તત્વદૃષ્ટિ અને ગુરુનું સંભાષણ
દોહા
ભો ભગવન્ | હમ બ્હ્રાત તિહું, શુભસંતતિ સંતાન |
લખ્યો ચહૈં બહુ મેવ હિય, દીન નવીન અજાન || ૨૩ ||
જો આજ્ઞા વ્હૈ રાવરી, તો વ્હૈ પૂછિ પ્રવીન |
આપ દયાનિધિ કલ્પતરુ, હમ અતિ દુઃખિત અધિન || ૨૪ ||
તત્વદૃષ્ટિ – હે મહારાજ! અમે ત્રણ ભાઈઓ છીએ અને શુભસંતતિ રાજાના પુત્રો છીએ. અમે દીન છીએ, નવીન છીએ અને અજ્ઞાની હોઈ જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. જો આપની આજ્ઞા હોય, તો અમે અમારી શંકા આપને પૂછીને પ્રવીણ થઈએ. આપ તો કલ્પવૃક્ષના જેવા દયાના ભંડાર છો અને અમે તો અતિ દુઃખિયારા તથા પરાધીન છીએ. (૨૩,૨૪)
શ્રીગુરુરુવાચ |
સોરટા
સુનહુ શિષ્ય મમ બાત, જો પૂછહુ તુમ સા કહૂં |
લહો હિયે કુશલાત, સંશય કોઉ ના રહૈ || ૨૫ ||
ગુરુ – હે શિષ્ય! સાંભળ; તું જે પૂછીશ તે બધું હું તને કહીશ. તરા મનમાં કોઈ જાતનો સંશય રહી જશે નહિ અને તેથી તારા મનમાં શાંતિ થશે. (૨૫)
દોહા
ગુરુકી લખી દયાલુતા, શિષ્ય હિયે ભો ચૈન |
કાર્ય સિદ્ધ નિજ માનિ હિય, ભાષે સવિનય બૈન || ૨૬ ||
ગુરુનું દયાળુપણું જોઈને શિષ્યના હ્રદયમાં આનંદ થયો અને પોતાનું કાર્ય સિદ્ધ થયું એમ માની તે વિનય સહિત બોલ્યો (૨૬)
તત્વદૃષ્ટિના ત્રણ પ્રશ્નો
તત્વદૃષ્ટિરુવાચ |
ચૌપાઈ
ભો ભગવન! તુમ કૃપાનિધાના, હો સર્વજ્ઞ મહેશસમાના |
હમ અજાનમતિ કછૂ ન જાનૈ, જન્માદિકસંસૃતિ ભય માનૈ || ૨૭ ||
હે ભગવન્ ! આપ તો કૃપાના ભંડાર છો અને મહાદેવજીના જેવા સર્વજ્ઞ છો. હે મહારાજ! અમે અજ્ઞાની છીએ અને કાંઈ પણ જાણતા નથી. જન્મમરણરૂપ સંસારથી અમે ડરીએ છીએ. (૨૭)
કર્મ ઉપાસન કીને ભારી, ઔર અધિક જગપાશી ડારી |
આપ ઉપાય કહૌ ગુરુદેવા, વ્હૈ જાતે ભવદુઃખકો છેવા || ૨૮ ||
હે ગુરો! અમે કર્મ તથા ઉપાસના ઘણી કરી, પણ તેનાથી અમને ઈચ્છિત ફળ ન મળ્યું; એટલું જ નહિ, પણ સંસાર એથી ઊલટો વધતો ગયો; માટે એવો ઉપાય બતાવો કે જેથી અમારા સંસારરૂપી દુઃખનો નાશ થાય. (૨૮)
પુનિ ચાહત હમ પરમાનન્દા, તાકો કહો ઉપાય સુછંદા |
જબહિં કૃપા કરી કહિહૌ તાતા, તબ વ્હૈ હૈ હમરે કુશલાતા || ૨૯ ||
વળી અમને પરમાનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે; માટે તેનો પણ ઉપાય કહો. હે ગુરો! કૃપા કરીને જ્યારે અમને તે કહેશો, ત્યારે અમારું કલ્યાણ થશે. (૨૯)
મોક્ષની ભ્રાંતિજન્ય ઈચ્છા; મોક્ષ સદા પ્રાપ્ત જ છે.
દોહા
મોક્ષકામ ગુરુ શિષ્ય લખિ, તાકો સાધન જ્ઞાન |
વેદૌક્ત ભાષન લગે, જીવબ્રહ્મ ભિદ ભાન || ૩૦ ||
દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિને મોક્ષ કહે છે. શિષ્યના મનમાં એવા મોક્ષની ઈચ્છા સમજીને તેનું સાધન જે વેદોક્તજ્ઞાન તે કહેવાનો ગુરુએ આરંભ કર્યો, જેથી જીવ અને બ્રહ્મના ભેદનો નાશ થાય.
શ્રીગુરુરુવાચ |
પરમાનંદ મિલાપ તૂ, જો શિષ ચહૈ સુજાન |
જન્માદિક-દુઃખ નાશપુનિ, ભ્રાંતિજન્ય તિહિં માન || ૩૧ ||
પરમાનન્દ સ્વરૂપ તૂ, નહિ તોમૈં દુઃખલેશ |
અજ અવિનાશી બ્રહ્મ ચિત્ , જિન આનૈ હિય ક્લેશ || ૩૨ ||
ગુરુ કહે છેઃ ‘હે શિષ્ય! પરમાનંદ પ્રાપ્તિ માટે તથા જન્મમરણ આદિક જે સંસાર છે, તેની નિવૃત્તિ માટે તને જે ઈચ્છા થઈ છે, તે ભ્રાંતિથી થયેલી છે, એમ તારે જાણવું. તું પોતે જ પરમાનંદસ્વરૂપ છે. તારામાં લગાર પણ દુઃખ નથી. તારો જન્મ નથી, તેમ નાશ પણ નથી; પણ તું કેવળ ચૈતન્ય બ્રહ્મ છે. (૩૧,૩૨)
વધુ આવતા અંકે