Daily Archives: 02/10/2020

શું તમે સાઈકિક છો? (૪) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ક્લેયરએમ્પૅથ એટલે શું તે લેખ 3 માં સમજ્યા. તેમની અમુક લાક્ષિણકતાઓ જોઈ. તેમની વધુ લાક્ષણિકતાઓ હવે જોઈએ.

19) બીજાને હંમેશા મદદરૂપ બનવાની ભાવના

20) અમુક લોકો પાસે તેમની ઊર્જા એકદમ જલ્દી ખેંચાઈ જાય – શારીરિક અને માનસિક બંને

21) સામેની વ્યક્તિ ખોટું બોલતી હોય તે તરત જ ખ્યાલ આવી જાય

22) અમુક સમયે તદ્દન ભાવહીન સ્થિતિ હોય જયારે અમુક ક્ષુલ્લક બાબતોમાં પણ ભાવુક થઈ જવાય, એવી વાતો કે જેની સાથે ખરેખર કંઈ નિસ્બત ન હોય – જેમ કે TV સીરિયલમાં કે ચલચિત્રમાં બનતો પ્રસંગ કે સમાચારપત્રનું કોઈ વાંચન

23) પ્રકાશ, અવાજ અને સુગંધ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય

24) તેમની છાપ (ખાસ કરીને નાની ઉંમરે) બહુ ભાવપ્રધાન વ્યક્તિની હોય. બધા શિખામણ આપી ગયા હોય “આટલા બધા સેન્સિટિવ નહીં રહેવાનું, નહીંતર હેરાન થઈએ”

25) દુઃખી વ્યક્તિઓ તેમની તરફ વધુ ખેંચાય. લોકોને એમ થાય કે આ વ્યક્તિ પાસે મારા પ્રશ્નોનું સમાધાન હશે

2૬) જે વ્યક્તિને એમ્પૅથ પ્રત્યે લાગણી કે માન હોય તેવી વ્યક્તિનાં સ્પંદનો એમ્પૅથ બહુ વધારે સારી રીતે ઉઠાવી લે

27) નજીક હોય તે કરતાં પણ દૂર હોય તેવી વ્યક્તિનાં શારીરિક/માનસિક સ્પંદનો એમ્પૅથને જલ્દી અને તીવ્રતાથી અસર કરે. ફોન પર કે ચેટ દરમ્યાન સામેની વ્યક્તિનાં સ્પંદનો એમ્પૅથને વધુ મહેસૂસ થાય

28) સંવેદનશીલતામાં વધઘટ આવતી રહે. કોઈ વખત પૂનમ તો કોઈ વખત અમાસ. જુદા-જુદા સમયે અને જુદી-જુદી વ્યક્તિ સાથેની સંવેદનશીલતા જુદી-જુદી હોઈ શકે

29) સામાન્ય રીતે જાત પરથી અંકુશ ગુમાવે નહિ; જો કોઈ વખત ગુમાવે તો તેના માટે અફસોસ અનુભવે

30) શાંતિપ્રિય હોય; વ્યક્તિઓ સાથેનો સંઘર્ષ થોડું જતું કરીને પણ ટાળવાની વૃત્તિ હોય

31) ખુદની જરૂરિયાત અવગણે

32) પોતાની લાગણીઓ વિષે વધુ ખૂલીને બોલી શકે. સામાજિક સંકોચ તેમને ઓછો રહે

33) તેમની સાથે વાત કરતી વ્યક્તિના ટોન અને બોડી લેન્ગવેઇજનું સાચું અર્થઘટન કુદરતી રીતે જ કરી લે

34) સામેની વ્યક્તિના હાસ્ય પાછળ છુપાયેલી ઉદાસી પણ પકડી શકે

35) હથેળીઓમાં કે આંગળીઓમાંથી કે શરીરના કોઈ પણ ભાગમાંથી સતત ઊર્જા પ્રવાહ નીકળી રહ્યો હોય તેવી અનુભૂતિ રહે

3૬) શરીરમાં અચાનક ઠંડીના લખલખાં આવતાં હોય, આંચકા પણ આવતા હોય

37) તેમના અવાજથી પણ હીલિંગ થતું હોય

3૮) તેમની ઊર્જા બીજા લોકોની ઊર્જામાં સતત ભળતી હોવાથી તેમને થાક જલ્દી લાગે.

