ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૦) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

અત્યાર સુધીમાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર મણિપુરચક્ર, હૃદયચક્ર, બાઈનોરલ બિટ્સ, સોલ્ફ્રેજીઓ ફ્રિકવંસી વિગેરે વિષે ચર્ચા કરી. ચક્રયાત્રામાં વધુ ચઢાણ કરતાં પહેલાં થોડો વિરામ લઈએ અને વિચારોના વિશ્વમાં એક વૈજ્ઞાનિક વિહાર કરીએ કારણ કે હવેના ચક્રોમાં વિચારો અને લાગણીઓને વધુ સંબંધ છે. દરેક ચક્ર પર વિચારોની અસર છે પરંતુ હૃદયચક્ર અને તેનાથી ઉપરના ચક્રોમાં તો ખાસ. આ સિવાય જયારે આપણે એફર્મેશન્સ, NLP (NEURO LINGUISTIC PROGRAMMING) વિગેરે વિષે વાત કરીએ ત્યારે આપણા તાર્કિક મગજને થોડો વૈજ્ઞાનિક ખોરાક આપી દઈએ જેથી વિચારોની અને લાગણીઓની ચક્રો અને પરિણામે તનમન પર થતી અસર આપણે વધારે સારી રીતે સમજી શકીએ.

આ વિષે વધુ છણાવટ કરીએ તે પહેલાં ‘પાણી’ વિષે વાત કરીએ. જાપાનના ડો.મસારુ ઈમોટો ‘પાણીમાં ઘણા ઊંડા’ ઉતરી ગયા હતા. ૨૦૧૪માં દુનિયા છોડતાં પહેલાં એક અતિ મહત્ત્વની વાત તેઓ વિશ્વને સમજાવતા ગયા, દુનિયાભરના વૈજ્ઞાનિકોના ગળે ઉતારતા ગયા અને આત્મશાંતિ તેમ જ વિશ્વશાંતિના પ્રયાસોને માટે એક દિશા આપતા ગયા. પાણી પર શબ્દો અને વિચારોની ગહન અસર છે તે વાત તેમણે હજારો પ્રયોગો દ્વારા દુનિયાને સમજાવી. ‘H2O એટલે પાણી’ એવી આપણી સાદી સમજણને એમણે એક નવું જ પરિમાણ આપ્યું. ૨૦ વર્ષથી પણ વધુ એમણે એ પ્રયોગો કર્યા કે પાણીને જૂદાજૂદા પ્રકારના શબ્દો, વિચારો, અવાજ કે લાગણી આપવામાં આવે તો તેના પરમાણુ બંધારણ (Molecular Structure)માં શું ફેરફાર થાય છે. Magnetic Resonance Analysis Technology અને અત્યંત ઝડપી ફોટોગ્રાફ્સ દ્વારા તેમણે આ પ્રયોગો કર્યાં. સરળ ભાષામાં કહીએ તો એક જ સરખાં પાણીને તેમણે જૂદાજૂદા વિચારો/અવાજ/લાગણી વિગેરેથી પ્રભાવિત કર્યું, જેમ કે કોઈ પાણી પર અનેક લોકોએ ‘આભાર, હું તને પ્રેમ કરું છું’ વિગેરે વિચાર આપ્યા જયારે બીજા પાણી પર એવા વિચાર અપાવ્યા કે ‘ગેટ લોસ્ટ, હું તને મારી નાખીશ’ વિગેરે. આ પાણીને તેમની પ્રયોગશાળામાં એક ખાસ પ્રક્રિયા દ્વારા -૭ ઉષ્ણતામાન સુધી લઈ ગયા અને તેના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા. આ પ્રકારના વિરોધાભાષી મનોભાવ દર્શાવતા શબ્દો પાણીની બોટલ પર ફક્ત ચીપકાવ્યા અને ત્યાર બાદના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા, સાદા પાણીના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા અને તે પછી તે જ પાણી પર પ્રાર્થના/ધ્યાન કરીને ફોટો પાડ્યા. એક પાણી પાસે બિથોવનનું પેસ્ટોરલ સંગીત વગાડ્યું, મોઝાર્ટની ૪૦ નંબરની સિમ્ફની (જે હૃદય પર સીધી અસર કરે છે) વગાડી અને તે પ્રકારનું જ પાણી બીજે મૂકીને ઘોંઘાટિયું સંગીત વગાડ્યું. મક્કાના પવિત્ર કૂવાનું ઝમઝમ પાણીના અને જ્યાં ધ્યાનશિબિરો ચાલતી હોય તેવી જગ્યા પરથી પણ પાણી લીધું અને તેના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા. બધા ક્રિસ્ટલ્સના ફોટોસ આશ્ચર્યચકિત કરી દે તેટલા જૂદા આવ્યા. આ સાથેની તસ્વીરોમાં જોઈ શકાશે તેમ જ્યાં હકારાત્મક વિચારો હતા ત્યાં અત્યંત નયનરમ્ય અને સુરેખ, હીરા જેવા પાસાદાર ક્રિસ્ટલ્સ બન્યા. જ્યાં નકારાત્મક વિચારો આપવામાં આવેલા, ગુસ્સો/નફરત જેવી ભાવનાઓ આપવામાં આવેલી ત્યાં જોવા પણ ન ગમે તેવા ક્રિસ્ટલ્સ બન્યા. આવા અસંખ્ય પ્રયોગો દ્વારા ડો.ઈમોટોએ સાબિત કરી દીધુંકે શબ્દો, લાગણીઓ, વિચારો, સંગીત વિગેરેથી પાણી પ્રચુર માત્રામાં પ્રભાવિત થાય છે.

