Daily Archives: 04/10/2020

શું તમે સાઈકિક છો? (૬) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

‘કોવિડ-19’ શબ્દ હાલમાં વિશ્વભરના તમામ શબ્દકોશમાં ઉમેરાયો. આ સાથે જ વ્યક્તિમાત્ર જેનાથી અતિ પરિચિત છે તેવી એક ભાષા લુપ્ત થવાના આરે પહોંચી ગઈ. આ છે ‘સ્પર્શની ભાષા’. શબ્દો ખૂટી પડે તો પણ આ ભાષા કામ કરે. પ્રેમનો સ્પર્શ, વહાલનો સ્પર્શ, સાંત્વનનો સ્પર્શ, મિલનના આનંદનો સ્પર્શ, ગુસ્સાથી ગાલ પર થયેલો ગાલને લાલ કરી દે તેવો સ્પર્શ (!) – કેટકેટલું કહી શકે ફક્ત સ્પર્શની ભાષા ! અંતરથી નજીક કોઈ વ્યક્તિએ સ્પર્શ કરેલ વસ્તુનો સ્પર્શ પણ અનેક સંવેદનાઓ જગાવી શકે. કોઈ ચાહિતી વ્યક્તિના મૃત્યુ બાદ એનું ઓશીકું પ્યારું લાગી શકે, તેની સાથે વાતો થઈ શકે, તેની પર મોઢું છુપાવીને રડી પણ શકાય. કવિતાઓમાં અને શાયરીઓમાં પણ સ્પર્શ વિષે કેટલું બધું કહેવાયું છે!

તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,

મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.

– કાયમ હઝારી,

ચીનના આભારી છીએ (!) જેણે દુનિયાભરને સાંપ્રત સમયમાં સ્પર્શનું મહત્ત્વ અતિ પ્રભાવક રીતે સમજાવ્યું. બરાબર ખ્યાલ આવી ગયો કે સ્પર્શનો અભાવ કેટલી અકળામણ, અસુવિધા અને આપત્તિ ઉભી કરી શકે.

સ્પર્શની ભાષા કેમ છે? કારણ કે દરેક સ્પર્શમાં સંવેદના છે, સ્પંદન છે. સંવેદના-સ્પંદન કેમ છે? કારણ કે દરેક સ્પર્શમાં વિશિષ્ટ ઊર્જા છે? આમીરખાન અભિનિત ‘PK’ જોયું હશે. શું હતું તેમાં? યાદ કરીએ. આમીરખાન પરગ્રહવાસી છે, અમુક કારણોસર પૃથ્વી પર આવી જાય છે, પાછો જઈ શકતો નથી. તેનામાં એવી શક્તિ છે કે જેને સ્પર્શ કરે તેના વિષે બધી માહિતી મેળવી લે. એક સ્ત્રીનો હાથ પકડી ભોજપુરી ભાષા પણ શીખી લે છે.

આવી શક્તિ ધરાવવા માટે એલિયન હોવું જરૂરી છે? શું આ કપોળ કલ્પના માત્ર છે? જી, ના ! પૃથ્વીના પટ પર આ પ્રકારની અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વિશિષ્ટ લોકોનું અસ્તિત્વ છે, સાઇકોમેટ્રી (Psychometry) નામક અતીન્દ્રિય શક્તિ.-સાઈકિક પાવર છે આ.