39) કોઈનાં શારીરિક/માનસિક સ્પંદનો સાથે રોગ પણ ઉઠાવી લે, કોઈ વાર ટૂંકા ગાળા માટે તો કોઈ વાર કાયમ માટે. હિલર્સને આ પ્રકારના અનુભવ ઘણી વખત થતા હોય છે. એમ્પૅથનું શરીર તો કુદરતી રીતે હીલિંગ કરતું રહે છે. માટે તેમને આ શક્યતા વધી જાય

40) ઘણા લોકો તેમને કહેતા હોય કે તમારી પાસે આવવાથી કે માત્ર તમારી સાથે વાત કરવાથી પણ શાંતિ મળે છે.

એમ્પૅથના પ્રકાર:

આ પ્રકારની શક્તિ ધરાવનાર વ્યક્તિઓને વિવિધ પ્રકારોમાં વહેંચી શકાય. એમ્પૅથ પાસે આમાંથી કોઈ એક અથવા વધુ સાઈકિક શક્તિ હોઈ શકે.

1. શારીરિક એમ્પૅથ:

આ પ્રકારના એમ્પૅથ બીજાનાં શારીરિક સ્પંદનો/સ્થિતિ કેચ કરે. બીજી વ્યક્તિને શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો હોય, બળતરા હોય તેનો એમ્પૅથને ખ્યાલ આવી જાય, એવી રીતે ખ્યાલ આવે જાણે તેનું શરીર અરીસો હોય અને સામેની વ્યક્તિનું પ્રતિબિંબ આપતું હોય. કોઈ એમ્પૅથને તો આ પ્રતિબિંબ મૂળ વ્યક્તિનું ધ્યાન પડે તેનાથી પણ પહેલાં પડી જાય છે. દા.ત. એમ્પૅથને પહેલાં ખ્યાલ આવે કે સામેની વ્યક્તિના પેટમાં કે બીજી જોઈ જગ્યાએ તકલીફ છે, જયારે મૂળ વ્યક્તિને પછીથી ખ્યાલ આવે. કોઈ એમ્પૅથની આ શક્તિઓ એટલી વિકસેલી હોય કે બીજી વ્યક્તિની અત્યંત આંતરિક નાજુક પરિસ્થિતિનો પણ તેમને ખ્યાલ આવે. ઉદાહરણ: મારા એક એમ્પૅથ મિત્ર (પુરુષ) ભારતમાંથી ઈઝરાયલમાં કોઈ યુવતી સાથે ચેટ કરતા હતા. અચાનક તેમણે નાભિથી નીચેના ભાગમાં કંઈ જુદા પ્રકારનાં તીવ્ર સ્પંદન અનુભવ્યાં. તે યુવતી સાથે એ અંગે વાત કરતા ખ્યાલ આવ્યો કે બરાબર એ જ સમયે તે યુવતી પીરીયડ્ઝમાં આવી હતી. મારી જાણીતી એક યુવતીની તકલીફવાળી ગર્ભાવસ્થાની પીડા કોઈ સંતે ઊંચી એમ્પૅથ સ્થિતિને કારણે ઉઠાવી હોય તેવી ઘટનાનો પણ મને ખ્યાલ છે.

2. ઈમોશનલ એમ્પૅથ:

આ પ્રકારના એમ્પૅથ બીજા લોકોની માનસિક સ્થિતિ – ખુશી, ગુસ્સો, ઉદાસી – કેચ કરે. તે વ્યક્તિને પણ ખ્યાલ ન હોય તેવો અર્ધજાગૃત મનમાં દબાયેલો ગુસ્સો એમ્પૅથમાં ટ્રાન્સફર થઈ શકે. પરિણામે એમ્પૅથને શારીરિક રીતે માથાનો દુખાવો અને માનસિક રીતે ગુસ્સો ભેટમાં મળે. ચક્રોની ચર્ચા વખતે જોયેલું કે મનમાં ભરી રાખેલો ગુસ્સો આજ્ઞાચક્રને દૂષિત કરે. આ ઊર્જા જ્યારે એમ્પૅથમાં ટ્રાન્સફર થાય ત્યારે તેને માથાનો દુખાવો થાય. મનમાં ગુસ્સો ભરી રાખવો તે જે તે વ્યક્તિ માટે કેટલો ઘાતક છે તે આ પરથી સમજી શકાશે.