જો પાણી પર આટલી અસર થાય તો આપણા શરીર પર વિચારો અને શબ્દો કઈ રીતે અસર કરે તે વિષે વિચાર કરીએ. પૃથ્વીના ૭૦% ભાગમાં પાણી છે અને આપણા શરીરમાં પણ. એક બ્રાન્ડ ન્યુ બાળક જન્મે ત્યારે એક બટાકા જેટલું એટલે કે ૭૫% ભીનું હોય છે, ઉમર વધે તેમ સુકાતું જાય છે અને છતાં શરીરમાં ૭૦% તો પાણી જ છે. ભગવાનને આપણી જરુર થોડી ઓછી હોય ને પુષ્પક વિમાન મોડું મોકલે, દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હોય તો પ્રમાણ થોડું ઘટ્યું હોય પરંતુ ૬૦%થી તો ન જ ઘટે. હૃદય અને મગજમાં ૭૩% અને ફેફસાંમાં ૮૩% પાણી છે. શરીરમાં જે અબજો કોષો છે તેમાં પાણી ભરેલું છે. ઘણી બધી પાણીની કોથળીઓ ભેગી કરીને રાખી હોય તેવું આપણું શરીર છે. તો સાથે જે ચિત્રો મૂક્યાં તેમાં ધ્યાનથી જોઈ ઓળખવાના કે મારા વિચારો, શબ્દો, લાગણીઓ સામાન્ય રીતે કેવા છે અને મારા શરીરમાં કેવા ક્રિસ્ટલ બનાવશે. જો ચિત્તાકર્ષક ક્રિસ્ટલ્સ બનતા હોય તો આપણા વિચારો, શબ્દો, લાગણીઓ સાચા ટ્રેક પર છે. કોઈ જરૂર નથી આગળ વાંચવાની પણ. એમ ન હોય તો નક્કી મારે જ કરવાનું રહે કે મારે આવા ક્રિસ્ટલ્સ બનાવીને મારું આખું શારીરિક બંધારણ બગાડવા દેવું છે કે કાંઈ ફેરફાર કરવો છે. જો ફેરફાર કરવાની ઈચ્છા થાય તો શું કરી શકાય તે આગળ જોઈશું.

કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનો વિચાર આવ્યો હોય – જાગૃત રીતે કે અજાગૃત રીતે. યુદ્ધ કરવું હોય તો પહેલાં વિચાર્યું હોય કે આપણે યુદ્ધ કરીએ, બતાવી દઈએ, દુશ્મનના દાંત ખાટા કરી નાખીએ. જો દુનિયાના મોટા ભાગના લોકોમાં એ સમજણ હોય કે આ વિચાર માત્રથી પહેલાં તો પોતાના જ દાંત ખાટા થઇ ગયા તો તે યુદ્ધનો નિર્ણય કદાચ બાજુ પર મૂકી દે. કોઈનું અપમાન કરીએ તો તેના શરીરના જળતત્વને તો નુકશાન થાય પણ પહેલાં પોતાના જ જળતત્વને.

