“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખ ક્રમાંક 42થી શરૂ થયેલી અતીન્દ્રિય શક્તિઓની આ લેખમાળા દરમ્યાન ગત લેખમાં સાઈકોગ્રાફિ અથવા ઑટોમૅટિક રાઇટિંગ તરીકે ઓળખાતા સાઈકિક પાવર વિષે થોડી સમજણ લીધી. તેમાં આગળ વધીએ.
સાઈકોગ્રાફિ દ્વારા રચાયેલ એક અદ્વિતીય પુસ્તકનાં લખાણ દરમ્યાનની ઘટનાઓ અને પ્રિન્ટિંગ સાથે ભાગ્યજોગે હું અત્યંત નજીકથી સંકળાયેલ છું. વિષયને વધુ ગહેરાઈથી સમજવા માટે તેની રસપ્રદ વાત કરીએ. જયારે આ પુસ્તક લખાવાનું હતું ત્યારે તે પુસ્તકની લેખિકા અને મારી મિત્ર જેકલીન રીપ્સ્ટેઇનનાં ગળામાં અચાનક તકલીફ શરૂ થઈ. ધીરે-ધીરે તેનો અવાજ તદ્દન બંધ થઈ ગયો. એક્સપર્ટ ડોક્ટર્સ કંઈ કરી શક્યા નહિ. તે દરમ્યાન આ પુસ્તક લખાવાનું ચાલુ થયું. બોલવાનું બંધ હતું તેથી સંપૂર્ણ ધ્યાન આ રચના પર જ હતું. પુસ્તક પૂર્ણ થયું ત્યાર બાદ કુદરતી રીતે જ અવાજ ફરીથી પહેલાં જેવો જ થઈ ગયો, જાણે કુદરતનો નિર્દેશ હતો કે આ કાર્ય દરમ્યાન તેણે સંપૂર્ણ ધ્યાન લખાણ પર જ આપવાનું છે. જેકલીનને બહુ નજીકથી જાણતો હોવાથી પુસ્તક વાંચતી વખતે અનેક જગ્યાએ ખ્યાલ આવે છે કે અમુક લખાણ જેકલીનનું હોઈ શકે નહિ, તે દૈવી અવતરણ છે. એક જુદી જ ચેતનાના સ્તર પરથી પુસ્તક લખાયું છે. પુસ્તકનું નામ છે ‘The Art of Healing Art’. મારા એક કલાપ્રેમી મિત્ર-કમ-કલીગની લાગણીઓ તે પુસ્તકમાં જેકલીન દ્વારા દોરાયેલ પેઈન્ટિંગ્સ જોઈને એ રીતે બહાર આવેલી કે ભાવાવેશમાં તેમની આંખો અશ્રુભીની થઈ ગયેલી. પુસ્તકનું નામ સાર્થક થયું તેમ કહી શકાય કારણ કે ‘રડવું’ તે પણ હીલિંગનો હિસ્સો છે.
સાઈકોગ્રાફિ શક્તિ કોઈ વ્યક્તિમાં સ્વાભાવિક રૂપથી જ હોય. અન્ય લોકો તેને વિકસાવી શકે. દરેક વ્યક્તિમાં અલગ-અલગ માત્રામાં આ પ્રકારની શક્તિઓ તો હોય જ છે. દરેક વ્યક્તિ એક જ આકાશ નીચે, એક જ સૂર્યની ઊર્જા અને એક જ ચંદ્રની શીતળતા લઈ જીવે છે. માટે મજબૂત ઈરાદો, યોગ્ય દિશાના પ્રયત્નો અને થોડી ધીરજનો ત્રિવેણી સંગમ હોય તો બધું શક્ય છે.
સાઈકોગ્રાફિનાં પ્રાપ્તિસ્થાન બે હોઈ શકે.
1) કોઈ એવી શક્તિઓ/આત્માઓ કે જે પૃથ્વીલોક પર કોઈ સંદેશ આપવા માંગતાં હોય. અનેક મહાન ગ્રંથોની/કલાકૃતિઓની રચના આ રીતે થઈ છે તેમ માનવામાં આવે છે. મનુષ્ય પાસે અગણિત વિષયનું ઊંડું જ્ઞાન કુદરત તરફથી આવતું જ રહેતું હોય છે. વિચારોની દુનિયામાં સતત ખોવાયેલ આપણે આ જ્ઞાન પર ધ્યાન આપી શકતા નથી. ચેતનાના રોજબરોજના સામાન્ય સ્તરથી આ જ્ઞાન સુધી પહોંચવું અશક્ય છે. જયારે મનુષ્ય સ્વાભાવિક રીતે અથવા થોડા પ્રયત્નો બાદ એ સ્તર સુધી પહોંચે ત્યારે બ્રહ્માંડનાં આંદોલનોનું તેને અર્થઘટન થઈ જાય છે, મળે છે જ્ઞાનનો અપ્રતિમ ખજાનો, જન્મ લે છે સાઈકોગ્રાફિ.
2) હવે વધુ અને વધુ લોકો અર્ધજાગૃત મનની શક્તિઓ વિષે સમજણ કેળવતા થયા છે. મનુષ્યનું જાગૃત મન તો 10% કાર્ય જ કરે છે. ખરેખર તો તે અર્ધજાગૃત મનનું ગુલામ છે જ્યાં માહિતીના, અનુભવના, યાદોના, માન્યતાઓના, વિવિધ જગ્યાએથી મેળવેલ જ્ઞાનના ભંડાર ભર્યા છે; જે કંઈ સાંભળ્યું છે, જોયું છે તે તમામની પ્રિન્ટ છે. અનેક સમયે સાઈકોગ્રાફિનો ઉદ્ભવ અહીંથી પણ થઈ શકે. સાઈકોગ્રાફિ ઇરાદાપૂર્વક વિકસાવવી હોય ત્યારે અહીં ભરેલી માહિતીઓનો અગાધ સાગર ઘણું કાર્ય કરાવી શકે. આ થયું સાઈકોગ્રાફિનું બીજું ઉદ્ભવ સ્થાન.
કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એ વિચાર તો આવે કે તે કાર્યને કારણે ફાયદો શું થાય? જયારે પ્રયત્નપૂર્વક સાઈકોગ્રાફિ વિકસાવવાની વાત કરીએ, સમય આપીએ, મહેનત કરીએ, પરિણામ માટે ધીરજ રાખીએ તો તે બધું કરતાં પહેલાં સાઈકોગ્રાફિના ફાયદા તો સમજવા જોઈએ. ફાયદાઓ અનેક છે. એક નજર નાખીએ.
1) બ્રહ્માંડમાંથી અનેક સંદેશ સદૈવ વહેતા હોય છે. મોટા ભાગના લોકો પોતાના વિચારોમાં (દિવસના આશરે 60,000) એટલા ગૂંચવાયેલ હોય છે કે આ સંદેશની ફ્રીક્વન્સી પકડી શકતા નથી. સંદેશ મળી જાય તો પણ તેની પર સંદેહ કરે છે. જયારે સાઈકોગ્રાફિ માટે ખાસ પ્રયત્ન કરીએ ત્યારે આવા સંદેશ આંતરી શકવાની શક્યતા વધુ રહે છે. આ સંદેશ ચેતવણી હોઈ શકે, વ્યક્તિની આધ્યાત્મિક અથવા સર્વાંગી ઉન્નતિ માટે હોઈ શકે કે જનસામાન્યના ભલા માટે હોઈ શકે. જયારે વ્યક્તિ કોશિશ કરે અને સંદેશ આવે તો પણ શરૂઆતમાં તો કહેવાતી બુદ્ધિ અથવા ઈગો તેને માનવાનો ઇન્કાર કરી દે. ખરેખર તો આ જ સમય છે સ્વનિરીક્ષણનો.