મારા પરિચિત એક મહિલા એમ્પૅથ એટલી હદે આ પ્રમાણે બીજાની લાગણીઓ ઉઠાવી લે છે કે તેમના પતિ જયારે ઓફિસેથી ઘરે પાછા ફરે ત્યારે પત્નીના મૂડ પરથી જ તેમને ખ્યાલ આવી જાય છે કે તેણીએ કોઈ એવી વ્યક્તિ સાથે આજે વાત કરી છે કે જેના આજ્ઞાચક્રમાં ગુસ્સારૂપી કચરો ભર્યો હશે.

3. જીઓમેન્ટિક એમ્પૅથ:

આવી વ્યક્તિ કોઈ પણ સ્થળની ઊર્જાથી પ્રભાવિત થાય છે. જરૂરી નથી કે તે સ્થળની આ વ્યક્તિ પ્રત્યક્ષ મુલાકાત લે. કોઈ સ્થળનો ફોટો જોવાથી કે ફક્ત ઉલ્લેખથી પણ આ પ્રકારના એમ્પૅથને એ સ્થળ સાથે લગાવ અથવા અભાવ થઈ શકે કારણ કે તે સ્થળની ઊર્જા, ત્યાંનાં આંદોલનોની ગાઢ અસર તે એમ્પૅથ પર થતી હોય. જે સ્થળ તેમણે જોયું પણ ન હોય તેના પ્રતિ પણ તેમનું તીવ્ર ખેંચાણ થતું હોય તેવું બની શકે. યુરોપ પ્રવાસ દરમ્યાન અમારી સાથે એક એમ્પૅથ દંપતી હતું જે બહુ ઉત્કટતાથી પ્રાચીન કૈથેડરલ/ચર્ચની ઊર્જા અનુભવતું હતું. આ પ્રકારના ઘણા એમ્પૅથ કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિને પણ પહેલેથી અનુભવે છે.

આ પ્રકારની શક્તિ હોય તેના ફાયદા શું?

1) આધ્યાત્મિક પ્રગતિની શક્યતા ખૂબ સારી રહે કારણ કે પહેલેથી જ એક લેવલ તો આવી જ ગયું છે. સાધનાનું અનેકગણું પરિણામ આવી વ્યક્તિને મળી શકે.

2) બીજાની લાગણી સારી રીતે સમજી શકે, માટે તેના દૃષ્ટિકોણથી વિચારી શકે. પરિણામ એ આવે કે જે વ્યક્તિનું વર્તન ગુસ્સો અપાવે તેવું હોય તેને માટે પણ હમદર્દી જાગે. હકારાત્મક લાગણીઓ જન્મે. જેથી એમ્પૅથનાં વાઈબ્રેશન્સ વધુ સારાં થાય.

3) જૂઠનો સહારો લઈ કોઈ મૂર્ખ ન બનાવી શકે.

4) વિવિધ સંજોગોમાં યોગ્ય નિર્ણય લઈ શકાય.

5) નાનપણથી ‘સારું-ખરાબ, યોગ્ય-અયોગ્ય’ વિગેરે વિષે મનમાં ઘર કરી ગયેલી જડ માન્યતાઓને કારણે અનેક લોકો પોતાના માપદંડ બનાવી લે છે, જિંદગીભર અન્યને તેમ જ ખુદને પણ (પોતાનાં કૃત્યો, વિચારો વિગેરે માટે) ન્યાયાધીશ બની મૂલવતાં રહે છે, દંભનો સહારો લે છે; ગિલ્ટ, ઘૃણા જેવી લાગણીઓથી ઘેરાઈ જાય છે, તેનાં શારીરિક પરિણામો પણ ભોગવે છે. એમ્પૅથ બીજાના શરીરનાં સ્પંદનો જાણી શકતા હોવાને કારણે નોન-જજમેન્ટલ બની જાય છે. એક ઉદાહરણ લઈએ. કોઈ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) પોતાની શારીરિક ઇચ્છાઓને વિકાર સમજતી હોય અને જાહેરમાં એવી કોઈ ચર્ચા વખત દંભમાં જતી હોય અને પરિણામે ગિલ્ટમાં જતી હોય – જો તે વ્યક્તિ એમ્પૅથ હોય તો તેને ખ્યાલ આવી શકે કે આ પ્રકારની શારીરિક સ્થિતિ તો અનેકની છે. જો તે ખ્યાલ આવે તો ગિલ્ટ ગયું? એ જ પ્રમાણે બીજી વ્યક્તિનાં કૃત્ય/માન્યતાઓ માટે ન્યાય તોળવાનું પણ બંધ? કારણ કે ખ્યાલ આવી જાય કે બીજાં અનેક લોકો પણ તે હરોળમાં છે જ, ફર્ક ફક્ત એટલો જ છે કે તે લોકો શાબ્દિક દંભ દ્વારા પોતાની આંતરિક સ્થિતિ છુપાવે છે.

એમ્પૅથ તરીકેની અતીન્દ્રિય શક્તિ હોવી તે જે તે વ્યક્તિ માટે મોટી ભેટ તો છે જ, પરંતુ સાથે-સાથે કોઈની નકારાત્મક ઊર્જાથી નુકસાન ન ભોગવવું પડે તે માટે તેણે અમુક સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.

સાવચેતીનાં પગલાં

1. પહેલું કદમ તો એ છે કે ખુદની ઊર્જા વિષે ખ્યાલ હોવો. શું મારું છે અને શું કોઈનું ઉઠાવું છું તે સમજવું જરૂરી છે. સતત અવલોકન આ માટે જરૂરી છે. કોનાં સ્પંદન, કોની લાગણીઓ, કોની માન્યતાઓ મારામાં પ્રવેશી જાય છે તે પર ધ્યાન આપવું જરૂરી છે, જેથી આવા સંજોગોમાં સાવચેતી રાખી શકીએ.

2. એમ્પૅથ પાસે બે વિકલ્પ છે. પોતાને મળેલી મહામૂલી ભેટને ખરેખર ‘ભેટ’ સમજી તેનો ઉપયોગ કરવો, શું કાળજી રાખવી તે જાણવું, તે પ્રમાણે કાળજી રાખવી અને કુદરતનો આભાર માનવો કે બહુ ઓછા નસીબદાર માનવીઓમાંથી તે એક છે. બીજો વિકલ્પ એ છે કે આ ભેટને એટલે કે સંવેદનશીલતાને કોષતા રહેવું કે કારણ કે સંવેદનશીલતા સાથે અમુક શારીરિક/માનસિક તકલીફ પણ આવે કે જે બીજા પાસેથી ઉઠાવેલી હોય. જો ભૂલથી પણ બીજો વિકલ્પ એટલે કે નકારાત્મક લાગણીઓ ઘર કરી જાય તો તેનું નુકસાન એમ્પૅથને તેની સુપર-ડુપર સંવેદનશીલતાને કારણે વધારે ભોગવવાનું રહેશે.

3. એનર્જી વેમ્પાયર:

અનેક લોકો એવા હોય છે કે જે હંમેશા પોતાનાં રોદણાં જ રડતાં હોય છે. સાચી તકલીફ કરતાં પણ જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ, બીજા પાસેથી સહાનુભૂતિ (કોઈ વાર ફાયદો) મેળવવાની વૃત્તિ તેમાં કામ કરતા હોય છે. આવા લોકો એમ્પૅથની ઊર્જા ચૂસી લે છે, તેને ખાલી કરી નાખે છે. એમ્પૅથ માટે જરૂરી છે કે તે ખરેખર તકલીફમાં હોય તેવી વ્યક્તિ અને આવા એનેર્જી વેમ્પાયરને જુદા તારવી શકે, વેમ્પાયરથી દૂર રહે, ફક્ત તેના માટે પ્રાર્થના કરી તેને પોતાના માનસપટલ પરથી દૂર કરી દે. તેણે પોતાની સીમા આંકી તેમાં કોને કેટલો પ્રવેશ આપવો તે નક્કી કરવું જોઈએ. અમુક સંબંધો છોડવા પડે તેમ પણ બને.