ક્રેગ હેમિલ્ટન પારકર નામના એક સાઈકિક ઇંગ્લેન્ડમાં છે જેમની અતીન્દ્રિય શક્તિઓ જગજાહેર છે. ક્રેગનાં પત્ની જેન પણ વિશ્વપ્રસિદ્ધ સાઈકિક છે. BBC પર ‘Inside Out’ નામનો એક પ્રોગ્રામ આવે છે. તે કાર્યક્રમમાં ક્રેગને બોલાવવામાં આવ્યા. કાર્યક્રમનો સંચાલક ચાર્લ્સ ક્રેગને આંખ પર પાટા બાંધીને એક દૂરની જગ્યાએ લઈ ગયો. 100 વર્ષથી પણ વધુ જૂની એક ઇમારતમાં ક્રેગને લઇ ગયા બાદ તેની આંખના પાટા ખોલી હાથમાં એક પ્રાચીન વાયોલિન આપવામાં આવ્યું. તે વાયોલિનના સ્પર્શ સાથે ક્રેગે કહેવાનું શરુ કર્યું કે ક્યા પ્રકારની વ્યક્તિએ આ વાયોલિન વગાડ્યું હશે, તે વ્યક્તિ મુખ્યત્વે સંગીતકાર નહિ પરંતુ સાહિત્યકાર હશે વિગેરે. અંતમાં તેણે એ પણ કહ્યું કે ત્રણ નામ તેનાં મગજમાં આવી રહ્યા છે. ત્રણે નામ વિક્ટોરિયન યુગના અતિ પ્રખ્યાત સાહિત્યકારોનાં હતા. તેમાંથી એક નામ હતું ‘થોમસ હાર્ડી’. ખરેખર વાયોલિન તેમનું જ હતું. આ કાર્યક્રમની એક નાની કલીપ https://youtu.be/eZyv729ZETE પર જોઈ શકશો.

જરા વધારે વ્યવસ્થિત રીતે સાઈકોમેટ્રીવિષે સમજીએ.

સાઈકોમેટ્રી એટલે શું?

એટલે એવી અતીન્દ્રિય શક્તિ કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતાં જ જાણી શકાય તેનો ઇતિહાસ શું છે, ક્યા પ્રકારની વ્યક્તિઓ દ્વારા એનો ઉપયોગ થયો છે વિગેરે. સામાન્ય રીતે તો ભૂતકાળ વિષે ખ્યાલ આવે પણ વધુ શક્તિશાળી સાઈકિકને તે વસ્તુના વર્તમાન વિષે પણ જાણ થઈ જાય. તે વસ્તુ જેણે વાપરી હોય તે વ્યક્તિનાં વ્યક્તિત્વ વિષે ખ્યાલ આવી જાય, તેનો માલિક કોણ હતો, તે વસ્તુનો ઉપયોગ શા માટે થયો હતો, એ વસ્તુ જેની પાસે હતી તેને શું થયું હશે (જેમ કે તેને અકસ્માત થયો હોય) તે ખ્યાલ પણ આવી જાય. આ પ્રકારની શક્તિ ધરાવનારને કહેવાય છે સાઇકોમેટ્રિસ્ટ (Psychometrist).

જે વસ્તુને સ્પર્શ કરીએ તેના પર ફિંગર પ્રિન્ટ હોય છે જે સામાન્ય વ્યક્તિને ન દેખાતી હોય છતાં ફોરેન્સિક સાયન્સ તે શોધી કાઢે. આ વાત તો સર્વવિદિત છે? બસ, આ જ રીતે દરેક વસ્તુ પર સ્પર્શ કરનાર વ્યક્તિની ઊર્જાની છાપ હોય. આ છાપ પરથી તે વ્યક્તિ વિષે બધી જ માહિતી દસકાઓ કે સેંકડો વર્ષ પછી પણ મળી જાય – જો સાઈકોમેટ્રી વિકસિત હોય તો. જે વસ્તુ કોઈ વ્યક્તિ દ્વારા વધારે સમય વપરાયેલી હોય તેમાં આ એનર્જી પ્રિન્ટ વધુ હોય. ચશ્માં, વધુ સમય અથવા કાયમ પહેરેલા દાગીના વિગેરે પર આ પ્રિન્ટ વધુ હોય, ધાતુ પર આવી પ્રિન્ટ વધુ હોય. આજના સમયમાં સૌથી વધુ પ્રિન્ટ સેલ ફોન પર મળે.

