Daily Archives: 24/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૫) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર વિષે થોડું આ પહેલાંના હપ્તામાં સમજ્યા. તેને સંતુલિત કરવાના ઉપાયોમાં માનસિક વ્યાયામ અત્યંત જરૂરી રહેશે. તે વિષે જાણીએ તે પહેલાં આજ્ઞાચક્ર અને પીનીઅલ ગ્લેન્ડ વિષે થોડું વધુ. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર. અધ્યાત્મમાં રસ હોય તેને તો હંમેશા આ નેત્રમાં રસ રહેવાનો જ. પરંતુ અધ્યાત્મમાં ઓછો રસ હોય તો પણ એ સમજવું જરૂરી કે આ ચક્રની તન, મન અને તેને કારણે અંતે ધન પર પણ અસર થાય.

આજ્ઞાચક્રનો સંબંધ છે પીનીઅલ ગ્રંથિ સાથે. માટે થોડું આ ગ્લેન્ડ વિષે. દિવસમાં આશરે ૬૦૦૦૦ વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. મોબાઈલમાં એક સાથે અનેક એપ ખોલી નાખીએ અને પછી મોબાઈલ હેંગ થઈ જાય તેવી દશા મગજની અનેક વખત થઈ જાય. આને માટે જવાબદાર છે આ ટચુકડી પીનીઅલ ગ્લેન્ડ. એક અત્યંત અગત્યનું હોર્મોન છે, નામે “મેલાટોનિન”. ઉત્પન્ન કરે તેને પીનીઅલ ગ્લેન્ડ. જેટલું સારી રીતે ઉત્પન્ન કરે, ઊંઘ એટલી ગાઢ અને પર્યાપ્ત અવધિની. અજવાળું અને અંધારું – બંને આ હોર્મોનને અસર કરે. આ હોર્મોન ઊંઘને, ચિંતાના સ્તરને, શારીરિક ક્ષમતાને પણ અસર કરે. રેટિના જયારે વધુ પ્રકાશ મેળવે ત્યારે આ હોર્મોન ઓછું ઉત્પન્ન થાય અને અંધારામાં વધુ. ખ્યાલ આવે છે આના પરથી કે વધારે પ્રકાશ હોય તો ઘણાને કેમ રાત્રે ઊંઘ ન આવે? શા માટે રાત્રે ઊંઘવાના થોડા સમય પહેલાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર વિગેરે બંધ રાખવાનું કહેવામાં આવે છે? સારી ઊંઘ જોતી હોય તો બંધ કરવાનાં, નહીંતર………..સ્વૈચ્છા બલીયસી.

પીનીઅલ ગ્રંથિ પાસેથી બરાબર કામ લેવું હોય તો થોડા ઉપાય છે.

૧) ફ્લોરાઈડયુક્ત બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ, ટૂથપેસ્ટથી પણ અને પાણીથી પણ. તેને કારણે પીનીઅલ ગ્રંથિ પર ક્ષાર જલ્દી જામી જાય. ફ્લોરાઈડના ઘણાં નુકસાન બીજાં પણ છે. નાની ઉંમરે, ખાસ કરીને છોકરીઓમાં, જાતીય લાગણીઓ જલ્દી જાગૃત થવા માટે ફ્લોરાઈડ પણ એક કારણ છે.

૨) કલોરીન અને બ્રોમીન પણ પીનીઅલ ગ્લેન્ડ પર ખરાબ અસર કરે. દૂર રહેવું સારું.

3) વિટામિન D ઓછું થઈ જાય ત્યારે પણ પીનીઅલ ગ્લેન્ડ અને બીજા અમુક ટીસ્યુઝ પર ક્ષાર જામી જાય.

૪) કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાને બદલે કુદરતી રીતે કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જરૂરી.

૫) સૂર્યસ્નાન: રાત્રે અંધારું કરી દેવાનું પણ તેનાથી ઉલટું, સવારે સૂર્યનો કુમળો પ્રકાશ જેટલો મળે તેટલી આ ગ્રંથિ વધારે સારી રીતે કાર્ય કરે. વધુમાં વિટામિન D તો મળે જ. મૂડ સારો કરી દે અને ઊર્જા વધારી દે તેવું એક હોર્મોન ‘સિરોટોનિન’ આ સમયે વધુ કાર્યરત થાય.

૬) ઘનઘોર અંધારું કરી ઊંઘવાની આદત પાડવી. નાઈટ લેમ્પ પણ નહિ.