આ તર્કના આધારે ડો.ઈમોટોએ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરુ કર્યો જે છે Emoto Peace Project. હેતુ એ છે કે દુનિયાભરના લોકો અને ખાસ કરીને બાળકો શબ્દો અને વિચારોની કિંમત સમજે. એમના પ્રયોગોનું એક સચિત્ર પુસ્તક THE MESSAGE FROM WATER દુનિયાના તમામ બાળકો સુધી પહોંચે તેવા તેમના પ્રયત્નો હતા, ધ્યેય હતું કે આવનારી પેઢી, ભવિષ્યનો સમાજ પોતાના વિચારોને યોગ્ય દિશા આપે અને સમગ્ર વિશ્વ એક શાંતિપૂર્ણ સ્થળ કોઈ દિવસે – ૧૦ વર્ષે, ૨૦ વર્ષે, ૫૦ વર્ષે પણ – ભવિષ્યમાં બને. આ પ્રોજેક્ટ એમના મૃત્યુ પછી પણ પૂરજોષથી ચાલુ રહ્યો છે, લાખો લોકો તેમના કાર્યને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે વધુ વિગત માટે

http://www.emotopeaceproject.net/

જોઈ શકો છો. તેમની પુસ્તિકા પણ

http://www.emotopeaceproject.net/picture-books/4584092537

પરથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકો છો અને મારું નમ્ર સૂચન છે કે આ પુસ્તિકા જરૂરથી મેળવી લેશો અને બીજાને પણ કહેશો. ૩૦ ભાષામાં ઉપલબ્ધ છે.

શબ્દો અને વિચારોનું માનસશાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ છે અને હિપ્નોસીસ, એફર્મેશન, વિઝ્યુઅલાઈઝેશન, NLP વિગેરે જેવી સારવારની પદ્ધતિઓ શબ્દો અને વિચારોની મન અને શરીર પર થતી અસરોને ધ્યાનમાં રાખીને જ વિકસેલી છે. વિચાર આપણી જાત સાથે કરેલો સંવાદ જ છે ને?

હવે એ જોઈએ કે આપણા વિચારો અને શબ્દોને કઈ રીતે બદલી શકાય. વર્ષોની આદત એક પ્રકારની હોય તો તે બદલતાં થોડો સમય લાગે, સ્વાભાવિક છે. પરંતુ નીર્ધાર અને યોગ્ય પ્રયત્નનો સમન્વય થાય તો દિલ્હી દૂર નથી. ઈંગ્લીશમાં કહેવાય છે કે You can teach an old dog new tricks. શરીરમાંના દરેક કોષ આશરે બે મહિને બદલી જાય છે. એટલે વિચારોની દિશા અને પ્રકાર બદલાય તો આ કોષોનું ‘રિપ્રોગ્રામીંગ’ ચોક્કસ રીતે શક્ય છે.

૧) સૌથી પહેલાં જરૂરી છે વિચારોનું નિરીક્ષણ. એક ત્રાહિત વ્યક્તિની જેમ બહારથી વિચારો જોવાના – તેની સાથે જોડાયા વગર, કોઈ લાગણીઓના તંતુથી બંધાયા વગર. એક એલાર્મ ગોઠવી શકાય. દર એક કલાકે/ ૨ કલાકે જોવા માટે કે મારા વિચારો ક્યાં ચક્કર મારતાં હતાં. જેવી આ આદત કેળવાતી જશે તેમ સભાનતા વધતી જશે.

૨) દરરોજ રાત્રે શાંતિથી બેસી યાદ કરવાનું અને નોંધ કરવાની કે આજે દિવસમાં કેટલી વાર મેં મારા શરીરના જળતત્ત્વને નુકશાન કર્યું એટલે કે કેટલી વાર ગુસ્સો કર્યો, કેટલી વાર કોઈનું અપમાન કર્યું, કેટલી વાર વૈચારિક હિંસા કરી, કેટલી વાર જૂની જૂની વાતો યાદ કરી ને જાતને દુઃખ પહોંચાડ્યું વિગેરે. સીધો ફાયદો એ થશે કે આ વિષયની જાગૃતિ આવશે, આજે દિવસમાં ૧૦ વખત મારા જળતત્ત્વને નુકશાન કર્યું હશે તો કદાચ અઠવાડિયામાં એ આદત બદલીને ૬/૭ વખત નુકશાન પહોંચે તેવું થઈ શકે, એકાદ મહિનામાં એવું પણ બની શકે કે આ નુકશાન દિવસમાં ૧/૨ વખત જેટલું મર્યાદિત થઈ જાય અને કાળક્રમે આ નુકશાન કવચિત જ બની જાય.

