Daily Archives: 08/10/2020

શું તમે સાઈકિક છો? (૧૦) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ લેખમાળા 50 હપ્તા પૂરા કરી 51મા હપ્તામાં પ્રવેશી રહી છે ત્યારે અત્યાર સુધી કરેલી ચર્ચાનું વિહંગાવલોકન કરીએ.

તબક્કો 1: લેખ ક્રમાંક 1 થી 21 – ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે

તબક્કો 2: લેખ ક્રમાંક 22 થી 41 – ધ્યાન અંગે વિસ્તૃત ચર્ચા (આ વિષય અંગેની ભ્રમણાઓ, વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા ફાયદા, હોર્મોન્સ – મગજના તરંગો વિગેરેમાં થતા ફેરફારો, વધુ સારું ધ્યાન કઈ રીતે થઈ શકે તે અંગેનાં સૂચનો વિગેરે)

તબક્કો 3 (હજુ ચાલુ) : લેખ ક્રમાંક 42 થી 50 – વિવિધ અતીન્દ્રિય શક્તિઓ

ત્રીજા તબક્કામાં અત્યાર સુધી કઈ શક્તિઓ વિષે જાણ્યું?

1) કલેયરવોયન્સ: આંખ બંધ હોય તો પણ જોઈ શકાય, દૂરનાં અંતરનાં, ભવિષ્યનાં કે ભૂતકાળનાં દૃશ્યો પણ નિહાળી શકાય તેવી શક્તિ.

2) કલેયરએમ્પથી: એવી અતીન્દ્રિય શક્તિ – ESP(Extra Sensory Perception) કે વ્યક્તિ બીજી વ્યક્તિનાં શારીરિક- માનસિક સ્પંદનો તથા વિચારો એ રીતે અનુભવે જાણે તે પોતે એ જ વ્યક્તિ હોય; હજારો માઈલ દૂર બેઠેલ વ્યક્તિનાં શારીરિક/માનસિક સ્પંદનો પણ જાણે, ખુદના જ છે તેમ અનુભવે.

3) કલેયરઓડિયન્સ: સામાન્ય વ્યક્તિથી, સામાન્ય સંજોગોમાં, શ્રવણેન્દ્રિય (કાન) દ્વારા ન સાંભળી શકાય તેવા દૂરના અથવા અન્ય લોકમાંથી આવતા હોય તેવા ગેબી અવાજો સાંભળી શકવાની અતીન્દ્રિય શક્તિ.

4) ક્લેયરટેન્જીયન્સ/સાઈકોમેટ્રી: એવી અતીન્દ્રિય શક્તિ કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતાં જ જાણી શકાય કે તેનો ઇતિહાસ શું છે, ક્યા પ્રકારની વ્યક્તિઓ દ્વારા એનો ઉપયોગ થયો છે વિગેરે. તે વસ્તુનો ઉપયોગ શા માટે થયો હતો, તેનો માલિક કોણ હતો, એ વસ્તુ જેની પાસે હતી તેને શું થયું હશે (જેમ કે તેને અકસ્માત થયો હોય) તે ખ્યાલ પણ આવી જાય. વધુ શક્તિશાળી સાઈકિકને તે વસ્તુનો ઉપયોગ કરેલ વ્યક્તિના વર્તમાન વિષે જાણ થઈ જાય, તે વ્યક્તિના વ્યક્તિત્વ વિષે પણ ખ્યાલ આવી જાય.

હવે સમજીએ ‘સાઈકોગ્રાફિ ‘ અથવા ‘ઑટોમૅટિક રાઇટિંગ’ તરીકે ઓળખાતી શક્તિને.

નીચેના શબ્દો વાંચીએ.

“હું 3.00 વાગ્યા આસપાસ ઊઠું પછી ખબર નહિ, કોઈ શક્તિ મારી પાસે લખાવી રહી હતી. હું બ્રશ કરી શકું નહિ, અન્ય કોઈ નિત્યક્રમ કરી શકું નહિ, મારે લખવા બેસવું જ પડે. લખવાની આદત વર્ષોથી છૂટી ગઈ છે, લખતાં-લખતાં હાથ દુઃખી જાય તો ડાબા હાથથી જમણો હાથ પકડીને પણ લખવું જ પડે. એક હદ સુધીનું લખાણ સમાપ્ત થાય ત્યાર બાદ જ હું બીજા કાર્ય કરી શકું.”