7) સૂર્યદર્શન: આ પહેલાંની જે વાત હતી તે સુર્યસ્નાનની હતી. હવે જે વાત કરીએ છીએ તે સૂર્યના કુમળા પ્રકાશ સામે થોડી સેકંડો માટે જોવાની વાત છે. ફક્ત ૨/૩ સેકન્ડ માટે જ. ‘કુમળો’ શબ્દ અને સમયાવધિ બંને અહીં અગત્યના છે.

હવે મન પર આવીએ. આજ્ઞાચક્રને સંતુલિત કરવા માટે મન શાંત કરવું જરૂરી. ધ્યાન કરીએ, કુદરતના ખોળે પહોંચી જઈએ, આપણી માનીતી કોઈ કળાનો કે રમતોનો સહારો લઈએ. જાતે જ નક્કી કરવાનું રહે કે મનને શાંત રાખવા માટે કઈ રીત મને ફાવશે. મનમાં વિચારોનું તોફાન મચેલું હોય, કોલાહલ હોય તો ‘આંતરિક અવાજ’ કરી રીતે સાંભળી શકાય? એ અવાજ તો કાનમાં કોઈ વાત કહેતું હોય તેનાથી પણ ધીમો હોય ને ! મૉટે ભાગે તો આડકતરી રીતે, ચિહ્નાત્મક રૂપે, સ્વપ્ન દ્વારા બધાં માર્ગદર્શન મળે.

મન શાંત કરવા માટે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો એટલે કે ભારેલા અગ્નિને ઠંડો કરી નાખવો અત્યંત જરૂરી. એમ ન થાય તો જે તે વ્યક્તિ પોતે જ જલતી રહે. શરીરમાં એસિડ પણ વધે. એ સિવાય અનેક રોગ કે તકલીફ થઇ શકે જેના વિષે લેખ ૧૫માં ચર્ચા કરી છે. નર્વસ સિસ્ટમના રોગ આજ્ઞાચક્રના દોષને આભારી છે. અહીં થોડું વિસ્તારથી અને શાંતિથી વિચારી નીચેના પ્રશ્નોના જવાબ જાત પાસેથી મેળવીએ.

૧) એક વસ્તુ નક્કી છે કે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો નજીકની વ્યક્તિ પર હોય અને વિવિધ કારણોસર એ ગુસ્સો વ્યક્ત કરી શકાય તેમ ન હોય. નહીંતર તો એ ગુસ્સો ભૂલી ગયા હોઈએ અથવા કોઈ પણ રીતે વ્યક્ત કરી દીધો હોય. આવા સંજોગોમાં શાંત ચિત્તે નક્કી કરીએ કે આખી જિંદગી સળગતો કોલસો હાથમાં રાખીને હાથ અને હૈયું જલતા જ રાખવા છે?

૨) જો ભૂલીશું નહિ તો સ્થિતિ એવી બનશે કે કોઈને કારણે દર્દ મળ્યું, ગુસ્સે થયા, ત્યાં વ્યક્ત ન કરી શક્યા ને ભૂલ્યા પણ નહિ. તો ક્યાંક ને ક્યાંક ભોગ બીજા બનશે. ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિ થઈ. કોઈ ને કોઈ જગ્યાએ એ ગુસ્સાનો અગ્નિ લબકારા મારશે.

૩) જો ગુસ્સાની ઊર્જા સાથે ભોજન બનાવવાનું હોય તો શું થઈ શકે તે લેખ ક્રમાંક ૧૫માં ચર્ચા થઈ. આખા ઘર પર એ ઊર્જા ગઈ, નુકસાન કુટુંબના તમામ સભ્યોને થયું, સંતાનોને અને વડીલોને પણ. વિચારીએ કે શું આ પરિસ્થિતિ ચાલુ રાખવી છે? જેના માટે આટલી ચિંતા કરીએ છીએ તેમને જ નુકસાન કરવામાં પણ કારણભૂત બનવું છે?

૪) એ વિચારીએ કે કેટલા સમયથી/વર્ષથી ભરેલો ગુસ્સો છે. ફરી એ સભાન ખ્યાલ લાવીએ કે આટલા સમયથી/વર્ષોથી નુકસાન કોને થયું? ખુદને? સામેની વ્યક્તિને? કે બીજા કોઈને?