૩) કહેવાય છે કે ‘મન મર્કટ છે’. ગમે ત્યાં કૂદાકૂદ કરે. કામના અને વ્યર્થ હજારો વિચાર લઇ આવે. ઘણી બધી ધારણાઓ કરાવે, વાર્તાઓ બનાવી કાઢે, કાલ્પનિક દુનિયામાં કૂદાકૂદ કરાવે. સંપૂર્ણ અંકુશ લેવો થોડો અઘરો પડે પણ તેને મેનેજ કરવાનું શીખી શકાય. ધ્યાન કરતા ન હોઈએ તો પણ ઝેન મેડિટેશનની એક ટ્રીક વાપરી શકીએ. જ્યારે આવી કાલ્પનિક દુનિયામાં એન્ટ્રી મારી દઈએ ત્યારે તેની સાથે વહેવાને બદલે સ્વને કહેવાનું કે ‘આ ફક્ત વિચાર છે’.

૪) વિચારો બદલી શકીએ તો મગજના જ્ઞાનતંતુઓ જુદી જ રીતે એક બીજા સાથે જોડાઈ શકે તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી વાત છે. આ થીઅરીને ‘Rewriting of Brain’ કહેવામાં આવે છે. ન્યુરો વૈજ્ઞાનિકો એવું કહે છે કે “Neurons that fire together, wire together.” બીજા શબ્દોમાં કહીએ તો નિર્દેશિત માનસિક ગતિવિધિઓ બહુ જ વ્યવસ્થિત રીતે મગજના કોષોને બદલે છે. હિપ્નોસીસ, વિઝ્યુઅલાઈઝેશન, NLP એ બધું આ જ થીઅરી પર આધારિત છે. આપણી જાત સાથેનો સંવાદ અત્યંત મહત્વપૂર્ણ છે. દા.ત. આપણી ભૂલ થાય તો કોઈ વાર જાત પર જ ગુસ્સો આવે. તેને બદલે એવું વિચારવું પડે કે “ભૂલ જિંદગીનો હિસ્સો છે, હવે હું આ ભૂલમાંથી શીખીશ અને તે ન ધાય તેનું ધ્યાન રાખીશ.”

૫) મનની પ્રકૃતિ છે કે ન ગમતા અનુભવો વધુ યાદ રાખે. હમણાં કોઈને કહીએ કે જિંદગીની દુઃખદ ઘટનાઓ વર્ણવો તો એક લાબું લિસ્ટ બની જાય. એમ કહીએ કે સુખદ ઘટનાઓ વર્ણવો તો મગજને કેટલું કષ્ટ આપ્યા બાદ થોડી યાદ આવે. મનોવિજ્ઞાનની ભાષામાં આને ‘Negative Bias’ કહે છે. દરેક સુખદ ઘટનાઓને નોંધી રાખવાની આદત આવા સમયે કામ આવે. નોંધ કરી, મતલબ એ ઘટના સાથે વધારે જીવ્યા. માટે જેવી દુઃખદ લાગણી બહાર આવે ત્યારે તે સુખદ ઘટના નજર સમક્ષ લાવવાની રહે અને બની શકે તો એ ડાયરી પણ વાંચી શકાય. આ આદત મગજના કોષોને બદલવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવી શકે.

અંતમાં; વિચારવાયુ, વિચારવમળ, વિચારવિહાર, વિચારવૃન્દાવન વિગેરે બધું જ બાજુએ મૂકી ચાલો આ શ્રાવણ પૂરો થાય તે પહેલા વિચારનિરીક્ષણની સાધના કરીએ અને એક પ્રયત્ન કરીએ કે પૃથ્વી પરથી વિચારપ્રદૂષણ ઓછું થાય.(વિચારોની અધિકતા – જે દિનબદિન વધી રહી છે – લીવરને ગરમી આપે છે જે પણ પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે તે માટેનું એક અતિ મોટું પરિબળ છે.)

હવેના રવિવારે ચક્રયાત્રા ફરી શરુ કરીશું, વિશુદ્ધિચક્ર વિષે સમજીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: