ન્યૂયોર્ક, થાઉઝંડ આયલેંડ પાર્કમાં જુલાઈ ૧૮૯૫માં રચેલું) (ગુજરાતી ભાવાનુવાદ)
જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
“ૐ તત સત ૐ”
(૧)
વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
“ૐ તત સત ૐ”
(૨)
તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
“ૐ તત સત ૐ”
(૩)
“લણે તે જે વાવે, અફર,” જન કહે: “કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.”
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
“ૐ તત સત ૐ”
(૪)
પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, – એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
“ૐ તત સત ૐ”
(૫)
વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા – જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
“ૐ તત સત ૐ”
(૬)
કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
“ૐ તત સત ૐ”
(૭)
કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
“ૐ તત સત ૐ”
(૮)
ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
“ૐ તત સત ૐ”
(૯)
વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
“ૐ તત સત ૐ”
(૧૦)
ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
“ૐ તત સત ૐ”
(૧૧)
ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
“ૐ તત સત ૐ”
(૧૨)
અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું’, ‘હું’ માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
“ૐ તત સત ૐ”
(૧૩)
You can read this geet in “Tulsidal”
http://tulsidal.wordpress.com/
you are doing good work.Best years yet to come.