ઉપરોક્ત શબ્દો છે એક સિદ્ધ સંતના. વર્ષ 2007માં તેમની સાથે ગુજારવા મળેલી અમૂલ્ય પળોમાં તેમની જ પાસેથી સાંભળેલો તેમનો અનુભવ તેમના જ શબ્દો યાદ કરી અહીં રજૂ કર્યો છે. તે સંત ૪૫ દિવસ સુધી એકાંતમાં ગહન ધ્યાનમાં રહ્યા બાદ બહાર આવેલા. તેમનો નિત્યક્રમ સવારે 3.30 વાગ્યે ઊઠી ધ્યાન કરવાનો સામાન્ય દિવસોમાં પણ છે. ગહન ધ્યાન દરમ્યાન તો વિશેષ હોય. આમ છતાં ધ્યાનની સાથે-સાથે કોઈ શક્તિઓને તેમની પાસે લખાણ લખાવડાવવું હશે. તેથી ઉપરોક્ત ઘટના બની. પરિણામે રચના થઈ એક દિવ્ય ગ્રંથની જે તેમની આત્મકથા છે, જેમાં તેમણે હિમાલયમાં કરેલી કઠિન સાધનાના અનુભવોનું જીવંત નિરૂપણ છે, ગ્રંથના અતિ ઉચ્ચ વાઈબ્રેશન છે, ગ્રંથના ઓરાની તસ્વીર તેની ગવાહી છે (સાથેનાં ચિત્રમાં પહેલા અને બીજા ભાગનો ઓરા જોઈ શકો છો). ગ્રંથનું નામ છે ‘हिमालय का समर्पण योग’ . હવે તો તેના 6 ભાગ બહાર પડી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે ચોથા ભાગમાં જૈનદર્શન અને નવકાર મંત્ર વિષે અત્યંત વિસ્તૃત વર્ણન છે જે અંગે તેમનો કોઈ અભ્યાસ હતો જ નહિ. કોઈ શક્તિઓ જ તેમની પાસે લખાવી ગઈ.

“મેં પેઇન્ટીંગની કોઈ તાલીમ લીધી નથી. જયારે મારા દ્વારા કોઈ પેઇન્ટિંગ થવાનું હોય ત્યારે અચાનક જ મને હાથમાં બ્રશ લેવાનું મન થાય, કેનવાસ સામે નજર કરું, મારી બંને આંખ ફરકવા લાગે, બ્રશ જાણે આપોઆપ કેનવાસ પર ફરવા લાગે અને આખરે કોઈ એવું પેઇન્ટિંગ બને કે જે વિષે મેં પહેલેથી કંઈ વિચાર્યું ન હોય.”

આ શબ્દો છે લેખ ક્રમાંક ૧માં જેનો ઉલ્લેખ કરેલો તે વિશ્વવિખ્યાત આર્ટિસ્ટ અને United Nations Envoy for Peace Through Art જેકલીન રીપ્સ્ટેઇનના, જેનાં પેઈન્ટિંગ્સ અમેરિકાની હોસ્પિટલમાં પણ રાખવામાં આવે છે કારણ કે તેમાંથી પ્રવાહિત થતી Healing એનર્જી અત્યંત પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ માપી છે (વિગતો માટે: www.jacquelineripstein.com). સમાન વિષયમાં રસ હોવાથી જેકલીન સાથે મારી અંગત મિત્રતા છે. પરિણામે મારા ઘરમાં જ આમને-સામને બેસી આ અંગે વિસ્તૃત ચર્ચા તેની સાથે થઈ છે. તેનું એક અતિ પ્રસિદ્ધ પેઇન્ટિંગ ‘Heaven to Earth’ સાથેના ચિત્રમાં જોઈ શકો છો, જેના વાઈબ્રેશન્સની સીધી અસર હૃદયચક્ર પર છે. વિશેષતા તેની વધુમાં એ છે કે અજવાળામાં જૂદું દેખાય છે, અંધારામાં જૂદું અને UV Light સાથે જૂદું. દરેક વખતે એનર્જી પણ જૂદા-જૂદા હર્ટઝની છે તે માપવામાં આવ્યું છે.

આ પ્રમાણે બીજા જ ડિમેન્શનમાંથી પ્રાપ્ત થતા હોય તેવા દિવ્ય સંદેશ કે અપ્રતિમ કળાનું ધરતી પર અવતરણ થઈ શકે તેવી અતીન્દ્રિય શક્તિ એટલે ‘સાઈકોગ્રાફિ’ અથવા ‘Automatic Writing’. આ પ્રકારનું લખાણ/કળા આપોઆપ ઊતરી શકે, થોડા પ્રયત્નો કરીએ તો માધ્યમ બની ઉતારી પણ શકાય. માત્ર લખાણ જ નહિ, દિવ્ય સંગીત પણ ઊતરી શકે અને અદભુત ચિત્રકામ પણ.