2) હીલિંગ મોડાલીટી:
દરેક રોગ આખરે તો સાઈકોસોમેટિક છે તે આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે. દરેક લાગણીઓની શરીર પર અસર છે. નકારાત્મક લાગણીઓ લાંબો સમય મનમાં ધરબાયેલી રહે ત્યારે અંદર જ ધમાચકડી બોલાવી શરીરના અંગોને તકલીફ આપે છે, વિવિધ રોગના સ્વરૂપે બહાર આવે છે. સાઈકોગ્રાફિની પ્રેક્ટિસ દરમ્યાન નોંધાયેલા દાખલાઓ છે કે જેમાં મનના ઊંડા પટારામાં મૂકેલી લાગણીઓ અલાઉદ્દીનના જિનની માફક બહાર આવે, વ્યક્તિને સમજણ પણ ન પડે કે તે શા માટે રડે છે અને છતાં તે અનહદ રડે અને અંતમાં રોગ ભાગી જાય.
ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી ડોક્ટર તરીકે સેવી આપી ચૂકેલા એક ડો. ઉર્વશી ટંડન છે. તેમના દર્દીઓની સારવાર વખતે તે સાઈકોગ્રાફિ દ્વારા માર્ગદર્શન મેળવે છે. તેમના દ્વારા eShe મેગેઝીનમાં લખાયેલો લેખ https://issuu.com/eshemagazine/docs/eshe_mar_2018 (Page 44)પર વાંચી શકશો.
3) લેખકો અથવા તો લેખક બનવાની અભિલાષા ધરાવતા લોકો માટે તો આ વરદાન છે. લેખન એક સર્જનત્મક પ્રક્રિયા છે – નવલકથા, લેખ, કવિતા, નાટકની સ્ક્રિપ્ટ કે કંઈ પણ. ઘણા લોકો એવા હોઈ શકે કે જેમને લેખનકાર્ય કરવાની ઇચ્છા હોય પરંતુ કઈ રીતે લખવું તે વિષે અસમંજસમાં હોય. સાઈકોગ્રાફિ અહીં મદદે આવશે. શાંતિથી બેસી ફક્ત પોતાના આધ્યાત્મિક પથદર્શકો અને કુદરતની શક્તિને પ્રાર્થના કરવાની રહેશે અને બની શકે કે લખાણ ચાલુ થઈ જાય. ડાબા મગજની તાર્કિક શક્તિઓની જરૂર આ માટે નહિ પડે.
4) જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આ શક્તિ કામ આવશે. દરેક વ્યક્તિને ભય, શંકા, વિશ્વાસનો અભાવ, ‘લોકો શું કહેશે’ તેવો ભાવ વિગેરે વિવિધ માનસિક અવરોધો હોય કે જે તેને નવા અને સર્જનાત્મક વિચારો તરફ લઈ જતા રોકે, પરિણામે વિકાસ અવરોધાય. સાઈકોગ્રાફિની પ્રેક્ટિસ દરમ્યાન જેવું મગજ ખાલી કરી કુદરતને અને આધ્યાત્મિક પથદર્શકોને સાંભળવાની કોશિશ કરીએ કે કંઈ નવા વિચારો આવી શકે જે વ્યવસાયમાં, કૌટુમ્બિક સમસ્યાઓમાં, સર્જનકાર્યમાં કે સ્વવિકાસમાં અત્યંત સહાયક નીવડી શકે.
5) બ્રહ્માંડમાં અનેક પ્રકારનું જ્ઞાન પથરાયેલું પડ્યું છે. સમાજના તજજ્ઞોના અને અન્યોના વિચારોના પ્રવાહ તો ખરા જ, સાથે-સાથે જેમણે દેહ છોડી દીધો હોય તેવા મહાત્માઓ, વિદ્વાનો, વૈજ્ઞાનિકોની ચેતના પણ તેમાં ભળેલી હોય. આ સામૂહિક ચેતના – કલેક્ટિવ કોન્સીયસનેસનો લાભ સાઈકોગ્રાફિ દ્વારા મળી શકે.