દરેક વ્યક્તિ થોડે-ઘણે અંશે સાઈકિક હોય છે, એનર્જી જાણતાં-અજાણતાં મેહસૂસ પણ કરે છે. થોડા ઉદાહરણ જોઈએ જેના પરથી આ ખ્યાલ આવશે.

1) લગભગ તમામ વ્યક્તિનો અનુભવ હશે કે બહારથી ઘરમાં આવ્યા બાદ ઘરનાં કપડાં પહેર્યા બાદ જ શાંતિનો અનુભવ થાય છે. શા માટે? બહારનાં કપડાંમાં અનેક વ્યક્તિઓની ઊર્જાની અસર થઈ હોય માટે. બહારથી આવી તરત સ્નાન કરવાથી હળવાશ અનુભવાય છે તેનું મુખ્ય કારણ એ છે કે સ્નાન બહારથી આયાત કરેલી ઊર્જા દૂર કરી દે છે.

2) વડીલો હંમેશા કોઈનાં કપડાં, ચંપલ, દાંતિયો વિગેરે વાપરવાની ના કહેતા. શા માટે? કારણ કે જે તે વસ્તુમાં તે પહેરેલ વ્યક્તિની ઊર્જા હોય.

૩) અનેકનો અનુભવ હશે કે નવાં કપડાં જો ધોયાં વગર પહેર્યા હોય તો પહેલી વાર પહેરતી વખતે કંઈ અકળામણ થાય. કારણ એ હોય છે કે એ કપડાંમાં અનેકનો હાથ અડ્યો હોય, તેની ઊર્જીની છાપ પડેલી હોય. વ્યક્તિ જેટલી વધુ સંવેદનશીલ તેટલી આ અસર વધારે.

4) મિત્રોને/સ્નેહીજનોને જેમને વારંવાર મળતાં હોઈએ, તેમને ત્યાં અજાણતાં એક નિશ્ચિત સોફા કે ખુરશી પર બેસી જઈએ છીએ. બેન્કમાં વર્ષના અંતે સ્ટેચ્યુટરી ઓડિટ આવે. એક ઓડિટર એકધારાં ૩/૪ વર્ષ સુધી આવ્યા. રૂમ નક્કી હતો જેમાં ૮/૧૦ ખુરશી હોય. તે હંમેશા એક જ ખૂણો અને એક ખાસ ખુરશી પર જ બેસી જતા. તેમને પોતાને પણ ખ્યાલ આવી ગયો અને વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું પણ ખરું કે તેમને એ જ ખુરશી પર બેસવાનું ખેંચાણ થતું.

5) ધ્યાન કરનારા લોકોને ખ્યાલ હશે કે અલગ-અલગ આસન પર બેસવાને બદલે તેમનાં પોતાનાં જ આસન પર બેસવાનું કહેવામાં આવે છે. ધ્યાનખંડમાં પાથરણું પાથરેલું હોય છતાં તેની પર પોતાનું આસન બિછાવીને બેસવાની સલાહ અપાય છે. ઊર્જાવાન સંત-મહાત્માઓ કોઈ પણ સ્થળ પર જાય ત્યારે તેમને માટે જે સોફા કે વ્યાસપીઠ નિશ્ચિત કરેલી હોય તેના પર પોતાનું જ આસન પાથરીને બેસે છે.

