્રારબ્ધ કીધુ. તો બીજુ દૈવ નિયતિ કોઇ ઇચ્છા નથી પરંતુ પરાણે કરાવે છે કોઇ નિયતી મને નિયમમાં રાખીને પરંતુ તું સ્વતંત્ર આત્મા પુરૂષ અને તને કોણ કરાવે? તો કહે હું જીવ છું તેથી કોઇ જે મારાથી સ્વતંત્ર છે ઇશ્વર તે કરાવે છે. પરંતુ તે ક્યાં બેઠો બેઠો કરાવે છે? તો માણસને ખબર નખી. બસ ઉપર નજર કરે, ઉપર ક્યાંક બેઠો બેઠો પરંતુ ઉપર ક્યાં? ક્યાંય નહીં. જે સર્વોપરી છે તે તો તારૂં સ્વરૂપ છે. કૂટસ્થરૂપમાં સાક્ષિરૂપમાં કેવલરૂપમાં તેનું મને અજ્ઞાન છે તેથી કોઇ નિયતિ. નિયતિ એટલે શું? તો કહે કોઇ મારે કાર્ય કરવું છે અને તેના કારણના નિયમોને વશ કે આધિન થઇ જવું તે નિયતિ. બસ જો અમારા જીવનમાં કોઇ કાર્ય નથી, ઈચ્છા નથી તો કારણ પણ નથી તો ત્યાં નિયતિનું બંધન ઢીલું તુરત થઇ જાય છે. પુર્વ દિશા તરફ જવું છે પરંતુ તે તરફ સ્થાને પહોંચતા અડચણ, મુશ્કેલી દુઃખ પણ છે, છતા ગયા વગર છુટકો નથી. તો નિશ્ચિત સ્થાન પર પહોંચી ન પણ શકાય અને પહોંચી શકાય તો ઘણી મુશ્કેલી, માટે નિયતિ.

પરંતુ જેને પુર્વ કે પશ્ચિમ દિશા નથી તેને માટે નિયતિ શું? પ્રારબ્ધ શું? દૈવ શું? તો હવે એક વાત વિચારશું કે જે શરીર વર્તમાને મળ્યું છે તેણે માનો ફલ નિશ્ચિત કીધું છે. અને તે કરાવે છે અને હું કરુ છું. તો આમાં બે પ્રકારની માન્યતા વાળા સંસારમાં છે. પુરૂષાર્થવાદી તથા પ્રારબ્ધવાદી. પુરૂષાર્થ તથા પ્રારબ્ધ વિષે તો ઉપર આપણે વિચાર્યું હવે કોણ પ્રબલ તેમાં પુરૂષાર્થ બલવાન કે પ્રારબ્ધ બલવાન? આપણી સમસ્યા પણ તે જ છે. અહીંથી આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો સ્વીકાર કરીને ચાલશું. કારણકે જે આપણને પરાણે કરાવે છે, ઇચ્છા નથી છતા દુઃખ ભોગવાવે છે તે દૈવને જોઇ શકતા નથી. ક્યાં બેઠું બેઠું ભોગવાવે છે તેને હું દેખતો નથી પરંતુ વર્તમાન ફલને આપનારો પુરૂષાર્થ જોઇ શકું છું કે મેં આ કર્યુ તેથી મને આ ફલ મળ્યું. હું ભોગવું છું. બસ જ્યારે અશુભ પ્રારબ્ધ ભોગવતા હોઇએ ત્યારે આપણને દૈવ કે નિયતિ જેવું કાંઇક છે. ઇચ્છા નથી છતા તે ભોગવાવે છે. પરંતુ ક્યાં બેસીને હુકમ કરે છે તે ખબર નખી. દૈવને દેખતા નથી. દેખતા હોઇએ તો જરૂર લાકડી કુવાડી કે બંદુક લઇ મારવા જઇએ, પરંતુ લાચાર છે ત્યાં. પરંતુ શુભ પ્રારબ્ધનું ફલ સુખ ભોગવતા હોઇએ ત્યારે પ્રારબ્ધ જેવું કે દૈવ જેવું લાગતું કે જણાતું નથી તે જીવ સ્વભાવ છે. પરંતુ આ વહેવારીક સંસારે જગતમાં શરીરધારી બનીને પછી રામ આવે કે કૃષ્ણ આવે, મહાવીર આવે કે બુધ્ધ આવે તેને સંસારના નિયમ સઘળાં લાગુ પડે. રામને વનમાં જવું પડે, સીતાનું હરણ થાય, રાવણ વધ થાય ઇત્યાદી. કૃષ્ણને પણ કોઇક વીંધે ઇત્યાદી ભિન્ન ભિન્ન કર્મનું ફલ. તેથી કર્મનો સિધ્ધાંત અહીંથી શરૂ થાય અવશ્યમેવ અને જે કર્મ મેં જ અજ્ઞાનવશ કરેલું છે મારૂં જ છે મારી જ ઇચ્છાથી દ્રઢ ચિંતનથી દ્રઢ થયેલ છે અને તે મારી જ પ્રકૃતિ બની છે. મારો જ સ્વભાવ બન્યો છે તેથી હવે અહીં આપણે શ્રીમદ્ ભગવદ ગીતાનો અ.5 નો શ્લોક 14મો જોશું

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ।।

પરમેશ્વર પ્રભુ કોઇપણ ભુત પ્રાણીઓનાં કર્તૃત્વને (કર્તાપણાને) કે ન કર્મપણાને કે ન કર્મફલના સંયોગને સર્જતો નથી, રચના કરતો નથી. પરંતુ પરમાત્માના સત્તા સામાન્યપણામાં રહીને પ્રકૃતિ સ્વભાવ જ પ્રવર્તે છે. તો અહી જેને આપણે દૈવ કહીયે છીયે તે તો અહી નીકળી જાય છે કે હું કોઇને કર્તૃત્વ પણ આપતો નથી કહેતો પણ નથી કે તું આમ કર કે તેમ કર વળી હું કોઇના પાપ કે પુણ્યરુપ જે શુભાશુભ કર્મ સદ્‌ગુરુ તેનું પણ સર્જન કરતો નથી અને કર્મથી કે પુરૂષાર્થથી ઉપજેલું ફલ અને તેનો કર્તા ભોક્તા જીવની સાથે સંયોગ કે આ સારુ છે ફલ આ ખરાબ છે ફલ પછી સુખ તથા દુઃખરુપ ફલનો સંયોગ તો પછી શું છે? તેમાં કોણ જવાબદાર છે? તો બતાવ્યું કે વ્યક્તિનો સ્વભાવ પ્રકૃતિ જવાબદાર છે. તો વિચારશું કે પ્રકૃતિ કોની? તો કહેશું મારો સ્વભાવ કોનો તો કહે મારો. તો સ્વભાવ જીવાત્માનો કર્તાભોક્તાએ પહેલા એવો ભાવ પેદા કર્યો. સંકલ્પ કર્યો, ઇચ્છા કરી કે મને આ મળે. હું આ વસ્તુને પ્રાપ્ત કરું. તે કર્તૃત્વ ઉભુ થયું અને વિષયનું ચીંતન ચાલ્યું. સતત રાત દિવસના તે ચિંતનને લઇને પછી જેમ ભમરીના ડંખથી ઇયળ ભમરીનું ચિંતન કરીને ભમરી થઇ જાય. પાંખો આવે અને બદલાઇ જાય તેમ વ્યક્તિ ચિત્તથી જે વિષયનું સતત રાતદિવસ ચિંતન કરે તેવે આકારે વૃત્તિ થઇ જાય. પછી વૃત્તિ સારૂપ્યપણામાં પુરૂષ પણ પુરૂષ રહેતો નથી વૃત્તિને આકારે બનીને તદરૂપ થઇને વહેવાર કરવા લાગે છે અને આ ચિંતન જે પ્રકૃતિ બની સ્વભાવ બન્યો તે જ દૈવ થઇ ગયું. નિયતિ થઇ ગઇ.

ત્રીગુણાત્મક પ્રકૃતિને લઇને તે તે ગુણોના ચિંતનથી તેવી વ્યક્તિ થઇ જાય છે. પછી આપણે કહીયે છીયે કે કોઇ હ્રદયમાં બેઠો બેઠો કરાવે છે. કારણ કે તે ચિંતન બદલવામાં કાયરપણું આવી ગયું. પરવશપણું આવી ગયું. આ છે પ્રારબ્ધ તથા ફળ જે ભોગવવું પડે છે અને પરવશ તથા કાયર બનાવે છે. શુરવીરને કાયર કરે, દયાળું ને નિર્દય કરે, સંતોષીને લોભી કરે, ક્ષમાશીલને ક્રોધી બનાવે. અહીં જે મને કોઇક ચલાવે છે તેમ હું ચાલું છું તેમાં દુર્યોધન પણ તેમ કહે છે. શ્લોક નથી લખતો ભાવાર્થ જણાવું છું. તેને ખુબ મોટા મોટા જ્ઞાની ભીષ્મ, વિદુર તથા વ્યાસ જેવા સમજાવતા કે તું અઘર્મ છોડ, ધર્મને ગ્રહણ કર ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને જે કહો છો તે હું સમજુ છું પરંતુ અધર્મને પણ જાણું છુ કે આ અધર્મ છે અને ધર્મને પણ જાણું છુ કે આ ધર્મ છે પરંતુ અધર્મને છોડી શકતો નથી અને ધર્મને ગ્રહણ કરી શકતો નથી કારણકે મારા હ્રદયમાં બેઠેલો કોઇ મને પરવશપણે કરાવે છે અને જે કરાવે છે તે હું કરુ છું.

વિચાર કરશુ તો મહાભારતમાં શ્રીમદ્ ભગવદગીતામાં દુર્યોધનને આતતાયી કીધા છે કે જે પાપીમાં પાપી હોય અને સમાજમાં જેને જીવવાનો અધિકાર નથી તેવી વ્યકિત કહેવાય. કારણ તે જીવે ત્યાં સુધી અનર્થ જ કરવાના છે તેથી તેનો નાશ યોગ્ય જ છે તેમ ધર્મશાસ્ત્ર કહે છે. તો યુધિષ્ઠીર તેવા શબ્દો બોલ્યો નથી. તે તો કૃષ્ણને જ સહારે ચાલતા હતો. કોણ ડાહ્યો યુધિષ્ઠીર કે દુર્યોધન? દુર્યોધન પણ કર્તૃત્વ કરતો નથી. તે પણ કહે છે કે કોઇ દૈવ અંદર બેઠું બેઠું પ્રેરણા જેવી અધર્મની કે ધર્મની કરે છે તેવું હું કરૂ છું. શું કહેવું આ પણ સ્વીકાર દૈવનો છે ઘણા તેવા આવો દૈવનો સ્વીકાર કરીને ચાલતા હોય છે. તો સઘળા આપણા સુખ દુઃખ કે શુભાશુભ કર્મ કે તેનું કર્તૃત્વ ઇત્યાદીમાં આપણો અહંકાર જ સ્વભાવ જ ચિંતન જ કારણરૂપ છે. તેથી આપણો આપણા સુખ દુઃખમાં કોઇને નિમિત્ત બનાવીયે છીયે. સંસાર સઘળો નિમિત્તનો છે. નિમિત્ત ન હોય તો સંસાર નથી. તેથી નિમિત્ત તો કોઇને કોઇ રહેવાનું છે. પરંતુ જ્યારે કોઇ સુખ કોઇ નિમિત્ત દ્વારા આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે રાગ ધરાવીને ખુશી મનાવીયે છીયે. અને જ્યારે દુઃખ કોઇ નિમિત્ત લઇને આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે દ્વેષ કરીને ધૃણાને પેદા કરીયે છીયે. પછી તે તે સુખ દુઃખના નિમિત્તથી રાગ દ્વેષની વૃધ્ધિ થાય. હેય ઉપાદેયની ભાવના વધતી ચાલે ફરી ફરી રાગ દ્વેષથી ધર્મ અધર્મના સંસ્કાર પાપ તથા પુણ્ય અને તેનું ફલ સુખ તથા દુઃખ. બસ આ અનંત સંસાર ચક્ર ચાલતું રહે છે. જીવાત્મા પોતાના કર્તૃત્વ અભિમાને કર્મ કરતો રહે છે અને કરેલા કર્મના ફલ પ્રારબ્ધને ભોગવતો રહે છે. તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ તેમ સંસાર ચાલે છે. તેમાં આપણા સુખ દુઃખમાં આપણે જ જવાબદાર છીયે.

બીજાને નિમિત્ત બનાવશુ તો તે વધતા ચાલશે નિમિત્ત સામે ઝઘડો કરશું તો પણ હું જ સઘળાના કારણરૂપે છું. દુઃખ છે તો શાથી આવ્યુ છે? તો કહે મારા અજ્ઞાનથી, મારી અવિદ્યાથી, મારા કર્તૃત્વથી, મારા અહંકારથી બસ વિશ્રાંતી થઇ ગઇ, હું જ કારણરૂપ છું. તો કોને ક્યાં નિમિત્તમાં રાગ કરવો સુખના કે દુઃખનામાં દ્વેષ કરવો. રાગ દ્વેષના કારણો જ નહીં રહે. હું જ મારા કાંટાના કારણરૂપ છું. મે જ ચાલવામાં વિચાર ન કર્યો. નજર ન રહીને ઉંચુ મોઢું રાખીને ચાલ્યો અને ભુમી કાંટાળી હતી, પગમાં ખુંચી ગયો, ખુબ ઉંડે બેઠો, ચાલવું મુશ્કેલ થયું. તેમાં તે કાંટામાં કે કાંટો લાગવામાં આપણે કોને નિમિત્ત કહેવું? અને ખોટું ચિંતન ન કરતાં ત્યાં જ બેઠા છે ત્યાં જ ત્યાંથી બીજો કાંટો લઇને કાંટો કાઢવા પ્રયત્નશીલ બની જવું જોઇએ. અથવા ક્યારેક આપણે ન પણ કાઢી શકીયે તો કોઇ દયાળું વ્યક્તિનો સમાજમાં અભાવ નથી. તે યુક્તિ બતાવશે, હિંમત આપશે અને તેને દુર કરવો. એવું મારા સ્વતંત્ર ચિંતનથી સમજાયું છે અને સુખી થયો છું. આ જ સમજણ છે આ જ વિવેક છે.

હવે પુરૂષાર્થ તથા પ્રારબ્ધવાદીયો છે તેનો પણ વિચાર કરીશું. કારણ કે વિષય આ એવો છે કે આ વિશ્વના જીવોની સમસ્યા છે અને તે અનુભવ તથા સાચી સમજ વગર માત્ર ખોટા સ્વીકારથી હલ થાય તેમ નથી. તેથી પુરૂષાર્થવાદી પુરૂષાર્થને જ મહત્વ આપે જેમ યોગવશિષ્ઠ આપે છે તેમ તેણે પ્રારબ્ધને જ ઉડાડી દીધું છે. પુર્વજન્મનો તથા આ જન્મનો બંને પુરૂષાર્થ છે. ફલ પણ સારુ નરસુ સામે અનુભવીયે છીયે. પરંતુ પ્રારબ્ધ ક્યાંય દેખાતુ નથી તેથી પ્રારબ્ધ છે જ નહીં આ અજાતવાદનો મત છે. હવે રામ ચરિત માનસનો એક સુંદર પ્રસંગ છે જેમાં પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો વિચાર છે અને તેમાં બળવાન કોણ છે તે પણ બતાવ્યું છે. જોઇએ રામ ચરિત માનસ – સુંદરકાંડઃ- ભગવાન રામચંદ્રજી વાનર સેના સહિત સમુદ્રને કિનારે બેઠા છે. ત્યાં વિભિષણ પણ રાવણે અપમાન કર્યુ અને રામને શરણે આવ્યાં. વિભિષણની પણ ઇચ્છા હતી કે રાવણનું ચોક્કસ મૃત્યુ છે તો હું રામને શરણે જાઉં અને લંકાનું રાજ્ય મળે અને વિભિષણ શરણે આવ્યો અને તેને લંકેશ કહીને જ રામચંદ્રજીએ બોલાવ્યો અને વાનરસેનાની મધ્યે રાજ-તિલક કર્યું. લંકાનો રાજા રાવણ જીવતાં જ બનાવ્યો. હવે રામચંદ્રજી મંત્રીઓ સહીત સમુદ્ર કિનારે બેઠા છે ત્યારે સમુદ્રની સામે પાર જવું છે શું કરવું તેની સલાહ સુગ્રીવ તથા વિભિષણ પાસે માગે છે કે શું કરશું, આ સમુદ્ર ની સામે પાર કઇ રીતે જઇશું? જોઇએ ચોપાઇઃ-

સુનુ કપીશ લંકાપતી વિરા, કૈસી વિધી તરીયે જલધી ગંભીરા
સંકૂલ મકર ઉરગ ઝષજાતી, અતી અગાધ દૂસ્તર સબ ભાંતી
કહે લંકેશ સુનહું રઘુ નાયક, કોટી સિંધુ સોષક તવ સાયક
જદપિ તદપિ નિતી અસ ગાઇ, વિનય કરીએ સાગર સમજાઇ

દોહરોઃ-
પ્રભુ તુમ્હાર કૂલ ગુરૂ જલધિ, કર હી ઉપાય વિચારી
વિનું પ્રયાસ સાગર તરીહી ,સકલ ભાલુ કપિ ધારી
સખા કરી તુમ નિકી ઉપાઇ, કરીએ દૈવ જો હોય સહાઇ
મંત્ર ન યહ લછીમન મન ભાવા,રામ બચન સૂની અતી દુ:ખ પાવા
નાથ દૈવ કર કવન ભરોસા, સોષીય ?સિંધું કરીયે મન રોસા
કાદર મન કહું એક આધારા, દૈવ દૈવ આલસી પૂકારા
સૂનત બીહસી બોલે રઘૂવિરા, એંસે હીં કરબ ધરહું મન ધીરા
અસ કહી પ્રભુ અનુજ હી સમુજાઇ, સિંધુ સમીપ ગયે રઘૂરાઇ
પ્રથમ પ્રણામ કિન સીરુ નાઇ, બેઠે પુનિ તટ દર્ભ ડસાઇ

અહીં ભગવાન રામચંદ્રજી એ સુગ્રીવ તથા વિભિષણ ને મંત્ર સલાહ પૂછી કે હે સુગ્રીવ હે લંકેશ કેવી રીતે આ ઉંડા ગંભીર સાગર ને તરશું? તેમા ઘણા મગરમચ્છ હિંસક જંતું પણ છે? અને તરી ન શકાય તેવો છે તો શુ કરશુ? ત્યારે સુગ્રીવ તો કાંઇપણ બોલ્યા નથી પરંતુ વિભિષણ પ્રારબ્ધવાદી હતો તેણે રામને સલાહ આપી કે હે રઘુનાથ સાંભળો મારી વાત, તમારા ધનુષબાણમાં એવી તાકાત શકિત છે કે આ સમુદ્ર તો શુ પરંતુ તેવા કરોડો સમુદ્ર ને શોષી શકે છે. છતા પણ ધર્મશાસ્ત્રોમા એવી નિતી ગાઇ છે કે આપણે સમુદ્ર પાસે જાવુ જોઇએ અને તેને વિનય પ્રાર્થના કરીએ. વળી સાગર તો તમારો કુલગુરુ છે કારણકે સગર રાજા થી સાગર થયો છે અને તમે તે કૂલમા જન્મયા છો, તેથી તેને વિનય પ્રાર્થના કરશુ એટલે તે પ્રસન્ન થશે અને આપણને તે ઉપાય બતાવશે કે આવી રીતે કરો. તેમ આપણે કરશુ અને પ્રયત્ન વગર સાગર સેના સહિત પાર જઇશુ.

આ છે વિભિષણનો પ્રારબ્ધવાદ. રામચંદ્જીને સલાહ આપે છે કે, સાગર દેવને વિનય પ્રાર્થના કરીને મનાવી પ્રસન્ન કરો પછી તે કહેશે તેમ કરશુ, તો વિના પ્રયત્ને અહી પ્રારબ્ધ આવ્યુ. વિના પ્રયત્ન કર્યા વગર ફલ જોઇએ છે આ પ્રારબ્ધવાદી નો સ્વિકાર છે. મારૂ છે તે મને વિના પ્રયત્ને મળવાનુ છે તો જો તેમજ હોય વિના પ્રયત્ને જ બધુ મળતુ હોય તો પછી પુરૂષાર્થનુ શુ? તો કહે આળસુ થઇને પડયુ રહેવુ નહી પણ પુરૂષનો પ્રયત્ન અને ઇશ્વરકૃપા બંન્નેનાં સંયોગ થી બને છે અને તેમ જ હોવુ જોઇએ. પુરૂષનો પ્રયત્ન હોય અને ઇશ્વરકૃપાહોય ત્યારે સઘળા ફલો સન્મુખ આવી ને ઉભે છે. ને જેને દેવ કહીએ છીએ કે ઇશ્વર કહો સ્વભાવમાં કે નિયતિમાં સઘળામાં પુરુષાર્થ રૂપમાં તે જ છે. તેથી તેવા પ્રારબ્ધવાદ માં પણ દોષ નથી આવતો. પરંતું અહી વિભિષણ પ્રારબ્ધવાદી છે અને ભગવાન રામચંદ્રજી પુરુષાર્થ તથા પ્રારબ્ધ બંને નો સ્વિકાર કરે છે. તેમાં પ્રારબ્ધ ને ગૌણ માને છે અને પુરુષાર્થ ને પ્રધાન માને છે.

ત્યાંરે લક્ષ્મણ એકલા યોગ વશિષ્ઠ માફક પુરુષાર્થ વાદી છે અને વિભિષણ ની વાત નો સ્વિકાર કરીને વિભિષણનું કીધુ રામચંદ્રજી કરે, સખા તેં ઉપાય ઠીક બતાવ્યો આપણે તેમજ કરીશું જો ભાગ્ય દૈવ સહાય કરે તો તેમ કરીએ પરંતું પુરુષાર્થવાદી લક્ષ્મણ ને વિભિષણ ની સલાહ ના ગમી. રામચંદ્ર એ તેનો સ્વિકાર કર્યો તેમાં લક્ષ્મણ ને દુ:ખ થયું કે શું આ મોટા ભાઇ ને કહેવું કે જૈ દૈવ નો આશ્રય લીએ છીએ અને સમુદ્ર પાસે વિનય પ્રાર્થના કરવા કે તે તેમ પ્રસન્ન થાય તેથી લક્ષ્મણ થી રહેવાયું નહીં અને રામચંદ્રજી ને કહ્યું કે હે નાથ વિભિષણ ની સલાહ માનવા જેવી નથી. દૈવ ઉપર નો શું વિશ્વાસ? ક્યાં છે? કોણે દીઠુ છે? આપ ધનુષ્ય બાણ ઉઠાવો કરો રોષ અને સિંધું ને શોષી લ્યો, સુકવી નાખો. આંસુ પાડ્યે કે પ્રાર્થના કરીએ તે જવાબ નહીં આપે. દૈવ શબ્દ તો આળસુ એ ઉપજાવી કાઢેલ છે. ઉદ્યમી કે પુરુષાર્થી નો તે શબ્દ નથી. કાયર તથા આળસુ છે તેણે તે શબ્દ ઉપજાવ્યો છે. અને તે આપડા ભાગ્ય માં હશે તો મળશે તેમ પોકારતા હોઇએ છીએ. ભગવાન રામચંદ્રજી એ લક્ષ્મણ ને સમજાવી ને સમુદ્ર કિનારે ગયા અને ત્યાં ડાભ નું આસન બિછાવી ને તે પર ત્રણ દિવસ સુધી પ્રાર્થના વિનય કર્યા પણ કંઇ જવાબ ન મળ્યો. ભગવાન રામચંદ્રની એ પહેલા સમુદ્ર ને પ્રણામ કર્યા પછી આસન પર ત્રણ દિવસ અને ત્રણ રાત્રી બેઠા વિનય પ્રાર્થના કર્યા કરી, પરંતું નિષ્ફલ પછી લક્ષ્મણ ને કીધું. દોહરો 57 મો

વિનય માનત જલધિ જડ, ગયે તીન દિન બીતી
બોલે રામ સંકોપ તબ, ભય બીનું હોય ન પ્રિતિ

જ્યારે વિનય પ્રાર્થના ત્રણ દિવસ કર્યા અને ન જવાબ મળ્યો ત્યારે ક્રોધ કરી ને લક્ષ્મણને કીધું ભય વિના પ્રિતી થતી નથી, હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ.

લછિમન બાન સરાસન આનું, સોષૌ બારીધી બિસીખ કૃસાનુ
શઠ સન વિનય કુટીલ સન પ્રિતિ, સહજ કૃપન સન સુંદર નિતી
મમતા રત સન જ્ઞાન કહાની, અતી લોભી સન વિરતી બખાની
ક્રોધી હી રામ કામી હી હરી કથા, ઉસર બીજ બોયે ફલ જથા
અસ કહી રઘુપતી ચાપ ચઢાવા, યહ મત લછીમન કે મન ભાવા
સંધાને પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધી ઉર અંતર જ્વાલા
મકર ઉરગ જષગણ અકુલાને, ઝરત જંતુ જલનિધી જબ જાને
કનક થાળ ભરી મની ગન નાના, વિપ્ર રૂપ આયઉતજી માના

દોહરોઃ-
કાટેહી પઇ કદલી ફરઈ, કોટી જતન કોઉ સિંચ
વિનય નમાન ખગેશ સુનુ, ડાટેઇ પઇ નવ નીચ

હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ. હમણા જ અગ્ન્યાસ્ત્ર બાણ થી સમુંદ્ર ને શોષી લઉં. શઠ ની આગળ વિનય નકામો છે. મુર્ખ ન માને કુટી , કપટી કૂડ, કપટ વાળા પાસે પ્રિતિ શું? સહજ જે કૃપણ છે તેની આગળ સુંદર નિતિ ની વાતો નકામી છે. ક્રોધી ની આગળ સમાધાન ને સમજણ ની વાતો નકામી છે, કામી ની આગળ હરિકથા નકામી છે. આ ઉસર ભૂમિ માં બીજ વાવવા જેવું છે. તેમ કહી ને ધનુષ ઉપર બાણનું સંધાન કર્યુ. પુરુષાર્થ બતાવ્યો કે સમુદ્ર મા લાય લાગી, જીવ જંતુ ઓ બળવા લાગ્યા, ત્યારે સમુદ્ર જાણ્યુ કે બહુજ ખોટુ થાય છે. મારો મહીમા ખતમ થશે. વિચાર કરી ને સોના ના થાળ માં મણી માણેક ભરી ને બ્રાહ્મણ રૂપ માં પોતાનુ અભિમાન છોડી ને રામ ને શરણે થયો. જેમ કેળ ને કાપીએ તો જ તે ફલે પરંતું કરોડો પ્રકારે પાણી પાવ પણ કાપ્યા વગર ફલે નહી તેવી રીતે નીચ વ્યકિત છે તે તે શાસન થી જ નમે. રામચંદ્રજી નું પુરુષાર્થ તથા પ્રારબ્ધ બન્ને નો સ્વિકાર ખરો, પરંતું પુરુષાર્થ ને પ્રાધાન્ય આપ્યું તેથી પુરુષાર્થ તથા પ્રારબ્ધ બન્ને નો સ્વિકાર કર્યા વગર સંસારમાં છુટકો નથી. કોઇ પ્રારબધ ને અધીક પ્રાધાન્ય આપે કોઇ પુરુષાર્થ ને. પરંતું સ્વિકાર તો કરવો જ પડે કારણ કે વ્યકિત જો જીવ કર્મ કરવામાં ?સ્વતંત્ર છે તેમ જો ફલ માં સ્વતંત્ર હોત તો કોઇ દુ:ખી જણાત જ નહી. નરસિંહ મેહતા કહે છે…

હું કરૂ હું કરૂ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વ તેની પરે, જોગી જોગેશ્વરા કોઇક જાણે
નીપજે જો નરથી તો કોઈ ના રહે દુ:ખી, શત્રુ મારી ને સૌ મિત્ર રાખે
રાય ને રંક કોઇ નાવે દ્રષ્ટિ પરે, ભવન પર ભવન પર છત્ર દાખે
ઋતુ લતા પત્ર ફલ ફૂલ આપે થયા, માનવી મુર્ખ મન વ્યર્થ સોચે
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તેજ પહોંચે

ઈશ્વરદાસ હરિરસમાં કહે છે..

નરરચી હોવે નહીં, હરિ રચે વે હાલ
ઇન્દ્રાસન લેતા બલી, પેંઠ ગયો પાતાલ
સીતા લેતા કુળ સહીત, લંકા દશ શિશ ખોઇ
રંડાણી મંદોદરી, હરિ કરે સો હોઇ

શ્રીમદ્ ભાગવતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે હે અર્જુન તારો કર્મ માં અધિકાર છે. ફલ કે જે પરિણામ છે તે ઇશ્વર પર, મારા પર છો॰. તેથી આપણે વિચારવું જોઇએ આ સઘળું ઇશ્વર ની સત્તા વ્યાપક છે, તેથી ચાલે છે. કર્મ જડ છે તે પાપ પુણ્ય ના ફલ જીવાત્માને સુખ દું:ખ ની વ્યવસ્થા ન કરી શકે કે આપી શકે. ચેતન થી જ બને જે પૂર્વમીમાંસાએ કર્મ વાદ પ્રગટ કર્યો છે. જે કર્મ જ સંસાર માં પ્રધાન છે અને જેવું જે કરે તેને તેવું ફલ આપે પરંતુ શંકરાચાર્ય અને મંડનમિશ્ર ના શાસ્ત્રાર્થ માં ઇશ્વર નો સ્વિકાર મંડન મિશ્ર ને કરવો પડ્યો. કર્મ વાદ નો પરાજય થયો.

તો હવે આપણે શું કરવું પ્રારબ્ધ નો પ્રતિકાર કરવા માટે? કારણ કે પ્રારબ્ધ બે પ્રકારનું છે. શુભ તથા અશુભ. તેમાં શુભ તો બહુજ પ્રિય લાગે છે પરંતું અશુભ નો પ્રતિકાર કરતા રહીએ છીએ અને તેમ છતા દુર થતુ નથી તેનું કારણ તે છે કે શિયાળા ની રૂતુ છે અને પછી ઠંડી ની નિવૃતિ માટે ટાઢે પાણી એ સ્નાન કરીએ છીએ. પરંતું અશુભ પુરુષાર્થ કર્મ છોડતા નથી તેથી પાપ કર્મ ચાલું છે તો કેમ દુર થાય? માટે અશુભ ને શુભ પુરુષાર્થ થી જીતી શકાય છે અહી થી હવે મોક્ષમય પુરુષાર્થ ની વાત કરશું કારણ કે સંસારમાં તો ચક્ર છે અને ક્યારે પણ સમાપ્ત થવાનુ નથી. અંહકૃત ભાવ થી કર્મ કરતો રહે, ક્રિયમાણ થી સંચિત થતુ રહે, સંચિતમાંથી પ્રારબ્ધ થતુ રહે, વળી પ્રારબ્ધ શરીર થી ક્રિયમાણ વળી સંચિત વળી પ્રારબ્ધ તેમ ચક્ર ચાલતુ રહે છે. કારણ કે જેમ કુંભાર પોતે માટી ના વાસણો બનાવે છે અને ચાકડો ફરે છે પરંતું જ્યારે ચાકડો ધીમો પડે ત્યારે ફરી દંડ થી ગતી આપે છે અને ફરતો રહે છે. જો ગતી દંડ દ્વારા અપાતી બંધ થઇ જાય તો ધીમે ધીમે ચાકડો બંધ થઇ જાય છે. તેમ આ સંસારમાં પણ જીવાત્માનો અહંકૃત ભાવ છે તે શરીર રૂપી સંસાર ચાક નું દંડ છે અને તે પણ મનુષ્ય શરીર માં બને છે. પછી તે લક્ષ ચોરાસી ના નવા નવા શરીર માટલા બનતા રહે ફરી વળી માનવ તન મળે ત્યારે વળી હું કરૂ તેવા કર્તુત્વ ભાવથી કર્મ કરે અને ચાકડા ને ગતી મળી જાય છે અને ફરતો રહે તે ક્રિયમાણ, સંચિત છે વળી પ્રારબ્ધ તેમ ચક્ર ફરતું રહે. આ ચક્ર ના અંત માટે શું કરવું જોઇએ? કે જે પુરુષાર્થ એવો ક્યો કરવા માં આવે કે જેથી ફરી પાછું પ્રારબ્ધ ન બને અને ફરી પુરુષાર્થ એવો એક થાય કે જેથી પુરુષાર્થ પણ ફરી ન કરવો પડે અને પુરુષ પુરુષ રહી જાય અને અર્થ અર્થ રહી જાય. અને આવું બને ત્યારે તેવા પુરુષ ને કૃતાર્થ કહેવાય કે હવે જે અર્થ ની પ્રાપ્તિ કરવી હતી તે કરી લીધી કૃત અર્થ થઇ ગયો. હવે કાંઇ પણ પ્રાપ્તિ જેવું નથી તો તેવો અર્થ ક્યો છે કે જે અર્થ ની પ્રાપ્તિ પછી કૃતાર્થ થવાય છે? તો તેવો અર્થ છે, પરમાર્થ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા. સચ્ચિદાનંદ ?સ્વરૂપ આ પરમ અર્થ છે અને તે પરમ અર્થ ને પ્રાપ્ત કર્યા પછી જીવ કૃતાર્થ થઇ જાય છે. જીવ નું જીવ પણું રહેતું નથી. શિવોહં શિવોહં શિવોહં નો ધ્વની સહજ અંતર થી ઉઠી નીકળે છે.