મૃત્યુનાં 250 વર્ષ પછી પણ પોતાની સિમ્ફની દ્વારા અમર થઈ ગયા છે તેવા કમ્પોઝર મોઝાર્ટના નામથી બધા પરિચિત હશે. તેમના દ્વારા રચિત સિમ્ફની શરીરના રોમ-રોમને આંદોલિત કરી મૂકે છે. આ સિમ્ફનીની અસર પાણી પર પણ છે તેવું વૈજ્ઞાનિક મસારુ ઈમોટોના પ્રયોગો દ્વારા સાબિત થયું છે. સ્વાભાવિક છે કે શરીરમાં 70% જલતત્ત્વ છે તે પર તો અસર કરે જ. આ સિમ્ફની પણ સાઈકોગ્રાફિ દ્વારા ઉદ્ભવી છે , તે સાઈકિક જગતથી પરિચિત લોકોમાં સર્વવિદિત છે. એટલું જ નહિ પરંતુ મોઝાર્ટના અવસાન બાદ તેમણે અમુક સંગીતકારો દ્વારા સંગીત કમ્પોઝ કરાવ્યું હોય તેવા કિસ્સા પણ બહાર આવ્યા છે. એટલે કે સાઈકોગ્રાફિની પણ સાઈકોગ્રાફિ.

સાઈકોગ્રાફીને વિસ્તારથી સમજવા માટે તેના વિવિધ પાસાં તપાસીએ.

1) શબ્દો/કળાનું અવતરણ એ રીતે થાય જાણે કોઈ બીજા જ લોકમાંથી આવતા હોય.

2) આ અવતરણ સમયે જેના પર થતું હોય તે વ્યક્તિની સ્થિતિ ધ્યાન દરમ્યાન બનતી ટ્રાન્સની સ્થિતિ જેવી હોય.

3) સાઈકોગ્રાફિ સમયે સાઈકિકની સ્થિતિ ‘માધ્યમ’ જેવી હોય. અન્ય કોઈનો સંદેશ તે ચેનલ કરે, પ્રવાહિત કરે.

4) લખાણ/કળાની ઝડપ સામાન્ય કરતાં વધુ હોય, કારણ કે તે કામ ‘કોઈ કરાવી રહ્યું છે,’ જે કરી રહ્યું છે તેણે કંઈ વિચારવાની જરૂરત રહેતી નથી.

5) આ પ્રકારનું કાર્ય અત્યંત વિગતવાર હોય. લખાણમાં વર્ણન અત્યંત ચોક્કસ હોય. ગમે તેટલી જૂની ઘટનાનું વર્ણન આવે તો પણ તે એટલું બધું તાદૃશ્ય હોય છે જાણે આ મિનિટે નજર સમક્ષ બની રહ્યું હોય અને લખી રહ્યા હોઈએ. ‘हिमालय का समर्पण योग’ પુસ્તકના પહેલા ભાગમાંથી લીધેલ એક વર્ણન (ચિત્ર) પરથી આ ખ્યાલ આવશે. જે ઘટનાનું વર્ણન તેમાં થયું છે તેના આશરે 30 વર્ષ બાદ આ લખાણ થયું છે.

6) આ પ્રકારના લખાણમાં હસ્તાક્ષર સામાન્ય કરતાં થોડા મોટા હોય છે.

7) આ પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિને ઘણી વખત હાથમાં ઝણઝણાટી અથવા વાઈબ્રેશન મહેસૂસ થાય છે.

8) સાઈકોગ્રાફિનો અનુભવ ટાઈપ કરતી વખતે પણ થઈ શકે.

સામાન્ય રીતે સાઈકોગ્રાફિની વ્યાખ્યા કરતી વખતે લખાણ તેમ જ કળાને આવરી લેવામાં આવે છે. પરંતુ વ્યવસાયિક કૌશલ્ય દરમ્યાન પણ આ પ્રકારે ઉચ્ચ શક્તિઓ કાર્ય કરાવી જતી હોય તેવી ઘટનાઓ બને છે, જેમ કે આવો અનુભવ ડોક્ટરને ઓપરેશન કરતી વખતે પણ થઈ શકે. એક વૈજ્ઞાનિક મિત્રની પુત્રીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો. નાજુક સ્થિતિ થઈ ગઈ. જો તાત્કાલિક સર્જરી ન કરે તો કંઈ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં લઈ ગયા. ઓપરેશન થિએટરમાં દર્દીને લઈ જાય ત્યાર બાદ તો કુટુંબીજનો પાસે રાહ હોવાનો અને પ્રાર્થના કરવાનો જ વિકલ્પ રહે છે. તે મુજબ દર્દીના માતા-પિતાએ બહાર ઇન્તઝાર કરતાં-કરતાં પ્રાર્થના શરૂ કરી. કહેવામાં આવેલું કે ખૂબ જટીલ ઓપરેશન હોવાથી થોડી વાર લાગશે. ધાર્યા કરતાં ઓપરેશન વહેલું પૂરું થયું. મૂંઝાયેલ ડોક્ટર બહાર આવ્યા. તેમણે કહ્યું: “ઓપરેશન તો અત્યંત સારું થયું છે પરંતુ મારો અનુભવ એ છે કે કોઈ મને ઓપરેશન કરાવતું હતું, સૂચના આપતું હતું તે મુજબ હું કરતો ગયો.” વર્ષ ૨૦૦૨ દરમ્યાન ‘મધુ ચૈતન્ય’ નામક મેગેઝીનમાં પ્રકાશિત થયેલો તે મિત્રનો અનુભવ સાથેના ચિત્રમાં વાંચી શકશો.