અંતમાં, વર્ષ 2001 દરમ્યાન મેં ‘રેકી – એક અધ્યયન’ નામનો એક થીસીસ લખેલો છે. જે સંજોગોમાં અને જે પ્રમાણે તે લખાયો તે જોઈને મારું માનવું છે કે તે પણ ‘સાઈકોગ્રાફિ’ હતી. લખવાનું મારું કોઈ આયોજન હતું નહિ. અચાનક તાવ આવ્યો, થર્મોમીટરનો પારો 101/102 વચ્ચે પહોંચતો હતો. માટે હું ઑફિસે જવાને બદલે રજા પર રહ્યો. વિચાર ઉદ્ભવ્યો કે ઘરમાં છું તો ‘રેકી’ વિષે લખું. તે વર્ષોમાં રેકી વિષે ગુજરાતીમાં વિગતવાર અને વ્યવસ્થિત ઉપલબ્ધ ન હતું. રેકીના સિમ્બોલ્સ પણ મોટા ભાગે ભાગે સિક્રેટ રખાતા. કોઈ શક્તિ મને ઢંઢોળતી હોય તેમ આરામ કરવાને બદલે સ્ટેશનરીની દુકાને પહોંચ્યો, એક રજિસ્ટર અને સારી પેન ખરીદ્યાં. ઘરે આવી લખવાનું ચાલુ કર્યું. 1978 બાદ કદી ગુજરાતી લખ્યું ન હતું. શંકા હતી કે ગુજરાતી હસ્તાક્ષર પણ હવે તો કોને ખબર કેવા થશે, લાબું લખવું ફાવશે કે કેમ. હકીકત એ બની કે પેન કાગળ પર સડસડાટ દોડવા માંડી, કોઈ જ પ્રકારના રફ વર્ક વિના જ ફૂલ સ્કેઇપ રજિસ્ટરનાં મોટાં 61 પાનાંનો તે થીસીસ 3 દિવસમાં લખાઈ ગયો, સંપૂર્ણ લખાણમાં લગભગ કોઈ જગ્યાએ છેકછાક નથી, હસ્તાક્ષર વર્ષો પહેલાં હતા તેટલા જ સારા રહ્યા. ત્રણેય દિવસ તાવ તો હતો જ. લખાણ વિષે વિચારો એટલી પ્રચુર માત્રામાં આવતા હતા કે લખ્યું તેટલું જ બીજું તેમાં ઉમેરી શક્યો હોત. પરંતુ તાવ ઉતરતાં ફરી ઓફિસ જવાનું ચાલુ કર્યું. તે પહેલાં યોગ્ય પોઇન્ટ પર થીસીસ પૂરો કર્યો. તે થીસીસની 13.03.2001ના રોજ લખેલી પ્રસ્તાવના આ સાથે મૂકું છું જેના પરથી સંજોગોનો થોડો ખ્યાલ આવશે. સામાન્ય રીતે કોઈ લેખ લખવામાં 5/6 કલાકથી લઈને 10 કલાકનો સમય પણ જોઈએ. તેને બદલે 3 દિવસમાં પુસ્તક થઈ શકે તેટલું લાબું, વ્યવસ્થિત, હસ્તલિખિત લખાણ, કોઈ છેકછાક કે રફ વર્ક વગર, એક સામાન્યથી અલગ વિષય પર, શરીરમાં તાવ સાથે, એ ભાષામાં કે જે માતૃભાષા જરૂરથી છે પણ તેમાં પાછલાં 13 વર્ષમાં એક અક્ષર પણ પાડ્યો નથી – આ બધા સંજોગોને લક્ષ્યમાં લેતાં મારું માનવું છે કે આ ‘સાઈકોગ્રાફિ’ જ હતી.
ઑટોમૅટિક રાઇટિંગ સ્કિલ કઈ રીતે વિકસાવી શકાય, સાઈકોગ્રાફીના નિષ્ણાતો પાસેથી શું માર્ગદર્શન મેળવી શકાય, તેવું માર્ગદર્શન કોણ આપી શકે તે બધા મુદ્દા હવે પછીના લેખમાં આવરી લઈ સાઈકોગ્રાફિ વિષયની ચર્ચા પૂર્ણ કરીશું.