4. કોઈ પણ રીતે પોતાના માટે સમય કાઢી લેવો પડે – બીજાની ઊર્જા ઉઠાવી હોય તેની નોંધ લેવા, તેને વિદાય આપવા, પોતાની ઊર્જાને ફરી કાર્યાન્વિત કરવા.

5. શારીરિક કસરત દરેક માટે જરૂરી છે પરંતુ એમ્પૅથ માટે ખાસ.

6. જે વધારાનું કાર્ય શરીર કરી રહ્યું છે તેના સંતુલન માટે વધુ ઊંઘની જરૂર પડી શકે.

7. હિચકિચાટ વગર કોઈનું માર્ગદર્શન મેળવવું જોઈએ. ખુદમાં કોઈ વિશેષ શક્તિ હોવાનો અર્થ એ તો નથી કે દુનિયા મેરી મુઠ્ઠી મેં. જે આ વિષય સમજી શકતા હોય, સાઈકિક શક્તિ ધરાવતા હોય તેવા અનેક લોકો હશે જેમની સાથેનો સંપર્ક નવું શીખવશે.

8. કુદરતના ખોળે પહોંચી જવું શારીરિક અને માનસિક બંને રીતે સારું રહેશે. થોડા-થોડા સમયના અંતરે સમુદ્રસ્નાન, તે શક્ય ન હોય તો દરિયાનું મીઠું નાખેલ પાણીથી સ્નાન શરીરમાં પ્રવેશેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવાનું કામ કરશે. ભૂમિ સાથેનો સંપર્ક એટલે કે ખુલ્લા પગે જમીન પર ચાલવું ફાયદાકારક રહેશે.

9. ક્રિસ્ટલ્સનો ઉપયોગ થઈ શકે તો સારું. સૂતી વખતે, ધ્યાન દરમ્યાન કે જયારે પણ જરૂર હોય ત્યારે ઊર્જાને સુરક્ષિત રાખવા માનસિક નિર્ધાર સાથે ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરવાનો રહે. ક્રિસ્ટલ્સને સમયાંતરે સૂર્યપ્રકાશમાં, મીઠાનાં પાણીમાં શુદ્ધ કરવાં આવશ્યક રહેશે.

10. પાણી અને અન્ય પ્રવાહીનો જેટલો વધુ ઉપયોગ થઈ શકે તેટલું સારું.

11. નિયમિત ધ્યાન

જયારે ખબર જ છે કે બીજાની નકારાત્મક ઊર્જા પણ હું ઉઠાવું છું તો સ્વાભાવિક છે કે મારે મારી ઊર્જા વધારવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. નિયમિત ધ્યાન અત્યંત જરૂરી રહેશે. કહેવત છે ને કે બેઠા-બેઠા તો રાજાના ખજાનો પણ ખાલી થઈ જાય. નવી ઊર્જા ભેગી ન કરીએ અને મૂળભૂત ઊર્જા બીજાની નકારાત્મક ઊર્જાનો છેદ ઉડાડવા માટે ખર્ચાતી જાય તો અંતે ઊર્જાના મામલે ભિખારી થવાની દશા આવે. એક વખતના નામી સંતો પણ જયારે આ પ્રમાણે ઊર્જા લૂંટાવે અને સામે નવી ઊર્જાનું પૂરતું ઉત્પાદન ન કરે તો તેમની સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે (આ માર્ગદર્શન ઉચ્ચ કોટિના એક સંત તરફથી જ મળેલું છે.)

12. કોઈની પણ ઊર્જા સાથે વધુ ‘એટેચમેન્ટ’ ઘાતક સિદ્ધ થઈ શકે. વિરુદ્ધ લિંગની વ્યક્તિની ઊર્જા એમ્પૅથ વધારે પકડે છે. આ પ્રક્રિયા દરમ્યાન અમુક ઊર્જા એવી પણ હોય કે જે મનુષ્યસહજ વૃત્તિના પરિણામે માણવાનું મન થાય. આવા સંજોગોમાં માનસિક અંકુશ રાખવો અત્યંત જરૂરી છે.

વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ ક્લેયરએમ્પૅથી અંગેની ચર્ચા આ સાથે સમાપ્ત કરીએ છીએ. બીજી આવી શક્તિઓ વિષેની વાત હવે પછીના લેખમાં.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.