આ ઘટના પરથી સમજી શકાય કે અદૃશ્ય શક્તિઓ જેને કોઈ ને કોઈ નામથી લગભગ તમામ લોકો માને છે (કોરોનાકાળમાં પ્રાર્થના પણ કરે છે) તે લખાવી શકે, અદ્ભુત કળા જન્માવી શકે, ઓપરેશન કરાવી શકે, કોઈ પણ રીતે બચાવી શકે – ટૂંકમાં, કંઈ પણ કરાવી શકે.

સાઈકોગ્રાફિ દ્વારા લખાયેલાં અન્ય અત્યંત પ્રસિદ્ધ પુસ્તકોનાં નામ અહીં છે.

1) Conversations with God (by Neale Donald Walsch)

2) A Course In Miracles (by Helen Schucman). આ પુસ્તક પરથી TV Show અને ફિલ્મ પણ બની ચૂક્યાં છે.

3) The Afterlife of Billy Fingers: How My Bad-Boy Brother Proved to Me There’s Life After Death (by Annie Kagan) . નોંધપાત્ર વાત અહીં એ છે કે લેખિકા એન્ની કોઈ સાઈકિક નથી, લેખિકા જરૂર છે. તેના મૃત્યુ પામેલા ભાઈએ તેની પાસે આ લખાવડાવ્યું છે. 2013માં લખાયેલી પુસ્તિકા છે, PDF આ સાથે સામેલ છે. https://redwheelweiser.com/downloads/afterlifebilly.pdf પરથી પ્રાપ્ત થઈ શકે છે. અર્થઘટન એ થાય કે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે માધ્યમ બની શકે.

ભ્રમણાઓ:

સાઈકોગ્રાફિ અંગે અમુક ભ્રમણાઓ / ખોટા ખ્યાલો પણ છે. થોડા જોઈએ.

1) આ પ્રકારનું લખાણ બંધ આંખોથી થાય.

કોઈ વ્યક્તિ આ લખાણ વખતે આંખો થોડો સમય બંધ કરે, અંત:સ્ફુરણા પ્રાપ્ત કરે, આંખો ખોલે, ફરી લખે તેવું બને. પરંતુ સદંતર આંખો બંધ હોય અને લખાણ ઊતરતું જાય તેવું નથી.

2) હાથ આપોઆપ ચાલવા માંડે અને લખાણ લખાતું જાય.

આ પણ ખોટી માન્યતા છે. એમ બને છે કે આ પ્રકારનું લખાણ કોઈ ચેકચાક વગરનું સાફસૂથરું, ભૂલ વગર લખાતું જાય કારણ કે વિચારવાની જરૂર આ દરમ્યાન ન પડે અથવા બહુ ઓછી પડે. પરંતુ એમ માનવું ભૂલ ભરેલું છે કે હાથમાં જાદુઈ રીતે પેન આવી જાય અને પેન કાગળ પર દોડવા માંડે. એવું ફક્ત કોઈ વખત જ બને છે કે જયારે કોઈની સહી કરવા માટે સાઈકોગ્રાફિ થકી પ્રયત્ન કર્યો હોય. બીજા શબ્દોમાં, ત્યારે બને કે જયારે કોઈ શક્તિને કે આત્માને આવાહ્ન કરી પ્રાર્થના કરી હોય કે મારે કોઈ ખાસ વ્યક્તિની સહી કરવી છે.

સાઈકોગ્રાફીના ફાયદા શું, ઑટોમૅટિક રાઇટિંગ સ્કિલ કઈ રીતે વિકસાવી શકાય, સાઈકોગ્રાફીના નિષ્ણાતો પાસેથી શું માર્ગદર્શન મેળવી શકાય, તેવું માર્ગદર્શન કોણ આપી શકે તે બધા મુદ્દા હવે પછી.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.