તો આપણે જોયું કે પુરુષ પુરુષાર્થ કરે છે. તેમાં ત્રણ પ્રકાર નો જે પુરુષાર્થ છે તે તો સાંસારીક ફલ આપનારો છે. તેથી તેમા તો ક્યારેક ધર્મમય પુરુષાર્થ થકી દેવ લોક ઇત્યાદી ઉપર નાં લોકમાં – ઓછે વધતે મન ની ઇચ્છા ના અભિઘાત ઓછા થાય છે, સિધ્ધિઓ ઇત્યાદી થી મન પ્રસંન રહે છે. પરંતું તેમા પણ ભય પૂર્ણ છે. વિષયો જ, તે પણ છે અને અધિક વિષયો માં મન લાગવા થી ફરી નીચે અધો માં ઉતરતું ચાલે વળી મનુષ્ય, વળી પશુ પક્ષી, વળી સ્થાવર તેમ ત્રણે પુરુષાર્થ થી સાંસારીક ચક્ર ફરતું રહે છે. પરંતું મનુષ્યત્વ મળવું, મુમુક્ષુતા પ્રગટ થઇ અને વળી કોઇ અનુભવી સંત નો સમાગમ મળવો અતી દુર્લભ છે. તે કંઇ જન્મ ના પોતાના ગૃહસ્થાશ્રમ માં જ રહે તે રહેતે આશ્રમ ધર્મ નુ પાલન કરતે કરતે એવી મતિ પ્રગટ થાય કે હું એક આદર્શ ગૃહસ્થ બનું. હું એક પવિત્ર ગૃહસ્થ બનું. ગૃહસ્થ તો વારંવાર બનીએ છીએ. કુતરા બિલાડા પણ સજોડે રહે છે. આપણે માણસ છીએ એટલે ઘર, મકાન, બંગલા બાંધીએ, કુતરા બિલાડા બાંધેલા મકાન માં જ રહે. તે પણ ગૃહ?સ્થ જ છે. પરિવાર ઉભો કરે છે. ખાય છે , પીવે છે , સુવે છે.

બસ અહીં એક પવિત્ર ગૃહસ્થાશ્રમમાં આદર્શ ગૃહસ્થ બનવાથી ગૃહસ્થાશ્રમમાં પણ દિવ્યતા આવતી જાય છે. સારા સુઘડ સંતનો અને અતિથિનો સત્કાર ગૃહસ્થાશ્રમ નો મુખ્ય ધર્મ છે. તેવા જ્યારે અતિથિ સત્કાર જે ઘર માં હોય ત્યાં સંતો નું આગમન થતું રહે, પુણ્ય સંચિત થતું રહે અને અન્નપાન, આવેલા ને આદર માન મળે, સંતોના આશિષ વચનો વર્ષતા રહે અને તેવા સંતોમાં પણ ઘણા સંતને સેવતા કોઇ ઝવેરી મળી જશે ત્યારે બેડો પાર થઇ જશે. મુમુક્ષતા પ્રગટ થશે અને ધીમે ધીમે પરમાર્થ બુદ્ધિ પેદા થશે. વિચારો માં ક્રાતિ આવશે. પોતાના જીવન તરફ દ્રષ્ટિ થશે. સમાજ દર્શન થશે. કોણ ભાગ્યવાન અને કોણ અભાગી? કોણ સુખી અને કોણ દું:ખી? કોણ પરમ સુખી? તેનો પણ વિવેક પ્રગટશે. અને માનવ સાથે કે વિશેષ પુરુષો સાથે જીવન ની તુલના કરવાનો ને મેળવવાનો વિચાર થશે ત્યારે સમજાશે કે તે વિષેશ કેમ? અને હું હીણો કેમ? તુરત અંતર ની ચેતના જાગી ઉઠશે. કારણ ની ખોજ થશે, તે પણ માનવ છે હું પણ માનવ છું. હાથ, પગ, મન, બુધ્ધિ ઇત્યાદી અવયવો પણ તેના જેવા જ છે. ક્યા ભૂલ થાય છે તે સમજાશે. કંઇક ગલત રસ્તો પક્ડયો છે. જે શરીર કે તન મન નો જ્યા જે રીતે ઉપયોગ થવો જોઇએ તે રીતે ત્યાં કર્યો નથી. બસ હવે હું પણ તેમ જ વર્તીશ અને મુમુક્ષતા પૂર્ણરૂપ માં જાગૃત થશે અને તમારૂ પ્રારબ્ધ મોક્ષમય પુરુષાર્થ માં લાગી જશે.

ગુરૂ આપણો અધિકાર જ ગોતી આપે છે. મહાપુરુષોનો સમાગમ મળી જશે પરંતું પૂરાના સંસ્કાર પૂર્ણરૂપ માં બળવત્તર પડેલા છે. આપણા પૂણ્ય સંસ્કારે મુમુક્ષતા પણ પેદા કરી દી,ધી પરંતું સંસ્કાર જે પૂરાના છે તે પણ પૂર્ણ રૂપમાં સામે યુધ્ધ કરશે. આ સઘળાનો પરાજય કરવો છે તો મન ને બાંધવું કઠીન છે. સમુદ્ર મંથન કરવું છે તેમાથી ઘણી ચીજો નીકળશે. સંસારે જે રત્ન મનાયું છે પરમાર્થ નહીં અને અમૃત ની ઇચ્છા તો છે, પરંતું ઝેર પ્રથમ નકળશે અને છતા સમુદ્ર મંથન વખતે સાગર નું ઉંડાણ છે. મેરૂ રવાયો સ્થિર નહીં રહે તેને કોઇ આધાર જોશે. નહીંતર ડૂબી જશે, તો સંસારસમુદ્રમાં રહી ને જ સાધના કરવી છે. આસુરી દૈવી વૃત્તિઓનું યુધ્ધ છે. દૈવી કહે હું અમૃત સુખ પી લઉ છું. આસુરી કહે તમે નહીં હું જ પીશ. તે સમયે બન્ને બાજુ થી તમારા મન રૂપી રવૈયા ને ખેંચશે તમારૂં મન બન્ને બાજુ ફરતુ રહેશે. સંભવ ફરી ડૂબી જાય માટે તેને જેમ વિષ્ણુ એ એક હાથ મેરૂની માથે રાખ્યો અને બીજા રૂપે કાચબો થઇ ને પીઠ પર ધારણ કર્યો તેમ આપણા મન ને પણ ક્યાય આધાર મળવો જોઇએ. અને તે છે સદ્ગુરૂ તથા શાસ્ત્રો બે સાચા આધાર છે મન ને બાંધવાના. મન સદ્ગુરૂ ના વચનમાં અને આધ્યાત્મ શાસ્ત્રોમાં લાગ્યું રહેશે તો ત્યાંથી છુટું નહીં થઇ શકે. પરંતું તેને પૂર્ણ રૂપ માં બાંધવું પડે. કારણ શાસ્ત્રો માં મન તો બાંધશું પણ શાસ્ત્રો ના જે રહસ્યો છે તે સમજવા કઠીન છે. ક્યું શાસ્ત્ર શું કહેવા માગે છે? શાસ્ત્રનો પ્રણેતા તો નથી તેથી આપણે તો સીધ્ધો વાચ્યાર્થ કાઢશું. લક્ષ્યાર્થ રહી જશે અને શબ્દ નો ગલત અર્થ પણ થવાનો સંભવ છે તેથી વેદ કે શાસ્ત્રો પણ ગુરૂ વગર સમજાતા નથી. અમે એક જગ્યા એ બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી. એક સંત પણ સમાજ માં પ્રખ્યાત પછી સનાતન શબ્દ છે તે શું? તેનો અર્થ શું? તો તે સંતે તેનો અર્થ કર્યો કે છ નાં તન તે સનાતન. તેનો જે સનાતન શબ્દ છે તેમાં સનાતન તે સનાતનનો ક્યાં છ તન? તો કહે બ્રહ્મા, બ્રહમાણી, વિષ્ણુ, લક્ષ્મિ, શંકર, પાર્વતી આ છ નાં તન તે સનાતન. હું કઇ પણ ન બોલ્યો કારણ કે મારૂ કોઇ પણ ત્યા માને નહીૐ, કેવું ચાલે છે. પછી જે અમારા બાપુ કહે છે તે બરાબર આવા ગલત અર્થ થવાનો સંભવ છે, તેથી શાસ્ત્રો તો વહેતા સમુદ્ર જેવા છે. પરંતું તેનું કહેવાનુ તાત્પર્ય શું છે તે તો અનુભવી કોઇ સંત સમજાવી શકેઁ. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વિરોધાભાસી હોય છે. પરંતું તે અધીકાર ભેદ હોય છે. કોઇ જગ્યા એ કહે કે આ બધું પ્રકૃતિથી થાય છે, પુરુષ કઇ કરતો નથી. કોઇ જગ્યાએ કહે હું જ સઘળું કરૂ છું. મારા થી સઘળું થાય છે. તથા ભક્તિ તથા જ્ઞાન માર્ગ ની પણ મહત્તા બતાવી હોય છે. ભક્તો સઘળું પરમાત્મા પર છોડે છે. જે ગમે જગદ્ગુરૂ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો. આ શબ્દો જેણે પરમાત્મા ઉપર સઘળું છોડીને પૂર્ણ શરણાગત થયેલ, અહંકારથી રહીત નિર્માન નરસિંહ જેવા સંતોના છે, તેણે પ્રારબ્ધ સોપી દીધું છે. તેમા જરા પણ કૃતિ તલભાર નથી. જીવન સમર્પિત છે.

ત્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન ને તું મારે જ શરણે આવ હું તને સઘળા પાપથી મુક્ત કરીશ. તું સર્વ મને સોપી દે, જય પરાજય ની ઇચ્છા ના કર ઇત્યાદી. ક્યાંક જ્ઞાન માર્ગ છે ત્યા પ્રકૃતિ નો જ વહેવાર છે. પુરુષ અસંગ છે તેવું તેનું તાત્પર્ય કે રહસ્ય સંત વગર કોઇ પણ ન કહી શકે. કદાચ કોઇ શ્રોત્રિય અર્થ કરે પરંતું રહસ્ય જે પરમાત્મા છે અને જે તેનો અનુભવ લઇને તેમા ડુબીને તેનો પાર પામ્યા છે તે જ બતાવી શકે અને તેવા સંત કે તેવા સદ્ગુરૂ નો મહિમા છે. હવે આપણે જે મુખ્ય માન્યતા વેદ ને શાસ્?ત્રો માં છે તેમા જે વાદો છે તે મુખ્ય તો બે જ છે, ત્રીજો નથી અને તે જગત સાચું છે અને બ્રહ્મ પણ સાચુ છે અને બીજો બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એક ને મતે બ્રહ્મ પણ સાચુ છે અને જગત પણ સાચુ છે. હવે જેને મતે જગત સાચુ તેને મતે પ્રારબ્ધ પણ સાચુ. જેને મતે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે તેને મતે પ્રારબ્ધ પણ મિથ્યા છે. અધ્યાસ તો બંને માને છે. ભ્રાંતી તો માને છે પરંતું તે વેદાંતમાં પાંચ ખ્યાતીઓ માં બતાવ્યું છે તેથી બંને મતે અધ્યાસ તો છે પરંતું એકને મતે સાચો છે અને એકને મતે ખોટો છે, તો દૂર તો કરવા ના જ છે. બંને ને દું:ખ પણ, બંનેને અધ્યાસ ને કારેણ જ છે, તો નિવૃતિ કેમ કરવી? સાચો અધ્યાસ તો જ્ઞાનથી નિવૃત ન થાય તો તેવા અધ્યાસ નું વિરોધી કોણ? અને જે મિથ્યા અધ્યાસ છે તે મિથ્યા થી જ દૂર થાય કારણ કે મિથ્યા અધ્યાસ નું અધિષ્ઠાન તો સત્ય છે તે તો તેને આશ્રય આપીને રહ્યું છે. તો તે અવિદ્યા ની જ્ઞાન રૂપ શુધ્ધ સાત્વિક વૃત્તિથી દૂર થાય. અજ્ઞાન ને જ્ઞાન નિવૃત્ત કરે તેથી અજ્ઞાનની વૃતિ રૂપ જે જ્ઞાન છે તે પણ અજ્ઞાનની જ વૃતિ છે અને અધ્યાસ પણ અજ્ઞાન જ અને મિથ્યા છે. તેથી વેદાંત માં મિથ્યા ની નિવૃતિ મિથ્યાથી જ થાય. સત્ય તો ત્રીકાલાબાધિત તત્વ છે. તેનો તો કોઇ પણ બાધ ન કરી શકે, તો કાંટો તો લાગે છે. બન્ને ને દું:ખે પણ છે. દૂર પણ કરવો છે. તો કાંટા થી જ કાંટા નો ઉપયોગ કરી લેવો સાચો. કાંટો લાગ્યો છે તો બીજો બાજુ માં સાચો કાંટો લઇ ને તેને કાઢી નાખવો પછી બન્ને ને ફેકી ને સ્વસ્થ થઇ ને ચાલતુ થવું. બીજો ખોટો કાંટો કલ્પનાનો જ લાગ્યો છે તો તેની નિવૃતિ પણ અન્ય કલ્પનાથી જ નિવૃત થશે તો આપણે જોશુ કે પ્રારબ્ધ ને સાંસારીક તો ગમે તેટલા ઉપાયો કરો તો પણ તેની નિવૃતિ કે પ્રતિકાર કે વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. ભલે ગમે તેટલો પુરુષ પુરુષાર્થ કરે પરંતું તેનો પરાજય કરવા માટે શાસ્ત્રોક્ત ક્રિયા છે અને તેથી જ તે જીતી શકાય કે ક્રિયમાણ તો નિષ્કામ કર્મ થી શુધ્ધ થશે, મલ નિવૃતિ થશે તેથી સંચિત નહી થાય.

પરંતું વિક્ષેપ શક્તિ પ્રાણ છે – મન છે. પ્રાણ ચાલે છે ત્યા સુધી મન ચાલે છે બન્ને સંયુક્ત સ્વભાવ વાળા છે. અને તે ઉપાસના થી જીતી શકાય છે. જ્ઞાન થી આવરણ દૂર થાય પછી નિરાવરણ બ્રહ્મનો અનુભવ થાય. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે ત્યારે સત્વાપત્તિ જ્ઞાનની ચોથી ભૂમિકામાં સ્થાન મળે બ્રહ્મ વેતા થયો બ્રહ્મ જ્ઞાની થયો. પરંતું જગત પણ સ્વપ્નવત્ત જુવે છે. ગુરૂ થઇ ને શિષ્ય પાસે જ્ઞાનની વાતો કરે છે. આત્માનાત્માની વિવેક ની પરંતું જગત કે પદાર્થ છે જ નહી તેવો અનુભવતો પાંચમી છઠ્‌્ઠી ભૂમિકામાં હોય છે. સંપૂર્ણપણે પદાર્થોમાથી આસક્તિ પાંચમી માં તુટીને છઠ્‌્ઠીમાં પદાર્થ ભાવ પણ ન રહે ત્યારે ઉપર તુર્યગાનો અનુભવ છે. ત્યા સુધી તેઓ બ્રહ્મવેતા જીવનમુક્ત કહેવાય છે. વિદેહ મુક્તિ તો પછી, પરંતું તુર્યગાનો અનુભવ લઇને વિદેહમુક્તિનો પણ અનુભવ લઇ લીધો હોય છે, પરંતું તે દેહથી વિદેહ નથી થયો કારણ કે લેશાવિદ્યા થી ચાલતુ શરીર અને બળી ગયેલ સિંદરી જેવું પ્રારબ્ધ તો ચાલે છે. ભલે જ્ઞાનીની દ્રષ્ટિમાં તે નથી પરંતું અજ્ઞાની તેને જુએ છે. વહેવારમાં ખાઇ પીવે છે. સઘળું કરે છે તેથી વિદેહ મુક્તિ ન કહેવાય.

વિદેહમુક્તિમાં ચિત્તનો સ્વરૂપ નાશ હોય. ચિત્ત સહિત સંસ્કારો નો ચિત્ત ધર્મી કે સંસ્કારો તેના ધર્મ કશુ રહેતું નથી, પરંતું જીવનમુક્તિમાં ચિત્તનો સ્વરૂપ નાશ હોય છે. તે સંસ્કારો તેને જીવનમાં ઉપયોગી થાય તે પૂરતાં છે. તેને હાની કરી શકાતા નથી. પરંતુ તેવા જીવનમુક્ત પુરુષ ને પણ બળેલ પ્રારબ્ધ છે તે જેમ સિંદરી નો બળ્યા છતા પણ વળ દેખાય તેમ શરીર તો દેખાડે છે. વહેવાર કરાવે છે તો તેને વિદેહ કેવલ્ય માટે પ્રતિક્ષા કરવી પડે છે. કે ક્યારે બળેલ પ્રારબ્ધ કે લેશા વિદ્યા દ્વારા ચાલતું જીવન તથા શ્વાસોશ્વાસ રૂપ ક્રિયા વિક્ષેપ તો જોકે ન કહેવાય તેને મતે છે જ નહીં છતા ચાલે છે. તો તેને જ્યાં સુધી શરીર માં ચાલતા પ્રાણ છેલ્લો શ્વાસ ન લે ત્યા સુધી વિદેહમુક્તિ માં વિલંબ છે, તેવો જ્ઞાની પણ બળેલ પ્રારબ્ધ પણ નિવૃત્ત થઇ જાય, બળેલી રજુ ની રાખ પણ ન રહે, તે તો ત્યારે જ બને. અને તે જ્ઞાની પ્રારબ્ધ નું ઉત્ક્રમણ નહી કરી શકે. અજ્ઞાન તો નિવૃત્ત થઇ ગયું છે. તત્વજ્ઞાન પણ છે છતા વિદેહમુક્તિની પ્રતિક્ષા કરવી પડે છે. કોઇ પ્રયોજન રહ્યુ નથી. જીવન સાથે કોઇ લેવા દેવા નથી પછી શું? તો જ્યા એક બીજી માન્યતા કે જે અધ્યાસ સાચો છે તો તેને શું કરવું? કેમ હટાવવો, નિવૃત કરવો? તો ઉપરની ક્રિયા પણ શાસ્ત્રોક્ત કહેવાય અને આ બીજી પણ શાસ્ત્રોક્ત છે જે અષ્ટાંગ યોગ છે. કાંટા થી કાંટા ને કાઢવો, કાંટો સાચો છે. તો બીજો સાચો કાંટો લઇ ને કાંટા ને કાઢી નાખવો. તેમ અવિદ્યા ને કારણ વિક્ષેપ છે તો વિક્ષેપ સહિત અવિદ્યા ની નિવૃત્તિ તેને સારી રીતે સમજી વિચારી એક એક તત્વ નું પ્રત્યક્ષ જ્ઞાન કરતે કરતે તેને નિવૃત્ત કરવું. તેમા પ્રાણ મુખ્ય ક્રિયા શક્તિ છે અને વિક્ષેપ શક્તિ પણ તે છે કે જે જ્ઞાની ને જ્ઞાન થયા પછી પણ ભલે અહંભાવ કે અહંકૃત નથી એટલે ચાકડા ને ફરી ગતી તો નથી અપાતી પરંતું પહેલા ની કે પૂર્વ જન્મ ની ગતી આપેલ છે. તેથી ફરે છે અટક્યો નથી અને તે તેની મેળે ધીમો થતે થતે પૂર્ણ રૂપ માં બંધ પડશે. પરંતું કોઇ જરુર વગર નો ફરે છે. કાર્ય કોઇ રહ્યુ નથી અને બંધ કરવો છે. તો શું કરવું? તો કહે તેમાં દંડ આરામાં લગાવી ને કોઇ પણ યુક્તિ થી અટકાવી દેવો. બસ આ ક્રિયા છે યોગ ની. પ્રાણ નું નિરોધ અને વિક્ષેપ શક્તિ ને જીતી શકાશે. સાચુ પ્રારબ્ધ હતું તે ક્રિયા થી ક્રિયા ની નિવૃતિ કરવી. પ્રાણ પણ ક્રિયાશક્તિ અને યોગ પણ ક્રિયા. ધીમે ધીમે સબીજ થી નિર્બીજ યોગમાં કર્મ કે તેના સંસ્કાર કે કોઇ પણ બીજ ન રહે અને પ્રત્યક્ષ રૂપ માં આત્મા સઘળાનો કર્તા છતા અકર્તા ભોક્તા છતા અભોક્તા તેવો પ્રગટ અનુભવ યોગીનો હોય છે. અને યોગાભ્યાસ દ્વારા પ્રાણો પર વિજય પ્રાપ્ત કરી ને તેવો યોગી પ્રારબ્ધ ને જીતી લે છે. દૂર ફગાવી તેથી અલગ થઇ ને પ્રારબ્ધ નું ઉત્ક્રમણ કરી ને વિદેહમુક્તિ ની વિલંબ ની પ્રતિક્ષા કર્યા વગર સ્વતંત્ર ઇચ્છા થી ઇચ્છા કે સંકલ્પ પર સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. સ્વતંત્ર રીતે વિદેહ મુક્તિ ને પ્રાપ્ત થાય છે.

તો મારા પ્યારા લાડીલા ભકતો આપનો પ્રશ્ન એવો હતો કે થોડી અલ્પ ચર્ચા કે થોડા શબ્દોમાં કહેવામા પણ સંતોષ ન થાય અને આપને પણ સંતોષ ન થાય તેટલા માટે આપને લાગશે કે બાપુ એ ગુરૂજી એ ઘણુ લખ્યુ પરંતુ આ વિશ્વના જીવોની સમસ્યા છે અને તે મહાત્મા તપસ્વી અનુભવી પુરૂષો એ ઉકેલી છે. તો મારૂ ચિંતન મારો શાસ્ત્રોનો અનુભવ તથા સદ્ગુરૂની કૃપાથી જે જેટલુ અનુભવ્યુ છે તેટલુ સંપૂર્ણ જો કે આ વિષય ઉપરજ શાસ્ત્રો લખાયા છે. ગ્રંથોના ભંડાર થઇ ગયા છે તો પણ સમસ્યા તેવી જ રહી છે. પુરૂષાર્થ તથા પ્રારબ્ધના ઝગડામાં આરંભમા જ પુરૂષાર્થ હતો, કારણકે પહેલા મારે કાંઇક જોઇએ છે અને કાંઇક મેળવવુ તેમા તેની પ્રાપ્તી માટેનો પ્રયત્ન થયો તેજ પુરૂષાર્થ પ્રારબ્ધનો પિતા થયો પછી તો પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રારબ્ધથી પુરૂષાર્થ. તેમ બાપથી દિકરો તથા દિકરાથી બાપ તેમ ચક્ર ચાલ્યુ પરંતુ જયારે કોઇ પણ તેવા ભાગ્યે સંત કે સદગુરૂ મિલન થાય ત્યારે જ આપના પ્રારબ્ધ કે ભાગ્ય ને સંત તથા શાસ્ત્રો જ બદલી શકે છે. દુ:ખને સુખમા ફેરવી શકે છે. લેખમા મેખ મારી શકે છે. સદગુરૂ કે સંતને જો આપણે સજાતિય થઇએ તેના વચન પર, વાકય પર, શ્રધ્ધા વિશ્વાસ કરીને ચાલીએ તો જરૂર સદગુરૂ એક એવી જડ જડે છે જેમ કોઇ લુહાર લોઢામાં જડ જડતા હોય સાંધો કરતા હોય પછી નીચે પણ દબાણ અને ઉપર હથોડાના ઘા મારીને ખીલાને ઉપરથી ટીપીને એવી જડ
મજબૂત કરે કે, ઉખડે નહી. તેવી જ રીતે સદગુરૂના કે સંતના વચનમાં વિશ્વાસ કે શ્રધ્ધા રાખી ને ચાલનાર માટે સદગુરૂ પરમાત્મા સાથે આત્માની એકતાની અભિન્નતાની એવી જડ જડે છે કે તેમા એક સંતે સાખી કહી છે કે,