6) દિવાળી પર બોણી માટે નવી નોટનો આગ્રહ રાખવામાં આવે છે. શા માટે? કારણ કે બોણી રૂપે શુભેચ્છા આપવાની હોય છે. જૂની કરન્સીનું નાણાકીય મૂલ્ય તો એટલું જ રહે પરંતુ જેના હાથમાંથી તે કરન્સી પસાર થઈ હોય તે તમામની ઊર્જા તેમાં સંગ્રહિત થઈ હોય, જે દુઃખની પણ હોઈ શકે (જેમ કે કકળતી આંતરડીએ કોઈ ગરીબે તે નાણાં દવા પાછળ અથવા કોર્ટ કેઈસ પાછળ ખર્ચેલા હોય, પઠાણી વ્યાજ પેટે આપ્યા હોય તો તેની ઊર્જા પણ તેમાં હોય). નાનપણમાં રસ્તામાંથી 2 રૂપિયાની એક નોટ મળેલી જેમાંથી મેં કોલ્ડ્રીંક પીધું. ઘરે આવીને વાત કરી ત્યારે મારા પિતાશ્રી ખૂબ ખિજાયા હતા, કહ્યું કે કોના પૈસા હશે, બિચારાને શું તકલીફ પડી હશે, તેને માટે એ રકમની કિંમત શું હશે, આવી નોટને શા માટે હાથ લગાડ્યો, હાથ લગાડ્યો તો મંદિરમાં મૂકી દેવાય… વિગેરે વિગેરે. શા માટે પિતાશ્રી ખિજાયા તે ઘણા વર્ષો બાદ સમજ આવી.

7) ‘ક્રોસ ડ્રેસર – Cross Dresser) શબ્દથી ઘણાં લોકો પરિચિત હશે. એવા લોકો કે જે વિજાતીય વ્યક્તિનાં કપડાં પહેરી આનંદ મેળવે છે. . આ પ્રકારના કિસ્સા વિશેષતઃ કિશોરાવસ્થામાં અને અપરિણીત વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આ લોકો બજારમાંથી આ જ કપડાં ખરીદી પણ શકે. પરંતુ તેમાં એમને આનંદ આવતો નથી. કુટુંબની કોઈ વ્યક્તિનાં વસ્ત્રો પહેરવાથી જ તેમને ખુશી મળે છે. અહીં પણ કારણ શરીરની ઊર્જા છે. એ જ કપડાં ખરીદીને લાવે તો તેમાં પહેરનાર વ્યક્તિની ઊર્જાનો અભાવ હોય, જયારે આ લોકોને તો પોતાની આસપાસની વ્યક્તિઓની ઊર્જા ખેંચતી હોય, માટે કોઈએ પહેરેલાં કપડાં જ તેમને આકર્ષે. તેમાં પણ વિજાતીય વ્યક્તિનાં આંતર્વસ્ત્રો પહેરવાનું ખાસ પસંદ કરે કારણ કે કપડાં જેટલાં શરીરથી નજીક તેટલી તેમાં તે વ્યક્તિની ઊર્જાની છાપ વિશેષ. મનોચિકિત્સકો પાસે આવા કિસ્સા આવતા હોય છે કારણ કે સામાજિક રીતે આપણે ત્યાં આ સ્વીકાર્ય નથી. મનોચિકિત્સકો કરતાં પણ વધુ કિસ્સાઓ કાઉન્સેલિંગ માટે આવતી વ્યક્તિઓ તરફથી બહાર આવે છે. વિદેશમાં ક્રોસ ડ્રેસિંગ હવે સામાન્ય થતું જાય છે. અનેક સેલિબ્રિટીઝ પણ પોતે ક્રોસ ડ્રેસર છે/રહી ચુક્યા છે તેમ સ્વીકારે છે, ક્રોસ ડ્રેસર્સ રસ્તા પર પરેડ પણ કરે છે.

8) અતિ સંવેદનશીલ વ્યક્તિઓ માટે ‘કપડાં પહેરવાં’ તે પણ અકળાવનારી વાત છે. દરેક વસ્ત્રમાં ઊર્જા તો રહેવાની જ. ધ્યાન દરમ્યાન અથવા સામાન્ય સંજોગોમાં પણ જેની ઊર્જા ઉપર વહેવા લગતી હોય તેમને વસ્ત્રોમાં કેદ થવું પસંદ ન પડે. માટે જ અનેક સંતો દિગંબર અવસ્થા પસંદ કરે છે.

વૈશ્વિક ઊર્જાનો પ્રભાવ રોજબરોજની જિંદગીમાં પણ કેટલો બધો છે તે આ ઉદાહરણો પરથી થોડો ખ્યાલ આવશે.

સાઈકોમેટ્રીના 3 પ્રકાર છે.