૫) પુરુષ-સ્ત્રીની શારીરિક રચનામાં જેટલો ફેર છે તેટલો જ અથવા તો તેનાથી પણ વધારે ફેર માનસિક પ્રકૃતિમાં છે. માટે પતિ-પત્ની વચ્ચે પણ ઘણી વખત અનેક ગેરસમજણ રહે, પરિણામે આજ્ઞાચક્રનો અવરોધ એટલે કે ગુસ્સો ભરાયેલો રહે અને શાબ્દિક તણખા પણ ઝરે, આગ પણ લાગે. વિષય લાંબી ચર્ચા માંગી લેવો તેમ છે પરંતુ ફક્ત એક દાખલો. સૌથી સામાન્ય અવ્યક્ત કે વ્યક્ત ફરિયાદ કે મારા એ તો ભાગ્યે જ બોલે (અથવા તો મારી પત્ની બોલ-બોલ જ કરે). આ ફરિયાદ કદાચ ઉત્પન્ન ન થાય જો ખ્યાલ હોય કે પુરુષો જયારે માનસિક દબાણમાં હોય ત્યારે મૌન તેમના માટે સ્ટ્રેસ બસ્ટર છે અને એ સમયે તેમને કોઈ ખલેલ પહોંચાડે એ તેમને જરા પણ પસંદ નથી. આનાથી તદ્દન વિપરીત, વધુ બોલીને સ્ટ્રેસમાંથી બહાર આવવું તે સ્ત્રીની પ્રકૃતિ છે. ફક્ત એટલું યાદ રાખીએ “હું જેમ ઇચ્છુ છું તે રીતે જ મારા પત્ની/પતિ વર્તન કરશે / લાગણી અભિવ્યક્ત કરશે તેવું માનવું ખોટું છે, કારણ કે એ જૂદી પ્રકૃતિની વ્યક્તિ છે.” બસ આટલું બરાબર યાદ રહે તો પણ ગુસ્સો ઘણા અંશે શમી જશે. પાડોશીઓને આપણા ઘરની ભીંત તરફ કાન ધરી રાખવાની ઈચ્છા નહિ થાય !!!

૬) સ્વાભિમાન અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. થોડો માનસિક તટસ્થ પરિશ્રમ કરી વિચારવાનું કે શું મારું ઈગો લેવલ થોડું વધારે હતું, તેથી હૈયાને ઠેસ જલ્દી લાગી ગઈ અને માટે ગુસ્સો આજ્ઞાચક્રમાં સચવાઈ રહ્યો તેવું તો નથી ને? આ સંજોગોમાં થોડું ફિલોસોફિકલ થઇ જવાનું કે જે વસ્તુને કારણે અભિમાન હોય તેવી કોઈ પણ વસ્તુ સદા સાથ આપતી નથી. તાજા જ દાખલાઓ છે કે એક સમયના અત્યંત તવંગર અથવા સત્તાધારી લોકો જેલમાં છે કે દેશ છોડીને ભાગતા ફરે છે જયારે સ્ટેશન પર ભીખ માંગતી એક સ્ત્રી (રાનુ માંડલ) હવે ફિલ્મોમાં એક ગીત ગાવા માટે લાખો રૂપિયા મેળવે છે.

૭) ગુસ્સો ભરી રાખેલો હોય તેનાં કારણોમાં મોટા ભાગે બીજી કોઈ વ્યક્તિના કોઈ શબ્દો કે કાર્યને કારણભૂત ગણતા હોઈએ છીએ. ‘વાંક તો તારો જ. એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે સામેવાળી વ્યક્તિનાં કાર્યો કે શબ્દો હૈયે ચોંટી ગયા હોય છે અને પોતે એ જ વ્યક્તિને શું કહ્યું હોય, તેની સાથે શું કર્યું હોય તે સામાન્ય રીતે ભુલાઈ ગયું હોય. થોડી મહેનત કરી એ યાદ કરવાની કોશિશ કરીએ “મેં જે તે સમયે (કે પછી) શું કહ્યું હતું / કર્યું હતું?” શક્ય છે કે યાદ આવશે કે મેં ત્યારે જ હિસાબ ચૂકતે કરી નાખ્યો હતો ! જો એવું હોય તો ગુસ્સો કરવાનો કે ભરી રાખવાનો કોઈ અધિકાર ખરો?