સદગુરૂએ જડ જડી, જડી અપરંપાર
ઉખડી ઉખડે નહી, ભલે લાખો મથે લુહાર

પછી જે સ્થિતી પર સદગુરૂ શિષ્યને આરૂઢ કરે છે નિષ્ઠાવાન બનાવે છે બ્રહ્મનિષ્ઠ કે અન્ય ગુરૂઓ કે લુહાર પછી તેમા લાખો તેની શ્રધ્ધા વિશ્વાસને નિષ્ઠાને તોડાવવા પ્રયત્ન કરે પરંતુ તૂટે નહી તેવો મહિમા શાસ્ત્રોનો સંતનો અને સદગુરુનો છે. તો પ્યારે ભકતો ઉપસંહારમાં બસ એટલુ જ કહેવાનુ કે, વહેવારિક જગતમા પુરૂષાર્થ તથા પ્રારબ્ધનો સ્વિકાર કર્યા વગર ચાલે તેમ નથી. વહેવારિક જગતમા બંને પછી પરસ્પરના પૂરક બની જાય છે. અને જયા સુધી મોક્ષમય પુરૂષાર્થ ન કરવામા આવે ત્યાં સુધી પરમાર્થની સિધ્ધિ થતી નથી. પરમાર્થની સિધ્ધિ થયા પછી પુરૂષાર્થ કે પરૂષનો સ્વાર્થ કશુ રહેતુ નથી. પુરૂષાર્થથી જ પ્રથમ આરંભ થયો પછી પ્રારબ્ધ થયુ અને તે પ્રારબ્ધ એ સુખ દુ:ખ ઇત્યાદી કલેશની વૃધ્ધિ કરી ફરી પાછી ઉલટી ક્રિયા અપનાવીને જે રીતે ભૂલ કરી હતી તે ભૂલની રીત સમજાઇ ગઇ. અને પુરૂષાર્થથી જ તે ભૂલ સધારી લીધી. આગળ પાછળના પુરૂષાર્થમાં પ્રારબ્ધ વચમાં જ ઉભુ થયુ હતુ. તેમા પુરૂષ ચૈતન્ય કુટસ્થ સચ્ચિદાનંદ નામ સત્ય પરંતુ જે આદિમા ન હોય તે અંતમા પણ હોતુ નથી, તો પ્રારબ્ધ વચમા ઉભુ થયુ. અંતે ન રહ્યુ તો તે બિલકુલ હતુ જ નહી, હતો પુરૂષાર્થ પણ હવે તો પુરૂષાર્થ પણ ન રહ્યો. માત્ર પુરુષ હવે તેને શકિત અભિન્ના પુરૂષ કહેવો હોય તો કહો કારણકે જો પુરૂષ કહેશો તો ત્યા સામે પ્રકૃતિ ખડી થશે. માટે પુરૂષ પ્રકૃતિ ન કહેતા રહ્યુ એક સતા સામાન્ય ચૈતન્ય બ્રહ્મ, કે જેનુ કોઇ પુરૂષ, સ્ત્રી કે કોઇ પણ લિંગ નથી. તો મારા લાડીલા ભકતો આ આપના પુરૂષાર્થ પ્રારબ્ધ ઇત્યાદી વિષે પ્રશ્ન હતો તે મારી બુધ્ધિ અનુમતે પ્રત્યુતર આપ્યો છે. તેથી સમાધાન લેવુ, તેમા આપની શ્રધ્ધા હોય છે. શાસ્ત્રમત સંત મત અને નિજ અનુભવ ત્રણે મળે ત્યારે ત્યા વાસ્તવિકતા હોય છે. તો યોગવશિષ્ઠમા ઘણાં જ ગહન વિષયો આવશે પરસ્પરની જયા સુધીની બુધ્ધિ પહોંચ હોય ત્યાં સુધી ચર્ચા જરૂર કરવી. ન સમજાય તે પ્રશ્ન જરૂરૂ મોકલશો. બુધ્ધિ અનુમતે પ્રત્યુતર આપતો રહીશ.

લિ. આપનો ભજનપ્રકાશાનંદ
ૐ શાન્તિ


વિશેષ વાતઃ- પ્રારબ્ધ્ને માનુ છુ પણ પુરૂષાર્થ છોડુ નહી. થોડુ આપ ભકતોના સમાધાન માટે લખવાની ઇચ્છા થાય છે. પ્રારબ્ધ ત્રણ પ્રકારનુ હોય છે. સ્વેચ્છાનુ, પરેચ્છાનુ અને અનિચ્છાનુ. તેમા સ્વેચ્છાનુ તે છે કે, આ મારી ઇચ્છાને રોકી શકતો નથી તેનુ પરિણામ પણ હુ જોઇ રહ્યો છુ. જેમ કે ચોર છે, તે પોતે સમજી શકે છે કે, પકડાઇ જઇશુ તો સજા થશે, મૃત્યુ પણ થાય છતા ચોરી કરવાની ઇચ્છાને નથી રોકી શકતો તે સ્વેચ્છાનુ પ્રારબ્ધ. ચોર દુ:ખી થાય છે. પકડાઇ પણ જાય છે. માર ખાય છે. દુ:ખને પણ સમજી શકે છે. તે દુ:ખ છે છતા, ચોરી કરવાની ઇચ્છાને રોકી શકતો નથી. બીજુ પરેચ્છાનુ પ્રારબ્ધ છે. તે મારૂ નહી પરંતુ બીજાની ઇચ્છાકે ભાવનાનુ નિભાવ કરવો પડે અને તેથી જે સહન કરવુ પડે, જેમ કે યુધિષ્ઠીર મહારાજને ધૃતરાષ્ટ્ર જુગાર રમવાનુ નિમંત્રણ આપે અને કાકાનું માન જાળવવા તેને ના કેમ પાડવી અને કરવુ પડે. પછી જુગાર રમે, વનમાં જાય. દુ:ખ સહે તે પરેચ્છાનુ છે. અને ત્રીજી મારી ઇચ્છા નથી છતા આવ્યુ છે. પાપ કરવાની ઇચ્છા નથી. અર્જુનનો પ્રશ્ન છે કે, કઇ એવી વસ્તુ છે કે, ઇચ્છા ન હોય, પાપ ને પાપ સમજે છે, છતા પાપ કરે છે તો ભગવાન તેને પ્રત્યુતરમા તે જ જવાબ આપે છે. વ્યકિતની રજોગુણમાથી ઉત્પન્ન થનાર કામના, કામનાથી ક્રોધ, તેમ આ ત્રણ પ્રકાર નુ પ્રારબ્ધ છે. પરંતું તે તો નિશ્ચય છે કે જે પુર્વ નું ફલ આપવા માટે જે કર્મ ઉન્મુખ થયું છે તે પણ મંદ, મધ્ય કે તિવ્ર હશે. કઇ થોડા પ્રયત્ને દૂર થાય, કોઇમાં અધિક પ્રયત્ન કર્યા પછી દૂર થાય અને કોઇ તિવ્રત્તર હોય તો પ્રાણાન્તે પણ દૂર થતું નથી. પરંતું વર્તમાનની પ્રતિકારક પુરુષાર્થ શક્તિ પ્રબલ હોય છે. નવું નવું બલ હોય છે. પરંતું તેનો પ્રતિકાર કરવામાં વ્યક્તિએ કાયર થઇ હથિયાર છોડી દેવા જોઇએ નહીં. તેથી તો ઉલ્ટું તેનું બલ વધશે. પ્રતિકાર શક્તિ સામે નહી થાય તો પ્રારબ્ધનો સ્વિકાર કરીને નિરાશ થશે તો તેનું ચિંતન બલવત્તર થતું જશે. પરંતું આપણે સમજી લેવું જોઇએ કે સંસ્કારો તો અસંખ્ય છે પરંતું પ્રબલપણે કયો છે કે જેનો વારંવાર પ્રયત્ન કરવા છતા દૂર થતો નથી તો તેનો સામનો ઉત્સાહપુર્વક ભલે ને હમણા તે પ્રબલ છે પરંતું તે આપણે પાડે પડી ને પણ ઉત્સાહથી જેમ રણવીર અંગ અંગ કપાઇ જાય ત્યાં સુધી પ્રયત્ન દુશ્મન સામે કરે છે તેવો જ ઉત્સાહ તે સામે પુરુષાર્થ શક્તિથી પ્રતિકાર કરવો જોઇએ અને શાસ્ત્રોક્ત ક્રિયા જ્યા છે ત્યા પ્રારબ્ધ્ કે ગમે તેવું કર્મ હશે પરંતું તેને હાર સ્વિકારવી જ પડશે. પુરુષાર્થ ના અભાવમાં કર્મને કે પ્રારબ્ધને દોષ ન આપવો. યોગ વશિષ્ઠ પણ તે જ કહે છે. દાંત ભિંસીને પ્રયત્ન કરો. જ્ઞાન – કર્મ સાથે છે, ક્યારેક કર્મનો જ્ઞાન પર પ્રભાવ હોય છે, ક્યારેક જ્ઞાનનો કર્મ પર પ્રભાવ હોય છે તેમાં જ્ઞાનનો જ પ્રભાવ અધીક છે. તેથી શાસ્ત્રોક્ત જ્ઞાન, સદાચારનું જે આચરણ છે શાસ્ત્રો માં બતાવેલ સઘળી ક્રિયા પરાજય આપે છે. જ્ઞાન ની જીત થાય છે. મારા પ્યારા લાડીલા ભક્તો ખુબ ખુબ સત્સંગ કરતા રહેજો.


Categories: અજ્ઞાતમાં ડૂબકી | 1 Comment

નાથા ભગતના ભજનો

મીત્રો,

અહીં નાથા ભગતના ભજનો, કાવ્યો અને હ્રદયના સરળ અને ઉત્કટ ભાવો રજુ કર્યા છે. શ્રી નાથા ભગત, રાણાવાવ થી થોડે દુર આવેલા બખરલા ગામના વતની છે. નાનપણથી જ ભજનો ગાવાનો અને રચવાનો શોખ. પુજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી ના પુર્વાશ્રમના પુત્ર છે. છેલ્લા ચાર વરસથી સતત એકાંતમાં સાધન ભજન કરે છે અને માત્ર પ્રભુ પ્રેમમાં મસ્ત બનીને જીવન વીતાવે છે. તેઓ કશું ભણ્યા નથી પરંતુ જે ખરેખર ભણવા જેવું છે તે ભણી ચુક્યા છે. શ્રી નાથા ભગતના કંઠે ભજનો સાંભળવા તે એક લ્હાવો છે. અહીં તેમની ભાષાનો દોષ ન જોતા ભજનો પાછળ રહેલો ભાવ જ આપ સહુ જોશો તેની મને ખાત્રી છે.

અતુલ.


જે વિરોએ સનાતન ધર્મ અને સંસ્કૃતિ બચાવવા માટે, ભારતમાતાને આઝાદ કરવા માટે દેહના, પ્રાણોના બલિદાન આપી દીધા તેમનું દેશભક્તિનું કાવ્ય લખી, ગાઈ અને એ વિરોને ભાવ-પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિએ. ભારત માતા કી જે, વંદે માતરમ

(નાથા ભગત)


દેશભક્તિનું કાવ્ય (૧)

રાગઃ જહાં ડાલ ડાલ પર સોનેકી

જુઓ મા ભારતિના સંતાનો
જુઓ મા ભારતિના સંતાનો
નિપજે નર ને નારી એવા
દેતા દેહ તણા બલિદાનો
જુઓ મા ભારતિના સંતાનો (૧)

અરે મદન મોહન માલવિયા જુઓ
ગૌરવ રગ રગ હિન્દુ ધરમનું
મા ભારતિ માટે શહિદ થવાનો
ખરો સંકલ્પ ઢીંગરાનો
જુઓ મા ભારતિના સંતાનો (૨)

એક જ વસ્ત્ર વ્રત ધરી દિલમાં
છલકતો સાગર દયાનો
અરે શાંતિ દૂત એ સત્ય અહિંસક
જુઓ મહાત્મા ગાંધી મજાનો
જુઓ મા ભારતિના સંતાનો (૩)

ચીડીયાકો મે બાજ બનાઊ
સવા લાખસે એક યોધો લડાઊ
એ તેગ બહાદુર ગુરુ ગોવિંદસિંહ
થયા પુત્રો સહિત કુરબાનો
જુઓ મા ભારતિના સંતાનો (૪)

અરે પતો નહિ પૃથ્વિ પર
કરી છેલ્લી ભારત મા ને સલામો
એ સુભાષ શુરવીર અડિખમ યોદ્ધા
અરે ખેલ્યા કેવા સંગ્રામો
જુઓ મા ભારતિના સંતાનો (૫)

વીર સાવરકર ચંદ્રશેખરને
ભગતસિંહ મજાનો
ચડી હસ્તે મોઢે ફાંસિ પર
થયા અમર શહિદ યુવાનો
જુઓ મા ભારતિના સંતાનો (૬)

જેનું ભાલું ચેતક ભાળી ટેકને
ધૃજે જંગમાં વીર જુવાનો
એ પરપીડા હરવાના પ્રતાપને
અંગમાં કેવા અભિમાનો
જુઓ મા ભારતિના સંતાનો (૭)

યુધ્ધોમાં ધરણી ધૃજાવે
રણચંડીનું રૂપ ધરીને
એ રોમ રોમ ઝાંસી રાણીને
ઉમંગ ખરો આઝાદિનો
જુઓ મા ભારતિના સંતાનો (૮)

અરે હૈયું હરખી આપે ભવાનિ
સમશેર શિવાજીને
એ સંસ્કૃતિ માટે છત્રપતિને
મળી સમરથ ગુરુની શાનો
જુઓ મા ભારતિના સંતાનો (૯)

આઝાદી માટે હોમાઈ ગયા
ઘણા નર નારિ ને યુવાનો
કહે નાથા ભગત જુગ જુગ એના
રહે કિરતિ ને અમર નામો
જુઓ મા ભારતિના સંતાનો (૧૦)


પરમ પુજ્ય નિવૃત્ત જગદગુરુ શંકરાચાર્ય, પરમ વંદનિય સ્વામી શ્રી સત્યમિત્રાનંદ બાપુના દર્શન કર્યા પછી, ભારતમાતાના દર્શન કર્યા પછી જે અંતરમાં સ્ફુરેલી સ્તુતિ હરિદ્વાર, સમન્વય કુટીર આશ્રમે લખેલી છે. તો ભારતમાતાની સ્તુતિ કરી અને ઋણમાંથી મુક્ત થઈએ. પરમ્મ પૂજ્ય સદગુરુદેવને કોટી કોટી વંદન

(નાથા ભગત)


ભારતમાતાની સ્તુતિ (૨)

ધન્ય ધન્ય ભારત માં તુ ભવાની
તુમ સમ ઓર દયાલુ ન દાની
સાધુ સંતકી માં તુ રખવાલી
શંખ ચક્ર ગદા ત્રિશુલા ધારી
ધન્ય ધન્ય .. (૧)

તુમ્હાર ચરણ ગ્રહે માં કોઈ
સંકટ મીટે સદા સુખ હોઈ
પતિત ત્યાં પાવન થઈ જાઈ
અજ્ઞાની જ્ઞાની બની જાઈ
ધન્ય ધન્ય .. (૨)

સબ દેવીમાં માં તુ દેવી
તુમ્હારી મુર્તિ મહા તેજસ્વી કેવી
શુરવીરોને માં તુ શક્તિ દેનારી
અસુરો કો સંહાર કરનારી
ધન્ય ધન્ય .. (૩)

હરિદ્વાર તપસ્વી ભુમી સારી
કુટીર સમન્વય ત્યાં સેવા ભારી
ગુરૂદેવને પરિશ્રમ ઉઠાઈ
ભારતમાતા મંદિર બનાઈ
ધન્ય ધન્ય .. (૪)

નીત નીત સાધુ ત્યાં ભોજન જમતાં
ગંગામૈયા ત્યાં ખળખળ વહેતા
રામાયણ ગીતાના સ્વર ત્યાં ગૂંજે
રામ નામ વીના કશુ ન સુજે
ધન્ય ધન્ય .. (૫)

શંકા રહે તો જોવો જઈ ભાઈ
ત્યાં ભારતમાતા બીરાજે સદાઈ
નાથાભગત કહે સત્યભજન કૃપા થઈ ભાઈ
ગુરૂ સત્યમિત્રાનંદ અમર રહો ભાઈ
ધન્ય ધન્ય .. (૬)


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

જીવનસિદ્ધાંત (૨) દેહાતીત આત્માનું ભાન (7)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૭ – જીવનસિદ્ધાંત (૨) દેહાતીત આત્માનું ભાન

(6.) આવી દશામાં એકલી સ્વધર્મની નિષ્ઠાથી પહોંચી નહીં વળાય. એ માટે બીજા બે સિદ્ધાંતોનું ભાન જાગતું રાખવાની જરૂર છે. આજ મરે કે કાલ મરે એવો નબળો દેહ, હું નથી. શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે, એમાંનો એક સિદ્ધાંત છે. હું કદીયે ન મરનાર અખંડ તેમ જ વ્યાપક આત્મા છું, એ એમાંનો બીજો સિદ્ધાંત છે. એ બંને મળીને એક સંપૂર્ણ તત્ત્વજ્ઞાન બને છે.
ગીતાને આ તત્ત્વજ્ઞાન એટલું બધું અગત્યનું લાગ્યું છે કે તેનું આવાહન તેણે પહેલું કર્યું ને પછી સ્વધર્મનો અવતાર કર્યો. કોઈ કોઈ પૂછે છે કે તત્ત્વજ્ઞાનના આ શ્લોકો શરૂઆતમાં શા માટે? પણ મને પોતાને એમ લાગે છે કે જેની જગ્યા બિલકુલ બદલી ન શકાય એવા ગીતાના કોઈ શ્લોક હોય તો તે આ શ્લોકો છે. આટલું તત્ત્વજ્ઞાન મનમાં બરાબર ઠસી જાય તો સ્વધર્મ અને તેનું પાલન જરાયે અઘરૂં નથી. એટલું જ નહીં પછી સ્વધર્મ સિવાય બીજી કોઈ બાબતનું પાલન કે આચરણ અઘરૂં થઈ જાય. આત્મતત્વનું અખંડપણું અને દેહનું નજીવાપણું એ બે વાતો સમજવી અઘરી નથી. કેમકે બંને સત્ય વસ્તુઓ છે. પણ એ બંને વાતોનો વિચાર કરતા રહેવું જોઈએ, તેમને વારંવાર ચિત્તમાં વાગોળવી જોઈએ. આપણી આ બહારની ચામડીનું મહત્ત્વ ઓછું કરી અંદર રહેલા આત્માને મહત્ત્વનો ગણતાં આપણે શીખવું જોઈએ.

7. આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બાળપણ, જવાની અને ઘડપણના ચક્રનો સૌને અનુભવ છે. આજના શાસ્ત્રજ્ઞો આગળ જઈને એટલે સુધી કહે છે કે સાત વરસમાં શરીર તદ્દન બદલાઈ જાય છે અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં બાકી રહેતું નથી. આપણા જૂના લોકો માનતા કે બાર વરસમાં જૂનું શરીર મરી જાય છે. અને તેથી પ્રાયશ્ચિત્તો, તપશ્ચર્યા, અધ્યયન વગેરેની મુદત એમણે બાર વરસની ઠરાવેલી. આપણે એવી વાતો સાંભળીએ છીએ કે ઘણાં વરસના વિયોગ પછી દીકરો માને મળ્યો ત્યારે તે તેને ઓળખી ન શકી ! તો શું આવો આ ક્ષણે ક્ષણે પલટાતો ને પ્રતિક્ષણે મરી જનારો દેહ એ તારૂં સાચું સ્વરૂપ છે કે ? રાત ને દિવસ જેમાં મળમૂત્રની નીકો વહે છે અને તારા જેવો જબરો ધોનારો મળેલો હોવા છતાં જેનું અસ્વચ્છતાનું વ્રત છૂટતું નથી તે તું છે કે ? તે અસ્વચ્છ, તું તેને સ્વચ્છ કરવાવાળો, તે રોગી, તું તેનાં દવાદારૂ કરવાવાળો, તે માત્ર સાડા ત્રણ હાથ જમીન પર પડી રહેનારો ને તું ત્રિભુવનવિહારી, તે નિત્ય પરિવર્તન પામનારો ને તું તેના પલટાઓનો જોવાવાળો સાક્ષી, તે મરવાવાળો ને તું તેના મરણની વ્યવસ્થા જોવાવાળો, આવો તારી ને તેની વચ્ચેનો ભેદ ચોખ્ખો હોવા છતાં તું સંકુચિત શેને રહે છે ? દેહના સંબંધો તેટલા જ મારા એમ શું કહ્યા કરે છે ? અને આવા આ દેહના મરણનો શોક શાને કરે છે ? ભગવાન પૂછે છે, ‘દેહનો નાશ એ વળી શોક કરવા જેવી બાબત હોય ખરી કે ?’

8. દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે તેથી તો નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમનો વળગી રહેતો હોત તો તેનું ઠેકાણું ન રહેત, બધોયે વિકાસ થંભી જાત, આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. એથી દેહનો નાશ હરગિજ શોક કરવા યોગ્ય નથી. આત્માનો નાશ થતો હોત તો તે બીના ખરેખર ઘણો શોક કરવા જેવી થાત. પણ આત્મા તો અવિનાશી છે. આત્મા એક અખંડ વહેતો ઝરો છે. તેના પર અનેક દેહ આવે છે ને જાય છે. તેથી દેહની સગાઈમાં ફસાઈને શોક કરવો ને આ મારા ને આ પારકા એવા કકડા પાડવા એ તદ્દન ખોટું છે. બ્રહ્માંડ એક સુંદર વણેલું લૂગડું છે. નાનું છોકરૂં કાતર હાથમાં લઈ લૂગડાના કકડા કરે તે પ્રમાણે આ દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે ? જે ભારતભૂમિમાં બ્રહ્મવિદ્યાનો જન્મ થયો તે જ આ ભૂમિમાં નાનામોટા વાડાઓ અને નાનીમોટી ન્યાતોનો રાફડો ફાટી નીકળેલો જોવાનો મળે છે એ ખરેખર બહુ ખેદની વાત છે. અને અહીં મરણનો તો એટલો બધો ડર ઘર કરીને બેઠો છે કે તેટલો ભાગ્યે જ બીજે ક્યાંયે હશે. ઘણા લાંબા વખતથી ઊતરી આવેલી પરતંત્રતાનું એ પરિણામ છે એમાં જરાયે શક નથી, પણ મરણનો આવો ડર પરતંત્રતાનું એક કારણ છે એ વાત પણ ભૂલી ગયે ચાલે એવું નથી.

9. અરે ! મરણ શબ્દ કે તેનો ઉચ્ચાર પણ આપણે સહન કરી શકતા નથી ! મરણનું નામ લેવું આપણે ત્યાં અભદ્ર લેખાય છે. ‘अगा मर हा बोल न साहती । आणि मेलिया तरी रडती’ – અરે, મર એવો બોલ સહી શકતા નથી, અને મરે છે ત્યારે રડે છે, એવું જ્ઞાનદેવને બહુ દુઃખ સાથે લખવું પડ્યું. કોઈ મરી જાય ત્યારે આપણે ત્યાં કેવી રડારોળ ને કેવી બૂમાબૂમ થાય છે ! અને આપણને એમ કરવાનું જાણે ખાસ કર્તવ્ય લાગે છે ! રડવાવાળાંને મજૂરી આપીને ભાડે બોલાવવા સુધી આપણે ત્યાં વાત પહોંચી છે ! મરણ સામું આવી ઊભું હોય છતાં આપણે રોગીને તેની વાત કરતા નથી, દાક્તર કહે કે આ હવે બચે એમ નથી તો પણ માંદાને ભરમમાં રખાય છે, દાક્તર પણ ચોખ્ખું કહેતો નથી અને છેવટ સુધી ગળામાં દવા રેડ્યા કરે છે. રોગીને સાચી વાત જણાવી ધીરજ આપી તેને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ તો તેના પર કેટલો ઉપકાર થાય ! પણ સૌને એક જ ધાક કે ધક્કો લાગવાથી માટલું આગળથી ફૂટી જાય તો ? પણ ફૂટતાં પહેલાં માટલું કેવી રીતે ફૂટવાનું હતું ? અને બે કલાક પછી જે ફૂટ્યા વગર રહેવાનું નથી તે જરા વહેલું ફૂટી ગયું તોયે શું થવાનું હતું ? આનો અર્થ એવો નથી કે આપણે કઠોર અને પ્રેમશૂન્ય થવું. પણ દેહાસક્તિ કંઈ પ્રેમ નથી. ઊલટું, દેહાસક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી. દેહાસક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે એ વાત સમજાય. અને પછી દેહને તેને લાયકની સાચી પ્રતિષ્ઠા પણ મળ્યા વગર નહીં રહે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. આપણું સાધ્ય સ્વધર્મનું આચરણ છે એ વાત આપણે સાવ વીસરી ગયા છીએ. સ્વધર્મનું આચરણ બરાબર થાય તે સારૂ દેહનું જતન કરવું જોઈએ અને તેને ખાવાનું ને પીવાનું આપવું જોઈએ. પણ જીભના ચસકા પૂરા કરવાની જરાયે જરૂર નથી. કડછી શિખંડમાં બોળો કે કઢીમાં બોળો, તેને તેનું સુખ નથી કે દુઃખ નથી. જીભનું એવું હોવું જોઈએ. તેને રસનું એટલે કે સ્વાદનું જ્ઞાન હોવું જોઈએ પણ તેનું સુખ કે દુઃખ ન હોવું જોઈએ. શરીરનું ભાડું શરીરને ચૂકવી દીધું કે કામ પત્યું. રેંટિયા પાસેથી સૂતર કંતાવવું છે માટે તેમાં તેલ પૂરવું જોઈએ. તેવું જ શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેમાં કોલસો પૂરવો જોઈએ. આ ઢબે દેહનો ઉપયોગ કરવાથી તે અસલમાં ક્ષુદ્ર હોવા છતાં કિંમતમાં વધી શકે અને તેને પોતાને છાજતી પ્રતિષ્ઠા પણ મળે.

10. પણ દેહને સાધન તરીકે ન વાપરતાં આપણે તેમાં ડૂબી જઈ આત્માનો સંકોચ કરીએ છીએ. એથી મૂળમાં ક્ષુદ્ર એવો દેહ વધારે ક્ષુદ્ર બને છે. એથી જ સંતો ઠોકી ઠોકીને કહે છે કે ‘देह णि देहसंबंधें निंदावीं । ईतरें वंदावीं श्वानसूकरें ।’ દેહ એને દેહના સંબંધોને વખોડી કાઢો ને છોડો. નહીં તો કૂતરાં ને ડુક્કરની પૂજા કરવી શી ખોટી ? અરે જીવ ! દેહની અને દેહની સાથે જેમનો સંબંધ બંધાય છે તેમની જ આખો વખત પૂજા કર મા. બીજાંને પણ ઓળખતાં શીખ. સંતો આપણને આ રીતે આપણી જાતને વ્યાપક બનાવવાને આગ્રહ કરે છે. પણાં સગાંવહાલાં ને મિત્રો સિવાય બીજાંઓની પાસે પોતાનો થોડો સરખોયે આત્મા આપણે લઈ જઈએ છે ખરા કે ?
‘जीव जीवांत घालावा । आत्मा आत्म्यांत मिसळावा’ – જીવને જીવમાં પરોવવો ને આત્માને આત્મામાં ભેળવવો, એવું આપણે કરીએ છીએ ખરા કે? આપણા આત્મહંસલાને આ પિંજર બહારની હવા આપણે લગાડે છે ખરા કે ? મારા લીધેલા કૂંડાળાને ભેદીને કાલે મેં દસ નવા મિત્રો બનાવ્યા, આજે તેના પંદર થયા, કાલે પચાસ થશે. આમ કરતે કરતે એક દિવસ આખું વિશ્વ મારૂં ને હું આખાયે વિશ્વનો એવો અનુભવ કર્યા વિના હું રહેવાનો નથી. આવું કદી તમારા મનમાં થાય છે ખરૂં કે ? આપણે જેલમાંથી સગાંવહાલાંને કાગળ લખીએ છીએ તેમાં નવાઈ શી છે ? પણ જેલમાંથી છૂટેલા એકાદ નવા દોસ્તને, રાજદ્વારી કેદી નહીં, ચોર કેદીને એકાદ કાગળ લખશો કે ?

11. આપણો આત્મા વ્યાપક થવાને ખરેખર તરફડિયાં મારે છે. આખા જગતને ક્યારે ભેટું એમ તેને થયા કરે છે. પણ આપણે તેને ગોંધી રાખીએ છીએ. આત્માને આપણે કેદી બનાવી રાખ્યો છે. આપણને તે યાદ સરખો આવતો નથી. સવારથી માંડીને સાંજ સુધી આપણે દેહની સેવામાં મચ્યા રહીએ છીએ. એ દેહનું પોષણ કેટલું થયું, તે કેટલો વધ્યો કે તે કેટલો સુકાયો એ વગર આપણે બીજી ફિકર કરતા નથી. બીજો જાણે કે આપણા સારૂ કોઈ આનંદ જ નથી. ભોગ અને સ્વાદનો આનંદ તો જાનવરો પણ ભોગવે છે. હવે ત્યાગનો અને સ્વાદને તોડવાનો આનંદ કેવો હોય છે તે તારે જોવું છે કે નહીં? પોતાને કકડીને ભૂખ લાગી હોય છતાં સામેની ભરેલી થાળી બીજા કોઈ ભૂખ્યાને આપી દેવામાં કેવો આનંદ છે તેનો અનુભવ કરવા માંડ. એની મીઠાશ ચાખી જો. મા છોકરાને માટે ઘસાય છે ત્યારે તેને આ મીઠાશ થોડી સરખી ચાખવાની મળે છે. માણસ ‘મારૂં’ કહીને જે સાંકડું કૂંડાળું બનાવે છે તેમાંયે અજાણપણે આત્મવિકાસની મીઠાશ ચાખવાનો તેનો ઉદ્દેશ હોય છે. એ રીતે દેહમાં વીંટળાયેલો ને પુરાયેલો આત્મા થોડો ને થોડા વખત પૂરતો બહાર નીકળે છે. પણ એ બહાર નીકળવાનું કેવું છે? જેલની કોટડીમાં પુરાયેલા કેદીનું કામને બહાને જેલના ચોગાનમાં નીકળવાનું થાય તેવું. પણ એટલું બહાર નીકળવાથી આત્માનું કામ પાર પડતું નથી. આત્માને મુક્તાનંદ જોઈએ છે.

12. ટૂંકમાં, (૧) અધર્મ અને પરધર્મ એમ બંનેના આડા રસ્તા છોડી સાધકે સ્વધર્મનો સહેલો ને સીધો ધોરી રસ્તો પકડવો. સ્વધર્મની કેડ કદી ન છોડવી. (૨) દેહ ક્ષણભંગુર છે એ વાત બરાબર ગોખી રાખી તેને સ્વધર્મના પાલનને અર્થે વાપરવો અને સ્વધર્મને સારૂ જરૂર પડ્યે ફેંકી દેતાં જરાયે અચકાવું નહીં. (૩) આત્માના અખંડપણાનું અને વ્યાપકપણાનું ભાન સતત જાગૃત રાખી ચિત્તમાંથી સ્વ-પર ભેદ કાઢી નાખવો. જીવનના આ મુખ્ય સિદ્ધાંત ભગવાને બતાવ્યા છે. એને આચરનારો માણસ એક દિવસ ‘नरदेहाचेनि साधनें, सच्चिदानंद पदवी घेंणे’ – આ મનખા દેહના સાધન વડે સચ્ચિદાનંદ પદવી લેવાનો અનુભવ હાથ કરશે એમાં શંકા નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

હું ગોવાલણ કાનુડા તારી (47)

રાગઃ- (પ્રભાતી) કાળી કાળી કામળીવાળો

હું ગોવાલણ કાનુડા તારી મેં પ્રિતડી જોડી રે –ટેક

સોનલા છેડે પ્રેમ પટોળીમેં, ઓઢણી ઓઢી રે
હું ગોવાલણ ગોકુલની, રાધાકૃષ્ણની જોડી રે –1

મોટે મચકે મોહનને, હું મળવા દોડી રે
ગાયને ગોંદરે નિરખી, રામકૃષ્ણની જોડી રે –2

જીવન જોવા જસોડા ઘેરે, મારે જાવું દોડી રે
નંદલાલને નિરખવા, મારે ઘડી ઘડી રે –3

દુઃખના દાડા દૂર થયા, મારે સુખની પોળી રે
શ્યામસંગે સુખ સવાયાં, ભજનપ્રકાશ આનંદ હોળી રે –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.