1) વસ્તુ આધારિત (Object) *સાઈકોમેટ્રી:

‘કોઈ વસ્તુ પર પડેલી ઊર્જાની છાપ પરથી માહિતી મેળવવી’ તે સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. સ્પર્શ શરીરના ક્યા ભાગથી કરવો તે વિષે દરેક સાઈકિકને અલગ પસંદગી હોય છે. કોઈ સાઈકિક વસ્તુને હાથથી સ્પર્શ કરવાનું પસંદ કરે છે, કોઈ કપાળ કે ચહેરા પર સ્પર્શ કરાવીને કે કોઈ નાભિ ચક્ર પર વસ્તુનો સ્પર્શ કરાવીને માહિતી મેળવે છે.

આ પ્રકારની સાઈકોમેટ્રીનું એક ઉદાહરણ સાઇકીક ક્રેગ પારકરનું શરૂઆતમાં જ જોયું. એ સિવાય જેનો પ્રત્યક્ષ અનુભવ મને થયો છે તેવા બે ઉદાહરણ:

મારા એક મિત્રનો તરુણ પુત્ર હોસ્ટેલમાં ભણતો હતો. વેકેશનમાં વતન આવવા માટે નીકળ્યો અને અચાનક વચ્ચેથી જ ગૂમ થઈ ગયો. તમામ પ્રયત્નો છતાં આશરે 2 વર્ષ સુધી મળ્યો ન હતો. વર્ષ 2001માં સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને પુત્રનો ફોટો બતાવ્યો. તેમણે તરત કહેલું કે એ તરુણનું મૃત્યુ અકસ્માતમાં થઈ ચૂક્યું છે. એ વાતને 19 વર્ષ થઈ ગયા. હજી પણ તે પુત્રની કોઈ ભાળ મળી નથી. આ જ પ્રકારનો એક ગૂમ થયેલા બાળકનો કિસ્સો 2005માં તેમની પાસે મુકેલો, જવાબ એ હતો કે ‘મૃત્યુ થઈ ચૂક્યું છે, કોઈ નજીકની વ્યક્તિનો તેમાં હાથ છે.’ તે બાળકના પણ કોઈ ખબર આજ સુધી મળ્યા નથી.

2) વ્યક્તિ આધારિત(Person) *સાઈકોમેટ્રી:

દરેક વ્યક્તિ એક વિશિષ્ટ આભામંડળ ધરાવે છે. જયારે કોઈને પણ મળીએ ત્યારે અથવા કોઈ પણ વ્યક્તિ વિષે વિચારીએ ત્યારે જે-તે વ્યક્તિના આભામંડળથી પ્રભાવિત થઈએ. કેટલાં સંવેદનશીલ છીએ તે મુજબ તે પ્રભાવ પડે. અત્યંત સંવેદનશીલ હોઈએ તો કોઈ વ્યક્તિનું નામ લેવા સાથે જ તેના આભામંડળથી પ્રભાવિત થઈ જવાય, પ્રભાવ હકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ. લોકવ્યવહારની ભાષામાં એમ બોલાય પણ છે કે ‘સવારમાં એનું (XYZ) કયાં નામ લીધું’ અથવા તો ‘સવારમાં તો કોઈ સારું નામ લે’.

કોઈ પણ પરિચય વિના અમુક વ્યક્તિને જોઈ ખુશી થાય, તેમની સાથે વાત કરવાનું મન થાય, તેમના પ્રત્યે આકર્ષણ થાય. તેનાથી વિરુદ્ધ કોઈ વ્યક્તિને જોઈને અભાવ ઉત્પન્ન થાય, તેનાથી દૂર ભાગવાનું મન થાય, તેને જાણતાં પણ ન હોઈએ, તેણે આપણું કોઈ નુકશાન ન કર્યું હોય છતાં આવી લાગણી થાય. એ જ રીતે નવી વ્યક્તિ સાથે શેઇક-હેન્ડ કરીએ તો કોઈની સાથે અજાણતાં જ લાંબો સમય કરીએ, કોઈના હાથમાંથી હાથ ખેંચી લેવાનું મન થાય. આ પ્રકારની લાગણીનો અનુભવ લગભગ તમામને હશે. અર્થ એવો કાઢી શકાય કે દરેક વ્યક્તિ માર્યાદિત રીતે તો સાઇકોમેટ્રિસ્ટ છે જ.

જેનો સાઈકિક પાવર અત્યંત વધારે હોય તેમને માટે એ પણ શક્ય છે કે વ્યક્તિના ફક્ત ઉલ્લેખ સાથે જ તેના વિષે બધી માહિતી પ્રાપ્ત કરી લે, ભલે તે વ્યક્તિને કોઈ દિવસ જોઈ ન હોય કે તેનાં વિષે કોઈ માહિતી ન હોય. અધ્યાત્મની શક્તિ કેટલી છે તે દર્શાવવા માટે ઇંગ્લેન્ડમાં Venus TV પર વર્ષ 2006માં પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ઉપસ્થિત થયેલા. ચેનલ પર ફોન કરી વિશ્વભરમાંથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સવાલ પૂછી શકે તેવું આયોજન હતું. તદ્દન અપરિચિત વ્યક્તિઓ ફોન કરતી હતી. તેમના કહ્યા વગર જ સ્વામીજી જે તે વ્યક્તિના પ્રશ્નો અને સમાધાન આપતા હતા. તે વ્યક્તિ પર ધ્યાન જતાં સાથે જ સ્વામીજીને તેમના વિષે માહિતી મળી જતી હતી. આ કાર્યક્રમ https://youtu.be/zn2pcg7eSs8 પર નિહાળી શકાશે. કાર્યક્રમનો મોટો ભાગ હિન્દીમાં છે.

૩) ઘટના આધારિત – Event Psychometry:

દરેક ઘટના જે તે સ્થળે પોતાની છાપ છોડે. ધ્યાનખંડમાં, પ્રાચીન મંદિરોમાં શાંતિ પ્રાપ્ત થાય. દવાખાનામાં વિષાદની ઊર્જા તો લદાખમાં લેહનાં એરપોર્ટ પર ઉતરતાં જ દેશભક્તિની ઊર્જાનો તીવ્ર અનુભવ થાય. ઉત્તમ દાખલો મહાભારત છે. જ્યાં યુદ્ધ થયેલું છે તે વિસ્તારમાં એટલે કે દિલ્હીમાં આજે પણ લોકો વધુ આક્રમક છે. સંવેદનશીલ સાઈકિકને આવી જગ્યા પર જતાં જ ખ્યાલ આવે કે ત્યાં ક્યાં પ્રકારની પ્રવૃત્તિ થઈ હશે. વધુ શક્તિશાળી સાઈકિકને ફક્ત એ સ્થળનું નામ આપતાં જ તે જગ્યા વિષે ઘણી માહિતી પ્રાપ્ત થઈ જાય. ડોક્ટર મસારુ ઈમોટોના પાણી પરના અનેક વૈજ્ઞાનિક પ્રયોગોથી (વિગતો લેખ ક્રમાંક 11માં) એ સાબિત થઈ ચૂક્યું છું કે જુદી-જુદી જગ્યાનાં પાણીનાં આંદોલનો અલગ-અલગ હોય છે.

સાઈકોમેટ્રીના શું ઉપયોગ થઈ શકે, દરેક વ્યક્તિ પોતાની આ શક્તિ કઈ રીતે વિકસાવી શકે, ક્યા વૈજ્ઞાનિક સિદ્ધાંતો આ શક્તિ પાછળ કાર્ય કરે છે, કોઈ પણ વ્યક્તિમાં આ શક્તિ કેટલી હદે છે તે ચકાસવાના મુદ્દાઓ વિગેરે વાતો લેખ 7 માં જોઈશું. આજે અહીં વિરમું છું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.