૮) ગુસ્સાના કારણો ઘણી વખત બેબુનિયાદ હોય છે. આશરે ૬૦ વર્ષનાએક વિદેશી સાધ્વી અમારા મહેમાન થયેલા. તેમના માતા-પિતા બંને ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે. સાધ્વી અમારા મિત્ર જ છે અને તેમની સાથેની હળવી વાતો દરમ્યાન તેમણે કહેલું કે તેમની માતાના મગજમાં કોઈ જૂની યાદો હશે જેને કારણે તે હજી તેમના પતિ (સાધ્વીના પિતા) પર ઘણી વાર શંકા કરીને ગુસ્સો કરે છે કે તમે બાલ્કનીમાં શા માટે ગયા, પાડોશણને જોવા !!! ગુસ્સો એ બહેનના મગજ પર એ હદે હાવી થાય છે કે તેમને એ પણ ધ્યાન નથી રહેતું કે તેમના પતિ ૮૪ વર્ષના થયા અને કદાચ એ પાડોશણને જુએ તો પણ શું થઈ ગયું? ગુસ્સાના બીજ કદાચ ૫૦ વર્ષ પહેલાંથી તેમણે સાચવી રાખેલા છે અને આખી જિંદગી તેને કારણે પરેશાન થયા છે. દરેકે એ વિચારવાનું કે મારી મહામૂલી જિંદગીમાં મેં કોઈ પણ કારણોસર આવી પરેશાની સ્વીકારી છે; જો જવાબ હકારમાં હોય તો હવે તેમાંથી બહાર આવવું છે?

મન શાંત કરવાના, ગુસ્સાનો નિકાલ કરવાના ઉપરોક્ત પ્રયત્નો સિવાય આજ્ઞાચક્રને મજબૂત કરવા માટે બીજું પણ ઘણું કરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે પ્રયત્નોમાં વિશ્વાસ સાથે સાતત્ય જરૂરી છે.

૧) સભાન પ્રયત્નથી દિવ્ય શક્તિને/ કુદરતને કોઈ સવાલ પૂછવો અને તેના જવાબની રાહ જોવી. જવાબ હંમેશા કોઈ પ્રતીકાત્મક રૂપે અથવા સ્વપ્ન દ્વારા આવશે.

૨) એક આદત તરીકે સવારે ઉઠી તરત જ રાત્રે જોયેલા સ્વપ્નમાંથી જે કઈ યાદ આવે તે નોંધવું.

3) વિચારદર્શન. જયારે વિચારોને ફક્ત દ્રષ્ટાભાવથી જોઈએ અને તેની સાથે વહી ન જઈએ તો તેનો પ્રવાહ લાગણી સુધી પહોંચે નહિ/ઓછો પહોંચે. વિચારોને ફક્ત જોયા કરવાથી ખ્યાલ આવશે કે વિચાર જૂદા અને આપણે જૂદા.

૪) મંત્ર: આ ચક્રનો બીજ મંત્ર ૐ છે. તેના નિયમિત જાપ કરી શકાય.

૫) ત્રાટક: મોટા ભાગના લોકો આ શબ્દથી પરિચિત હશે. આંખને સમાંતર દીવાની જ્યોત રાખી તેની સામે એકધારું જોવું કે જ્યાં સુધી આંખ સ્વયં બંધ ન થઇ જાય. એ સમયે એવી ધારણા કરવી કે એ જ્યોતમાંથી ઊર્જા પ્રવાહિત થઈ શરીરમાં આવી રહી છે, પહેલાં આજ્ઞાચક્રમાં પ્રવેશી રહી છે અને ત્યાર બાદ સમગ્ર શરીરમાં ફરી રહી છે.

૬) જે કલાનો શોખ હોય તેને વિકસાવીએ, તેને માટે સમય આપીઍ. આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર બંને ચક્ર માટે આ કામનું છે.

૭) સ્પર્ધામુક્ત જીવન જીવવાની કોશિશ કરીએ. નિજાનંદ અને સ્વઉન્નતિ માટેના પ્રયત્નો કરીએ, નહિ કે કોઈને બતાવી દેવા માટે.

આજ્ઞાચક્ર અત્યંત અગત્યનું ચક્ર છે, ઘણી બધી સંબંધિત વસ્તુઓની ચર્ચા બાકી છે. આજે અહીં વિરામ લઈએ. વધુ આવતા હપ્તે. નમ્ર સૂચન એ છે કે જે કઈં મનોમંથન થઈ શકે, પ્રયત્નો થઈ શકે તે કરીએ. ફાયદામાં રહીશું .

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.